રોમન ગણરાજ્યનું તિથિપત્ર

January, 2004

રોમન ગણરાજ્યનું તિથિપત્ર : રોમન સામ્રાજ્યના પ્રભાવ તળે સ્વીકારાયેલ અને અમલમાં આવેલ તિથિપત્ર. વિશ્વભરના વ્યવહારમાં હવે જે સર્વસામાન્ય સ્વીકૃતિ પામેલ છે તે પ્રકારના તિથિપત્ર ‘Julian- Gregarian calendar’નાં મૂળ રોમન સામ્રાજ્યના તિથિપત્રમાં રહેલ છે. હાલના પ્રકારનું તિથિપત્ર ઈ. પૂ. 46ના વર્ષમાં તે સમયના રોમન સમ્રાટ જૂલિયસ સીઝર(Julius Caesar)ના એક ફરમાન દ્વારા રોમન હકૂમતમાં અપનાવાયું, જે જૂલિયન તિથિપત્ર (calendar) તરીકે ઓળખાવાયું, અને તેમાં રહી જતી એક નાની ક્ષતિ સુધારવા માટે આ તિથિપત્રમાં 1582ના વર્ષમાં Pope Gregory XIII દ્વારા શતાબ્દી વર્ષો માટેની ‘લીપ ઇયર’ની ગણતરીમાં એક સુધારો સૂચવાયો. આ કારણે આ પ્રકારનું તિથિપત્ર હવે જૂલિયન-ગ્રેગેરિયન તિથિપત્ર નામે ઓળખાવાય છે.

જૂલિયસ સીઝર દ્વારા અપનાવાયેલ આ તિથિપત્ર પહેલાંના સમયનું રોમન ગણરાજ્યનું તિથિપત્ર સારું એવું અટપટું હતું. દંતકથા અનુસાર ઈ. પૂ. 753ના વર્ષમાં Remulus દ્વારા રોમનગરીની સ્થાપના થઈ. તે સમયના પ્રચલિત તિથિપત્રમાં વર્ષ દસ માસનું ગણાતું. શરૂઆતના તબક્કામાં તો તે સમયની બૅબિલોનિયાની પદ્ધતિ અનુસાર માસની શરૂઆત અમાવાસ્યા પછીના ચંદ્રદર્શનથી ગણાતી (હાલના ઇસ્લામી તિથિપત્રની માફક), પરંતુ ત્યારબાદના સમયમાં નિશ્ચિત દિવસોની અવધિના દસ માસ રખાયા. આમ પ્રથમ 6 માસ 30 દિવસના અને પછીના 4 માસ 31 દિવસના રખાતા, એ રીતે વર્ષની અવધિ 304 દિવસની થઈ. હાલના મહિનાઓ માટેના ‘સપ્ટેમ્બર’, ‘ઑક્ટોબર’, ‘નવેમ્બર’ અને ‘ડિસેમ્બર’ નામો તેમના મૂળ સાતમાથી દસમા ક્રમના સૂચક છે અને લૅટિન ભાષાના તેમનાં ક્રમાંક અનુસારનાં છે. પાંચમા અને છઠ્ઠા મહિનાઓ માટે તે સમયે Quintilis અને Sextilis નામો હતાં; જે પણ લૅટિન ભાષા અનુસારના તેમના ક્રમાંક સૂચવે છે.

આ પ્રકારના તિથિપત્રમાં વર્ષની અવધિનો ઋતુઓ સાથે કોઈ પણ સંબંધ નહિ જળવાતો હોવાથી, આશરે ઈ. પૂ. 700માં આ તિથિપત્રના વર્ષમાં બે વધારાના મહિનાઓ ઉમેરાયા. સાથે સાથે વર્ષના શરૂઆતના 6 માસ 30 દિવસના અને બીજા 6 માસ 29 દિવસના, એમ નિશ્ચિત અવધિના જ રખાયા. અમાવાસ્યાથી અમાવાસ્યાનો સરેરાશ ગાળો 29.5 દિવસનો હોવાથી, ચંદ્રની કલાઓ સાથે આ પ્રકારના તિથિપત્રમાં સરેરાશ સંબંધ જળવાઈ રહે છે. (જોકે સરેરાશ તિથિમાસની અવધિ 29.530 દિવસની છે, જેથી 3 વર્ષે એક તિથિ લેખે, ચંદ્રની કલાના સંદર્ભમાં આ પ્રકારના મહિનાઓ આગળ જતા જણાય.) 354 દિવસની અવધિનું આ પ્રકારનું વર્ષ, 365.25 દિવસના ઋતુવર્ષ(tropical year)ના સંદર્ભમાં 11.25 દિવસ જેટલું નાનું હોવાથી, ત્યારબાદના સુધારામાં દર આંતરે વર્ષે વારાફરતી 22 અને 23 દિવસની અવધિના અધિક માસ ઉમેરવાનું નક્કી થયું. આમ ચાર વર્ષના ગાળાની અવધિ 1,461 દિવસની થતાં, સરેરાશ વર્ષની લંબાઈ 365.25 દિવસની બની; જે ઋતુવર્ષ જેટલી જ હતી. પરંતુ હવે ચંદ્રની કલાઓ સાથેનો સંબંધ તૂટી ગયો. (સમયાંતરે અધિક માસ ઉમેરીને 354 દિવસના વર્ષને, ઋતુવર્ષ સાથે તાલમાં રાખવાનો પ્રયત્ન વિક્રમ સંવતના પ્રકારનો કહી શકાય.)

આ તિથિપત્ર હવે સારું એવું અટપટું બની ગયું હોવાથી જૂલિયસ સીઝરને તેમાં સુધારો કરવો આવશ્યક જણાયો. તે સમયે ઇજિપ્તમાં 30 દિવસની અવધિના 12 માસ, અને વધારાના વર્ષના અંતે આવતા પાંચ દિવસ એમ 365 દિવસનું સૌર વર્ષ અમલમાં હતું. [સૌર વર્ષ(અથવા ઋતુવર્ષ)ની સાચી અવધિ 365.25 દિવસની છે એની ઇજિપ્તના લોકોને ખબર હતી, પરંતુ આ માટે ઇજિપ્તમાં 1,460 વર્ષની અવધિનો યુગ – Sothic cycle – મનાતો; જે દરમિયાન ઋતુવર્ષ, 365 દિવસના વર્ષમાં ‘સરકતું’ મનાતું.] તિથિપત્રની સુધારણા માટે, જૂલિયસ સીઝરે ઍલેક્ઝાન્ડ્રિયા નગરના એક Socigenes નામના વિશેષજ્ઞની સલાહ લીધી અને તે અનુસાર સામાન્ય વર્ષ 365 દિવસનું રાખવાનું નક્કી થયું; જેમાં એકાંતરે મહિનાઓ 31 અને 30 દિવસની અવધિના હોય, પરંતુ બીજા માસ, ફેબ્રુઆરીને સામાન્ય રીતે 29 દિવસ અપાયા; જેથી વર્ષ 365 દિવસનું બને. વળી, દર વર્ષે રહેતી 0.25 દિવસની ક્ષતિ માટે દર ચાર વર્ષના આંતરે ફેબ્રુઆરીના 30 દિવસ રાખવાનું મનાયું, આમ ‘લીપ (leap) ઇયર’ની પદ્ધતિ અમલમાં આવી. સાથે સાથે, શરૂઆતમાં પાંચમા, પરંતુ હવે સાતમા ક્રમે આવેલ માસ Quintilisને જૂલિયસ સીઝરના માનાર્થે જુલાઈ (July) નામ મળ્યું.

આ તિથિપત્ર અપનાવાયા પછી બે જ વર્ષમાં Julius Caesarની હત્યા થઈ. ત્યારબાદના સમ્રાટ Augustusને પણ પોતાના નામનો માસ જોઈતો હતો, જેથી હવે આઠમા ક્રમના ‘Sextilis’ને ‘August’ નામ મળ્યું. પરંતુ Julyના 31 દિવસ અને Augustના 30 દિવસ, એમ કેમ ચાલે ? એટલે ફેબ્રુઆરીનો એક દિવસ ઉઠાવીને ‘August’માં ઉમેરાયો ! હવે ફેબ્રુઆરી સામાન્ય રીતે 28 દિવસનો અને લીપ વર્ષમાં 29 દિવસનો બન્યો. જુલાઈ, ઑગસ્ટ અને સપ્ટેમ્બર સળંગ ત્રણ માસ 31 દિવસના ના થાય તે માટે સહેજ ફેરફાર કરીને સપ્ટેમ્બર ને નવેમ્બરને 30 દિવસના બનાવાયા અને ઑક્ટોબર ને ડિસેમ્બર 31 દિવસના રખાયા. આમ હાલનો ક્રમ અસ્તિત્વમાં આવ્યો.

જૂલિયસ સીઝર દ્વારા આ તિથિપત્ર આમ તો ઈ. પૂ. 46માં અમલમાં આવ્યું, પરંતુ સંવતની ગણતરી માટે, જ્યારે રોમન સમ્રાટોએ ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો તે સમયે, પ્રચલિત માન્યતા અનુસારના જિસસ ક્રાઇસ્ટના જન્મવર્ષ અનુસાર સંવતના પ્રથમ વર્ષની ગણતરી શરૂ કરી. તેને શૂન્ય વર્ષ ન ગણતાં ‘એક’ના અંકથી શરૂ કરી હતી, જે કારણે વાસ્તવિક બીજી સહસ્રાબ્દીનો અંત 31 ડિસેમ્બર, 2000ના રોજ અને એકવીસમી સદી 1 જાન્યુઆરી 2001ના રોજ શરૂ થયેલી ગણાઈ.

સરેરાશ 365.25 દિવસનું આ Julian વર્ષ, ઋતુવર્ષ કરતાં 11 મિનિટ મોટું છે. 1,500 વર્ષના ગાળે આ તાલચૂક દસ દિવસ જેટલી થઈ ગઈ અને ઋતુઓ વર્ષના સંદર્ભમાં નોંધપાત્ર માત્રામાં બદલાયેલી જણાઈ. આ કારણે Pope Gregory XIII દ્વારા 1752માં એક સુધારો સૂચવાયો, જે અનુસાર, દરેક શતાબ્દીના વર્ષને ‘લીપ ઇયર’ ન ગણતાં ફકત ચાર શતાબ્દી વર્ષોમાં એક જ વર્ષ ‘લીપ ઇયર’ ગણવાનું સૂચવાયું. વળી એક ફરમાન દ્વારા 1582ના વર્ષ માટે 4 ઑક્ટોબર પછીનો દિવસ 15 ઑક્ટોબર મનાયો, જેથી 1,500 વર્ષમાં એકઠી થયેલ દસ દિવસની તાલચૂક સુધરી જાય. રોમન કૅથલિક દેશોમાં આ સુધારો તાત્કાલિક અમલમાં આવ્યો, પરંતુ ઇંગ્લૅન્ડ અને તે સમયે બ્રિટિશ સામ્રાજ્યના અંગ એવા યુ.એસ.એ.માં તે સ્વીકારાયો નહિ. આ દેશોમાં આ સુધારો છેક 1752ના વર્ષમાં અપનાવાયો અને 2 સપ્ટેમ્બર પછીની તારીખ 14 સપ્ટેમ્બર આવી ! રશિયામાં તો આ પ્રકારનું સુધારેલ તિથિપત્ર છેક 1918માં જ અમલી બન્યું. તિથિપત્રનો આ સુધારો ગ્રેગેરિયન સુધારો (Gregarian correction) કહેવાય છે અને આ સુધારેલ તિથિપત્ર જૂલિયન-ગ્રેગેરિયન કૅલેન્ડર (Julian-Gregarian calendar) તરીકે હવે ઓળખાય છે.

જ્યોતીન્દ્ર ન. દેસાઈ