લંડન
ઇંગ્લૅન્ડના અગ્નિભાગમાં ટેમ્સ નદીને કિનારે આવેલું મહાનગર. દુનિયાનાં પ્રાચીન તેમજ ઐતિહાસિક શહેરો પૈકીનું એક. ભૌગોલિક સ્થાન : તે 51° 30´ ઉ. અ. અને 0° 10´ પૂ. રે. પરનો 1,580 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આશરે 2,000 વર્ષ જેટલો જૂનો ઇતિહાસ ધરાવતું આ શહેર ગ્રેટ બ્રિટનના યુનાઇટેડ કિંગ્ડમનું તથા ઉત્તર આયર્લૅન્ડનું પાટનગર છે. વસ્તીની દૃષ્ટિએ પણ મોટું છે, વસ્તીના સંદર્ભમાં જોતાં આજે દુનિયાનાં મહાનગરો પૈકી તે નવમા ક્રમે આવે છે.
ભૂપૃષ્ઠ–આબોહવા : આ શહેરનું ભૂપૃષ્ઠ લંડન-મૃદ (London-clay) અને રેતીથી બનેલું છે. શહેરના મધ્યભાગમાંથી પસાર થતી ટેમ્સ નદીએ મેદાની પ્રદેશની રચના કરેલી છે. નદીતળના નીચાણવાળા ભાગથી બધી બાજુએ ક્રમશ: દૂર જતાં ભૂમિભાગ સમતળ, અસમતળ અને પહાડી ભૂપૃષ્ઠમાં ફેરવાતો જાય છે. અહીં પશ્ચિમથી પૂર્વ તરફ વહેતી ટેમ્સ નદી લંડનથી આશરે 64 કિમી.ને અંતરે પૂર્વ તરફ ઉત્તર સમુદ્રમાં ઠલવાય છે અને તે દુનિયાભરના જહાજી માર્ગો સાથે લંડનને સાંકળે છે. અગાઉના સમયમાં જ્યારે જ્યારે ઉત્તર સમુદ્રમાં વાવાઝોડાં અને ભરતી આવતાં ત્યારે ટેમ્સ નદીમાં પાણીનો ભરાવો થઈ જતો અને પૂરથી તારાજી થવાની દહેશત રહેતી. 1982માં વુલવિચ ખાતે આડબંધનું નિર્માણ થવાથી લંડન શહેરને રક્ષણ મળ્યું છે.
આ શહેર સમશીતોષ્ણ કટિબંધના ઉત્તર ભાગમાં આવેલું હોવાથી તેની આબોહવા પ્રમાણમાં ઠંડી રહે છે. જાન્યુઆરી અને જુલાઈનાં સરેરાશ તાપમાન અનુક્રમે 4° સે. અને 17° સે. જેટલાં રહે છે. શિયાળા દરમિયાન અવારનવાર હિમવર્ષા થતી રહે છે. અહીં સરેરાશ વાર્ષિક વરસાદ 610 મિમી. જેટલો પડે છે.
શહેરી વિભાગો : લંડન ઘણું મોટું, જીવંત તથા ઐતિહાસિક ખ્યાતિ પામેલું શહેર છે. અહીંના લંડન અને વેસ્ટમિન્સ્ટર જેવા ઐતિહાસિક વિભાગોની આજુબાજુ આ શહેર વિકસતું અને વૃદ્ધિ પામતું રહ્યું છે. લંડન ઈ. સ. 43ના અરસામાં રોમન સામ્રાજ્યના વેપારી મથક તરીકે શરૂ થયેલું. વેસ્ટમિન્સ્ટર શહેર તે પછીનાં આશરે 1,000 વર્ષ બાદ ઇંગ્લૅન્ડના રાજવીઓના નિવાસીસ્થળ તરીકે વિકસતું ગયું છે. તે લંડનથી નૈર્ઋત્ય ભાગમાં આશરે 3 કિમી.ને અંતરે આવેલું છે. લંડન ફરતે પથ્થરનો કોટ હતો. તેના વિકાસની સાથે સાથે કોટ બહારના ભાગો પણ વિસ્તરતા ગયા, આમ વેસ્ટમિન્સ્ટરનો શહેરી વિભાગ પણ તેમાં ભળી ગયો.
આજે પણ રોમનોના સમયનો લંડનનો વિસ્તાર લંડન શહેરી વિભાગ તરીકે જ ઓળખાય છે. આ મહાનગરનો હાર્દભાગ આ બે વિભાગ(લંડન–વેસ્ટમિન્સ્ટર)થી બનેલો છે; એટલું જ નહિ, તે મધ્યમાં આવેલો વ્યસ્ત વિસ્તાર ગણાય છે. આ મધ્યસ્થ વિસ્તાર ગગનચુંબી કાર્યાલયો, દુકાનો અને લોકોની અવરજવરથી ધમધમતી રહેતી શેરીઓ, સંગ્રહાલયો, કલાદીર્ઘાઓ, થિયેટરો અને રમણીય ઉદ્યાનોથી ભર્યોભર્યો લાગે છે. બાકીનો બહારનો શહેરી વિભાગ બધી બાજુએ 19થી 31 કિમી. વિસ્તારમાં પથરાયેલો છે.
બૃહદ લંડન : બૃહદ લંડનનો સમગ્ર વિભાગ જાણે કે એક રાજકીય એકમ બની રહેલો લાગે છે. 1,580 ચોકિમી.નો વિશાળ વિસ્તાર બૃહદ લંડન અથવા માત્ર લંડન નામથી ઓળખાય છે. લંડન આજે જૂના શહેર તથા 32 બરો(સ્થાનિક સરકારી એકમો)માં વહેંચાયેલું છે. બધા જ એકમો પોતપોતાના સ્થાનિક સરકારી વહીવટ હેઠળ ચાલે છે.
મધ્યસ્થ લંડન : મધ્યસ્થ લંડન ટેમ્સ નદીના ઉત્તર-દક્ષિણ વળાંકની બંને બાજુ પર પથરાયેલું છે. વાસ્તવમાં આ લંડનનો વધુમાં વધુ વ્યસ્ત રહેતો વિભાગ છે. મધ્યસ્થ લંડન મુખ્ય ત્રણ વિભાગોમાં વહેંચાયેલું છે : (1) શહેર વિભાગ; (2) વેસ્ટ એન્ડ અને (3) દક્ષિણ કાંઠો. પહેલા બે વિભાગ ટેમ્સ નદીની ઉત્તરમાં આવેલા છે. દક્ષિણ કાંઠાવિભાગ નદીની આરપાર કાંઠા પૂરતો સીમિત છે. શહેર વિભાગ લંડનનો નાણાકીય વિભાગ ગણાય છે. તે મધ્યસ્થ લંડનની પૂર્વ ધાર પર આશરે 2.6 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. અહીં માત્ર 5,000 જેટલા લોકો રહે છે, પરંતુ વહીવટી કામકાજના ચાલુ દિવસોમાં અહીંની ઇમારતો અને માર્ગો પર 5 લાખ જેટલા લોકોની અવરજવર રહે છે. લંડનનો આ જૂનામાં જૂનો વિસ્તાર છે. સેંકડો વર્ષોથી કોટની અંદરના શહેરી વિભાગ તરીકે તે ઓળખાતો રહ્યો છે. આધુનિક બૅંકો અને કાર્યાલયોની ઇમારતો અહીં આવેલી છે. તે વૈવિધ્યભર્યા જૂના ઇતિહાસની યાદ અપાવે છે. એક સ્મારક તરીકે અહીંનું સેન્ટ પૉલનું કેથીડ્રલ હજી આજે પણ રાષ્ટ્રને મળેલી પ્રેરણા તેમજ સત્તાપ્રાપ્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. પંદરમી સદીનો ગિલ્ડ હૉલ અને 18મી સદીનું લૉર્ડ મેયરના નિવાસસ્થાન તરીકેનું મૅન્શન હાઉસ તથા 1666માં જ્યાં આગ લાગેલી તે 62 મીટર ઊંચો પાષાણસ્તંભ શહેરનાં અન્ય ભૂમિચિહનો છે.
વેસ્ટ એન્ડ બ્રિટનની સરકારનું, છૂટક વેપારનું અને રાત્રિજીવનનું મથક છે. તે લંડનનો ફૅશનેબલ વિસ્તાર ગણાય છે. પશ્ચિમ છેડા તરફનો આ વિસ્તાર 18 ચોકિમી.માં પથરાયેલો છે. ટેમ્સ નદી નજીકની સ્ટ્રેન્ડ શેરી લંડન શહેર વિભાગ અને વેસ્ટ એન્ડને સાંકળે છે. બ્રિટનની મુખ્ય સરકારી ઇમારતો વેસ્ટમિન્સ્ટર વિભાગમાં આવેલી છે. આ પૈકી ટેમ્સ નદીકાંઠે સંસદભવનની ઊંચી ઇમારત સરકારી કાર્યાલયો પૈકી વધુ જાણીતી છે. સંસદભવનથી ઉત્તર તરફ વ્હાઇટ હૉલથી ઓળખાતા પહોળા રાજમાર્ગ પર અન્ય સરકારી કાર્યાલયો છે. વ્હાઇટ હૉલથી થોડા અંતરે 10, ડાઉનિંગ સ્ટ્રીટ નામથી જાણીતું બ્રિટનના વડાપ્રધાનનું નિવાસસ્થાન છે, ત્યાંથી નૈર્ઋત્યમાં બકિંગહામ પૅલેસ આવેલો છે.
લંડનનાં મનોરંજન-સ્થળો અને મુખ્ય બજારો વેસ્ટ એન્ડના માર્ગોના ચોકથી બધી બાજુ પથરાયેલાં છે. ટ્રફાલ્ગર સ્ક્વેર એ બાવલાં અને ફુવારાઓનો ચોક છે. વ્હાઇટ હૉલ, સ્ટ્રૅન્ડ અને બીજા માર્ગો અહીં ભેગા થાય છે. મનોરંજનના સ્થળ તરીકે ખૂબ જાણીતાં બનેલાં પિકાડેલી સરકસ ખાતે વ્યસ્ત રહેતા છ રસ્તા ભેગા થાય છે. લંડનની જાણીતી દુકાનો બૉન્ડ, ઑક્સફર્ડ અને રીજન્ટ માર્ગો પર આવેલી છે. આ વિસ્તાર પૂર્વ તરફ સ્ટ્રૅન્ડ સુધી અને ઉત્તર તરફ સોહો સુધી જાય છે. રેસ્ટોરાં અને રાત્રિ-ક્લબો માટે પણ આ વિભાગ જાણીતો છે.
મધ્યસ્થ લંડનની બધી બાજુએ ગીચ આવાસો જોવા મળે છે. ઈસ્ટ એન્ડ નામના અહીંના ભાગમાં આવાસી સ્થળોની સાથે સાથે ઘણાં કારખાનાં પણ વિકસ્યાં છે.
દક્ષિણ કાંઠા-વિભાગ થિયેટરો, સંગીત-જલસાગૃહો અને કલાદીર્ઘાઓનું કેન્દ્ર છે. તે ટેમ્સ નદીના અંદરના વળાંક પરનો આશરે 5 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. પ્રથમ બે વિભાગ કરતાં તે ધીમે ધીમે વિકસેલો છે, પરંતુ અહીં બાંધકામ માટેની જમીનો પ્રમાણમાં સસ્તી હોવાથી નવા આવાસો બંધાતા ગયા છે.
અર્થતંત્ર : લંડન એ બ્રિટનનું સૌથી વધુ મહત્વનું વેપારી કેન્દ્ર બની રહેલું છે. બ્રિટનના આશરે 20 % શ્રમિકો વેપારી ક્ષેત્રે રોકાયેલા છે. અહીંના આગળ પડતા ઉદ્યોગોમાં મુદ્રણકામ અને છાપખાનાં, કાપડ ઉત્પાદન, ખાદ્ય પેદાશો, રાચરચીલું, ચોકસાઈભર્યાં વૈજ્ઞાનિક સાધનોનો સમાવેશ થાય છે. શહેરની ઉત્તરે અને પૂર્વમાં જૂના ઔદ્યોગિક વિસ્તારો પથરાયેલા છે. બીજો એક ઔદ્યોગિક વિભાગ ગ્રિનિચની પૂર્વમાં ટેમ્સ નદીકાંઠે વિકસ્યો છે, જ્યારે નવા ઔદ્યોગિક વિભાગો પશ્ચિમ વિભાગના એકમોમાં આવેલા છે.
આ શહેરમાં દુનિયાભરની મહત્વની કંપનીઓની શાખાઓ, બૅંક ઑવ્ ઇંગ્લૅન્ડની મુખ્ય કચેરી, લંડન સ્ટૉક એક્સચેંજ અને વિશ્વની સૌથી વધુ જાણીતી બનેલી લૉઇડ વીમા કંપની આવેલી છે. અહીંની બૅંકો, વીમાકંપનીઓ અને જહાજી પેઢીઓએ દુનિયાના લગભગ બધા જ દેશોમાં વેપાર જમાવેલો છે.
પરિવહન : અહીંનું પરિવહનક્ષેત્ર ખૂબ જ વિકસેલું છે. રજાના દિવસો સિવાય રોજબરોજ અહીંના આશરે 10 લાખ લોકો મોટરમાર્ગ, રેલમાર્ગ અને મેટ્રોમાર્ગ દ્વારા શહેરની અંદર-બહાર અવરજવર કરતા રહે છે. દુનિયાના મોટા ગણાતા મેટ્રો (ભૂગર્ભીય રેલ) માર્ગોમાં લંડનના મેટ્રોમાર્ગ(સ્થાનિક લોકો તેને ‘ટ્યૂબ’ નામથી ઓળખે છે)નો પણ સમાવેશ થાય છે. દુનિયાભરમાં અતિ વ્યસ્ત ગણાતું અહીંનું હીથ્રો હવાઈ મથક પશ્ચિમ લંડન ખાતે આવેલું છે. દર વર્ષે લગભગ 350 લાખ લોકો તેનો લાભ લે છે. બૃહદ લંડનથી દક્ષિણે આશરે 45 કિમી. અંતરે આવેલું ગેટવિક હવાઈમથક લંડનવાસીઓ માટે ઉપયોગમાં લેવાય છે. દર વર્ષે લગભગ 190 લાખ લોકો તેનો લાભ લે છે. લંડનની ઉત્તરે આશરે 48 કિમી. દૂર ઇસેક્સ ખાતે આવેલા સ્ટૅનસ્ટેડ હવાઈ મથકને નવા ટર્મિનલ સહિત 1991માં વધુ વિકસાવવામાં આવ્યું છે.
લંડન ગ્રેટ બ્રિટન ઉપરાંત તેના દુનિયા સાથેના વેપાર માટે એક મહત્વના બંદર તરીકે પણ ઉપયોગમાં લેવાય છે. અહીંના બંદર ખાતે બે વિશાળ ધક્કાઓનું નિર્માણ કરવામાં આવેલું છે. આ પૈકીનો ટેમ્સ નદીને સાંકળતો, સમાંતર જતો 69 કિમી. લાંબો માર્ગ વધુ જાણીતો છે. ભૂતકાળમાં લંડન બ્રિજ અને ટાવર બ્રિજ ધક્કાઓનું વિશેષ મહત્વ હતું, જોકે આજે પણ કેટલાંક જહાજો તેમનો ઉપયોગ કરે છે; પરંતુ 1960થી અહીં કન્ટેનરનો ઉપયોગ વધી ગયો છે. ટેમ્સ નદીના મુખ પાસેની નદીનાળ પરના ટિલબરી ખાતે ક્ધટેનર માટેની નવી સુવિધાઓ પણ ઊભી કરાયેલી છે.
સંદેશાવ્યવહાર : લંડનની સંદેશાવ્યવહાર-ક્ષમતાની ખ્યાતિ અને પ્રતિષ્ઠા દુનિયાભરમાં છે. બ્રિટિશ બ્રૉડકાસ્ટિંગ કૉર્પોરેશન (BBC) આ માટે જાણીતું છે. બ્રિટનનાં BBC મથક અને ટેલિવિઝન મથક લંડન ખાતે આવેલાં છે. આ શહેરમાંથી લગભગ બાર જેટલાં વર્તમાનપત્રો પ્રગટ થાય છે. શિક્ષણપ્રસાર ક્ષેત્રે પણ લંડન આગળ પડતું સ્થાન ધરાવે છે. અહીં ખાનગી બ્રૉડકાસ્ટિંગ મથકો પણ આવેલાં છે.
જોવાલાયક સ્થળો : ઇતિહાસ, કલા, સંસ્કાર અને સંસ્કૃતિના કેન્દ્ર તરીકે દુનિયાભરમાં લંડનનું મહત્વ અંકાતું રહ્યું છે. વિશ્વની કેટલીક બેનમૂન શ્રેષ્ઠ કલાકૃતિઓ તેમજ જિજ્ઞાસોદ્દીપક અજાયબ જણસો સંઘરતાં વિશાળ સંગ્રહાલયો અને કલાદીર્ઘાઓ અહીં આવેલાં છે, એ જ રીતે શ્રેષ્ઠ નાટ્યગૃહો, થિયેટરો અને સંગીત-જલસાગૃહો પણ છે. આ બધાંથી આકર્ષાઈને દર વર્ષે લાખો પર્યટકો લંડનની મુલાકાત લેતા રહે છે.
રંગમંચલક્ષી કલા : મ્યૂઝિકલ કૉમેડીથી માંડીને શેક્સપિયરનાં નાટકો સુધીનું વૈવિધ્ય લંડનમાં ભજવાતાં નાટકોમાં જોવા મળે છે. એકસાથે ત્રણ થિયેટરોમાં બારે માસ નાટકો ભજવતી રૉયલ નૅશનલ થિયેટર કંપની લંડન ખાતે આવેલી છે. ધ બાર્બિકન સેન્ટરમાં રૉયલ શેક્સપિયર કંપની નાટકો ભજવતી રહે છે, આ જ કંપનીનાં નાટકો સ્ટ્રૅટફર્ડ અપૉન એવન ખાતે પણ ભજવાય છે.
લંડનનાં સંખ્યાબંધ સિમ્ફની-વાદ્યવૃંદો વિશ્વવિખ્યાત છે. તેમાં બ્રિટિશ બ્રૉડકાસ્ટિંગ કૉર્પોરેશન ઑર્કેસ્ટ્રા, લંડન ફિલ્હાર્મોનિક ઑર્કેસ્ટ્રા, લંડન ફિલ્હાર્મોનિયા તથા રૉયલ ફિલ્હાર્મોનિક ઑર્કેસ્ટ્રા વિશેષ ઉલ્લેખનીય છે. આ બધાં સિમ્ફની-વાદ્યવૃંદો રૉયલ ફેસ્ટિવલ હૉલ, ક્વીન એલિઝાબેથ હૉલ, પર્સેલ રૂમ તથા બાર્બિકન સેન્ટરમાં વાદનના કાર્યક્રમો યોજે છે. બ્રિટિશ બ્રૉડકાસ્ટિંગ કૉર્પોરેશન રૉયલ આલ્બર્ટ હૉલમાં ઉનાળા દરમિયાન લોકપ્રિય હળવા સંગીતના જલસાઓનું આયોજન કરે છે. બ્રિટનની ટોચની બૅલે કંપનીઓ તેમજ ઑપેરા કંપનીઓ રૉયલ ઑપેરા હાઉસ અને કૉવેંટ ગાર્ડન ખાતે જલસાના કાર્યક્રમો ગોઠવે છે.
જાહેર જનતા માટેનાં સંગ્રહાલયોમાં ‘નૅશનલ ગૅલરી’, ટેઇટ ગૅલેરી, ‘વૉલેસ કલેક્શન’ અને ‘બ્રિટિશ મ્યુઝિયમ’ મુખ્ય છે. વિશ્વનાં સૌથી મોટાં ગણાતાં શ્રેષ્ઠ સંગ્રહાલયોમાં બ્રિટિશ મ્યુઝિયમની ગણના થાય છે. 1753માં સર હૅન્સ સ્લોનના અંગત સંગ્રહના દાનને જાહેર હિતાર્થે જાળવવા માટે બ્રિટિશ પાર્લમેન્ટે તેની સ્થાપના કરેલી. બ્રિટિશ મ્યુઝિયમની પ્રતિષ્ઠા વધતાં તેમાં પ્રદર્શન-નમૂનાઓની સંખ્યા પણ વધવા માંડી. 1759માં આ મ્યુઝિયમ ખુલ્લું મુકાયું. વર્ષે 30 લાખથી પણ વધુ મુલાકાતીઓ આ મ્યુઝિયમનો લાભ લે છે. વિશ્વસંસ્કૃતિઓનો ઇતિહાસ – એ બ્રિટિશ મ્યુઝિયમનો મુખ્ય વિષય બની રહ્યો છે, તેમાં પણ પ્રાચીન ભૂમધ્ય સંસ્કૃતિઓ પર આ મ્યુઝિયમે વિશેષજ્ઞતા પ્રાપ્ત કરેલી છે. તેની લાખો કલાકૃતિઓમાં ઍથેન્સનાં પ્રાચીન પાર્થેનૉન ખંડેરનાં આરસ-શિલ્પો, અમેરિકાના પ્રાચીન આઝતેક સામ્રાજ્યનાં તેમજ મેસોપોટેમિયાનાં પ્રાચીન ઉર અને નિનેવાહ નગરોનાં શિલ્પો અને અવશેષો તથા ઇજિપ્તનો રોઝેટા સ્ટોન દર્શનાર્થીઓનું ધ્યાન ખેંચે છે. ભારતની કેટલીક કલાકૃતિઓ પણ અહીં સંગ્રહાલયેલી છે. બ્રિટિશ મ્યુઝિયમની તુલના પૅરિસના લુવ્ર, સેંટ પીટર્સબર્ગના લ હર્મિટેજ અને ન્યૂયૉર્કના મેટ્રોપૉલિટન મ્યુઝિયમ સાથે કરી શકાય એટલું એ સમૃદ્ધ છે.
વિક્ટોરિયા અને આલ્બર્ટ મ્યુઝિયમમાં અલંકારપ્રધાન કલાકૃતિઓનો વિશ્વનો સૌથી વધુ સમૃદ્ધ સંગ્રહ છે. નૅચરલ હિસ્ટરી મ્યુઝિયમ તથા સાયન્સ મ્યુઝિયમ – એ વિજ્ઞાનને લગતાં મ્યુઝિયમો છે. લંડન મ્યુઝિયમમાં લંડનની સ્થાપના અને વિકાસના દસ્તાવેજો તથા લંડન નગરની સંસ્કૃતિનાં કલા, ધર્મ, ઉદ્યોગ, વેપાર, ઉત્સવો, સાહિત્ય જેવાં પાસાંઓની ઝાંખી જોવા મળે છે.
સામયિક પ્રદર્શનો માટે હેવર્ડ ગૅલરી તથા રૉયલ એકૅડેમી ઑવ્ આર્ટ્સ શ્રેષ્ઠ ગણાય છે.
વિશ્વની સૌથી મોટી લાઇબ્રેરીઓ પૈકી લંડન ખાતે આવેલી બ્રિટિશ લાઇબ્રેરીની ગણના થાય છે. તેની તુલના અમેરિકાની નૅશનલ લાઇબ્રેરી ઑવ્ કૉંગ્રેસ તથા પૅરિસની બિબ્લિયૉથૅક નૅશનાલે સાથે થાય છે. તેમાં એક કરોડ પચાસ લાખ પુસ્તકો છે.
લંડન ખાતે આવેલા ભવ્ય મહેલોમાં સેંટ જેમ્સ પૅલેસ, બકિંગહામ પૅલેસ, કેંસિન્ગટન પૅલેસ અને હૅમ્પ્ટન કૉર્ટ પૅલેસનો સમાવેશ થાય છે.
1834માં પાર્લમેન્ટ હાઉસિઝનાં જૂનાં મકાનો સળગીને ખાખ થઈ જતાં પાર્લમેન્ટ માટેનું નવું મકાન બાંધવામાં આવેલું, જે ન્યૂ પૅલેસ ઑવ્ વેસ્ટમિન્સ્ટર નામે ઓળખાય છે. સળગી ઊઠેલાં એ મકાનોમાંથી માત્ર એક જાહેર સભાગૃહ વેસ્ટમિન્સ્ટર હૉલ બચ્યું છે.
સેન્ટ પૉલ કેથીડ્રલ, વેસ્ટમિન્સ્ટર ઍબી, તથા વેસ્ટમિન્સ્ટર કેથીડ્રલ લંડનનાં વધુ જાણીતાં ચર્ચ છે. આ પૈકી વેસ્ટમિન્સ્ટર ઍબી નવ સો વર્ષ કરતાં પણ વધુ જૂનું છે. 1066માં થઈ ગયેલા રાજા વિલિયમનો તથા તે પછીનાં બધાં જ રાજા-રાણીઓનો રાજ્યાભિષેક અહીં થયેલો છે.
લંડનમાં 85 કરતાં પણ વધુ બગીચાઓ છે. તે પૈકી સેંટ જેમ્સ પાર્ક, ગ્રીન પાર્ક, હાઇડ પાર્ક, કેન્સિન્ગ્ટન પાર્ક, રીજન્ટ પાર્ક, બેટર્સી પાર્ક, ક્યૂ ગાર્ડન્સ મુખ્ય છે. ક્યૂ ગાર્ડન્સ રૉયલ બોટેનિકલ ગાર્ડન્સને નામે પણ ઓળખાય છે. વૃક્ષો અને ક્ષુપોની વિવિધ જાતિઓ(species)નો સંગ્રહ ધરાવવામાં તે વિશ્વમાં ટોચ પર છે; આ ગાર્ડનમાં વિશાળ ગ્રીનહાઉસ પણ છે.
એક હજાર કરતાં પણ વધુ વર્ષ જૂનાં મકાનોનો લંડનમાં આવેલો એક સમૂહ ‘ટાવર ઑવ્ લંડન’ નામે ઓળખાય છે. તેમાં ‘વાઇટ ટાવર’ નામે ઓળખાતા એક પ્રાચીન મિનારાની ચારેયબાજુ બાંધકામ પણ થયેલાં છે.
‘ટ્રૂપિંગ ધ કલર’ અને ‘લૉર્ડ મેયર્સ શો’ નામની બે ભવ્ય જાહેર ઉજવણીઓ પણ લંડનમાં થાય છે. ‘ટ્રૂપિંગ ધ કલર’ એ રાણીની વર્ષગાંઠની ઉજવણી છે, જ્યારે ‘લૉર્ડ મેયર્સ શો’ એ નવા ચૂંટાયેલા મેયરને અભિનંદવા માટે – દરેક નવેમ્બરના બીજા શનિવારે ઊજવાય છે.
લંડનના વેસ્ટ એન્ડનો ઘણોખરો વિભાગ શ્રેણીબદ્ધ ચોકની આજુબાજુ વિસ્તરેલો છે. આ પૈકી ‘ટ્રફાલ્ગર ચોક’ અહીંની ખૂબ જ જાણીતી જગા છે. અહીં બિગ બેન ટાવર પણ છે. આ ચોક પર 56 મીટર ઊંચાઈવાળો વિશાળ ‘નેલ્સન કૉલમ’ આવેલો છે. ગ્રૅનાઇટથી બનેલા આ ઊંચા સ્તંભની ટોચ પર બ્રિટિશ નૌકાવીર હોરેશિયો નેલ્સનનું વિશાળ કદનું પાષાણમાંથી કંડારેલું બાવલું છે. અન્ય જાણીતા ચોકમાં બેડફર્ડ, બર્કલી, ગ્રોસવેનર અને રસેલ ચોકનો સમાવેશ થાય છે.
વસ્તી–લોકો : 1999 મુજબ બૃહદ લંડનની કુલ વસ્તી 76,39,000 જેટલી છે. લંડન શહેરનો વિસ્તાર એટલો બધો મોટો છે કે ઘણાખરા લંડનવાસીઓ પોતાને ચેલ્સી, સોહો કે હૅમ્પસ્ટેડ જેવા ચોક્કસ વિભાગના નિવાસી ગણાવે છે. ક્યારેક અલગ અલગ રહેલા આ વિભાગોએ પોતાનાં મૂળ લક્ષણો જાળવી રાખેલાં છે. 1991માં લંડન શહેર(inner London)ની વસ્તી 25,00,000 જેટલી હતી.
આનુવંશિકતા–ધર્મ : પરંપરા જોતાં તો માત્ર કૉકનીઓ (cockneys) જ ખરા અર્થમાં લંડનવાસી ગણાય. કૉકની એટલે એવો સ્થાનિક માણસ, જે મૂળ શહેરના ઐતિહાસિક ચર્ચ(સેન્ટ મેરી-લે-બો)નો ઘંટારવ સાંભળી શકે એટલા અંતરમાં વસતો હોય.
અહીંના ઘણાખરા નિવાસીઓ મૂળ બ્રિટિશ પૂર્વજોમાંથી પેઢી દર પેઢી ઊતરી આવેલા છે, પરંતુ વર્ષો વીતવા સાથે ગ્રેટ બ્રિટનના અન્ય ભાગોમાંથી પણ લોકો આવીને વસ્યા છે. કેટલાક સ્થળાંતરવાસીઓના વંશજો છે. આ ઉપરાંત, ઑસ્ટ્રેલિયા, ભારત, પાકિસ્તાન, પોલૅન્ડ અને વેસ્ટ ઇન્ડિઝના સ્થળાંતરવાસીઓ પણ છે. વળી યહૂદીઓ પણ અહીં ઘણા લાંબા સમયથી વસે છે.
લંડનમાં વિવિધ ધર્મના, ભિન્ન ભિન્ન માન્યતા ધરાવતા ખ્રિસ્તી ધર્મના લોકો જોવા મળે છે. તેમાં મુખ્યત્વે ઇંગ્લૅન્ડના ચર્ચના, પ્રૉટેસ્ટંટ પંથી, રોમન કૅથલિક પંથી મુખ્ય છે. અન્ય ધર્મના લોકોમાં હિન્દુ, મુસ્લિમ, શીખ અને યહૂદીઓ પણ છે.
નિવાસી વિસ્તારો અને આવાસો : મોટાભાગના લંડનવાસીઓ હવે બાર્નેટ, ક્રૉયડૉન, હેવરિંગ, હોન્સ્લો, હૅમરસ્મિથ, ઇઝલિંગ્ટન, સાઉથવાર્ક અને ટાવર હૅમ્લેટ જેવાં પરાંમાં; ગરીબ કુટુંબો અને સ્થળાંતરવાસીઓ ભાડાનાં ઘરો કે ફ્લૅટોમાં; નીચલા વર્ગના લોકો વેસ્ટમિન્સ્ટર, કેન્સિંગ્ટન અને ચેલ્સીમાં અને શ્રીમંત વર્ગના લોકો વેસ્ટમિન્સ્ટરના વૈભવી ફ્લૅટોમાં રહે છે. મૂળ શહેરમાં ફ્લૅટ જેવા આવાસો ઓછા છે. 1960 અને 1970ના દાયકાઓમાં કેટલાક મોટા આવાસોનું બાંધકામ થયું છે ખરું.
શિક્ષણ : લંડનની ઘણીખરી શાળાઓ રાજ્ય હસ્તકની છે. જુદા જુદા એકમોમાં જાહેર તેમજ ખાનગી શાળાઓ પણ છે. આ શહેર ઘણા લાંબા સમયથી ઉચ્ચ કક્ષાના અભ્યાસનું તેમજ સંશોધનનું કેન્દ્ર રહ્યું છે. લંડન યુનિવર્સિટી દેશની મોટામાં મોટી યુનિવર્સિટી છે.
મનોરંજન : દિવસ દરમિયાન લોકો તાજાં ફળો, શાકભાજી, ઝવેરાત અને દુર્લભ પુરાતન ચીજવસ્તુઓની ખરીદી અર્થે જુદાં જુદાં બજારોમાં જાય છે. ફૂટબૉલ, રગ્બી, ક્રિકેટ અને ટેનિસ અહીંની લોકપ્રિય રમતો ગણાય છે. વિમ્બલ્ડન ટેનિસ ટુર્નામેન્ટ વિમ્બલ્ડન પાર્ક ખાતે વર્ષમાં એક વાર યોજાય છે. આ ઉપરાંત ગૉલ્ફ, ઘોડદોડ જેવી રમતો પણ લોકપ્રિય છે. અહીં સ્પર્ધાઓ પર શરતો પણ લાગે છે. સ્પર્ધા-શરતો માટે અહીં 2,300 કરતાં પણ વધુ અધિકૃત પરવાના ધરાવતી દુકાનો આવેલી છે. મનોરંજન માટે જાહેર અને ખાનગી રાત્રિક્લબો પણ ચાલે છે.
સામાજિક સમસ્યાઓ : દુનિયાભરનાં મોટાં શહેરોની જેમ લંડનમાં પણ ગરીબી, ગુનેગારી અને વ્યસન-બંધાણીઓની સમસ્યાઓ છે. 1960–70માં અહીંના આવાસી સત્તાવાળાઓએ ગ્રીન બેલ્ટની બહાર હજારો ગરીબ કુટુંબો માટે નગર-આયોજન કરેલું છે. જૂનાં ઓછી સુવિધાઓ ધરાવતાં મકાનોની જગાએ નવા નાના ફ્લૅટ બાંધી આપ્યા છે, જોકે અંદરના નિવાસી એકમોમાં આવાસોની સમસ્યા હજી ઊભી છે.
વહીવટ : 1965થી 1986 સુધી બૃહદ લંડન વિસ્તારની સરકારી વહીવટી વ્યવસ્થા 32 બરોની સરકારો, શહેરી સરકાર અને બૃહદ લંડન કાઉન્સિલ કરતી હતી. બૃહદ લંડન કાઉન્સિલ બરો તેમજ શહેરની સરકાર પર દેખરેખ રાખવાની અધિકૃત સત્તા ધરાવતી હતી. તે ઉપરાંત, શહેરી આયોજન, માર્ગ-બાંધકામ, ટ્રાફિક વ્યવસ્થા અને આગશમન સેવાઓની વ્યવસ્થા ગોઠવવાનો અધિકાર પણ એ કાઉન્સિલ ધરાવતી હતી. 1986માં પાર્લમેન્ટ ધારા હેઠળ બૃહદ લંડન વિસ્તારનો વહીવટ 32 બરોની તેમજ લંડન શહેરની સરકારોને હસ્તક રાખવામાં આવેલો છે.
લંડનનો પ્રત્યેક બરો ચૂંટાયેલી કાઉન્સિલ-સ્વરૂપે સરકારી વહીવટ ચલાવે છે. બરોના નિવાસીઓ દર ચાર વર્ષે નવી કાઉન્સિલ ચૂંટે છે. આ કાઉન્સિલ સ્થાનિક સ્વાસ્થ્ય અને કલ્યાણ, જાહેર પુસ્તકાલયો અને કેટલાક જાહેર આવાસોની સેવાઓના કામકાજ માટે જવાબદાર ગણાય છે. તે પોતાના બરોમાં રાજ્ય-હસ્તક ચાલતી શાળાઓને નિભાવે છે. લંડનના બધા જ બરો પોલ ટૅક્સ, ભાડાં તથા રાષ્ટ્રીય સરકાર પાસેથી મેળવાતા અનુદાનની આવકમાંથી ખર્ચ કરે છે.
સેંકડો વર્ષો અગાઉ કોટ-વિસ્તારની અંદર વસતા હજારો નિવાસીઓની વહીવટી વ્યવસ્થા જે રીતે થતી હતી તે જ રીતે આજે પણ લંડન શહેરનો વહીવટ ચાલે છે. આજે આ વિભાગમાં નાનામાં નાના બરોની વસ્તીથી પણ ઓછા, આશરે 4,000 થી 5,000 જેટલા લોકો વસે છે. તેમ છતાં બ્રિટિશ ઇતિહાસમાં આ શહેરી વિભાગનું મહત્વ એટલું છે કે તે બરોની સમકક્ષ દરજ્જો ભોગવે છે. શહેરનો વહીવટ કૉર્પોરેશન ઑવ્ ધ સિટી ઑવ્ લંડનને હસ્તક છે. તે કૉર્ટ ઑવ્ કૉમન કાઉન્સિલ દ્વારા વહીવટ ચલાવે છે. આ કૉર્ટ લૉર્ડ મેયર, 24 મુખ્ય સભ્યો તથા 136 સામાન્ય સભ્યો(councilmen)ની બનેલી હોય છે. લૉર્ડ મેયર શહેરના મુખ્ય વહીવટકાર ગણાય છે. મતદારો મુખ્ય સભ્યોને આજીવન ચૂંટે છે, પરંતુ સામાન્ય સભ્યોની ચૂંટણી દર વર્ષે યોજાય છે. મુખ્ય સભ્યો અને અમુક પ્રતિનિધિઓ દર વર્ષે લૉર્ડ મેયરને ચૂંટી કાઢે છે.
લંડનમાં અન્ય જાહેર એજન્સીઓ પણ અસ્તિત્વ ધરાવે છે. લંડન રીજિયોનલ ટ્રાન્સપૉર્ટ ઑથોરિટી જાહેર પરિવહન સેવાઓ પૂરી પાડે છે. બ્રિટિશ સરકાર દ્વારા તે માટેના સભ્યો નિયુક્ત કરવામાં આવે છે. રાષ્ટ્રીય સરકાર જહાજી પ્રવૃત્તિઓ પર નિયંત્રણ રાખવા પૉર્ટ ઑવ્ લંડન ઑથોરિટીના સભ્યોની નિયુક્તિ પણ કરે છે. મહાનગરીય પોલીસદળ – એ પણ સરકારી એજન્સી છે – શહેર વિભાગને બાદ કરતાં સમગ્ર બૃહદ લંડનના રક્ષણ માટે પોલીસ-સેવા પૂરી પાડે છે. તેનું મુખ્ય મથક ન્યૂ સ્કૉટલૅન્ડ યાર્ડ ખાતે આવેલું છે. શહેરી વિભાગ માટે તેનું પોતાનું અલગ પોલીસદળ છે.
ઇતિહાસ : રોમન સામ્રાજ્યનાં લશ્કરી દળોએ જ્યારે ઈ. સ. 43માં બ્રિટન જીતી લેવા આક્રમણ કરેલું ત્યારથી લંડનમાં વસવાટ શરૂ થયાનું ગણાય. રોમનોએ આજના લંડન બ્રિજ નજીક ટેમ્સ નદી પર દરિયાઈ બંદર બાંધેલું. બાકીનો વિસ્તાર પંકવાળો હોવાથી તેમણે આ સ્થળ પર પસંદગી ઉતારેલી. આ બંદરને રોમનોએ ‘લંડનિયમ’ નામ આપેલું, લંડન નામ આ શબ્દ પરથી ઊતરી આવેલું છે.
ત્રીજી સદીના પ્રારંભમાં રોમનોએ હુમલાઓથી રક્ષણ મેળવવા લંડનને ફરતો કોટ બાંધેલો. આ કોટ જેમ જેમ તૂટતો ગયો તેમ તેમ તે જગાએ જ નવા કોટનું નિર્માણ થતું ગયેલું. કોટને કારણે સેંકડો વર્ષો સુધી લંડનને રક્ષણ મળતું રહ્યું, તે ઉપરાંત તેથી શહેરી સીમા પણ નક્કી થઈ.
410માં ચાંચિયાઓએ રોમ પર આક્રમણ કર્યું. બ્રિટનમાંનાં રોમન દળોને લડવા માટે પાછાં બોલાવી લેવાયાં. આ તવારીખને બ્રિટન પરના રોમનોના કાબૂના અંત તરીકે ઘટાવી શકાય. ત્યારે રોમન વર્ચસ્ હેઠળના લંડનનો થોડો જ ભાગ રહ્યો હતો. કોટની દીવાલ અને કેટલાંક મકાનો તો ખંડિયેર બની રહેલાં.
મધ્ય યુગ : પાંચમીથી અગિયારમી સદી દરમિયાન લંડન ખાસ વિકસી શક્યું ન હતું. 11મી સદીના મધ્યકાળમાં સૅક્સન રાજા એડ્વર્ડે અહીં એક મહેલનું નિર્માણ કર્યું અને આજના લંડનથી નૈર્ઋત્યમાં આશરે 3 કિમી. દૂર આવેલું ચર્ચ ફરીથી બાંધ્યું. તે અગાઉ સૅક્સન રાજાઓ દક્ષિણ-મધ્ય ઇંગ્લૅન્ડમાં વિંચેસ્ટર ખાતે રહેતા. એડ્વર્ડે બાંધેલાં મકાનો વેસ્ટમિન્સ્ટર શહેર માટેનો પ્રારંભ ગણાય. વેસ્ટમિન્સ્ટર મહેલ 1520ના દાયકા સુધી ઇંગ્લૅન્ડના રાજવીઓનું મુખ્ય નિવાસસ્થાન રહેલું. જે ચર્ચ હતું તે વેસ્ટમિન્સ્ટર ઍબી બની રહ્યું. આ વેસ્ટમિન્સ્ટર ઍબીમાં 1066માં વિજેતા વિલિયમની રાજા તરીકે તાજપોશી થયેલી. વિલિયમે લંડન-નિવાસીઓને સ્વાયત્ત સરકારી વહીવટની મંજૂરી બક્ષેલી. તેના શાસનકાળમાં જ ઘણાં કથીડ્રલ અને કિલ્લા બંધાયેલાં. ટાવર ઑવ્ લંડનના બાંધકામની પણ તેણે જ શરૂઆત કરેલી.
લંડનમાંનાં બીજાં ભૂમિચિહનો પણ મધ્યકાળમાં જ તૈયાર થયેલાં. 1100ના અરસામાં આગથી ભસ્મીભૂત થઈ ગયેલા ચર્ચની જગાએ જૂનું સેંટ પૉલ કેથીડ્રલ બંધાવું શરૂ થયેલું, જે તે પછીનાં 200 વર્ષ બાદ પૂરું થયેલું. 1209માં ટેમ્સ નદી પર જે સર્વપ્રથમ પાષાણપુલ થયો, તે લંડન બ્રિજ કહેવાયો.
લંડનમાં હસ્તકારીગરીનું કામ અને વેપાર 12મી સદીમાં વિકસતાં ગયાં. ભઠિયારા, સુથારો, સોનીઓ જેવા હસ્તકલાકારીગરોની ચીજવસ્તુઓનો વેપાર અને કરિયાણાનો વેપાર જામતો ગયો. એ વખતે આ લોકોના પોશાકો-પહેરવેશ અલગ અલગ હતા, જેનાથી તેઓ ઓળખાતા.
લંડનમાં વસતા આ લોકોએ 1190ના દાયકામાં શહેર માટે મેયરની સર્વપ્રથમ ચૂંટણી કરી. 1215માં રાજા જૉને લંડનને પોતાનો વહીવટ કરવાની મંજૂરી આપી. પંદરમી સદીના અંતિમ ચરણ વખતે લંડનની વસ્તી 50,000 જેટલી થઈ ચૂકી હતી. લંડનના મેયરનું ત્યારે એટલું બધું મહત્વ અંકાતું હતું કે તે ‘લૉર્ડ મેયર’ કહેવાતા થયા.
કોટની બહાર વિસ્તરણ : સોળમી અને સત્તરમી સદી દરમિયાન લંડન ઝડપભેર વિસ્તરતું ગયું. કોટની દીવાલને અડીને બહારના પશ્ચિમ તરફના ભાગોમાં ઉમરાવોએ સ્થાવર મિલકતો ઊભી કરવા માંડી. રાજા હેન્રી આઠમા વખતે વેસ્ટમિન્સ્ટર મહેલ સહિત તેની માલિકીના છ મહેલો હતા. 1547માં હેન્રી મૃત્યુ પામ્યો તે વર્ષે વેસ્ટમિન્સ્ટર મહેલ સંસદનું બેઠકસ્થાન બન્યું. રાણી એલિઝાબેથ પહેલી(1558–1603)ના શાસનકાળમાં વિશ્વવેપારીકેન્દ્ર તરીકે લંડનનો વિકાસ શરૂ થયો. તેના સમયગાળામાં ઇંગ્લૅન્ડનાં સર્વપ્રથમ જાહેર થિયેટરો લંડનમાં ખૂલ્યાં. સાઉથવાર્કમાંનું ગ્લોબ થિયેટર લોકપ્રિય થિયેટરો પૈકીનું એક હતું. 1599ના ગાળામાં વિલિયમ શેક્સપિયરે ગ્લોબમાં તેનાં નાટકો ભજવવાનું શરૂ કરેલું.
17મી સદીના મધ્યકાળમાં લંડનની વસ્તી 5 લાખ જેટલી થઈ ગઈ હતી. ત્યારે મોટાભાગનાં નિવાસીઓ કોટ બહારના ભાગોમાં વસતા થયા હતા, જે પછીથી ઝૂંપડપટ્ટીઓમાં ફેરવાયેલા. અંદરનો વિભાગ શહેર તરીકે ઓળખાવો શરૂ થયેલો.
યુદ્ધ, મરકી અને આગ : સત્તરમી સદીનાં મધ્ય વર્ષોમાં યુદ્ધ, મરકી અને આગથી તારાજી થયેલી. 1642માં રાજા ચાર્લ્સ પહેલા અને પાર્લમેન્ટ વચ્ચે સત્તાસંઘર્ષ ઊભો થવાથી આંતરિક યુદ્ધ થયું. ઑલિવર ક્રૉમવેલ તેમજ બીજા પ્યુરિટનોની દોરવણી હેઠળ લોકોએ પાર્લમેન્ટની તરફદારી કરી. પ્યુરિટનોએ થિયેટરો બંધ કરાવ્યાં તેથી તેઓ લોકોમાં અપ્રિય બની રહ્યા. આ રીતે પ્યુરિટનોના પ્રભુત્વ હેઠળ લંડનનો વિકાસ રૂંધાયેલો રહ્યો. 1665માં મરકીનો રોગ ફાટી નીકળ્યો. 1666માં મરકી કાબૂમાં લઈ શકાઈ, પરંતુ તેમાં આશરે એક લાખ લોકો રોગનો ભોગ બનેલા. 1666ના સપ્ટેમ્બરની બીજી તારીખે શહેરની પુડિંગ શેરીમાં ભઠિયારાની દુકાનમાંથી આગ શરૂ થયેલી, જે પાંચ દિવસ બાદ કાબૂમાં આવેલી. શહેરનાં લાકડાનાં બનેલાં મોટાભાગનાં મકાનો ભસ્મીભૂત થઈ ગયાં. સેંટ પૉલ કેથીડ્રલ અને અંદાજે 13,000 ઘરો બળી ગયાં, જોકે તેમાં માનવહાનિ થવા પામી ન હતી.
શહેરનું પુનર્નિર્માણ : આગનો કારમો અનુભવ થવાથી લંડનનિવાસીઓએ લાકડાની જગાએ ઈંટો અને પથ્થરોમાંથી શહેરનાં મકાનો તૈયાર કર્યાં. તત્કાલીન સ્થપતિ સર ક્રિસ્ટોફર રેને નવા બનતા શહેરનાં સેંટ પૉલ કેથીડ્રલ સહિત ઘણાં મકાનોનું પુનર્નિર્માણ કર્યું. જોકે આ શહેર વિભાગમાં વસતા જૂના મકાનમાલિકો ફરીથી રહેવા આવ્યા નહિ.
આગથી નુકસાન થયા પછી વેપારધંધા ફરીથી વિકસ્યા. 1675ના અરસામાં નવું રૉયલ એક્સચેંજ ખૂલ્યું, પરંતુ લોકો માટે તો કૉફીગૃહો જ એક્સચેંજનું કામ કરતાં હતાં. લૉઇડ વીમા કંપનીએ પણ 1680ના દસકામાં એડ્વર્ડ લૉઇડ કૉફીગૃહમાં જ કામકાજ શરૂ કર્યું. 18મી સદીમાં લંડન સ્ટૉક એક્સચેંજે પણ જૉનાથન્સ નામના કૉફીહાઉસમાંથી શરૂઆત કરેલી.
દુનિયાનું મહાનગર : 1800 સુધીમાં, લંડનની વસ્તી દસ લાખના આંકડે પહોંચવા આવી હતી. દુનિયાભરમાં આટલું મોટું શહેર ક્યાંય ન હતું. 19મી સદીની ઔદ્યોગિક ક્રાંતિ દરમિયાન લંડને કારખાનાંમાં પેદા થતા માલ માટે બજારો વિકસાવ્યાં. તેમાંથી શહેરના વેપારીઓને અને બૅંકરોને ખૂબ લાભ થયો; પરંતુ શ્રમિકો નવરા પડ્યા હોવાથી નિરાશ થયા. તેમને ગીચ અને રોગિષ્ઠ ઝૂંપડપટ્ટીઓમાં રહેવાનો વખત આવ્યો.
પરાંનો વિકાસ : 19મી સદીના ગાળામાં વધુ ને વધુ નિવાસીઓ બહારના ભાગોમાં વસવા ગયા. ઝડપી પરિવહન સુવિધાઓ મળવાથી આ સ્થળાંતર શક્ય બની રહ્યું.
1888માં લંડનની સરકારમાં સર્વપ્રથમ સુધારો થયો. એ જ વર્ષે લંડનનું અલગ પરગણું બન્યું, તથા લંડનની કાઉન્સિલને તેની સત્તાનાં સૂત્રો સોંપાયાં. આ કાઉન્ટીનો કુલ વિસ્તાર આજના બૃહદ લંડનના કદના 20 % જેટલો હતો.
હવાઈ હુમલા : 1940ના ઉનાળામાં બ્રિટનના ભાગો પર બધી બાજુએ જર્મનીએ હવાઈ હુમલા કર્યા. લંડન આ હુમલાનો મુખ્ય ભોગ બન્યું. ‘બ્લિટ્ઝ’ નામે ઓળખાયેલો આ હુમલો 1940ના સપ્ટેમ્બરથી 1941ના મે સુધી ચાલતો રહ્યો. જર્મનીએ અહીંના નવા બંધાયેલા વિસ્તાર પર દરેક રાત્રિએ બૉંબવર્ષા કર્યે રાખી.
યુદ્ધ પછીનો વિકાસ : શહેરી આયોજકોએ યુદ્ધ દરમિયાન જ લંડન માટેનું નવું આયોજન કરી રાખ્યું. તેમાં ખુલ્લા પરગણા માટેનો પહોળો પટ્ટો, લંડન આજુબાજુ ગ્રીન બેલ્ટ, તેમજ બેલ્ટની બહાર નવી નગરયોજનાનો સમાવેશ થતો હતો. વળી આ યોજનામાં ભારે બૉંબવર્ષાવાળા વિસ્તાર માટે નવાં બાંધકામ અને દક્ષિણ કાંઠાના વિકાસનો પણ સમાવેશ થતો હતો. 1960ના દાયકામાં, મધ્ય લંડન વિસ્તારમાં ગગનચુંબી ઇમારતોનું નિર્માણ શરૂ થયું. ઇમારતોની આકાશી રેખાએ લંડનને નવો આકાર આપ્યો.
લંડનનાં ઊંચાં મકાનોની સાથે સાથે શહેરનો ચારે તરફનો વિસ્તાર પણ વધતો ગયો. 1963માં પાર્લમેન્ટ પસાર કરેલા ધારા મુજબ, લંડન પરગણાને બૃહદ લંડનમાં ભેળવી તેનો વિસ્તાર વધાર્યો. બૃહદ લંડનને 32 બરોમાં વહેંચ્યું અને બૃહદ લંડન કાઉન્સિલની રચના કરી. 1980 સુધીમાં, ઘણા લોકોના મનમાં એવું ઊપસી આવ્યું કે બૃહદ લંડન તો વિશાળ વિસ્તારવાળું થશે અને તેથી તેનો વહીવટ સક્ષમ રીતે કરી શકાશે નહિ. આથી 1986માં ઠરાવ પસાર કરીને બૃહદ લંડન કાઉન્સિલને રદ કરી. છેવટે તેને 32 બરોમાં વિભાજિત કરીને તેની સ્થાનિક વહીવટની જવાબદારી સ્થાનિક સરકારને સોંપવામાં આવી.
લંડન તેના વિસ્તારમાં વારંવાર મકાનો અને ઉદ્યોગોમાંથી નીકળતા ધુમાડાને કારણે થતા ધુમ્મસને કારણે જાણીતું છે. 1952માં આ જ કારણે આશરે 4,000 જેટલા નિવાસીઓ મૃત્યુ પામેલા. 1956માં આ માટે ‘સ્વચ્છ હવા ધારો’ પાર્લમેન્ટે પસાર કર્યો. તેનાથી લંડનમાં ઇંધનથી ઉદભવતા ધુમાડાને નિયંત્રણમાં લાવી શકાયો. 1970ના દાયકા સુધીમાં લંડનને સ્વચ્છ હવા ધરાવતું શહેર બનાવી શકાયું. આ ઉપરાંત મોટર ટ્રાફિક લંડનમાંની મોટામાં મોટી સમસ્યા રહી છે. તેથી સરકારે મધ્યસ્થ લંડનની ઇમારતો હેઠળ મોટર પાર્કિંગ થાય એવું સૂચન કર્યું છે. વળી આ માટે સરકારે લંડનને ફરતો મોટરમાર્ગ પણ બાંધ્યો છે અને તેને M.25 નામ આપ્યું છે. આ માર્ગ 1986માં ખુલ્લો મુકાયો છે.
1981માં સરકારે ડૉકલૅન્ડ ડેવલપમેન્ટ કૉર્પોરેશન રચ્યું છે, તેનાથી પૂર્વ લંડનના ગોદીવિસ્તાર પર નિયંત્રણ રખાય છે. આ કૉર્પોરેશનનું કાર્ય નવા ધંધાદારીઓ અને નિવાસીઓને આ વિસ્તારમાં વસવા આકર્ષવાનું છે. આ વિસ્તારના જાહેર પરિવહનને સુવિધા આપવા હળવો રેલમાર્ગ પણ ખુલ્લો મુકાયો છે.
ગિરીશભાઈ પંડ્યા
નીતિન કોઠારી
અમિતાભ મડિયા