લક્ષણવિદ્યા (symptomatology) : દર્દીને થતી તકલીફો કે તેની શારીરિક કે માનસિક ફરિયાદો જાણીને તેને થયેલા રોગનું નિદાન કરવું તે. દર્દી જે તકલીફ વર્ણવે તેને લક્ષણ (symptom) કહે છે અને તેની શારીરિક તપાસમાં ડૉક્ટર જે શોધી કાઢે છે તેને ચિહન (sign) કહે છે. લગભગ 92 %થી 95 % કિસ્સાઓમાં લક્ષણો અને ચિહનો જાણવાથી નિદાન કરી શકાય છે. સામાન્ય રીતે કોઈ શારીરિક કે માનસિક તકલીફ ઉદભવે ત્યારે વ્યક્તિ તેનો ઉપાય શોધવા ડૉક્ટર કે વૈદ્ય પાસે જાય છે અથવા તેની પોતાની જાણકારી પ્રમાણે કોઈક ઉપચાર કરીને તેને શમાવે છે. દર્દીની તકલીફો જાણવાની ક્રિયા અને તેનું યોગ્ય અર્થઘટન કરીને શક્ય નિદાન પાસે પહોંચવાની ક્રિયા ચિકિત્સાવિદ્યામાં મહત્વનું સ્થાન ધરાવે છે. હાલ તેને વિશે પણ ઘણા અભ્યાસો થયેલા છે અને તેનું વિજ્ઞાન પણ વિકસ્યું છે. તેથી તબીબી વિદ્યાના દરેક વિદ્યાર્થી તેનું કૌશલ્ય કેળવે તે માટે વિશિષ્ટ પ્રયત્નો કરાય છે. દર્દી સાથેની વાતચીત(interview)નાં મહત્વ, જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યાંકન, રચના અને કાર્ય, જિજ્ઞાસા, પ્રતિપોષણ વધારતાં અને તેમને શાસ્ત્રીય રીતે રજૂ કરતાં પુસ્તકો પણ ઉપલબ્ધ છે. દર્દી સાથેની મુલાકાતમાં મુખ્ય 3 કાર્યો કરાય છે : (1) સંબંધ બાંધવો અને જાળવવો, (2) સમસ્યાઓને સમજવી અને (3) સમસ્યાનો નિકાલ કરવો (ઉકેલવી). દર્દી-ડૉક્ટર સંબંધ બાંધવા અને જાળવવામાં અશબ્દ કૌશલ્યો, સહાનુભૂતિ, ભાગીદારીની ભાવના, ટેકો તથા સન્માનનું એટલું જ મહત્વ છે જેટલું બોલાયેલા શબ્દો અને પુછાયેલા પ્રશ્નોનું. તેવી રીતે દર્દીની સમસ્યાને સમજવા માટે બોલાયેલા શબ્દો અને અપાયેલા જવાબો ઉપરાંત તેનો અશબ્દ વ્યવહાર મહત્વનો છે. ડૉક્ટર ધ્યાનથી સાંભળે, દર્દીને તેની વાત પૂરી કરવા દે, તેને તેની વાત રજૂ કરવામાં મદદરૂપ બને, જરૂર પડ્યે સ્પષ્ટતા કરે/કરાવે, વાતચીતની દિશા જળવાઈ રહે તે જુએ, દર્દીની વાતની ખરાઈ કરી લે, અન્ય તકલીફો વિશે સામેથી પૂછે; વગેરે બાબતો મહત્ત્વની ગણાય છે. દર્દીની સમસ્યાના ઉકેલમાં પણ આવી વાતચીત અને મુલાકાત મહત્ત્વનું કાર્ય કરે છે; જેમ કે, તેના દ્વારા આરોગ્યલક્ષી અને ઉપચારલક્ષી શિક્ષણ આપી શકાય છે. તેને યોગ્ય જીવનવ્યવહાર તરફ દોરી જઈ શકાય છે અને સકારાત્મક કાર્યો અને સ્થિતિ માટે પ્રેરણા પણ આપી શકાય છે. આમ શારીરિક તકલીફોનાં માનસિક પાસાંનો તથા માનસિક તકલીફોનો ઉકેલ કરી શકાય છે. દર્દી તેને થતી તકલીફો (લક્ષણો) તરફ બેદરકાર ન રહે અને ઔષધો લેવામાં કે જીવન-વ્યવહારમાં કરવા પડતા ફેરફાર તરફ સભાન અને નિયમિત રહે તેવું પણ કરી શકાય છે. દર્દી તરફથી મળતી તથા તેને લગતી દરેક માહિતીને ગોપનીય રખાય છે.
લક્ષણો અંગેની નોંધમાં તેમની શરૂઆત, સમયગાળો અને તેમાં થતી વધઘટને આવરી લેવાય છે. તેને આરંભ (origin), કાલમાપ અથવા સમયગાળો (duration) તથા વિકાસ(progress)ની ત્રિપાદ-ક્રિયા ગણવામાં આવે છે અને ટૂંકમાં આકાવિ(ODP)ની સંજ્ઞા વડે દરેક દર્દીની નિદાન-ચિકિત્સા નોંધમાં અચૂક દર્શાવવામાં આવે છે. દરેક લક્ષણને તેનાં સ્થાન (માથું, પેટ વગેરે), વર્ણન, તીવ્રતા, અન્ય ક્રિયા સાથેનો સમયસંબંધ (દા.ત., જમ્યા પછી કે પહેલાં), દેશકાળ સાથે સંબંધ (દા.ત., ઠંડીમાં, સવારે કે ઊંચાઈ પર), તેમાં વધઘટ કરતાં પરિબળો તથા તેની સાથે થતાં અન્ય લક્ષણો – એમ 7 જુદા જુદા મુદ્દાઓ વડે વર્ણવવામાં આવે છે. તે માટે જરૂરી સવાલો પૂછવા ડૉક્ટર માટે જરૂરી બને છે. આ લક્ષણો (તકલીફો) દર્દીમાં કેવા પ્રકારનો માનસિક પ્રતિભાવ પાડી રહ્યાં છે તે તથા તેમની દર્દીના જીવનની ગુણવત્તા પર કેવી અસર પડી રહી છે તે પણ નોંધવામાં આવે છે.
દર્દીનાં લક્ષણોના પૂરતા અર્થઘટન માટે તેના આરોગ્ય વિશેનો પૂર્વ-ઇતિહાસ જાણવો જરૂરી છે. તેમાં તેને ક્યારે અને કેમ હૉસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું, શસ્ત્રક્રિયાઓ થઈ હતી, અન્ય કોઈ મોટી શારીરિક તકલીફ કે રોગ થયો હતો, ઈજા, દવાઓ, વિષમોર્જા (allergy), ઋતુસ્રાવ અને સગર્ભાવસ્થા(ઓ), જાતીય સંસર્ગ, આરોગ્યની જાળવણીની રીત તથા માનસિક સમસ્યાઓ વગેરેને સમાવવામાં આવે છે. આવી જ રીતે દર્દીના કુટુંબની તથા તેની સાથે આનુવંશિકતાથી જોડાયેલી વ્યક્તિઓ – માતા, પિતા, પુત્ર-પુત્રી, ભાઈ, બહેન વગેરેમાં થયેલા રોગો વિશે પણ જાણવામાં આવે છે. દર્દી નવરાશનો સમય કેવી રીતે પસાર કરે છે, તેને લાગેલાં વ્યસનો, તેની જાતીય રીતભાત, આહારની ટેવ અને પ્રકાર, કુદરતી હાજતો, ભૂખ, ઊંઘ, કસરત, શારીરિક શ્રમ વગેરે જેવી અન્ય બાબતોની માહિતી પણ મેળવાય છે.
દર્દીનાં લક્ષણોના સમૂહ પરથી તેને કયા અવયવી તંત્રનો રોગ કે વિકાર થયો હશે કે કયા પ્રકારનો રોગ થયો હશે તે અંગે સ્પષ્ટ અંદાજ બાંધવો એ મોટા ભાગના કિસ્સામાં શક્ય હોય છે; જેમ કે, ખાંસી (ઉધરસ), કફ, શ્વાસ ચડવો અવાજ બેસી જવો, છાતીનાં પડખાંમાં દુખવું, નખ ભૂરા પડવા વગેરે લક્ષણો શ્વસનતંત્રનો રોગ કે વિકાર સૂચવે છે. ખાંસી (ઉધરસ), શ્રમ કરવા સાથે શ્વાસ ચડવો, સૂવાથી શ્વાસ ચડે કે બેસવાથી ઘટે, છાતીની મધ્યમાં અને/અથવા ડાબા હાથમાં દુખાવો થવો વગેરે લક્ષણો હૃદયનો વિકાર સૂચવે છે. ભૂખ ન લાગવી, જમ્યા પછી વાયુપ્રકોપ થવો, ઊબકા, ઊલટી, ઝાડા, કબજિયાત થવી કે પેટમાં ચૂંક આવવી જેવાં લક્ષણો જઠરાંત્ર માર્ગનો વિકાર સૂચવે છે. પેશાબમાં લોહી પડવું, બળતરા થવી, પેટમાં બેવડ વળી જવાય તેવી અને કેડથી જનનાંગ તરફ ફેલાતી ચૂંક આવવી એ મૂત્રમાર્ગનો વિકાર સૂચવે છે. આંખો અને પેશાબ પીળાં થવાં, ભૂખ ન લાગવી. લોહીની ઊલટી થવી, કાળો મળ થવો, પેટમાં જમણી બાજુ ઉપરના ભાગે દુખાવો થવો, જમણા ખભે દુખવું વગેરે યકૃત (liver) અને પિત્તમાર્ગનો રોગ સૂચવે છે. સ્ત્રીને અનિયમિત ઋતુસ્રાવ થવો, યોનિમાંથી પ્રવાહી કે લોહી પડવું, સંભોગ સમયે પીડા થવી વગેરે લક્ષણો પ્રજનનતંત્રનો રોગ સૂચવે છે. હાથ-પગમાં નબળાઈ જણાવી, લકવો થવો, ઝણઝણાટી થવી, ચામડીની બહેરાશ અનુભવવી, જોવા, સાંભળવા, બોલવામાં તકલીફ પડવી, સંતુલન જાળવવામાં તકલીફ પડવી વગેરે બાબતો ચેતાતંત્રનો રોગ સૂચવે છે.
આ ઉપરાંત કેટલાંક લક્ષણો રોગનો પ્રકાર પણ સૂચવે છે; જેમ કે, તાવ આવે તો તે મોટે ભાગે ચેપ તથા ક્યારેક અને ખાસ કરીને મોટી ઉંમરે, કૅન્સર, સંયોજી પેશીના રોગો વગેરે જેવા રોગો અને વિકારો સૂચવે છે. એકાંતરે દિવસે આવતો તાવ મલેરિયા સૂચવે છે; જ્યારે ક્રમશ: વધતો જતો તાવ ટાઇફૉઇડનો રોગ સૂચવે છે. સાંજ પડ્યે આવતો ઝીણો અને લાંબા ગાળાનો તાવ ક્ષય રોગ સૂચવે છે. શરીરમાં જણાતી ફીકાશ પાંડુતા (anaemia) સૂચવે છે. વિવિધ સ્થાનેથી લોહી વહેતું હોય તો તે લોહી વહેવાના રોગો હોવાનું સૂચવે છે.
નાનાં બાળકો, વૃદ્ધો, માનસિક વિકારવાળા દર્દીઓ તથા અન્ય દેશ-પ્રદેશ, ભાષા કે સંસ્કૃતિના દર્દીઓ સાથે વાતચીત કરીને તેમની સમસ્યાઓ (લક્ષણો) જાણવાની ક્રિયા માટે વિશેષ કૌશલ્ય જરૂરી છે. તેવું જ જાતીય જીવન સંબંધિત લક્ષણોની જાણકારી મેળવવા સંબંધે પણ છે. કેટલાક કિસ્સાઓમાં દર્દીનાં કુટુંબીઓ કે જે તે તકલીફ થઈ હોય તે સમયે હાજર વ્યક્તિઓ સાથે વાત કરીને જાણવું પડે છે; જેમ કે, અપસ્માર(epilepsy)ના દર્દીમાં ખેંચ (આંચકી) આવે ત્યારે તે બેભાન થઈ જાય છે. તેથી તે તેની સ્થિતિ અને તકલીફ વર્ણવી શકતો નથી. તેવું જ ચેતાતંત્રના વિકારમાં, ઝેર પીધા પછી કે ઈજા પછી બેભાન થયેલા દર્દી માટે પણ હોય છે.
લક્ષણવિદ્યાના કૌશલ્યને પ્રાપ્ત કરવા માટે નિરીક્ષણ, પુસ્તક-વાચન, ભાષણ-શ્રવણ, નિર્દેશન, સ્વપ્રયત્ન, અભ્યાસ વગેરે બાબતો ઉપયોગી થઈ શકે છે. વ્યક્તિ જ્યારે દર્દી સાથે વાતચીત કરતી હોય ત્યારે તેનું ચલચિત્રણ કરીને તેને ફરીથી ટીકા સહિત જોવામાં આવે તો વાતચીત કરનારની ખામીઓ દૂર કરી શકાય છે.
શિલીન નં. શુક્લ