લક્ષ્મીનારાયણસ્વામી

January, 2004

લક્ષ્મીનારાયણસ્વામી (જ. 1916, બૅંગ્લોર; અ. 1981) : કન્નડ ભાષાના ઉત્તમ લેખક, વૈજ્ઞાનિક અને નવલકથાકાર. તેમને તેમની કૃતિ ‘હસુરુ હોન્નુ’ (ગ્રીન ગૉલ્ડ, 1976) માટે 1978ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયો હતો. તેમના પિતા ડી. વી. ગુંડપ્પા ખ્યાતનામ લેખક અને પંડિત હતા અને તેમને પણ સાહિત્ય અકાદમી ઍવૉર્ડ મળ્યો હતો.

સ્વામીએ મૈસૂર યુનિવર્સિટીમાંથી એમ.એસસી.ની પદવી મેળવ્યા પછી 1944માં તે જ યુનિવર્સિટીમાંથી વનસ્પતિશાસ્ત્રના વિષયમાં ડૉક્ટરેટની ડિગ્રી મેળવી. તેમણે 1947–50 દરમિયાન હાર્વર્ડ (અમેરિકા) ખાતે બાલી બેઇલી નામના આંતરરાષ્ટ્રીય કક્ષાએ જાણીતા વનસ્પતિશાસ્ત્રી સાથે પણ કામ કર્યું. ત્યારપછી તેઓ મદ્રાસ(ચેન્નાઈ)ની પ્રેસિડન્સી કૉલેજમાં વનસ્પતિશાસ્ત્રના પ્રાધ્યાપક બન્યા અને 1978માં મુખ્ય પ્રાધ્યાપક તરીકે સેવાનિવૃત્ત થયા. તેઓ હાર્વર્ડ યુનિવર્સિટી ખાતે કેટલોક વખત જીવવિદ્યામાં રિસર્ચ ફેલો અને વનસ્પતિશાસ્ત્રના સહાયક પ્રાધ્યાપકપદે રહ્યા.

વનસ્પતિશાસ્ત્ર પર તેમના 300થી વધુ સંશોધનલેખો પ્રસિદ્ધ થયા હતા. તે ઉપરાંત કન્નડમાં 8 ગ્રંથો અને તમિળમાં 1 (એક) ગ્રંથ આપ્યા. તેઓ કન્નડ ભાષા ઉપરાંત તમિળ, સંસ્કૃત, અંગ્રેજી અને જર્મન ભાષાઓના જાણકાર હતા. તેઓ ચિત્રકલા અને સંગીતના રસજ્ઞ હતા. તેઓ ઉપનિષદો અને અન્ય તત્વજ્ઞાનવિષયક તથા ધાર્મિક ગ્રંથો તથા સંસ્કૃત, કન્નડ અને તમિળ પ્રશિષ્ટ સાહિત્યના સારા જાણકાર હતા. તેથી તેઓ વૈજ્ઞાનિક બાબતોનો સંબંધ ઇતિહાસ, સાહિત્ય, કલા અને રોજિંદા જીવન સાથે જોડે છે અને તે કારણે તેમનાં લખાણો જીવંત, રસપ્રદ તથા ઉદાહરણસભર બન્યાં છે.

‘કાલેજુ રંગ’ તેમની નવલકથા છે. ‘પ્રાધ્યાપકન પીતાડલ્લી’ તથા ‘કાલેજુ તરંગ’માં તેમનાં એક કૉલેજ-શિક્ષક અને વહીવટદાર તરીકેનાં સંસ્મરણો છે. તેમાં ઉચ્ચતર શિક્ષણમાં કૃત્રિમ સંશોધન અને અવ્યવહારુ વલણો સામેના તેમના તિરસ્કાર અને અણગમા સાથે તેમની વિનોદવૃત્તિની પ્રતીતિ પણ થાય છે. તેમણે સ્વામીનાથ અય્યરના તમિળ નિબંધોનું કન્નડમાં રૂપાંતર કર્યું છે. આ ઉપરાંત તેમની પ્રવાસકથા ‘અમેરિકાદલ્લી તાનુ’ તથા કન્નડના 5 પ્રખ્યાત લેખકોનાં ચરિત્રો ‘પંચકલાશા ગોપુરા’ નામથી પ્રગટ થયાં છે. તેઓ કર્ણાટક સાહિત્ય અકાદમીના સભ્ય હતા.

તેમની પુરસ્કૃત કૃતિ ‘હસુરુ હોન્નુ’માં સંખ્યાબંધ છોડની વિગતો દર્શાવી છે. વિશ્વના જુદા જુદા દેશોમાંથી તથા દક્ષિણ અમેરિકામાંથી ભારતમાં લાવવામાં આવેલા વનસ્પતિશાસ્ત્રવિષયક છોડ ઉપરાંત અફીણ, ચા તથા કૉફીના છોડની સંપૂર્ણ સમજૂતી તેમાં સમાવિષ્ટ કરાઈ છે. ચોક્કસ વિસ્તારના અમુક છોડ અને વૃક્ષ વિશેની પસંદગીની માહિતી ધરાવતો નોંધપાત્ર ગ્રંથ ‘શસાંગલલ્લી ગિદમારગલુ’ છે, જ્યારે ‘શસ્યજીવી-પ્રાણીજીવી’માં વૈજ્ઞાનિક દૃષ્ટિએ છોડ અને પ્રાણી વચ્ચેનો તફાવત અભિવ્યક્ત કરાયો છે.

પુરસ્કૃત કૃતિ તેની વિજ્ઞાન અને કાવ્યના ઉત્કૃષ્ટ સંયોગનિરૂપણની વિશદતા અને શૈલીની મૌલિકતાનાં કારણોથી તેમજ કટાક્ષ અને વિનોદપ્રિયતાથી કન્નડ સાહિત્યમાં ઉત્તમ પ્રદાનરૂપ લેખાય છે.

બળદેવભાઈ કનીજિયા