રોબ્લિંગ, જૉન ઑગસ્ટસ (જ. 12 ઑગસ્ટ 1806, જર્મની; અ. 1869) : ઝૂલતા પુલની બાંધકામ-કલાનો વિશ્વવિખ્યાત ઇજનેર. તેણે બર્લિનની રૉયલ પૉલિટૅકનિક ઇન્સ્ટિટ્યૂટમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરી, આગળના સ્નાતક-કક્ષાના અભ્યાસમાં 1826માં બેમ્બર્ગ, બેવેરિયામાં પરીક્ષાના ભાગરૂપે ‘સાંકળના ઝૂલતા પુલ’ (chain suspension bridge) વિષય પર મહાનિબંધ લખ્યો, ત્યારથી જ તેને આ વિષયમાં રસ જાગ્રત થયો હતો. ચાર વર્ષ રોડ-એન્જિનિયર તરીકે નોકરી કરી, પરંતુ પ્રશિયન અમલદારશાહી(Prussian bureaucracy)થી તે કંટાળી ગયો. તેમાં વળી રિપબ્લિકનો તરફ તેને સહાનુભૂતિ છે તેમ માની તેને નોકરીમાંથી છૂટો કરાયો. તે અમેરિકા ગયો અને ખેડૂત તરીકે કાર્ય શરૂ કર્યું.
1831માં તેણે ફિલાડેલ્ફિયામાં બટલર કાઉન્ટીમાં 7,000 એકર જમીન ખરીદી. આ જમીન બિનફળદ્રૂપ હતી. તેમાં કોઈ વળતર મળ્યું નહિ એટલે ખેડૂતનો વ્યવસાય છોડી પેન્સિલવાનિયા રાજ્યની નહેર-યોજનામાં ઇજનેર તરીકે જોડાયો.
1841માં તેણે ખેંચાણથી ધાતુના તાર વણી(spinning)ને કેબલ બનાવવાની રીતમાં મોટા સુધારા કર્યા અને તાર અને કેબલનો મોટો ઉત્પાદક બની ગયો. 1849માં તેણે આ ધંધો પેન્સિલવાનિયાથી ન્યૂ જર્સીમાં ખસેડ્યો અને ‘જૉન એ. રોબ્લિંગ્ઝ સન્સ કૉર્પોરેશન’ શરૂ કર્યું. પિટ્સબર્ગમાં આવેલ ઍલિગની (Alleghany) નદી ઉપરથી પેન્સિલવાનિયા રાજ્યની નહેર લઈ જવા માટે સૌપ્રથમ 1844–45માં તેણે ઝૂલતો પુલ બાંધ્યો. ઍલિગની નદીના પ્રૉજેક્ટની સફળતાને લીધે તેને આથી પણ મોટા ઝૂલતા પુલોની ડિઝાઇન અને બાંધકામ મળવું શરૂ થયું. તેણે બાંધેલા મોટા પુલોમાં પિટ્સબર્ગની મૉનોન્ગેહેલા (Monongahela) નદી પરનો પુલ 1845–46માં, ન્યૂયૉર્ક રાજ્યમાં નાયૅગરા નદી(Niagara falls) ઉપરનો સૌપ્રથમ રેલવે માટેનો ઝૂલતો પુલ 1851–55માં, ઓહાયો (Ohio) નદી પર બે પુલો 1854–67 દરમિયાન, બ્રુકલિન(Brooklyn)નો તે સમયનો દુનિયાનો સૌથી લાંબો પુલ 1869–83માં વગેરે ગણાવી શકાય.
બ્રુકલિન પુલના છેલ્લા સર્વે દરમિયાન તે જે ‘પાઇલિંગ’ ઉપર ઊભો હતો ત્યાં ફેરીબોટ ભટકાતાં તેના પગને મોટી ઈજા થઈ, જે છેવટે તેના મૃત્યુનું નિમિત્ત બની.
જૉન રોબ્લિંગ પુલ-ડિઝાઇનમાં, ખાસ કરીને ઝૂલતા પુલની વાયુગતિક સ્થિરતા(aerodynamic stability)ની જાણકારીમાં તેના સમયથી ઘણો આગળ હતો. તેણે બાંધેલા બધા ઝૂલતા પુલોમાં આ નિપુણતાનો પૂરેપૂરો ઉપયોગ કર્યો હતો.
ગાયત્રીપ્રસાદ હીરાલાલ ભટ્ટ