ર્દષ્ટિચકતીની ક્ષીણતા (optic atrophy) : આંખમાંથી ર્દષ્ટિની સંવેદના લઈ જતી ર્દષ્ટિચેતા(optic nerve)ની ચકતીના ક્ષીણ થવાનો અને અંધાપો લાવતો વિકાર. ર્દષ્ટિપટલ(retina)માંના ચેતાતંતુઓ એકઠા થઈને ર્દષ્ટિચકતી (optic disc) બનાવે છે અને ત્યાંથી તે ર્દષ્ટિચેતા રૂપે મગજ તરફ જાય છે. ર્દષ્ટિચેતા 1 મિમી. જેટલી આંખના ગોળાની દીવાલમાં, 25 મિમી. જેટલી આંખના ગોખલા અથવા નેત્રકોટર(orbit)માં, 4થી 10 મિમી. જેટલી હાડકામાંના પોલાણમાં અને 10 મિમી. જેટલી ખોપરીના પોલાણમાં હોય છે. આંખની અંદર નેત્રાંત:દર્શક (ophthalmoscope) નામના સાધન વડે જોવામાં આવે ત્યારે ર્દષ્ટિચકતી ર્દષ્ટિપટલમાં ગુલાબી પડતા સફેદ રંગના નાના ગોળ કે સહેજ લંબગોળ વિસ્તાર રૂપે દેખાય છે. ત્યાં ર્દષ્ટિચેતાતંતુઓ ભેગા મળીને ર્દષ્ટિચેતાની શરૂઆત કરે છે. તેમાંથી લોહીની નસો નીકળતી જોવા મળે છે. સામાન્ય રીતે તે ચપટી હોય છે. પરંતુ તેના મધ્ય ભાગમાં સહેજ ખાડો હોય છે. તેને દેહધાર્મિક કટોરિકા (physiological cup) કહે છે. જો આંખની અંદરના પ્રવાહીનું દબાણ વધે તો આ ખાડો મોટો થાય છે.
ર્દષ્ટિચેતામાં જો શોથજન્ય (inflammatory) વિકાર થાય તો તેને ર્દષ્ટિચેતાશોથ (optic neuritis) કહે છે. તે 2 પ્રકારનો હોય છે :
(અ) ર્દષ્ટિચકતીશોથ (papillitis) અને (આ) પશ્ચનેત્રી ર્દષ્ટિચેતાશોથ (retro-bulbar neuritis).
(અ) ર્દકષ્ટિચકતી શોથ થવાનું કારણ નિશ્ચિત નથી. કાકડા કે નાકની આસપાસનાં હાડકાનાં પોલાણોમાં ચેપ પ્રસરે તો તેને અનુક્રમે કાકડાશોથ (tonsillitis) કે વિવરશોથ (sinusitis) કહે છે. ક્યારેક કાકડાશોથ કે વિવરશોથના દર્દીઓમાં તથા અન્ય તાવ કરતા રોગોમાં કોઈ પણ ઉંમરે, સ્ત્રીઓ તથા પુરુષો બંનેમાં, ર્દષ્ટિચકતીશોથ જોવા મળે છે. તેમાં તે આંખથી દેખાવાનું ઝડપથી ઘટે છે. આંખમાં કોઈ દુખાવો થતો નથી. ર્દષ્ટિચકતી લાલ થઈ જાય છે, તેની કિનારી સ્પષ્ટ રહે છે અને ચકતી ફૂલે છે. ક્યારેક ર્દષ્ટિપટલમાં લોહી ઝમે છે. મૂળ ચેપની યોગ્ય સારવાર, ઍન્ટિબાયૉટિક દવાઓ તથા જરૂર પડ્યે સ્ટીરોઇડ કે વિટામિન આપવાથી ફાયદો થાય છે.
(આ) પશ્ચનેત્રી ર્દષ્ટિચેતાશોથ ઉગ્ર (acute) તેમજ દીર્ઘકાલી (chronic) – એમ બંને પ્રકારના હોય છે. શરીરમાં પરુ થયેલું હોય, ક્યારેક મધુપ્રમેહ કે સ્થાનિક ચેપનો વિકાર હોય કે વ્યાપક તંતુકાઠિન્ય(disseminated sclerosis)નો વિકાર હોય તો ઉગ્ર વિકાર થાય છે. તેમાં આંખમાં દુખાવો થાય છે અને દેખાતું ઘટે છે તથા આંખનું હલનચલન પીડાકારક બને છે. આંખ બહાર તથા અંદરથી સામાન્ય લાગે છે. યોગ્ય સમયસરની તથા મૂળરોગની સારવારથી આ વિકાર શમે છે.
દીર્ઘકાલી પશ્ચનેત્રી ર્દષ્ટિચેતાશોથ(chronic retrobulbar optic neuritis)માં આંખની પાછળ આવેલી ર્દષ્ટિચેતામાં વિવિધ દ્રવ્યોની ઝેરી અસરને કારણે વિકાર થાય છે તેથી તેને વિષજન્ય અંધાપો (toxic amblyopia) પણ કહે છે. સામાન્ય રીતે તે બંને આંખને અસર કરે છે. તે મૂળભૂત રીતે ર્દષ્ટિપટલનો વિકાર હોવાથી હાલ તેને વિષજન્ય ર્દષ્ટિપટલચેતારુગ્ણતા (toxic retinoneuropathy) પણ કહે છે. મુખ્યત્વે તમાકુ, ઇથાઇલ, આલ્કોહૉલ, મિથાઇલ આલ્કોહૉલ (લઠ્ઠો), આર્સેનિક, સીસું તથા ક્વિનાઇનથી તે થાય છે. મિથાઇલ આલ્કોહૉલથી ર્દષ્ટિચકતી સુકાઈ જાય છે અને ક્ષીણ બને છે. તેને કારણે અંધાપો આવે છે. ક્વિનાઇન પણ ક્યારેક તેવી જ રીતે અંધાપો કરે છે.
ખોપરીની અંદર ગાંઠ કે અવરોધને કારણે દબાણ વધે, આંખની શિરાઓમાં લોહી વહેતું ઘટે કે અટકે તથા ઝામર કે લોહીના ઊંચા દબાણને કારણે જો વિકાર સર્જાય તો ર્દષ્ટિચકતીનો સોજો આવે છે. તેને ર્દષ્ટિચકતીશોફ (papilloedema) કહે છે. મૂળ રોગની સારવારથી તે શમે છે. લાંબા સમયનો ર્દષ્ટિચકતીશોફ ર્દષ્ટિચકતીની ક્ષીણતા લાવે છે.
ર્દષ્ટિપટલ, ર્દષ્ટિચેતા, ર્દષ્ટિચતુષ્ક (optic chiasma) અને પાર્શ્વ-કોણીય ચેતાકાય(lateral geniculate body)માંના ચેતાતંતુઓને ઈજા કે રોગ થાય તો તે ક્ષીણ થાય છે. તેને કારણે ર્દષ્ટિચકતીક્ષીણતાનો વિકાર ઉદભવે છે. આગળ વર્ણવેલા દીર્ઘકાલી ર્દષ્ટિચેતાશોથ, વિષજન્ય ર્દષ્ટિચેતાશોથ તથા લાંબા ગાળાના ર્દષ્ટિચકતીશોફના વિકારોમાં ર્દષ્ટિચકતીની ક્ષીણતા થાય છે. સાધન વડે આંખમાં જોવાથી ર્દષ્ટિચકતી ચૉક જેવી સફેદ દેખાય છે. ર્દષ્ટિચકતીની ક્ષીણતા થવાથી દેખાવાનું ઘટે છે અથવા અંધાપો આવે છે. તેના મુખ્ય 3 વિભાગો પડાયેલા છે :
(1) વર્ણકકારી ર્દષ્ટિપટલરુગ્ણતા (retinitis pigmentosa). ઝામર કે કેન્દ્રીય ર્દષ્ટિપટલધમનીમાં અવરોધ થવાના વિકારોમાં ર્દષ્ટિચકતીક્ષીણતા થાય છે. તેને અનુક્રમિક (consecutive) ર્દષ્ટિચકતીક્ષીણતા કહે છે. (2) ર્દષ્ટિચેતાના ઈજા, ઝેર, ઉપદંશ-(syphilis)નો ચેપ, અપોષણ કે અન્ય રોગોમાં જો ર્દષ્ટિચકતીક્ષીણતા થાય તો તેને પ્રાથમિક પ્રકારની ગણવામાં આવે છે. તેમાં ચકતી સફેદ થઈ જાય છે. તેની કિનારી તથા દેહધાર્મિક કટોરિકા સુસ્પષ્ટ જોઈ શકાય છે. ર્દષ્ટિચકતીશોફ (papilloedema) પછી થતા વિકારમાં ર્દષ્ટિચકતી સફેદ થાય છે. તથા તેની કિનારી અને કટોરિકા અસ્પષ્ટ બને છે. ર્દષ્ટિચકતીક્ષીણતાથી આવતો અંધાપો કાયમી હોય છે અને તેથી તેના કારણરૂપ વિકારોની તરતની સારવાર મહત્વની ગણાય છે.
શિલીન નં. શુક્લ
રોહિત દેસાઈ