રોહડિયા, રતુદાન બાણીદાન, ‘દેવહંસ’

January, 2004

રોહડિયા, રતુદાન બાણીદાન, ‘દેવહંસ’ (જ. 11 સપ્ટેમ્બર 1937, સુમરી, જિ. જામનગર) : નવલકથાકાર, વાર્તાકાર, સંપાદક અને વિવિધ સાહિત્યના અઠંગ અભ્યાસી. માત્ર બે ધોરણનું ઔપચારિક શિક્ષણ. બાળપણથી જ બહેરા-મૂંગા હોવાથી ગૃહઅભ્યાસથી ચારણી સાહિત્યની વેરવિખેર પડેલી હસ્તપ્રતો એકત્ર કરવાનું બીડું ઝડપ્યું. તેને માટે સમગ્ર ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, દિલ્હી, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ખૂબ રઝળપાટ કરી.

તેઓ ચારણી સાહિત્ય અને લોકસાહિત્યના તેમજ જૈન સાહિત્ય, મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના અઠંગ અભ્યાસી છે. તેમણે 1969–70થી 1996–97 સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હસ્તપ્રત-નિરીક્ષક તરીકે સેવા આપી અને પોતાના નિવૃત્તિકાળ સુધીમાં ચારણી સાહિત્યની લગભગ 12,000થી વધુ હસ્તપ્રતો એકત્ર કરીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને સમૃદ્ધ બનાવી.

તેમણે અત્યાર સુધીમાં 1,250 જેટલા લેખો અને અનેક માસિકો તથા અખબારોમાં કૉલમો લખી છે. તેમણે 30થી વધુ પુસ્તકો પ્રગટ કર્યાં છે. તેમાં જીવનકથા, વાર્તાસંગ્રહ, સંતસાહિત્ય, નવલકથા, ચારણી સાહિત્યનાં સંશોધનપૂર્ણ સંપાદનો વગેરેનો સમાવેશ થાય છે. તેમના ‘ગુજરાતના ચારણી સાહિત્યનો ઇતિહાસ’ (1985). ‘વિપ્ર વોળાવળ’ (1989), ‘લીંબડીની ઝમાળ’ અને ‘સભાપર્વ’ (1998) નામક ગ્રંથોને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કાર આપવામાં આવ્યા છે. તેમણે લખેલાં પુસ્તકોમાં ‘ચારણી સાહિત્ય : આપણો સમૃદ્ધ અને સાંસ્કૃતિક વારસો’ (1982), ‘નાગદમણ’ (1986), ‘ચંદ્રલેખા ચોપાઈ’ (1988, જૈન સાહિત્ય), ‘લાખેણી’ (1991, લોકકથાસંગ્રહ), ‘જોબન જુદ્ધે ચડે’ (1993, નવલકથા) અને ‘વહીવંચા બારોટ : પરિચય અને પ્રદાન’ (1998, બારોટી સાહિત્ય) ઉલ્લેખનીય છે. ‘જગદંબા જતબાઈ’ જીવનકથા છે, તો ‘રતન સવાયાં’ વાર્તાસંગ્રહ અને ‘અમૃતવાણી’ સંતસાહિત્ય છે.

તેમણે આજ સુધીમાં એમના ક્ષેત્રના અનેક વિદ્યાર્થીઓ-અધ્યાપકો-સંશોધકોને તેમના અધ્યયન-સંશોધનમાં મદદ કરી છે. ‘દેવીપુત્ર’ અને ‘રત્નાકર’ના તંત્રી તરીકે અને ‘હિંદી ચારણવાણી’ના સહસંપાદક તરીકેની તેમની કામગીરી ઉલ્લેખનીય રહી છે. ચારણી સાહિત્યના હસ્તપ્રતભંડારને તેમણે ગુજરાત ઉપરાંત દેશભરમાં અગ્રણી સ્થાન અપાવ્યું છે.

તેમની આ વિદ્યાસેવાને અનુલક્ષીને અનેક સેવાભાવી સંસ્થાઓ, સંપ્રદાયો, પ્રગતિમંડળો, ટ્રસ્ટો વગેરેએ તેમને માનપત્રો અને ઍવૉર્ડો વગેરેથી સન્માન્યા છે. દુલા કાગ ઍવૉર્ડ (1987), ‘રાજકોટ રત્ન’ ઍવૉર્ડ (2000) તથા લોકકલાક્ષેત્રે તેમના મહત્વના પ્રદાન બદલ ગુજરાત સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તરફથી 1999–2000ના વર્ષનો ઝવેરચંદ મેઘાણી ઍવૉર્ડ તેમને પ્રાપ્ત થયા છે.

બળદેવભાઈ કનીજિયા