રોહતાસ : બિહાર રાજ્યના પશ્ચિમ ભાગમાં પટણા વિભાગમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 24° 57´ ઉ. અ. અને 84° 02´ પૂ. રે. આજુબાજુનો 3,851 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરમાં બક્સર અને ભોજપુર, પૂર્વમાં જહાનાબાદ અને ઔરંગાબાદ, દક્ષિણે પાલામાઉ અને ગરવા તથા પશ્ચિમે ભાબુઆ જિલ્લા આવેલા છે. જિલ્લાના મધ્યભાગમાં આવેલું સસારામ તેનું જિલ્લામથક છે.

ભૂપૃષ્ઠ : રોહતાસ જિલ્લો મધ્ય ગંગા ખીણનાં મેદાનોનો દક્ષિણ ભાગ રચે છે. તે મેદાની અને ઉચ્ચપ્રદેશીય એવા બે પ્રાકૃતિક વિભાગોમાં વહેંચાયેલો છે. કૈમુરની તળેટી ટેકરીઓ સુધીનો વિસ્તાર ફળદ્રૂપ કાંપની જમીનોનો બનેલો છે, પરંતુ દક્ષિણ તરફ જતાં જમીનો સખત બનતી જાય છે. મેદાનો પૂરાં થતાં તળેટી-ટેકરીઓનો વિસ્તાર શરૂ થાય છે. ત્યાંની જમીનો પથરાળ છે. કૈમુર ઉચ્ચપ્રદેશનો શિરોભાગ સમતળ નથી. તેમાં ઝાંખરાંવાળાં જંગલો છે અને ત્યાંની જમીનો ફળદ્રૂપ નથી. સસારામ નજીક નાની નાની વેરાન ટેકરીઓ આવેલી છે.

શોણ અહીંની મુખ્ય નદી છે. તે નર્મદા, વૈનગંગા અને મહાનદીનાં મૂળ નજીકથી નીકળે છે. તે પાલામાઉ, રોહતાસ અને ઉત્તર પ્રદેશના મિરઝાપુર જિલ્લાઓના ત્રિભેટે પ્રવેશે છે. ત્યાંથી તે પૂર્વ તરફ અને પછીથી ઈશાનમાં વહે છે. ગંગાને મળતાં અગાઉ તે 225 કિમી.નો પ્રવાહપથ બનાવે છે. કૈમુર ઉચ્ચપ્રદેશમાંથી ધોબા નદી નીકળે છે. સસારામથી અગ્નિકોણમાં 3 કિમી. અંતરે મેદાનમાં પ્રવેશતા પહેલાં તે જળધોધ રૂપે પડે છે. ત્યાંથી તે બે ફાંટાઓમાં વહેંચાય છે. પશ્ચિમતરફી ફાંટો (કુદ્રા) કર્માંસાને અને ઉત્તરતરફી ફાંટો (કાઓ) ગંગાને મળે છે.

રોહતાસ જિલ્લો (બિહાર)

ખેતીપશુપાલન : ડાંગર, ઘઉં, મકાઈ, જુવાર, બાજરી અને જવ આ જિલ્લાના મુખ્ય કૃષિપાકો છે. અન્ય પાકોમાં ચણા, મસૂર, તુવેર, મગ, અડદ, શેરડી, મરચાં અને બટાટાનો સમાવેશ થાય છે. શોણ અને કર્માંસા અહીંની બારમાસી નદીઓ છે, તે સિંચાઈ માટે ઉપયોગી છે. તાજેતરમાં દેહરીથી ઉપરવાસમાં 13 કિમી. અંતરે ઇન્દ્રપુરી ખાતે, શોણ નદી પર આડબંધ બાંધી તેમાંથી નહેરો કાઢવામાં આવી છે. ઉત્તર પ્રદેશમાં રિહાન્દ બંધ બંધાતાં શોણની નહેરોમાં પાણીની આવક ઓછી થઈ છે. આથી પાલામાઉ જિલ્લામાં કુકુ ખાતે કોયલ નદી પર બંધ બાંધીને શોણની નહેરોને પાણી પૂરું પડાય છે. મેદાની વિસ્તારોમાં વરસાદના પાણીને તળાવો અને નાનાં જળાશયોમાં એકત્ર કરી ખેતીના ઉપયોગમાં લેવાય છે. અહીં ઊંડાઈએ પૂરતો ભૂગર્ભજળ-જથ્થો હોવાથી 25થી 30 મીટર ઊંડાઈવાળા નાના તથા 70થી 100 મીટર ઊંડાઈવાળા મોટા ટ્યૂબવેલો પણ તૈયાર કરાયા છે. અહીંની મુખ્ય જંગલપેદાશોમાં લાકડાં અને વાંસ તથા ગૌણ જંગલપેદાશોમાં મધ, ઢોર માટેનું ઘાસ–સબાઈ ઘાસ, ફૂલ, જંગલી પ્રાણીઓનાં ચામડાં તેમજ શિંગડાંનો સમાવેશ થાય છે. જિલ્લામાં ગાયો, ભેંસો, ઘેટાં-બકરાં અને ભૂંડનો ઉછેર થાય છે. આ ઉપરાંત લોકો મરઘાં-બતકાં પણ પાળે છે.

ઉદ્યોગોવેપાર : આ જિલ્લામાંથી ચૂનાખડકો, ગંધક અને પાયરાઇટ મળે છે. અહીં મોટા પાયા પરના ઉદ્યોગોનું પ્રમાણ ઓછું છે. દાલમિયાંનગર ઔદ્યોગિક જૂથ દેહરી-ઑન-શોણ ખાતે આવેલું છે. અહીંનાં સિમેન્ટનાં કારખાનાં જાણીતાં છે. ચાંદી અને પિત્તળનાં વાસણો, ઘી, ચામડાનો માલસામાન, રમકડાં, કાષ્ઠ-કોતરકામ વગેરે માટેના નાના પાયા પરના ઔદ્યોગિક એકમો ઊભા થયેલા છે. વળી અહીં વનસ્પતિ ઘી અને ખાંડના ઉદ્યોગો પણ વિકસ્યા છે. આ જિલ્લામાં ઍલ્યુમિનિયમ, સિમેન્ટ, ધાબળા વગેરેનું ઉત્પાદન લેવાય છે. ડાંગર, સિમેન્ટ અને બટાટાની નિકાસ તથા કાપડ, કોલસો, ઇમારતી લાકડાં, વાંસ અને ખાંડની આયાત કરવામાં આવે છે.

પરિવહન-પ્રવાસન : રોહતાસ જિલ્લામાં માર્ગવ્યવહાર માટેની સુવિકસિત વ્યવસ્થા છે. દિલ્હી-કોલકાતા વચ્ચેનો ગ્રાન્ડ ટ્રંક રોડ, પૂર્વીય રેલવિભાગનો ગ્રાન્ડ કૉર્ડ રેલમાર્ગ (80 કિમી.) અને દિલ્હી-રોહતાસ વચ્ચેનો રેલમાર્ગ (66 કિમી.) આ જિલ્લામાંથી પસાર થાય છે.

અકબરપુર, આકોર્હી, બંજારી, દેહરી, દેવ માર્કંડેય, રોહતાસગઢ અને સસારામ અહીંનાં અગત્યનાં પ્રવાસ-સ્થળો છે. (i) અકબરપુર : આ સ્થળ રોહતાસથી 5 કિમી. અંતરે કૈમુર ગિરિમાળાની તળેટીમાં આવેલું છે. મુઘલ શહેનશાહ અકબરના નામ પરથી તેને નામ અપાયેલું છે. શાહજહાંના શાસનકાળ દરમિયાનના રોહતાસગઢના દારોગા મલિક વિશાલખાનની કબર અહીં આવેલી છે. આ કબર પર મુઘલકાળ વખતે અકબરપુર એક પરગણું હોવાનો નિર્દેશ કરતો લેખ જોવા મળે છે. (ii) આકોર્હી : દેહરી-રાજપુર માર્ગ પર, દેહરીથી ઉત્તરે 13 કિમી. અંતરે આવેલું આ સ્થળ તેના ધાબળાના વણાટકામ માટે જાણીતું છે. અહીં કારતક, ફાગણ, વૈશાખ અને જેઠ મહિનાઓમાં પશુમેળા ભરાય છે. (iii) બંજારી : રોહતાસ વિભાગમાં રોહતાસથી 5 કિમી. ઉત્તર તરફ દેહરી-રોહતાસ રેલમાર્ગ પરનું મથક. તે નજીકમાં મળતા કલ્યાણપુર–ચૂનાખડકમાંથી બનાવાતા સિમેન્ટના કારખાના માટે જાણીતું છે. (iv) દેહરી : પૂર્વીય ગ્રાન્ડ કૉર્ડ રેલમાર્ગ પર આવેલું આ જંક્શન રોહતાસના ઔદ્યોગિક મથક તરીકે જાણીતું છે. અહીં શોણ નદીને કાંઠે રોહતાસગઢ નામના પ્રાચીન કિલ્લાના અવશેષો જોવા મળે છે. શોણ નહેર-યોજનાની શરૂઆત દેહરીથી થાય છે. અહીંના દાલમિયાનગર ખાતે ખાંડ, સિમેન્ટ, કાગળ, ઍસ્બેસ્ટૉસ અને મીઠાઈનાં કારખાનાં આવેલાં છે. (v) દેવ માર્કંડેય : સસારામ ઉપવિભાગમાં નસરીગંજની ઉત્તરે 8 કિમી.ને અંતરે આવેલું આ સ્થળ તેનાં વિષ્ણુમંદિર અને સૂર્યમંદિર માટે જાણીતું છે. આ મંદિરો રાજા ફૂલચંદ ચેરુની રાણીએ છઠ્ઠી સદીમાં બંધાવેલાં હોવાનું કહેવાય છે, પરંતુ કનિંગહામ આ મંદિરો છઠ્ઠી કે સાતમી સદીમાં બંધાયાં હોવાનું કહે છે. (vi) રોહતાસગઢ : સસારામ ઉપવિભાગમાં રોહતાસની પશ્ચિમે 5 કિમી. અંતરે આવેલા રોહતાસગઢનો કિલ્લો સત્યવાદી રાજા હરિશ્ચંદ્રના પુત્ર રોહિતાશ્વે બંધાવેલો હોવાથી તેનું નામ રોહતાસગઢ પડેલું હોવાનું મનાય છે. અહીંની કેટલીક સ્થાનિક જાતિઓના કહેવા મુજબ મંદારી ભાષામાં રોહ (સૂકી) અને તાસ(ભૂમિ)નો અર્થ સૂકી ભૂમિ જેવો થાય છે. રોહતાસમાં આવેલો એક મોટો કિલ્લો 1538માં શેરશાહના કબજામાં હતો. આ સ્થળ અકબરના સમયમાં પૂર્વ પ્રાંતોના સૂબાઓનું મુખ્ય મથક બની રહેલું. આ કિલ્લાની નજીક શેખ બબલ નામના એક મુસ્લિમ સંતની મજાર આવેલી છે. કિલ્લાની ઉત્તરમાં એક કિમી.ના અંતરે આવેલું બાવન તાલાબ તેનાં પ્રાચીન મંદિરો માટે જાણીતું છે. નામ પ્રમાણે તે જૂના વખતમાં 52 તળાવોથી ઘેરાયેલું હતું, પરંતુ આજે તો તેના કોઈ અવશેષો નજરે પડતા નથી. અહીં રાજા હરિશ્ચંદ્રે બંધાવેલું હોવાનું કહેવાતું ‘ઔરાસન’ નામનું એક પ્રાચીન શિવમંદિર પણ છે. (vii) સસારામ : રોહતાસ જિલ્લાનું જિલ્લામથક છે. અહીંથી ગ્રાન્ડ ટ્રંક માર્ગ તથા ગ્રાન્ડ કૉર્ડ રેલમાર્ગ પસાર થાય છે. નજીકમાં ઘણાં સ્મારકો આવેલાં હોવાથી ઐતિહાસિક દૃષ્ટિએ આ સ્થળ મહત્વનું ગણાય છે. શેરશાહે અહીં સોળમી સદીમાં એક મકબરો બંધાવેલો. એક મોટા તળાવની મધ્યમાં આવેલો પથ્થરથી બનાવેલો આ મકબરો ષટ્કોણાકાર છે તેમજ ઊંચાઈની દૃષ્ટિએ તે ભારતમાં બીજા ક્રમે આવે છે. તે તેના પઠાણ-સ્થાપત્યના અજોડ નમૂનારૂપ છે. આ બધાં કારણોથી પ્રવાસીઓ માટે તે આકર્ષણનું કેન્દ્ર બની રહેલો છે. આ નગરમાં શેરશાહના પિતા હસનખાનની કબર પણ છે, તે ‘સુખરોઝા’ નામથી જાણીતી છે. સસારામ નજીકની એક ટેકરી પર ચંદનપીર ખાતે સમ્રાટ અશોકનો એક શિલાલેખ પણ છે.

આ જિલ્લામાં  જુદે જુદે સ્થળે વાર-તહેવારે મેળા ભરાય છે અને ઉત્સવો ઊજવાય છે.

વસ્તી : 2001  મુજબ આ જિલ્લાની વસ્તી 24,48,762 જેટલી છે, તે પૈકી ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે આશરે 85 % અને 15 % જેટલું છે. અહીં હિન્દુ, મુસ્લિમ અને શીખોની વસ્તી વિશેષ છે; જ્યારે ખ્રિસ્તી, બૌદ્ધ અને જૈનોની વસ્તી ઓછી છે. અહીં હિન્દી અને ઉર્દૂ ભાષાઓ બોલાય છે. અહીં સાક્ષરતાનું પ્રમાણ 52 % જેટલું છે. શિક્ષણસંસ્થાઓનું પ્રમાણ મધ્યમસરનું છે. રોહતાસમાં ત્રણ કૉલેજો આવેલી છે. તબીબી સેવાની સુવિધાઓ નગરો, શહેરો ઉપરાંત અમુક ગામડાંઓ પૂરતી મર્યાદિત છે. વહીવટી સરળતા માટે જિલ્લાને 3 ઉપવિભાગો અને 13 સમાજવિકાસ-ઘટકોમાં વહેંચેલો છે. જિલ્લામાં 6 નગરો છે, જિલ્લામથક સસારામની વસ્તી એક લાખથી ઓછી છે.

ઇતિહાસ : રોહતાસ જિલ્લાની રચના 1972માં કરવામાં આવેલી છે. તેનો ઇતિહાસ તેના મૂળ જિલ્લા શાહાબાદ સાથે સંકળાયેલો છે, તેમ છતાં રોહતાસ પોતાનો આગવો ઇતિહાસ પણ ધરાવે છે. પ્રાગ્ઐતિહાસિક કાળમાં અહીંનો ઉચ્ચપ્રદેશીય વિસ્તાર આદિવાસીઓનો પ્રદેશ હતો. ભાર, ચેરુ, સવાર જાતિના મુખિયાઓનું અહીં વર્ચસ્ હતું. દંતકથાઓ મુજબ, રોહતાસના પહાડી ભાગોમાં વસતા મૂળ વસાહતીઓ ખારવાર તરીકે ઓળખાતા હતા, રોહતાસ અને પટણા વચ્ચેના વિસ્તારમાં ઓરાવનોનું શાસન હતું. સ્થાનિક લોકોક્તિઓ રાજા સહસ્રાર્જુનને સસારામ સાથે સાંકળે છે. સહસ્રાર્જુન અને પરશુરામ વચ્ચે લડાઈ થયેલી. સસારામ (સહસ્રા–રામ) શબ્દ સહસ્રાર્જુન અને પરશુરામમાંથી ઊતરી આવ્યાનું કહેવાય છે. ‘રોહતાસ’ નામ રાજા હરિશ્ચંદ્રના પુત્ર રોહિતાશ્વમાંથી ઊતરી આવેલું છે.

રોહતાસનો પ્રદેશ ઈ. પૂ. છઠ્ઠી સદીથી ઈ. સ.ની પાંચમી સદી સુધી મૌર્યવંશ પૂર્વેના શાસકો, મૌર્યો તેમજ ગુપ્તવંશના રાજવીઓની સત્તા હેઠળનો મગધનો એક ભાગ હતો. ઈ.સ.ની સાતમી સદી દરમિયાન તે કનોજના હર્ષ રાજવીઓને હસ્તક હતો. મુંડેશ્વરીના મંદિરનો અભિલેખ કહે છે કે અહીં રાજા ઉદયસેનનું શાસન પણ રહેલું. તે પછીથી બંગાળનો ગૌડ રાજા શશાંક થઈ ગયો. તેની મુદ્રા રોહતાસગઢમાં કોતરેલી છે. પ્રખ્યાત ચીની યાત્રી હ્યુ એન સંગ સાતમી સદીમાં ભારતમાં આવેલો ત્યારે અહીં પણ ફરેલો. તે પછી શૈલ અને પાલ નામના રાજવંશો થઈ ગયા. ત્યારબાદ ગડવાલોએ વારાણસી અને રોહતાસ લઈ લીધેલાં. આ હકીકત સસારામ નજીકના તારાચંડીના એક શિલાલેખમાં જોવા મળે છે. ગુપ્તવંશના પતન પછી આ પ્રદેશ અહીંના અધિકારીઓ(અગ્રેસરો કે મુખિયાઓ)ના હાથમાં આવેલો. ઉજ્જૈનના રાજપૂતો સાથે તેમને વર્ષો સુધી સંઘર્ષો ચાલ્યા કરેલા.

તે પછીના 1857 સુધીના ઇતિહાસની વિગતો ઉપલબ્ધ થતી નથી. 1857માં અહીંના કુંવરસિંહે અંગ્રેજો સામે બળવો કરેલો અને બળવાનું મુખ્ય સ્થળ ભોજપુર હતું. બળવાખોરો અહીંનાં કોતરોમાં છુપાઈ જતા. ભારતની આઝાદીની ચળવળમાં આ જિલ્લાના લોકોએ મહત્વનો ભાગ ભજવેલો. ત્યાં સુધી તો રોહતાસ શાહાબાદ જિલ્લાનો ભાગ હતું. 1972થી રોહતાસને અલગ જિલ્લાનો દરજ્જો મળેલો છે.

ગિરીશભાઈ પંડ્યા