રૉસ્તાં, એડમંડ (જ. 1 એપ્રિલ 1868, માર્સેલ, ફ્રાન્સ; અ. 2 ડિસેમ્બર 1918, પૅરિસ) : ફ્રેન્ચ નાટ્યકાર. વાસ્તવવાદની જ્યારે બોલબાલા હતી તે સમયમાં રૉસ્તાંનાં નાટકો ભાવકોને રોમૅન્ટિક આલમમાં લઈ જતાં હતાં. જોકે એમનાં નાટકોમાં બાહ્ય અને આંતરદૃષ્ટિએ દેશદાઝ ભરપૂર હતી. ‘સાયરેનો દ બર્જરેક’ (1897) અને ‘લૅગ્લૉં’(1900)માં વતનપ્રેમની અભિવ્યક્તિનો સ્પષ્ટ સૂર સંભળાય છે. ‘લે દો પિરોત્ઝ’(1891)નો સ્વીકાર કૉમેડી-ફ્રાન્કેઇ રંગભૂમિએ કર્યો ન હતો. પરંતુ એ જ થિયેટરે ‘ધ ફૅન્તેર્સ્તિક્સ’(લે રૉમનેસ્ક, 1894)ને રંગમંચ માટે યોગ્ય ગણ્યું હતું. તે હળવા પ્રકારનું, બુદ્ધિચાતુર્યના સંવાદોથી ભરપૂર હાસ્યપ્રધાન નાટક હતું. ‘લા પ્રિન્સેસ લોઇનતેન’ (ધ ડિસ્ટન્ટ પ્રિન્સેસ, 1895)માં મશહૂર નટી સારા બર્નહાર્ટે મુખ્ય ભૂમિકા ભજવી હતી. નાટકનો નાયક કવિ છે અને તેના સ્વપ્નની આદર્શ રાજકુમારી મેલિસિન્દે છે. ‘લા સેમેરિતેન’ (ધ વુમન ઑવ્ સેમેરિયા, 1897)માં પણ આ જ નટીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. અહીં સેમેરિયાની સ્ત્રી તરીકે તેનો મિલાપ ક્રાઇસ્ટ સાથે થાય છે તેવો પ્રસંગ છે. તેમનું સૌથી લોકપ્રિય નાટક ‘સાયરેનો દ બર્જરેક’ છે.

એડમંડ રૉસ્તા

1897માં તે પૅરિસમાં ભજવાયું હતું. પ્રેક્ષકગણ તેના સમશેરધારી નટ કૉન્સ્ટન્ટ કૉકેલિનની અદાકારી પર વારી જતો હતો. આ નાટક યુરોપ, અમેરિકામાં પણ સફળતાપૂર્વક ભજવાયું હતું. નાયકની સમસ્યા ગંભીર છે. તેની માન્યતા મુજબ જગતની કોઈ સ્ત્રી તેને પ્રેમ કરી શકે તેમ નથી, કારણ કે તેનું નાક પ્રમાણમાં ખૂબ મોટું છે. આ નાટકમાં રૉસ્તાંની કવિતાનું ઊર્મિશીલ પાસું પ્રગટ થાય છે. ‘લૅગ્લૉંન’ નેપોલિયનના પુત્ર ડ્યૂક રીચસ્તેદૂત પર આધારિત નાટક છે. તે લોકોની દેશદાઝને ઉશ્કેરવામાં કાબેલ હતો. ‘ચેતેન્દર’(1910)માં લુશિયન ગીત્રી રસોઇયાનું પાત્ર ભજવે છે. આ નાટકનો આધારસ્તંભ ‘રૉમન દ રેનાર્ત’ છે. આમાં વિવિધ પાત્રો પ્રાણીઓના વેશમાં ઉપસ્થિત થાય છે. અહીં નાટ્યકાર રૉસ્તાંનો કવિજીવ સમગ્રપણે પ્રગટ થાય છે, જોકે તેની રંગદર્શિતામાં વાસ્તવિકતા પણ પુરબહારમાં ઊભરે છે; જેની પ્રતીતિ માટે સાયરેનોનું પાત્ર કે સમકાલીન રાજકારણ અને સાહિત્ય પરત્વે ‘સેંટીક્લેર’ના પાત્રમાં પડઘાતો કટાક્ષ પર્યાપ્ત છે.

વિ. પ્ર. ત્રિવેદી