લક્ષ્મણસેન (શાસનકાળ ઈ. સ. 1178–1202) : બિહાર અને બંગાળાનો સેન વંશનો રાજા. તે બલ્લાલસેનનો પુત્ર હતો. તે પરાક્રમી રાજા હતો. તેના પિતા બલ્લાલસેન તથા પિતામહ વિજયસેને વિજયો મેળવ્યા તેમાં તેણે સૈનિક તરીકે બહાદુરી બતાવી હતી અને યુદ્ધોનો પ્રત્યક્ષ અનુભવ મેળવ્યો હતો. તેણે કામરૂપ (આસામ) જીત્યું તથા દક્ષિણમાં જગન્નાથપુરી સુધીના પ્રદેશો જીતી ત્યાં વિજયસ્તંભ ચણાવ્યો હતો. કનોજના ગાહડવાલો સામે લડાઈ કરીને તેણે બનારસ તથા અલ્લાહાબાદ કબજે કરી, ત્યાં વિજયસ્તંભો સ્થાપ્યા હતા. તેણે બિહારનો વિશાળ પ્રદેશ જીતી લીધો હતો. તેની સ્મૃતિમાં ઉત્તર બિહારમાં લક્ષ્મણ સંવત ચાલે છે. તેણે ‘અરિરાજ-મદનશંકર’ ખિતાબ ધારણ કર્યો હતો.
કુત્બુદ્દીન ઐબકના સિપાહસાલાર મોહમ્મદ બિન બખ્તયાર ખલજીએ વૃદ્ધ રાજા લક્ષ્મણસેનની રાજધાની નદિયા ઉપર 1202માં હુમલો કર્યો અને રાજાના દ્વારરક્ષકોની કતલ કરીને મહેલમાં પ્રવેશ કર્યો. તે સમયે ભોજન કરી રહેલો રાજા ગભરાઈને ખુલ્લે પગે પાછળના દરવાજેથી ઢાકા તરફ નાસી ગયો. મુસ્લિમ હુમલાખોરે નદિયા નગર લૂંટીને ઘણીખરી સંપત્તિ કુત્બુદ્દીનને મોકલી આપી. લક્ષ્મણસેન તે પછી ઢાકાના પ્રદેશમાં મરણ પામ્યો.
તેના પિતા તથા પિતામહ શિવમાર્ગી હતા. પરંતુ લક્ષ્મણસેને વૈષ્ણવ સંપ્રદાય અપનાવ્યો હતો. તે ન્યાય તથા ઉદારતા માટે જાણીતો હતો. તેણે સંસ્કૃત સાહિત્યના વિદ્વાનોને આશ્રય આપ્યો હતો અને સાહિત્યને પ્રોત્સાહન આપતો હતો. મહાકવિ જયદેવ, રાજકવિ ધોયિક, હલાયુધ અને શ્રીધરદાસ તેના દરબારનાં પ્રસિદ્ધ રત્નો હતાં. તેના પિતા બલ્લાલસેને અધૂરો રાખેલો ‘અદભુત સાગર’ નામનો ગ્રંથ તેણે પૂર્ણ કર્યો હતો. આમ લક્ષ્મણસેને સાંસ્કૃતિક ક્ષેત્રમાં પણ પ્રદાન કર્યું હતું.
જયકુમાર ર. શુક્લ