ર્દશ્ય વર્ણપટ : વીજચુંબકીય વિકિરણનો લગભગ 400થી 800 નેમી (1 નેમી = 10–9 મી.) તરંગલંબાઈ વચ્ચેનો ર્દશ્યમાન ભાગ. પ્રકાશ એક પ્રકારના વીજચુંબકીય તરંગો તરીકે વર્તે છે. આ તરંગો જુદી જુદી તરંગલંબાઈ ધરાવતા હોવાથી જ્યારે સૂર્યપ્રકાશની એક કિરણાવલીને કાચના એક ત્રિપાર્શ્વમાંથી પસાર કરવામાં આવે છે ત્યારે ર્દશ્ય વર્ણપટ તરીકે ઓળખાતો રંગોનો એક પટ્ટ (band) ઉદભવે છે. વિવિધ તરંગલંબાઈ માટે કાચનો વક્રીભવનાંક (refractive index) ભિન્ન ભિન્ન હોવાથી પ્રકાશનાં કિરણો જુદા જુદા પ્રમાણમાં વક્રીભવન પામે છે. આ પૈકી જાંબલી (violet) કિરણો ઓછી તરંગલંબાઈ ધરાવતાં હોવાથી સૌથી વધુ વક્રીભવન પામે છે. કાચ લાંબી તરંગલંબાઈ ધરાવતાં કિરણોનું ઓછામાં ઓછું વક્રીભવન કરે છે અને તે ભાગ આપણને લાલ દેખાય છે. આમ સૂર્યપ્રકાશ મેઘધનુષ્યની માફક એક પ્રકારના સરસ પટાઓમાં વહેંચાઈ જાય છે જેના એક છેડે જાંબલી અને બીજા છેડે લાલ રંગ હોય છે. અન્ય રંગો આ બે રંગો વચ્ચેના ભાગમાં આવી જાય છે. 1802માં યંગે પ્રકાશના તરંગસિદ્ધાંત દ્વારા ન્યૂટને મેળવેલા વિભિન્ન રંગોની અંદાજિત તરંગલંબાઈ નક્કી કરી હતી. વિભિન્ન રંગો માટે તરંગલંબાઈની સીમા નીચે પ્રમાણે છે :

રંગ

તરંગલંબાઈ (નેમી)
જાંબલી

410–440

વાદળી

440–490
લીલો

490–540

પીળો

540–600

નારંગી

600–630
લાલ

630–770

ર્દશ્ય વર્ણપટના જાંબલીથી આગળના ભાગમાં પારજાંબલી (ultra violet), એક્સ-કિરણો અને ગામા-કિરણો આવેલાં છે જ્યારે લાલ રંગ પછીના ભાગમાં અવરક્ત (infrared) કિરણો અને રેડિયોતરંગો આવેલાં છે.

જ. દા. તલાટી