રોબિન વૉરેન (જ. 11 જૂન 1937, એડિલેડ, દક્ષિણ ઑસ્ટ્રેલિયા) : 2005ના નોબેલ પુરસ્કારના સહવિજેતા ઑસ્ટ્રેલિયન સંશોધક. 1961માં યુનિવર્સિટી ઑવ્ એડિલેડમાંથી સ્નાતક પદવી પ્રાપ્ત કરી અને કેટલીક ઇસ્પિતાલોમાં કાર્ય કર્યા પછી 1968માં રૉયલ પર્થ હૉસ્પિટલમાં રોગવિજ્ઞાની તરીકે જોડાયા; જ્યાં 1999 સુધી સેવા આપી નિવૃત્ત થયા. 1979માં એક દર્દીના જઠરની પેશીનું જૈવપરીક્ષણ (biopsy) કરતાં કુંતલાકાર બૅક્ટેરિયાનું સૌપ્રથમ વાર અવલોકન કર્યું. બૅક્ટેરિયા જઠરના ઍસિડિક પર્યાવરણમાં જીવી શકે નહિ તેવા રૂઢિગત ખ્યાલ સાથે ઑસ્ટ્રેલિયા અને અન્ય દેશોના ઘણા વિજ્ઞાનીઓએ વૉરેનના સંશોધનને અશક્ય માની અસ્વીકૃતિ આપી; પરંતુ તે પછીનાં બે વર્ષનાં સંશોધનો દરમિયાન પણ જઠરશોથ(gastritis)ના દર્દીઓની જઠરની પેશીઓમાં આ બૅક્ટેરિયાની હાજરી વૉરેનને અનિવાર્યપણે જોવા મળી.

રોબિન વૉરેન

1981માં જઠરાંત્રવિજ્ઞાન (gastroenterology) વિભાગમાં કામ કરતા યુવાન સંશોધક બૅરી માર્શલ સાથે તેમણે પ્રયોગશાળામાં આ બૅક્ટેરિયાનું સંવર્ધન કર્યું અને તેને નવી જાતિ, Helicobacter pylori તરીકે ઓળખાવ્યું. જઠરશોથ, જઠરીય ચાંદાં અને પક્વાશય(duodenum)નાં ચાંદાંના 100 દર્દીઓની જઠરની પેશીઓનું જૈવપરીક્ષણ કરી તેમણે પ્રતિપાદિત કર્યું કે H. pylori આ બધા રોગો માટે જવાબદાર છે.

જઠરીય ચાંદાંના ચેપના આ કારણ વિશે ચિકિત્સકો શંકાશીલ હતા. તેઓ આ રોગ માટે પરંપરાગત ચિકિત્સાઓને વળગી રહ્યા. વૉરેન અને માર્શલ પણ તેમનાં સંશોધનો બાબતે અડગ રહ્યા અને પુરાવાઓ એકત્રિત કરવાનું ચાલુ રાખ્યું. માર્શલના સ્વ-પ્રયોગીકરણ (self-experimentation) દ્વારા સ્પષ્ટપણે સિદ્ધ થયું કે જઠરનાં ચાંદાં કે જઠરશોથ માટે H. pylori જવાબદાર છે.

હવે જઠરીય ચાંદાં વારંવાર અશક્તિ ઉત્પન્ન કરતો દીર્ઘકાલિક (chronic) રોગ રહ્યો નથી. ટૂંકા ગાળાની પ્રતિજૈવિક ઔષધોની અને ઍસિડ-સ્રાવના અવરોધકોની ચિકિત્સા આપતા રોગમાંથી મુક્તિ મેળવી શકાય છે.

ઉપર્યુક્ત સંશોધનો બદલ વૉરેન અને માર્શલને સંયુક્તપણે 2005નો દેહધર્મવિદ્યા કે આયુર્વિજ્ઞાન માટેનો નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો છે. કૅરોલિન્સ્કા ઇન્સ્ટિટ્યૂટ, સ્વીડન આ શોધને ‘અસાધારણ અને અનપેક્ષિત’ ગણાવે છે.

આ સંશોધનો પરથી એવો એક ખ્યાલ બંધાઈ રહ્યો છે કે અન્ય દીર્ઘકાલિક શોથના રોગોમાં સૂક્ષ્મજીવ કારણરૂપ હોઈ શકે છે. સંધિવા(arthritis)થી માંડી ધમની-કાઠિન્ય (atherosclerosis) અને ધમની-અવરોધન (artery-clogging) જેવા રોગો (જે હૃદયરોગના હુમલા માટે જવાબદાર છે.) ઉપર બૅક્ટેરિયલ ચેપના પ્રભાવ વિશે સંશોધનો થઈ રહ્યાં છે.

બળદેવભાઈ પટેલ