રૉબ્બિયા, લૂચા દેલ્લ (Robbia, Lucca Della)

January, 2004

રૉબ્બિયા, લૂચા દેલ્લ (Robbia, Lucca Della) (જ. 1400, ફ્લૉરેન્સ, ઇટાલી, અ. 1482, ફ્લૉરેન્સ, ઇટાલી) : ઇટાલીનો રેનેસાંસ-શિલ્પી. દોનાતેલ્લોના મૃત્યુ પછી ફ્લૉરેન્સના બે પ્રમુખ શિલ્પીમાંનો એક. બીજો તે ઘીબર્તી.

શરૂઆતમાં તેણે રેનેસાં-શિલ્પી નેની દી બૅન્ચો Nanni di Banco સાથે કામ કર્યું હોય તેવું અનુમાન તેણે પોતે સર્જેલ શિલ્પ પરથી વિદ્વાનો કરે છે, કારણ કે બંને શૈલી સરખી છે. રૉબ્બિયા ઉપર બૅન્ચોની જેમ પ્રાચીન રોમન અર્ધમૂર્ત (relief) શિલ્પોની ઘેરી અસર જોવા મળે છે. ક્યાંક ક્યાંક ધીબર્તીની અસર પણ જોવા મળે છે, પરંતુ દોનાતેલ્લોના નાટ્યાત્મક તણાવનો રૉબ્બિયામાં પૂરો અભાવ છે. તેણે પૂરી કારકિર્દીમાં ક્યારે પણ પૂર્ણમૂર્ત (round) શિલ્પ સર્જ્યું નહિ. અર્ધમૂર્ત શિલ્પમાં પણ તેનું માધ્યમ બહુધા ટેરાકોટા (terracotta) – પકવેલી માટી  રહ્યું, જેની પર શિલ્પ કરી તેને ઇનૅમલના ગ્લેઝ ચડાવતો, જેથી હવામાનની અસરથી શિલ્પને નુકસાન ન થાય. આ રીતે તેણે સર્જેલ શિલ્પોમાં ફ્લૉરેન્સના મ્યુઝિયો નૅશનાલે દેલ બાર્ગેલ્યોમાં રહેલ ‘રિઝરેક્શન’ને શ્રેષ્ઠ કૃતિ ગણવામાં આવે છે. તેમાં પકવેલી માટી પર સફેદ રંગનો ઇનૅમલ ગ્લેઝ ચડાવ્યો હોવાથી તે આરસનું બનેલું હોય તેવો ભાસ ઊભો કરે છે. આ શિલ્પમાં નહિ ઊપસેલા ભાગો પર ઘેરો ભૂરો ઇનૅમલ ગ્લેઝ લગાડી આકાશની ભ્રમણા ઊભી કરી છે. પાછળથી તેણે લાલ, ગુલાબી, કેસરી, પીળા વગેરે રંગોનો ઉપયોગ કરી અનેકરંગી અર્ધમૂર્ત શિલ્પો સર્જ્યાં, પણ આ જ સમયે આકૃતિઓનું સૌષ્ઠવ નંદવાયું અને શિલ્પની ગુણવત્તા ઊતરી ગઈ. થોકબંધ ઉત્પાદનને કારણે તેની વર્કશૉપ ફૅક્ટરીમાં પરિણમી, અને મુખ્ય ખરીદદારો નાનાં ગામડાંનાં ચર્ચો રહ્યાં.

આરસમાંથી કોતરેલાં અર્ધમૂર્ત શિલ્પોમાં ‘કૅન્ટોરિયા’ને રૉબ્બિયાની શ્રેષ્ઠ કૃતિ ગણવામાં આવે છે.

અમિતાભ મડિયા