રોધક (insulator) : વિદ્યુત-પ્રવાહના માર્ગમાં ખૂબ વધારે અવરોધ પેદા કરતો પદાર્થ. તેમાં મુક્ત રીતે ગતિ કરી શકે તેવા સંવાહક વિદ્યુતભારોનો બિલકુલ અભાવ હોય છે; તેથી વિદ્યુત-પ્રવાહનું વહન થતું નથી. રોધક પદાર્થ ઉપર વિદ્યુત-ક્ષેત્રને લીધે વિદ્યુતભારો પારમાણ્વિક અવધિ(range)ના ક્રમ જેટલું સ્થાનાંતર કરી શકતા હોય છે.

કોઈ પણ વાહકના બે છેડા વચ્ચેનો અવરોધ    સૂત્ર વડે આપી શકાય છે.

વાહકમાં વિદ્યુત-પ્રવાહ શૂન્યવત્ થાય છે ત્યારે અવરોધ લગભગ અનંત બને છે. એટલે કે તે રોધક તરીકે વર્તે છે.

અદ્યતન ભૌતિકવિજ્ઞાનને આધારે રોધકની આ પ્રમાણે સમજૂતી આપી શકાય છે : જે પદાર્થ માટે ફર્મી ઊર્જા બે પટ (bands) વચ્ચેના વર્જિત ઊર્જાસ્તરમાં આવે તેવા પદાર્થને રોધક કહે છે. આ સ્થિતિમાં સંપૂર્ણપણે ભરાયેલા સંયોજક પટમાંથી ખાલી વાહક પટમાં ઇલેક્ટ્રૉનને ઊંચકવા માટે પર્યાપ્ત ઉષ્મીય ઊર્જા મળતી નથી.

ફર્મી વાયુમાં ન્યૂક્લિયૉનની મહત્તમ ગતિ ઊર્જાને ફર્મી ઊર્જા કહે છે, જે નીચેના સૂત્રથી મળે છે :

 જ્યાં m કણનું દળ  પ્લાન્કનો અચળાંક છે.

રોધકને કેટલીક વખત પરાવૈદ્યુત (dielectric) તરીકે પણ ઓળખવામાં આવે છે. વિદ્યુતપ્રવાહને કારણે કેટલીક વખત અનિચ્છનીય કે ભયજનક પરિસ્થિતિ પેદા થાય ત્યારે તેને રોકવા માટે રોધકનો ઉપયોગ થાય છે. સૂકું લાકડું, કાચ, અબરખ, પ્લાસ્ટિક અને રબર રોધક પદાર્થો છે. સૂકી હવા અને સૂકું તેલ પણ રોધક તરીકે કાર્ય કરે છે.

રોધક દ્રવ્યમાં ઇલેક્ટ્રૉન ઘન ન્યૂક્લિયસ સાથે ચુસ્ત રીતે જકડાયેલા હોય છે. તેથી તે એક પરમાણુથી બીજા પરમાણુ ઉપર જઈ શકતા નથી. આથી આ દ્રવ્યને બૅટરી સાથે જોડતાં ઇલેક્ટ્રૉન મુક્ત ગતિ કરી શકતા નથી.

કેટલીક વિદ્યુત અને ઇલેક્ટ્રૉનિક પ્રયુક્તિઓમાં રોધકનો ઉપયોગ થાય છે; જેમ કે, પાવર-પ્લાન્ટમાંથી ઘર કે ઑફિસ સુધી વિદ્યુત-પ્રવાહનું વહન કરતા ધાતુના તાર અને કેબલ ઉપર રોધકનો ઉપયોગ થાય છે. આવા તાર કે કેબલ ઉપર રોધકનું આવરણ ચઢાવવામાં આવે છે. તેને કારણે વિદ્યુતપ્રવાહનું સ્રવણ (leakage) થતું નથી.

કૅપેસિટરમાં વિદ્યુતભારનો સંગ્રહ કરવાની ક્ષમતા વધારવા માટે પણ રોધકનો ઉપયોગ થાય છે ભારે વિદ્યુતદબાણ સાથે કામ કરતા ઇલેક્ટ્રિશિયનનાં સાધનોનાં હૅન્ડલ પ્લાસ્ટિકનાં તથા તેમનાં પગરખાંનાં તળિયાં રબરનાં હોય છે, જેના કારણે તેમને વિદ્યુત-આંચકા લાગતા નથી.

આશા પ્ર. પટેલ