ર્દશ્ય-શ્રાવ્ય શિક્ષણ

March, 2016

ર્દશ્ય-શ્રાવ્ય શિક્ષણ : ર્દષ્ટિ-શ્રુતિગમ્ય સાધનોના ઉપયોગ દ્વારા અપાતું શિક્ષણ. જ્ઞાનેન્દ્રિયોને જાગ્રત અને પ્રવૃત્ત કરવાનાં સાધનો શ્રુતિ-ષ્ટિગમ્ય સાધનો તરીકે ઓળખાય છે.

ઇન્દ્રિયો દ્વારા થતી સંવેદના (sensation) સાથે જ્ઞાનતંત્ર જોડાય છે ત્યારે પ્રત્યક્ષ જ્ઞાન (perception) થાય છે. પ્રત્યક્ષ જ્ઞાનના પાયા ઉપર વ્યક્તિ વિચાર કરે છે ત્યારે અધ્યયન (learning) શક્ય બને છે. આમ માનસિક અને શારીરિક પ્રક્રિયાના સમન્વય પર આધારિત અધ્યયનની ક્રિયા થતી હોય છે.

પ્રત્યક્ષ જ્ઞાન મોટે ભાગે આંખ અને કાન દ્વારા થાય છે. આંખ જે જે વસ્તુઓ જુએ છે, તેની પ્રતિમા આંખમાં ઉત્પન્ન થાય છે. શારીરિક ક્રિયા વડે તેની અસર (છાપ) મગજ ઉપર પડે છે. પછી વિચારના સમન્વયથી સમજણ આવે છે. આમ શીખવાની ક્રિયામાં આંખ ભાગ ભજવે છે. જે જ્ઞાન આંખ વડે જોવાથી થાય છે, તેને દર્શન (visualisation) કહે છે અને જે પદાર્થ, વસ્તુ કે ક્રિયાના દર્શનથી જ્ઞાનપ્રાપ્તિ થાય છે તે પદાર્થ, વસ્તુ કે ક્રિયાને ર્દષ્ટિગમ્ય (visual) સાધન કહે છે. તે જ પ્રમાણે જ્યારે કાન દ્વારા શ્રવણ થાય છે, તેની અસર મગજ ઉપર પડતાં વિચાર સ્ફુરે છે. આમ વિચાર અને શ્રુત અસરના સમન્વયથી જ્ઞાનપ્રાપ્તિ થાય છે. જે સાધનો દ્વારા સાંભળવાથી જ્ઞાન થાય છે તેવા સાધનને ‘શ્રુતિગમ્ય’ (audio) સાધન કહે છે.

જોવામાં અને સાંભળવામાં વ્યક્તિનું ધ્યાન (attention), રસ (interest) અને વલણ (attitude) ભાગ ભજવે છે. જોવાની વસ્તુ આ ત્રણેને અનુકૂળ હોય તો જ જ્ઞાન થાય છે. વ્યક્તિ પોતાની અનુકૂળતા પ્રમાણે વસ્તુ જુએ કે ન પણ જુએ. કેટલીક વાર આખી વસ્તુ ન જોતાં તેના કોઈ ભાગ ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. એટલે તે ભાગનું જ્ઞાન વિશેષ થવાનું. જો વ્યક્તિનું મનોવલણ વસ્તુ પ્રત્યે પ્રતિકૂળ હોય તો તેની સંવેદના થતી નથી અને સંવેદના ન થાય તો પ્રત્યક્ષ જ્ઞાન પણ ન થાય. આવી જ બિના શ્રવણની ક્રિયામાં પણ બને છે. રેડિયો વાગતો હોય અને આપણે લખવાનું ચાલુ રાખીએ છીએ. રેડિયો તરફ આપણું માનસિક ધ્યાન નથી હોતું. લખવામાં જ ધ્યાન કેન્દ્રિત થયું હોય છે. બાહ્ય જગતની સમજશક્તિ પ્રત્યક્ષજ્ઞાન પર આધારિત હોય છે. પ્રત્યક્ષજ્ઞાન જ્ઞાનેન્દ્રિયોની સંયોજિત પ્રવૃત્તિઓ પર આધારિત છે. આથી સઘળી સમજશક્તિ, વિચારશક્તિ અને વલણઘડતરનો પાયો પ્રત્યક્ષ અનુભવ છે. પ્રત્યક્ષ અનુભવો મળવા મુશ્કેલ હોય ત્યારે પરોક્ષ અનુભવો શ્રુતિ-ર્દષ્ટિગમ્ય સાધનો દ્વારા પૂરા પાડવામાં આવે છે. વ્યક્તિના જીવનમાં વિવિધ અનુભવોનો સંચિત નિધિ પડેલો હોય છે. જેમ વધુ અનુભવો તેમ વિશેષ જ્ઞાન. અનુભવોના આધારે વ્યક્તિનું વલણ ઘડાય છે, વિચારશક્તિ વિકસે છે અને એક પ્રકારની કુનેહ, કાર્યક્ષમતા, કૌશલ્ય પ્રાપ્ત થાય છે. તે જ કેળવણીનું અંતિમ ધ્યેય છે.

શિક્ષણપ્રક્રિયા દરમિયાન વધુ ને વધુ શૈક્ષણિક અનુભવો પૂરા પાડવા જોઈએ. અનુભવના પ્રકાર જુદી જુદી કક્ષાએ જુદા જુદા હોય, કેટલાક અનુભવો પ્રત્યક્ષ હોય છે તો કેટલાક પરોક્ષ પણ હોય. જેમ અનુભવો પ્રત્યક્ષ તેમ અધ્યયન ઊંડું અને અસરકારક થાય છે. જોકે પરોક્ષ અનુભવો નિષ્ફળ તો નથી જ જતા, છતાં તેનું મૂલ્ય પ્રત્યક્ષ અનુભવ કરતાં ઓછું ગણાય.

ર્દશ્ય-શ્રાવ્ય શિક્ષણના વિખ્યાત અમેરિકન નિષ્ણાત એડગર ડેઈલ અનુભવોનું વર્ગીકરણ અગિયાર વિભાગમાં કરે છે. અનુભવોની વત્તીઓછી કિંમત સમજવામાં સરળતા પડે એ હેતુથી તેમણે અગિયાર વિભાગના અનુભવોની ચિત્રાત્મક રજૂઆત કરી છે. આ રજૂઆતને તેઓ અનુભવશંકુ (cone of experience) કહે છે.

અનુભવશંકુ (cone of experience)

અનુભવોનું નિરીક્ષણ કરતાં, બે અંતિમ રેખાઓ વચ્ચે બીજા નવ તબક્કા દેખાય છે. બે અંતિમ રેખા તે (1) પ્રત્યક્ષ અનુભવો અને (2) સાવ પરોક્ષ-ભાવવાચક અનુભવો (શબ્દ-પ્રતીકો). શંકુના પાયામાં વિશાળ ફલક ઉપર પ્રત્યક્ષ હેતુલક્ષી અનુભવો પડેલા છે. નીચેથી ઉપર તરફ તબક્કાવાર વધારે ‘પરોક્ષ’ તરફ જઈશું. એટલે કે જેમ જેમ ઉપર જતા જઈશું તેમ તેમ ‘પ્રત્યક્ષ’ તત્ત્વ ઓછું થતું જશે; અને પરોક્ષપણું વધતું જશે. અંતે શિખર પર નરી પરોક્ષ સ્થિતિ જોવા મળે. તેવી જ રીતે ઉપરથી નીચે જતી વખતે ‘પરોક્ષ’ તરફથી ‘પ્રત્યક્ષ’ તરફ જઈશું અને અંતે નરી પ્રત્યક્ષ સ્થિતિ જોવા મળે. તેમ છતાં આ તબક્કાઓ વચ્ચે કોઈ જડ દીવાલ નથી. આ તબક્કાઓ કેવળ સમજ ખાતર કલ્પવામાં આવ્યા છે.

અમેરિકાના ‘નૅશનલ એજ્યુકેશન ઍસોસિયેશન’ના ‘કમ્યુનિકેશન રિવ્યૂ’ની 1950ની આવૃત્તિમાં પ્રગટ થયેલાં 120 સંશોધન-અધ્યયનોમાંથી એ સ્પષ્ટતા મળે છે કે અધ્યયનની પ્રક્રિયાને રોચક, અસરકારક, વ્યાપક અને કાયમી ફલદાયી બનાવવામાં ર્દશ્ય-શ્રાવ્ય સાધનો અતિ ઉપયોગી નીવડ્યાં છે. ર્દશ્ય-શ્રાવ્ય સાધનોનો યોગ્ય અને વિવેકપૂર્વક ઉપયોગ કરવાથી નીચેની સિદ્ધિઓ પ્રાપ્ત થતી જોવા મળી હતી :

(1) વિચારશક્તિ અને ખ્યાલના બંધારણ માટે મૂર્ત સ્વરૂપની ભૂમિકા બંધાય છે. (2) વ્યવસ્થિત અને ર્દઢ ખ્યાલ બંધાવાથી અર્થહીન અને શાબ્દિક પ્રતિચારોમાં ઘટાડો થાય છે. (3) અધ્યયનમાં ઊંચા પ્રકારનો રસ પૂરો પાડે છે. (4) શિક્ષણને કાયમી બનાવે છે. (5) પ્રત્યક્ષ વાસ્તવિક અનુભવો પૂરા પાડે છે જે રસપ્રવૃત્તિને પ્રેરે છે. (6) વિચારનું સાતત્ય જાળવે છે. (7) અર્થઘટન કરવાની શક્તિ વિકસાવે છે. (8) દુર્લભ અનુભવો પૂરા પાડે છે. (9) શિક્ષણનાં વૈવિધ્ય, ક્ષમતા અને ઊંડાણમાં વૃદ્ધિ કરે છે. (10) વ્યક્તિગત તફાવતોને પહોંચી વળાય છે.

શિક્ષણને અસરકારક બનાવવા વિવિધ ‘ર્દષ્ટિ-શ્રુતિગમ્ય’ સાધનો ઉપલબ્ધ છે. સાધનોના પ્રકાર અને ઉપયોગ અનેકવિધ છે. જરૂરિયાત મુજબ તેનો ઉપયોગ વિચારવામાં આવે છે :

(અ) ર્દષ્ટિગમ્ય સાધનો : ચિત્રો, આકૃતિઓ, નકશા, આલેખન, ચૉક બોર્ડ, બુલેટિન-બોર્ડ, પ્રક્ષેપચિત્રો, પદાર્થ, વસ્તુ, નમૂના, સંગ્રહાલયની વસ્તુઓ, પ્રદર્શનની વસ્તુઓ, પૃથ્વીનો ગોળો વગેરે.

(બ) શ્રુતિ-ગમ્ય સાધનો : ગ્રામોફોન, રેડિયો, ટેપરેકર્ડર વગેરે.

(ક) ર્દષ્ટિ-શ્રુતિગમ્ય સાધનો : ચલચિત્ર, ટેલિવિઝન, પ્રવાસ-પર્યટન, નાટ્ય-પ્રયોગો, દાર્શનિક પ્રયોગો વગેરે ગણાવી શકાય.

શિક્ષણની પ્રક્રિયામાં પ્રત્યક્ષ અને પરોક્ષ અનુભવના ફાળા વિશે ચર્ચા થઈ. પણ પાયાની શરત એ છે કે આવા અનુભવો મેળવવા અધ્યેતા ઉત્સુક હોવો જરૂરી છે. અધ્યેતા નવા અનુભવો મેળવવા તૈયાર હોવો જોઈએ. આ માટે અધ્યેતાને નવી પરિસ્થિતિનો આછો ખ્યાલ આપી, નવા અનુભવો પ્રત્યે રસ ઉત્પન્ન કરવાથી તથા સહાનુભૂતિભર્યું વલણ પેદા કરવાથી આ કાર્ય પૂરું થાય છે. જિજ્ઞાસા, રસ અને માનસિક તૈયારી પેદા કરવાની પ્રક્રિયાને શૈક્ષણિક મનોવિજ્ઞાનમાં ઉદ્દીપન કે પ્રેરણા (motivation) કહે છે. ઉદ્દીપનની પ્રક્રિયામાં રસનું સ્થાન અને કાર્ય અતિ મહત્વનું અને પાયાનું લેખાય છે.

જયંતીલાલ ધારશીભાઈ ભાલ