લખપતજીની છતરડી : અઢારમી સદીના કચ્છનું અગ્રગણ્ય સ્થાપત્ય. કચ્છના રાજા રાવશ્રી લખપતજી(1752–1761)ની છતરડી ભુજના મહાદેવ નાકા બહાર આવેલી છે. લખપતજીના અવસાન બાદ વિ. સં. 1838માં રાવશ્રી રાયઘણજી બીજાના સમયમાં તે બાંધવામાં આવી હતી. કચ્છના રાજપરિવારના સભ્યોનાં ઘૂમટાકાર સ્મારકો ‘છતરડી’ તરીકે ઓળખાય છે. લખપતજીની આ છતરડી ‘છેલ છતરડી’ના નામથી ઓળખાતી હતી. આ છતરડી કચ્છી શિલ્પ-સ્થાપત્યકલાના ઉત્તમ નમૂનારૂપ હતી.

રાજાશાહીના સ્મરણરૂપ આ છતરડીમાં નમણી, નાજુક અને નજાકતભરી કચ્છની અદભુત શિલ્પકલા કંડારાયેલી હતી. સ્તંભોની રચના, ઘાટ, કોતરણી, ઘૂમટ અને તેમાં વપરાયેલી વિશાળ શિલાઓ જોનારને મંત્રમુગ્ધ કરતી હતી. આ છતરડીએ વિશ્વના કલાપ્રેમીઓનું ધ્યાન ખેંચ્યું હતું. લૉર્ડ કર્ઝને પણ આ છતરડી નિહાળી તેનાં મુક્ત કંઠે વખાણ કર્યાં હતાં. છતરડીના મંડોવરમાં દેવ-દેવીઓની મૂર્તિઓ કંડારાયેલી હતી. કામક્રીડામાં મુગ્ધ યુગલોનાં શિલ્પ તો ખજૂરાહોની યાદ અપાવે તેવાં હતાં.

લાલ પથ્થરથી બનાવાયેલી આ છતરડીના મધ્યખંડની આસપાસ ફરતી પડાળી હતી. તેના દરેક ખૂણા ઉપર શિલ્પથી અલંકૃત થાંભલાઓ હતા. દરેક સ્તંભમાં હનુમાન, ગણેશ, બ્રહ્મા, વિષ્ણુ અને સૂર્યની મૂર્તિઓ સાથે સાધુઓ, મંજીરા વગાડતા ભક્તો, બ્રાહ્મણો, નર્તકીઓ, સંગીતકારો, યક્ષિણીઓ વગેરેનું શિલ્પાંકન કરવામાં આવ્યું હતું. કેટલાક સ્તંભોમાં હાથીયુદ્ધ, નર્તકીઓ, ગાયકો, વીણા, મૃદંગ, ઝાંઝ, તબલાં, ઢોલ, શરણાઈ, સિતાર, તંબૂર વગેરે વગાડતાં સ્ત્રી-પુરુષો, રથ ઉપર આરૂઢ સૂર્યનારાયણ, બળદ પર આરૂઢ શંકર ભગવાન, પશુ-પક્ષીઓ, વાળ ઓળતી સ્ત્રી, દશાવતાર, ગોપીવસ્ત્રાહરણ અને કાલિયદમનનાં શિલ્પો હતાં. ઉપરાંત એક સ્તંભ પરનું ફિરંગી સ્ત્રી અને ફિરંગી ઘોડેસવારનું શિલ્પ યુરોપીય કલાની અસર દર્શાવતું હતું.

લખપતજીની છતરડી

26મી જાન્યુઆરી, 2001ના ધરતીકંપમાં આ છતરડી ધ્વસ્ત થતાં તેની પ્લિન્થ પર હવે માત્ર લખપતજીનો પાળિયો અને તેમની સાથે સતી થયેલી નર્તકીઓ પૈકીની કેટલીકના પાળિયા આખા છે અને કેટલાક તૂટેલી હાલતમાં મોજૂદ છે. લખપતજીનો પાળિયો જોકે મોજૂદ અને અકબંધ છે. તેમાં નીચે મુજબનું લખાણ વાંચી શકાય છે : ‘સ્વસ્તિશ્રી મંગલાભ્યૂદય રહા…….1838 વર્ષે શાકે 1704 પ્રવર્તમાન રવે ઉતરાયણે ગતે શ્રી સૂર્ય મહામાગલ્યે માસોતમ વૈસાખ માસે, કૃષ્ણ પક્ષે 11 એકાદશે તિથી યોશ્રી બુધવાસરે શ્રી કચ્છ દેશે શ્રી ભુજ નગર મધ્યે મહારાજા રાઉશ્રી 7 લખપતજી સંવત 1817ના વર્ષે શાકે 1683’.

આમ, કચ્છની શિલ્પકલાનું અદભુત નજરાણું લખપતજીની છતરડી તસવીરોમાં સચવાઈને કચ્છના અતીતનું સંભારણું બની ગઈ છે.

નરેશ અંતાણી