લખીમપુર : આસામ રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 26° 50´ થી 27° 10´ ઉ. અ. અને 93° 46´ થી 96° 10´ પૂ. રે. વચ્ચેનો 2,277 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે આસામના ઈશાનમાં બ્રહ્મપુત્ર નદીના ઉત્તર કાંઠાની ધારે ધારે ઈશાન–નૈર્ઋત્ય દિશામાં વિસ્તરેલો છે. તેની ઉત્તરે અરુણાચલ રાજ્યની સીમા, પૂર્વમાં ધેમાજી જિલ્લો અને દિબ્રુગઢ જિલ્લાનો ભાગ, દક્ષિણે જોરહટ જિલ્લો તથા શોણિતપુર જિલ્લો આવેલાં છે. લખીમપુર જિલ્લાના પશ્ચિમ ભાગમાં આવેલું છે.

ભૂપૃષ્ઠ : જિલ્લાની દક્ષિણ સરહદ રચતી બ્રહ્મપુત્ર નદીના ઉત્તર ભાગમાં મેદાની પ્રદેશ છે. તેની ઉત્તર સરહદ ટેકરીઓથી બનેલી છે. બ્રહ્મપુત્ર નદીનો ઉત્તર ભાગ વૃક્ષોથી છવાયેલા તેના દક્ષિણ ભાગથી અલગ પડી જાય છે. અહીંની ભૂમિ નીચાણવાળી હોવાથી તેમાં ઘણાં જળાશયો અને પંકભૂમિના વિસ્તારો આવેલાં છે. ચોમાસામાં અહીંની ભૂમિ નાના છોડવાઓ અને 3થી 6 મીટર ઊંચા ઘાસથી છવાઈ જાય છે. બાકીની મેદાની ભૂમિમાં ડાંગરનાં હરિયાળાં ખેતરો જોવા મળે છે. ખેતરોની આજુબાજુ તાડનાં વૃક્ષો અને વાંસ ઊગી નીકળેલાં જોવા મળે છે. તેમની વચ્ચે ખેડૂતોના નાના નાના આવાસો હોય છે. ઉત્તર અને પૂર્વમાં ટેકરીઓ છે. પૂર્વ તરફની ઊંચી ટેકરીઓ હિમાચ્છાદિત રહે છે. લગભગ આખુંય વર્ષ આ આખોય જિલ્લો ઠંડો અને લીલોછમ રહે છે. અહીં પાનખરની ઋતુ પ્રવર્તતી ન હોવાથી વૃક્ષો સદાહરિત હોય છે. વચ્ચેથી પસાર થતા માર્ગો પણ ઘાસથી છવાઈ જાય છે. માર્ગોની કિનારીઓ હંસરાજ વનસ્પતિથી ભરચક રહે છે.

લખીમપુર જિલ્લો

જળપરિવાહ : બ્રહ્મપુત્ર અને સુબનસીરી નદીઓ આ જિલ્લાનો જળપરિવાહ રચે છે. ઉત્તર તરફથી વહેતી સુબનસીરી જિલ્લાના દક્ષિણ ભાગમાં બ્રહ્મપુત્રને મળે છે.

ખેતી–પશુપાલન : ડાંગર, મકાઈ, ઘઉં, ઝીણી બાજરી, કઠોળ અને અન્ય ધાન્યપાકો તથા તેલીબિયાં અહીંના મુખ્ય કૃષિપાકો છે. ડાંગરનો પાક અહીં વર્ષમાં ત્રણ વાર લેવાય છે. ચાના 15 જેટલા બગીચા અહીં આવેલા છે. સિંચાઈ-ઉપલબ્ધ ભૂમિ 1991–92માં જે 1,066 હેક્ટર જેટલી હતી, તે 1993માં વધારીને 6,878 હેક્ટર કરવામાં આવેલી છે. ગાયો, ભેંસો, બળદ, ઘેટાં, બકરાં, ઘોડા, ટટ્ટુ, ડુક્કર અહીંનાં મુખ્ય પશુઓ છે. મરઘાં-બતકાંનો ઉછેર પણ થાય છે.

ઉદ્યોગ–વેપાર : આ જિલ્લામાં ખનિજ-તેલ અને કોલસાના વિપુલ જથ્થા છે. અહીંના કોલસામાં ગંધકનું પ્રમાણ વધુ રહેલું હોવાથી તેમજ કોલસા-ક્ષેત્રો દુર્ગમ સ્થાનોમાં આવેલાં હોવાથી કોલસો મોટા પાયા પર ખોદી શકાતો નથી. જિલ્લાનાં કોલસા-ક્ષેત્રો સાથે પાયરાઇટયુક્ત શેલ સંકળાયેલા હોવાથી તે ફટકડી અને ઍલ્યુમિનિયમ સલ્ફેટ બનાવવા માટે ઉપયોગમાં લઈ શકાય તેમ છે, પરંતુ તેમાંથી ફટકડી કાઢવાનું કાર્ય ઘણું મોંઘું પડે તેમ છે. વળી અહીંથી કુંભારની માટી, અગ્નિજિત અને ચિનાઈ માટી તેમજ લિથોમર્જ પણ મળે છે. જિલ્લામાં રેશમ માટે કીડાઉછેર-પ્રવૃત્તિ તથા ખાદ્ય પેદાશો, લાકડું તથા લાકડાની ચીજવસ્તુઓ, નેતરનું રાચરચીલું, સાબુ તથા અધાત્વિક ખનિજ પેદાશોના વ્યવસાયો અને વીજ-ઊર્જાના એકમો ચાલે છે. જિલ્લામાંથી ચોખા અને રાઈની નિકાસ તથા કાપડ, દવાઓ, ખાંડ અને કેરોસીનની આયાત કરવામાં આવે છે.

પરિવહન : લખીમપુર સડક, રેલ અને હવાઈ માર્ગે આજુબાજુના પ્રદેશો સાથે જોડાયેલું છે. સડકમાર્ગોની કુલ લંબાઈ 954 કિમી. છે. તે પૈકી આશરે 100 કિમી.ના રાષ્ટ્રીય ધોરી માર્ગો અને 75 કિમી.ના રાજ્ય ધોરી માર્ગો છે. નૉર્થ ઈસ્ટ ફ્રન્ટિયર રેલવે સાથે તે સંકળાયેલું છે.

પ્રવાસન : જિલ્લામથક ઉત્તર લખીમપુરનું નામ અહીંની એક વખતની રાજકુમારીના નામ પરથી પડેલું છે. તે એક ઐતિહાસિક મહત્વ ધરાવતું નગર છે. જિલ્લાનાં જાણીતાં અન્ય નગરોમાં ધોલપુર, ઇસ્લામપુર, તોનિજન તથા ચિલાનીબારીનો સમાવેશ થાય છે. બદુલા અતર થાન અને વાસુદેવ થાન આ જિલ્લાનાં ધાર્મિક સ્થળો ગણાય છે. અહીંની વિશાળ કદની વાસુદેવની મૂર્તિ જોવાલાયક છે. રાજા નરનારાયણના શાસનકાળ વખતે ખોદાવેલું, ત્રીસ વીઘાં જમીન આવરી લેતું, બોરપુખુરી જળાશય અહીંનું આકર્ષક સ્થાન ગણાય છે. માધવદેવની જન્મભૂમિ નારાયણપુરને આસામના લોકો પ્રેમ અને આદરથી જુએ છે.

રોંગાલી બિહુ, ભોગાલી બિહુ અને કોંગાલી બિહુના ઉત્સવો રાજ્યના અન્ય ભાગોમાં ઊજવાતા હોવા છતાં આ જિલ્લાના લોકો તેમાં ખૂબ ઉત્સાહભેર ભાગ લે છે. બિહુ એ ખેતી સાથે સંકળાયેલો લોકપ્રિય ઉત્સવ છે. શિવ મંદિરો અને શક્તિપીઠોના તહેવારો રંગેચંગે ઊજવાય છે. અહીંની બોડો તેમજ મુસ્લિમ પ્રજા પણ પોતાના તહેવારો સારી રીતે ઊજવે છે.

વસ્તી : 2001 મુજબ આ જિલ્લાની વસ્તી 8.89 લાખ છે. તે પૈકી સ્ત્રીપુરુષોનું પ્રમાણ લગભગ સરખું છે. ગ્રામીણ વસ્તી આશરે 94 % અને શહેરી વસ્તી માત્ર 6 % જેટલી છે. જિલ્લામાં હિન્દુ, બૌદ્ધ અને ખ્રિસ્તી લોકોનું પ્રમાણ વિશેષ છે; જ્યારે મુસ્લિમ, જૈન અને શીખ લોકોનું પ્રમાણ ઓછું છે. આસામી અહીંની મુખ્ય ભાષા છે. અહીં સાક્ષરતાનું પ્રમાણ 50 % જેટલું છે. શિક્ષણસંસ્થાઓનું પ્રમાણ મધ્યમસરનું છે. 1996 મુજબ, જિલ્લામાં 15 જેટલી ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ આવેલી છે. જિલ્લાને વહીવટી સરળતા માટે બે ઉપવિભાગોમાં, સાત મંડળોમાં, છ સમાજવિકાસ ઘટકોમાં વહેંચેલો છે. અહીં બે નગરો તથા 1,177 (37 વસ્તીવિહીન) ગામડાં આવેલાં છે. જિલ્લાનાં 90 % ગામોમાં શિક્ષણ, 11 % ગામોમાં તબીબી સેવાની વ્યવસ્થા, બધાં જ ગામોમાં પીવાના પાણીની વ્યવસ્થા, 13 % ગામોમાં તાર-ટપાલ વ્યવસ્થા, 10 % ગામડાંમાં બજારો, 19 % ગામડાંમાં પરિવહન-સુવિધા તથા 40 % ગામડાંમાં ઊર્જા-પુરવઠો ઉપલબ્ધ છે.

ઇતિહાસ : લખીમપુરના જૂનામાં જૂના શાસકો પાલ વંશના હિન્દુઓ હતા એવી નોંધ મળે છે. ત્યારે આ વિસ્તારની રાજધાની સદિયા નજીક હતી. અગિયારમી સદીના ગાળામાં તિબેટી-બર્મી ઉદભવવાળી, બ્રહ્મપુત્રના ઉપરવાસમાં આવીને સ્થાયી થયેલી ચુટિયા જાતિના લોકોએ તેમને ઉથલાવ્યા. 1523માં શાન જાતિના અહોમ લોકોએ તેમને હંફાવ્યા. આસામ અને લખીમપુરની રચના થઈ તેની અગાઉનાં આશરે 360 વર્ષ અહોમ રાજાઓએ અહીં શાસન કરેલું. અઢારમી સદીના અંત વખતે આ અહોમ સામ્રાજ્ય જ્યારે પતનની અણી પર હતું ત્યારે તત્કાલીન રાજાની વિરુદ્ધમાં મોઆમારિયા નામના વૈષ્ણવ સંપ્રદાયના ધર્મગુરુએ બળવો કરેલો. તેઓ સફળતાની અણી પર હતા, ત્યાં શાહી લશ્કર આવ્યું અને બ્રહ્મપુત્ર નદીની દક્ષિણે આવેલો લખીમપુરનો ભાગ અલગ કરી દીધો. થોડાં વર્ષ પછી અહોમની ગાદીના દાવેદારોના બોલાવવાથી બ્રહ્મીઓએ ખીણપ્રવેશ કર્યો. 1825માં અંગ્રેજોએ તેમને બહાર હાંકી કાઢ્યા. આ અરસામાં આ વિસ્તાર લગભગ આછી વસ્તીવાળો બની રહેલો. અહોમ સામ્રાજ્યના વિભાગીકરણ દરમિયાન, બ્રહ્મપુત્ર નદી અને બરી-દિહિંગ વચ્ચેના માતક ભૂમિપ્રદેશને સ્વતંત્ર જાહેર  કરી તેના મુખિયા તરીકે મોઆમારિયા સંપ્રદાયના વડાએ પોતાને સ્થાપિત કર્યા. ત્યારપછી બ્રિટિશરોએ આ પ્રદેશ પોતાને હસ્તક કર્યો અને બોર-સેનાપતિ સાથે સમજૂતી સાધીને આ વહીવટ તેને સોંપ્યો, દરમિયાન 1833થી 1842 સુધી અવારનવાર સંઘર્ષો થતા રહ્યા. 1842માં બોર સેનાપતિનું અવસાન થવાથી લખીમપુરનો બધો જ વહીવટ અંગ્રેજોએ પોતાને હસ્તક કરી લીધો. ભારત સ્વતંત્ર થયા પછી પણ આસામ રાજ્યના આ જિલ્લાનો દરજ્જો યથાવત્ રહ્યો છે.

ગિરીશભાઈ પંડ્યા