લખિમા રાણી (1960) : કેદારનાથ લાભ દ્વારા મૈથિલી ભાષામાં રચાયેલું ખંડકાવ્ય. આ ખંડકાવ્ય 5 પર્વમાં વિભાજિત છે અને શરૂથી અંત સુધી મુક્ત કાવ્યશૈલીમાં રચવામાં આવ્યું છે. કૃતિના નામ પરથી ફલિત થાય છે કે કવિએ રાજા શિવસંગની પટરાણી લખિમાના જીવનનું ચિત્રાંકન કરવામાં પુષ્કળ કાળજી લીધી છે.
લખિમા જ્ઞાનનો સાગર અને મહાન કલાપ્રેમી નારી છે. તેની સૌંદર્યપરક સૂઝ અનન્ય છે. તે કાવ્યની કોઈ પણ સુંદર પંક્તિનો રસાસ્વાદ માણવા માટેની તીવ્ર અનુભૂતિ ધરાવે છે. તે વિદ્યાપતિનાં પ્રણયગીતો તલ્લીન થઈ સાંભળે છે અને સ્વર્ગીય આનંદ માણે છે. તેની લલિત કલા પ્રત્યેની ઊંડી પહોંચ તથા બુદ્ધિપ્રતિભા ઉપસાવવાનો કવિએ ઉત્તમ પ્રયત્ન કર્યો છે. તેને એક આદર્શ પત્ની તરીકે અહીં ચિત્રિત કરી છે. તેના પતિ પ્રત્યેના ગાઢ પ્રેમને લીધે તેની જાતનો ભોગ આપવાની તેની તીવ્ર ઇચ્છા છે.
કવિને મૈથિલી ભાષા અને સંસ્કૃતિ પ્રત્યે ભારે પ્રેમ હોવાથી તેમણે આ બંને બાબતો ધ્યાનમાં રાખવાનો હમેશાં પ્રયત્ન કર્યો છે. તેના વિષયવસ્તુની સુંદર ગૂંથણી કરીને તેની ઉત્તમ માવજત કરી છે. કવિએ કલા અને જીવન તથા યૌવન વગેરેનું સંવાદો દ્વારા સચોટ નિરૂપણ કર્યું છે. વાર્તાલાપ-શૈલીના કારણે આ કૃતિની અસર વધુ ચિત્તવેધક બની છે.
કાવ્ય સ્થાનિક રંગોથી રંગાયેલું છે. તેમાં લખિમાના પાત્રની સાથોસાથ રાજા શિવસિંગ અને કવિ વિદ્યાપતિનાં પાત્રોને યોગ્ય મહત્વ આપવામાં આવ્યું છે. મિથિલાના શાંતિપ્રિય નગરજનોની જેમ રાજા શિવસિંગે યુદ્ધની નિંદા કરી છે.
કૃતિની ભાષા સાહજિક પ્રવાહિતાવાળી અને લાલિત્યપૂર્ણ છે. કવિએ આ કૃતિ દ્વારા મૈથિલી ભાષા અને સાહિત્યમાં ઠીક ઠીક પ્રદાન કર્યું છે.
બળદેવભાઈ કનીજિયા