લંડન, જૅક (જ. 12 જાન્યુઆરી 1876, સાન ફ્રાન્સિસ્કો; અ. 22 નવેમ્બર 1916, ગ્લેન ઍલન, કૅલિફૉર્નિયા, યુ.એસ.) : અમેરિકન નવલકથાકાર અને ટૂંકી વાર્તાના સર્જક. મૂળ નામ જૉન ગ્રિફિથ ચેની. પોતાના અસ્તિત્વ માટે પ્રકૃતિ સાથે તુમુલ સંઘર્ષ કરતા માનવીના અથાગ પુરુષાર્થની કથાઓના સર્જક તરીકે તેમનું નામ સાહિત્યજગતમાં ખૂબ જાણીતું બન્યું છે. જગતની કેટલીક ભાષાઓમાં તેમની કૃતિઓના અનુવાદનું પ્રમાણ વિપુલ છે. બાળપણ અત્યંત ગરીબાઈમાં વીત્યું હતું. ઑકલૅન્ડની ઝૂંપડપટ્ટીમાં રહીને ત્યાંના બંદર ઉપર નાંગરેલા વહાણમાંથી સામાનની ચોરી કરતી ટોળીના તેઓ સરદાર બન્યા હતા. ઉત્તર પૅસિફિકમાં એક જહાજમાં 17 વર્ષની વયે ખલાસી બનીને ગયા હતા. છેક જાપાન સુધી દરિયાની ખેપ કરેલી. અમેરિકામાં ભારખાના(goods train)માં બેસીને મુસાફરી કરતા. માલસામાન ઊંચકતા હમાલ તરીકે મજૂરી કરેલી. રખડુ આવારા તરીકે જેલવાસ પણ ભોગવેલો. 1894માં આક્રમક સમાજવાદી બન્યા. જાહેર પુસ્તકાલયોમાં ચાર્લ્સ ડાર્વિન, કાર્લ માર્કસ, ફ્રેડરિક નીત્શેને વાંચી-વિચારી સમાજવાદની પોતાની સમજ અને શ્વેતરંગી પ્રજાની મોટપની લોકભોગ્ય બરની સંમિશ્રિત સાહિત્યરચના કરી. 19 વર્ષની ઉંમરે હાઈસ્કૂલના ચાર વર્ષના અભ્યાસક્રમમાં આવતી સામગ્રીને એક વર્ષમાં –કંઠસ્થ કરી, તેમાં ઉત્તીર્ણ થઈ યુનિવર્સિટી ઑવ્ કૅલિફૉર્નિયા, બર્કલીમાં પ્રવેશ મેળવ્યો, પરંતુ એક વર્ષમાં  1897માં સોનાની શોધ(goldrush)ની નસીબ અજમાવવાની દોડમાં જોડાઈ ગયા. જોકે એક વર્ષ પછી તેમાં નિષ્ફળ જતાં, તેમણે લેખક બનવાનો નિર્ધાર કર્યો.

કેટલાંક સામયિકોના વાચન પછી રોજેરોજ સૉનેટ, કથાકાવ્યો (ballads), રમૂજી ટુચકાઓ, દૃષ્ટાંતકથાઓ, સાહસિક વાર્તાઓ અને ભયાનક વાર્તાઓ (horror stories) લખવા માંડી. તેમની કેટલીક વાર્તાઓ ‘ઓવરલૅન્ડ મન્થલી’ (1898) અને ‘આટલાન્ટિક મન્થલી’(1899)માં પ્રસિદ્ધ થયેલી. ‘માર્ટિન એડન’(1909)માં પોતાની લેખનપ્રવૃત્તિની આ મથામણની વાત તેમણે સુપેરે વર્ણવી છે. ‘ધ સન ઑવ્ ધ વુલ્ફ’ (1900) અને ‘ધ ગૉડ ઑવ્ હિઝ ફાધર્સ’ (1901) દ્વારા તેમનો બહોળો ચાહકવર્ગ ઊભો થયો હતો. ‘ચિલ્ડ્રન ઑવ્ ધ ફ્રૉસ્ટ’ (1902), ‘ધ ક્રૂઝ ઑવ્ ધ ડૅઝલર’ (1902) અને ‘ધ પીપલ ઑવ ધી એબિસ’ (1903) તેમની નોંધપાત્ર કૃતિઓ છે. અલાસ્કાની કથાઓએ તેમને ખ્યાતિ અપાવી. ‘કૉલ ઑવ્ ધ વાઇલ્ડ’ (1903) અલાસ્કાના અનુભવની શ્રેષ્ઠ કથાઓ છે. ‘ધ સી-વુલ્ફ’ (1904) તેમની લોકપ્રિય નવલકથા છે. ‘ટેલ્સ ઑવ્ ધ ફિશ પેટ્રોલ’ (1905), ‘વ્હાઇટ ફૅન્ગ’ (1906), ‘ધ રોડ’ (1907), ‘ધી આયર્ન હિલ’ (1907), ‘બર્નિંગ ડેલાઇટ’ (1910), ‘ધ ક્રૂઝ ઑવ્ ધ સ્નાર્ક’ (1911) અને ‘જૉન બાર્લાકૉર્ન’ (1913) તેમની ખ્યાતનામ કૃતિઓ છે. આમાંની કેટલીક વાર્તાઓમાં દૂરનાં પૂર્વજો સાથેનો એકાત્મભાવ, પ્રકૃતિ સાથેની સમરસતા અને વેરાન ઉજ્જડ પ્રદેશનાં દિલધડક સાહસોને વણી લેતા અનુભવોનું કલાત્મક બયાન છે. ‘ધી આયર્ન હિલ’માં ભાવિ સરમુખત્યારશાહીની તાદૃશ આગાહી કરવામાં આવી છે.

‘વૉર ઑવ્ ધ ક્લાસિઝ’ (1905), ‘ધ વૅલી ઑવ્ ધ મૂન’ (1913) અને ‘ધ હ્યૂમન ડ્રિફ્ટ’ (1917) તેમના સમાજવાદી વિચારોનો પરિચય આપતા ગ્રંથો છે.

તેમણે 50 જેટલાં પુસ્તકો આપ્યાં છે. તેમના લખાણ માટે પોતાના સમકાલીનોને મળતા વળતર કરતાં સૌથી વધુ પુરસ્કાર પ્રાપ્ત થતો, પણ ઉડાઉપણાને લીધે તેમને આર્થિક સંકડામણનો સામનો કરવો પડતો અને તાત્કાલિક આવક માટે કંઈક ને કંઈક લખવાની ફરજ પડતી.

કૅલિફૉર્નિયાના ગ્લેન ઍલન વિસ્તારમાં તેમણે ‘વુલ્ફ હાઉસ’ બંધાવડાવેલું. તેમના સમાજવાદી વિચારો જીવનભર અફર રહેલા. જોકે પાછળથી વર્ગવિગ્રહમાંનો તેમનો રસ નિર્મૂળ થઈ ગયો હતો.

જૅકની ખ્યાતિ રશિયામાં વિશેષ પ્રસરી અને પરિણામે 1956માં તેમની કૃતિઓમાંથી કેટલીક એક જ ગ્રંથ(omnibus volume)માં પ્રસિદ્ધ કરવામાં આવેલી. કહે છે કે માત્ર પાંચ કલાકમાં તેની તમામ નકલો વેચાઈ ગઈ હતી.

‘સેઇલર ઑન હૉર્સબૅક’ (1938) એ અરવિન સ્ટોને લખેલ તેમની જીવનકથા છે. એમને વિશે તેમનાં પત્ની શાર્મિયને ‘ધ બુક ઑવ્ લંડન’ (1921) અને પુત્રી જૉન લંડને ‘જૅક લંડન ઍન્ડ હિઝ ટાઇમ્સ’ (1939) પુસ્તકો લખ્યાં છે. આર. બાર્લટ્રૉપ અને એ. સિંકલેરે અલગ અલગ રીતે જૅક લંડન વિશેનાં જીવનચરિત્રો અનુક્રમે 1976 અને 1977માં પ્રસિદ્ધ કરેલાં.

વિ. પ્ર. ત્રિવેદી