રોહતક : હરિયાણા રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લા-મથક. ભૌગોલિક સ્થાન : તે 28° 56´ ઉ. અ. અને 76° 34´ પૂ. રે.ની આજુબાજુનો 1,745 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે જિંદ અને પાણીપત જિલ્લા, પૂર્વમાં સોનીપત અને પાટનગર દિલ્હી, અગ્નિમાં ગુરગાંવ, દક્ષિણે રેવાડી, પશ્ચિમે ભિવાની તથા વાયવ્યમાં હિસાર જિલ્લા આવેલા છે.

ભૂપૃષ્ઠઆબોહવાજમીનો : અહીંનું ભૂપૃષ્ઠ સતલજ અને ગંગા નદી વચ્ચે આવેલા સમતળ કાંપના મેદાનથી બનેલું છે. જિલ્લાની ભૂમિનો સામાન્ય ઢોળાવ ઈશાનથી નૈર્ઋત્ય તરફનો છે, પરંતુ દક્ષિણ ભાગનો ઢોળાવ ઉત્તર તરફનો છે. આ કારણે જિલ્લાનું ભૂપૃષ્ઠ રકાબી આકારના થાળા જેવું બની રહેલું છે. જિલ્લાની આબોહવા વિષમ પ્રકારની છે. ઉનાળા ગરમ, શિયાળા ઠંડા અને ચોમાસું ઓછા વરસાદવાળું રહે છે. વરસાદની ઋતુમાં જમીનો ધોવાણ પામે છે. રકાબી આકારના થાળાને લીધે ધોવાણ પામેલા ક્ષારો જમીનમાં ઊતરે છે. ઉનાળા દરમિયાન બાષ્પીભવનથી કેશાકર્ષણની ક્રિયા દ્વારા ભૂમિસપાટી પર ક્ષાર નીકળી આવીને સફેદ પોપડીઓ જામે છે. જિલ્લામાં ગોરાડુ, રેતાળ ગોરાડુ અને સ્થૂળ ગોરાડુ જેવી ત્રણ પ્રકારની જમીનો જોવા મળે છે. જિલ્લામાં જંગલો આવેલાં નથી. અહીં કોઈ નદીઓ પણ આવેલી નથી; પરંતુ નહેરો અને ટ્યૂબવેલ મોટી સંખ્યામાં છે.

ખેતીપશુપાલન : જિલ્લાનું અર્થતંત્ર મુખ્યત્વે ખેતી અને પશુપાલન પર નિર્ભર છે. વસ્તીના આશરે 60 % લોકો ખેતીમાં રોકાયેલા રહે છે. અહીં ખરીફ, રવી અને જૈદ પાકો લેવાય છે. મુખ્ય ખરીફ પાકોમાં જુવાર, બાજરી, શેરડી, કપાસ, ડાંગર અને મગનો તેમજ રવી પાકોમાં ઘઉં, ચણા, જવ અને તેલીબિયાંનો સમાવેશ થાય છે. અહીં પશ્ચિમ યમુના નહેર-રચનાની શાખાઓ આવેલી છે. મોટાભાગની ખેતી નહેરો અને ટ્યૂબવેલની મદદથી થાય છે. પશુઓ માટે દવાખાનાં, ચિકિત્સાલયો અને કૃત્રિમ ગર્ભાધાન-કેન્દ્રોની વ્યવસ્થા છે.

રોહતક જિલ્લો (હરિયાણા)

ઉદ્યોગવેપાર : આ જિલ્લામાં 22 જેટલા મોટા અને મધ્યમ પાયા પરના તથા 5,000થી વધુ નાના પાયા પરના ઔદ્યોગિક એકમો આવેલા છે. આ ઉપરાંત આશરે 4,500 જેટલા ગૃહઉદ્યોગો પણ વિકસેલા છે. રોહતક અને બહાદુરગઢ ખાતે બે ઔદ્યોગિક વસાહતો છે, જ્યારે ગોહના ખાતે વધુ એક વસાહત આકાર લઈ રહી છે. જિલ્લામાં મુખ્યત્વે કૃષિસાધનો બનાવાય છે. રોહતકમાં સ્ક્રૂ, બહાદુરગઢમાં કાચનો માલસામાન, ઝાજરમાં માટીની કોઠીઓ અને રમકડાં તથા બેરીમાં સિમેન્ટનો માલસામાન તૈયાર થાય છે. જિલ્લા-મથક રોહતક અનાજ અને કપાસનું મુખ્ય વેપારી મથક છે. અહીંથી ક્ષારીય દ્રાવણજન્ય અને ચૂનાખડકોના નિક્ષેપો પણ મળે છે. વળી  જિલ્લાની નિકાસી ચીજવસ્તુઓમાં ઘઉં તેમજ અન્ય ધાન્યો, માટીની કોઠીઓનો જ્યારે આયાતી માલમાં પોલાદની મિશ્રધાતુ, સોડાઍશ, કાપડ, કપાસિયાં, ઘી અને ખાંડનો સમાવેશ થાય છે.

વાહનવ્યવહારપ્રવાસન : જિલ્લામથક રોહતક જિલ્લાના મધ્ય-ઉત્તર ભાગમાં, દિલ્હી-ફીરોઝપુર રેલમાર્ગ પર, દિલ્હીથી 70 કિમી. દૂર વાયવ્ય તરફ અને ચંડીગઢથી 240 કિમી. દૂર દક્ષિણ તરફ આવેલું છે. જિલ્લાનો મોટો ભાગ રોહતક-દિલ્હી ધોરી માર્ગથી સાંકળી લેવામાં આવેલો છે. જિલ્લો તેમજ જિલ્લામથક બંને દિલ્હીથી નજીક હોઈ રેલમાર્ગ તથા સડકમાર્ગોની પૂરતી સુવિધા ધરાવે છે.

રોહતક જિલ્લામાં ઐતિહાસિક દૃષ્ટિએ ઘણાં મહત્વનાં સ્થળો આવેલાં છે. આ ઉપરાંત ધાર્મિક, મનોરંજન તેમજ પુરાતત્વ અને શિલ્પ-સ્થાપત્યની દૃષ્ટિએ અગત્યનાં ગણી શકાય એવાં જોવાલાયક સ્થળો પણ છે. આ પૈકી રોહતક, તિલ્યાર, બોહર, સાંઘી, બહાદુરગઢ. ઝાજર, બેરી, મોહનવાડી, ગોહના, માહમ વગેરે સવિશેષ ઉલ્લેખનીય છે.

વસ્તી : 2001ની વસ્તીગણતરી અનુસાર આ જિલ્લાની વસ્તી 9,40,036 જેટલી છે. તે પૈકી 54 % પુરુષો અને 46 % સ્ત્રીઓ છે. ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 80 % અને 20 % જેટલું છે. અહીં 90 % હિન્દુઓ છે, જ્યારે બાકીના 10 % મુસ્લિમ, બૌદ્ધ, જૈન, શીખ અને ખ્રિસ્તી લોકોનો ક્રમ આવે છે. જિલ્લામાં બોલાતી મુખ્ય ભાષા હિન્દી છે. જિલ્લામાં સાક્ષરતાનું પ્રમાણ 50 % જેટલું છે. શહેરી વિસ્તારોમાં શાળાઓ અને કૉલેજો આવેલી છે. ગ્રામીણ વિસ્તારોમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓનું પ્રમાણ મધ્યમસરનું છે. રોહતક ખાતે લગભગ 20 જેટલી કૉલેજો આવેલી છે. ગોહના, ઝાજર, કાલાનૌર, ખેરી સંપલા, મહામ અને રોહતક ખાતે તબીબી સેવાની વ્યવસ્થા ઉપલબ્ધ છે. વહીવટી સરળતા માટે જિલ્લાને 5 તાલુકાઓમાં અને 13 સમાજવિકાસ-ઘટકોમાં વહેંચેલો છે. જિલ્લામાં 8 શહેરો અને 492 (19 વસ્તીવિહીન) ગામડાં આવેલાં છે.

રોહતક (શહેર) : જિલ્લામથક તેમજ તાલુકામથક. ભૌગોલિક સ્થાન : 28° 56´ ઉ. અ. અને 76° 34´ પૂ.. રે. તે દિલ્હી-ફીરોઝપુર રેલમાર્ગ પર આવેલું છે. 2001 મુજબ તેની વસ્તી આશરે 2,22,000 જેટલી છે. મહાભારતમાં મળતા ઉલ્લેખ મુજબ આ સ્થળ ‘રોહિતક’ નામથી જાણીતું હતું. સંભવત: તે યૌધેયના બહુધાન્યક સામ્રાજ્યનું પાટનગર હતું. મૂલસર્વસ્તિવાદિનના ‘વિનય’માં જીવકે વાયવ્યમાં આવેલા તક્ષશિલાથી ગંગાના દોઆબ વિસ્તારમાં આવેલાં ભદ્રંકર, ઉદુમ્બર, રોહિતક અને મથુરાનો પ્રવાસ ખેડેલો હોવાનો ઉલ્લેખ મળે છે. ગંગાની ખીણથી તક્ષશિલા સુધી વેપાર ખેડાતો અને તે માટેનો પ્રાચીન ધોરી માર્ગ રોહિતકથી સકલ સુધીનો હતો.

આજના રોહતક નગર નજીકના ખોખરાકોટના ટેકરામાંથી પ્રાચીન નગરનાં ખંડિયેરોના અવશેષો મળ્યા છે. આ બાબત અહીંની ઐતિહાસિક વિગતો પર પ્રકાશ ફેંકે છે. પુષ્યમિત્ર શુંગના મૃત્યુ બાદ તુરત જ આ પ્રદેશના લોકો(યૌધેયો)એ આઝાદી મેળવવા નિર્ણય કરેલો. કિંવદન્તી એવી છે કે તેઓ યુધિષ્ઠિરના વંશજો હતા. મહાભારતના પુરાવાઓ પરથી તેમજ ખોખરાકોટ ખાતેથી મળેલી સિક્કાઓની ટંકશાળ પરથી જણાય છે કે તેમણે તેમની રાજધાનીનું સ્થળ રોહતક ખાતે સ્થાપવા પ્રયાસ કરેલો. આ પ્રદેશ ત્યારે ‘બહુધાન્યક’ નામથી ઓળખાતો હતો. અહીંથી ઈ. પૂ.ની બીજી સદીના ‘મહારાજસ’, ‘યૌધેય’, ‘યૌધેયનામ’, ‘બહુધનયૌધેય’ અને ‘યૌધેયનામ બહુધાન્યક’ જેવાં લખાણોવાળા વિવિધ સિક્કા મળી આવ્યા છે. આ ઉપરાંત 14 ઇન્ડો-ગ્રીક શાસકોના સિક્કા પણ અહીંથી જ મળ્યા છે. આ બધા સિક્કા ચાંદી કે તાંબાના છે અને ચોરસ કે ગોળાકારમાં છે. સિક્કાઓની એક બાજુ પર રાજાઓની છાપ અને ગ્રીક લખાણ છે, તો બીજી બાજુ પર ગ્રીક દેવ-દેવીઓ અને ખરોષ્ઠી કે પ્રાકૃત ભાષામાં લખાણ છે. કેટલાક સિક્કાઓ પર હાથી અને વૃષભની છાપ પણ છે. ખોખરાકોટ ખાતેથી બૌદ્ધકાલીન શિલ્પોના તૂટેલા ભાગો પણ મળ્યા છે. ત્યાંથી મળેલા સિક્કા અને તેમનાં બીબાં નિ:શંકપણે સૂચવે છે કે આ પ્રદેશ પર 836થી 890 દરમિયાન પ્રતિહાર મિહિર ભોજનું શાસન હતું. તે પછીથી આ નગર પૃથ્વીરાજના સમયમાં ફરીથી પુનર્નિર્માણ પામેલું. જનરલ મંડી (1828) આ પ્રાચીન નગર અને તેનાં ખંડિયેરો વિશે જણાવે છે : એક કાળે આ નગરની આજુબાજુ દરવાજાઓ સહિતનો કોટ હતો. આજે તે પૈકીના માત્ર ત્રણ જ દરવાજા તૂટેલી સ્થિતિમાં જોવા મળે છે. આ નગરમાં સંખ્યાબંધ જૂની મસ્જિદો પણ છે, તે પૈકીની કેટલીક તો મુસ્લિમ સ્થાપત્યના ભવ્ય નમૂનારૂપ છે. અદિના મસ્જિદ (અથવા દિની મસ્જિદ) જૂનામાં જૂની, સંભવત: 1140ના અરસાની, છે. આ મસ્જિદને ઉત્તર છેડે એક તહેખાનું (ભોંયરું) પણ છે. તેની કમાન પર અલાઉદ્દીન ખલજી(1308)ના સમયનો લેખ પણ છે. રોહતક અનાજ અને કપાસનું મુખ્ય વેપારી મથક છે. અહીં કેટલાક નાના પાયા પરના ઉદ્યોગો આવેલા છે. 1867માં અહીં મ્યુનિસિપાલિટી સ્થપાઈ છે. આ શહેરમાં ખેતીનું સંશોધન-કેન્દ્ર આવેલું છે. અહીં મહર્ષિ દયાનંદ સરસ્વતીના આર્યસમાજનું મુખ્ય કેન્દ્ર (1976) સ્થાપવામાં આવ્યું છે. તબીબી સંસ્થા સહિત અહીં 12 જેટલી કૉલેજો છે.

રોહતક નગરમાં પ્રવાસીઓ માટેનું માયના વિહારધામનું સંકુલ પણ છે. રોહતક દિલ્હી સાથે રેલમાર્ગે અને ભિવાની-પાણીપત સાથે સડકમાર્ગે જોડાયેલું છે.

ગિરીશભાઈ પંડ્યા