રોહરા, સતીશકુમાર [જ. 15 ઑગસ્ટ 1929, દાદુ, સિંધ (હાલ પાકિસ્તાન)] : સિંધી અને હિંદી ભાષાના પંડિત. તેમને તેમની પુરસ્કૃત કૃતિ ‘કવિતા ખાં કવિતા તાઈં’ બદલ 2004ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે હિંદીમાં એમ.એ. અને ભાષાવિજ્ઞાનમાં સ્નાતકોત્તર ડિપ્લોમા અને પુણે યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેઓ 1990થી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સિંધોલોજી આદિપુર-ગાંધીધામના માનાર્હ નિયામક રહ્યા. તેઓ સેન્ટ્રલ હિંદી ઇન્સ્ટિટ્યૂટ આગ્રા/દિલ્હીમાં ભાષાવિજ્ઞાનના પ્રાધ્યાપકપદેથી સેવાનિવૃત્ત થયા. તેઓ ગુયાના યુનિવર્સિટીમાં હિંદીના મુલાકાતી પ્રાધ્યાપક પણ હતા.

સતીશકુમાર રોહરા

તેમણે 1945થી લેખનકાર્યનો પ્રારંભ કર્યો અને 1971માં પ્રથમ ગ્રંથ પ્રગટ કર્યો. તેઓ અંગ્રેજી, ઉર્દૂ અને ગુજરાતી ભાષાના જાણકાર છે. તેમણે કુલ 13 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘રિશ્તો’ (1989), ‘ઉન્દાહ જો સાચુ’ (1997) વાર્તાસંગ્રહ; ‘છંદ છના’ (1995), ‘કવિતા ખાં કવિતા તાઈં’ તથા ‘કથા ખાં કથા તાઈં’ વિવેચનાત્મક નિબંધસંગ્રહ; ‘ભાષા એવમ્ સિંધી ભાષા’, ‘સિંધી બોલી’આ જી આત્મકથા’ (1971), ‘ભાષા’, ‘સાહિત્ય એવમ્ સમાજ’, ‘કલ્ચરલ બાઇપાસ સર્જરી’ ભાષાવિજ્ઞાનને લગતા નિબંધસંગ્રહ; ‘સિંધોલોજી’ (1973) સંપાદન, ‘તપસ્વી વિનોબા ભાવે’ (1957) ચરિત્ર જેવા સિંધી ગ્રંથોનો સમાવેશ થાય છે. હિંદીમાં : ‘ભાષા એવમ્ હિંદી ભાષા’ (1972), ભાષાવિજ્ઞાનને લગતો નિબંધસંગ્રહ; ‘હિંદી–સિંધી ડિક્ષનરી’ (1984), ‘હિંદી–સિંધી–ઇંગ્લિશ ડિક્ષનરી’ (1988) કોશરચના છે. અંગ્રેજીમાં : ‘એ ડેફિનિશનલ ડિક્ષનરી ઑવ્ લેક્સિકૉગ્રાફી’ (1989), ‘ટીચિંગ ઑવ્ હિંદી : ઇન્ટરનૅશનલ પર્સ્પેક્ટિવ’ના 5 ગ્રંથો તેમણે આપ્યા છે.

તેમની પુરસ્કૃત કૃતિ ‘કવિતા ખાં કવિતા તાઈં’ 10 નિબંધોનો સંગ્રહ છે. તેમાં સમકાલીન કવિઓનાં કાવ્યોનું વસ્તુનિષ્ઠ મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. લેખક એવું સાબિત કરે છે કે વિવિધ કાલના કવિઓએ મહત્વપૂર્ણ કામ કર્યું છે અને તેમના અનોખા યોગદાનનું મૂલ્યાંકન કરવું જોઈએ. તેથી આ કૃતિ સિંધીમાં લખાયેલ ભારતીય સાહિત્યિક વિવેચનનું એક ઉલ્લેખનીય પ્રદાન છે.

બળદેવભાઈ કનીજિયા