લક્ઝમબર્ગ, રોઝા

January, 2004

લક્ઝમબર્ગ, રોઝા [જ. 5 માર્ચ 1871, ઝામોસ્ક, પોલૅન્ડ (જૂનું પોલૅન્ડ, જે રશિયાના સામ્રાજ્યનો ભાગ હતું); અ. 15 જાન્યુઆરી 1919, બર્લિન, જર્મની] : લોકશાહી-ઉત્ક્રાંતિવાદી સમાજવાદનાં તેજસ્વી મહિલા નેતા, સારાં વક્તા અને જર્મન ક્રાંતિકારી.

રોઝા લક્ઝમબર્ગ

મધ્યમવર્ગીય યહૂદી કુટુંબમાં જન્મેલાં રોઝા પાંચ ભાઈભાંડુઓમાં સૌથી નાનાં હતાં. શાલેય જીવન દરમિયાન તેઓ ભૂગર્ભ પ્રવૃત્તિમાં જોડાયેલાં અને શાળા છોડ્યા બાદ માર્કસની વિચારધારાથી પ્રભાવિત થઈ તેનું અધ્યયન કર્યું. વૉર્સો ‘જિમ્નેઝિયમ’માંથી અભ્યાસ પૂરો કરી સમાજવાદી જૂથનાં સભ્ય બની તેમણે રાજકીય પ્રવૃત્તિઓ આરંભી. 18 વર્ષની વયે પ્રથમ ધરપકડ વહોરી અને 1889માં ત્યાંથી ભાગી સ્વિટ્ઝર્લૅન્ડ ગયાં. ઝુરિકમાં કાયદાનો અને રાજકીય અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો. ઝુરિક યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર વિષયમાં ‘પોલિશ ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ’ પર સંશોધનકાર્ય કરી 1898માં તેમણે ડૉક્ટરેટની પદવી મેળવી. ત્યાં સહાધ્યાયી લિયો જોગીશ (Leo Jogiches) જેવા આજીવન મિત્ર અને ચાહકનો ભેટો થયો. અભ્યાસ પૂરો કરીને તેમણે ઝુરિકમાં રહી આંતરરાષ્ટ્રીય સમાજવાદી લડતમાં જોડાવાનું પસંદ કર્યું. અહીં તેમને રશિયન સોશિયલ ડેમૉક્રસીના પ્રતિનિધિનો ભેટો થયો. લોકશાહી-ઉત્ક્રાંતિવાદી સમાજવાદના વિચારો તેમના માનસમાં ઘાટ ધારણ કરવા લાગ્યા. પોલિશ સોશિયલ ડેમૉક્રેટિક પાર્ટી સ્થાપી, જે સામ્યવાદી પ્રવૃત્તિઓનું કેન્દ્ર બની. અહીંથી જર્મની ગયાં, એ સમયે જર્મનીમાં સમાજવાદી ચળવળનો મધ્યાહન હતો. ત્યાં જર્મન સોશિયલ ડેમૉક્રેટિક પક્ષમાં જોડાયાં અને પોલિશ સોશિયલ ડેમૉક્રેટિક પાર્ટી સાથે પણ તેમણે સંબંધો જાળવી રાખ્યા.

1898માં તેઓ ગુસ્તાવ લુબેક સાથે લગ્નગ્રંથિથી જોડાયાં અને જર્મન નાગરિકત્વ પ્રાપ્ત કર્યું. બર્લિનમાં સ્થાયી થઈને જર્મન સોશિયલ ડેમૉક્રેટિક પક્ષનાં અગ્રણી નેત્રી બન્યાં. આ સમયે જર્મનીમાં એડુઅર્ડ બર્નસ્ટાઇનના નેતૃત્વ હેઠળ સમાજવાદી ઉત્ક્રાંતિવાદી વિચારો પુરબહારમાં ખીલ્યા હતા. આ સમાજવાદી ઉત્ક્રાંતિવાદીઓ સંઘર્ષ અને એકહથ્થું સત્તાને સ્થાને સહકાર, સમજ, રાજકીય પ્રયાસો અને લોકશાહી દ્વારા સમાજવાદનાં લક્ષ્યો હાંસલ કરી શકાય છે અને સામ્યવાદનાં દુર્ગુણો તથા ભૂલોમાંથી બચી શકાય છે તેમ માનતા. આ સમાજવાદીઓ ચુસ્ત આત્યંતિક માકર્સવાદને સ્વીકારતા નથી. તેમને સુધારાવાદી કે બુઝર્વા સમાજવાદી કે રિવિઝનિસ્ટ (કાર્લ માર્કસે પ્રબોધેલી સામ્યવાદી વિચારસરણીની પુનર્વિચારણાની માન્યતા ધરાવનાર) તરીકે ઓળખવામાં આવે છે. બર્નસ્ટાઇન સંસદ દ્વારા સમાજવાદી પરિવર્તનના આગ્રહી હતા, પરંતુ રોઝાએ આ વિચારોનો વિરોધ કર્યો; કારણ, તેઓ સંસદને મૂડીવાદી સંસ્થા ગણતાં હતાં.

1905ની રશિયન ક્રાંતિનો આરંભ થયો ત્યારે તેઓ રશિયાઈ પોલૅન્ડમાં પાછાં ફર્યાં. આ ક્રાંતિ તેમના જીવનમાં નવતર અનુભવો કરાવનારી નીવડી. જર્મનીમાં વિશ્વક્રાંતિ ઉદભવશે એવી તેમની માન્યતામાં પરિવર્તન આવ્યું. અહીંથી ફરી વૉર્સો ગયાં. લડતમાં ભાગ લીધો અને જેલ ભોગવી. આ અનુભવોમાંથી તેમના ક્રાંતિકારી સામૂહિક પગલાંના સિદ્ધાંતો વિકસ્યા, જે તેમણે ‘ધ માસ સ્ટ્રાઇક, ધ પૉલિટિકલ પાર્ટી ઍન્ડ ધ ટ્રેડ યુનિયન્સ’ ગ્રંથમાં વ્યક્ત કર્યા. આ સાથે તકવાદ અને કેન્દ્રીકરણ માટે તેમણે લેનિનની ટીકા કરી.

વૉર્સો જેલમાંથી મુક્તિ મેળવ્યા બાદ તેઓ બર્લિન ગયાં અને સોશિયલ ડેમૉક્રેટિક પાર્ટીની શાળામાં શિક્ષિકા (1907થી 1914) તરીકે કામગીરી બજાવી. અહીં તેમણે અધ્યયન ચાલુ રાખ્યું અને ‘એક્યૂમ્યુલેશન ઑવ્ કૅપિટલ’(1912)ની રચના કરી. આ જ અરસામાં પક્ષના નેતાઓ ઑગસ્ટ લેબેલ અને કૌત્સકી સાથે મતભેદો સર્જાયા. તેઓ પોતે યુદ્ધનાં વિરોધી હતાં, જ્યારે સોશિયલ ડેમૉક્રેટિક પક્ષે પ્રથમ વિશ્વયુદ્ધ(1914–1918)માં જર્મન સરકારને ટેકો આપ્યો, તેથી તેમણે આ વર્તનનો વિરોધ કર્યો. યુદ્ધવિરોધી પ્રવૃત્તિઓને કારણે તેમનો 1914થી 1918નો ગાળો મુખ્યત્વે જેલમાં વીત્યો. સોશિયલ ડેમોક્રૅટિક પક્ષની ક્રાંતિકારી શાખા તરીકે સ્પાર્ટાકસ (પ્રાચીન રોમનો ગુલામ નેતા જે રાજાશાહી સત્તાનો પ્રખર વિરોધી હતો) પક્ષની સ્થાપના કરી. આ પ્રવૃત્તિઓમાં તેમને અન્ય નેતા કાર્લ લિબનેખ્તનો સહકાર સાંપડ્યો હતો. વિશ્વયુદ્ધને સમાજવાદી ક્રાંતિમાં ફેરવી નાંખવાની તેમણે હિમાયત કરી. વિશ્વક્રાંતિના પુરોગામી તરીકે તેમણે 1917ની રશિયાની સામ્યવાદી ઑક્ટોબર ક્રાંતિને આવકારી; પરંતુ રાષ્ટ્રીય અને કૃષિવિષયક નીતિને કારણે લેનિન અને બૉલ્શેવિકોની આકરી ટીકા કરી. તેઓ માનતાં કે વિશ્વવ્યાપી કામદાર આંદોલનને ઠેલવામાં આવ્યું છે અને સમાજવાદી ચળવળ રાષ્ટ્રવાદમાં સરી રહી છે. બર્લિનમાં તેમણે સરકાર-વિરુદ્ધ કામદારોના બળવાનું સમર્થન કર્યું. તે પછી ટૂંકસમયમાં ફ્રેરીકૉર ટ્રૂપ્સ (Ferickorps troops) દ્વારા રોઝા અને લિબનેખ્તની હત્યા કરવામાં આવી.

રક્ષા મ. વ્યાસ