રોદૅં, ઑગુસ્તે રેનેફ્રાંસ્વા (Rodin, Augustee Renefrancois)

January, 2004

રોદૅં, ઑગુસ્તે રેનેફ્રાંસ્વા (Rodin, Augustee Renefrancois) (જ. 12 નવેમ્બર 1840, પૅરિસ, ફ્રાન્સ; અ. 17 નવેમ્બર 1917, મુદોં, ફ્રાન્સ) : કાંસા (બ્રોન્ઝ) અને આરસમાંનાં શિલ્પો માટે જાણીતો ફ્રેન્ચ શિલ્પી. ખૂબ ગરીબ કુટુંબમાં તેનો જન્મ થયો. તેર વરસની ઉંમરે એક ડ્રૉઇંગ-સ્કૂલમાં દાખલ થઈ ત્યાં ડ્રૉઇંગ શીખ્યો. સત્તર વરસની ઉંમરે કલાનું શિક્ષણ આપતી મહાશાળા (કૉલેજ) ઇકોલે દ બ્યુ-આર્ત(Ecole des Beax-Arts)માં પ્રવેશ મેળવવા માટે પ્રવેશ-પરીક્ષામાં બેઠો પણ નાપાસ થયો અને બીજા બે વરસ સુધી પણ તેમાં સતત નાપાસ થયો. એટલે પથ્થરમાં અલંકૃત કોતરકામ કરવું શરૂ કર્યું. 1862માં બહેન મેરીનું મૃત્યુ થતાં વૈરાગ જાગ્યો અને ચર્ચમાં જઈ સાધુ થવાનો મનસૂબો સેવ્યો.

1864માં યુવાન શિલ્પી રોઝ બુરે તેને ભટકાઈ ગઈ અને તેણે તેને સાધુ બનતાં અટકાવ્યો. આજીવન સાથે રહેલી રોઝ છેક 1917માં રોદૅંના મૃત્યુના થોડા સપ્તાહ પહેલાં જ તેને પરણી હતી.

1864માં રોદએ એ. ઈ. કૅરિયર-બેલ્યુઝ નામના શિલ્પી સાથે કામ કરવું શરૂ કર્યું. 1864માં ફ્રેન્ચ ઑફિશ્યલ સેલોંમાં ‘ધ મેન વિથ ધ બ્રોકન નોઝ’ નામનું રોદૅંનું શિલ્પ અસ્વીકૃત થયું. હવે રોદૅંએ બુરેના પોર્ટ્રેટ-શિલ્પોની લાંબી શ્રેણી સર્જવી શરૂ કરી. 1871માં કેરિયર-બેલ્યુઝ સાથે જાહેર સ્થળોનાં શિલ્પો સર્જવા માટે તે બ્રસેલ્સ ગયો. થોડો વખત પછી કૅરિયર-બેલ્યુઝે તેને તજી દીધો તેથી તેણે બ્રસેલ્સમાં બુરેના સહયોગમાં કામ ચાલુ રાખ્યું.

1875માં 35 વરસની ઉંમરે રોદૅંએ ઇટાલીનાં નગરો જિનોઆ, ફ્લોરેન્સ, રોમ, નેપલ્સ અને વેનિસની મુલાકાત લીધી. અહીં રોદૅં માઇકલૅન્જેલો અને દોનતેલ્લોથી ખૂબ જ પ્રભાવિત થયો અને એમની શૈલી આત્મસાત્ કરી એ શૈલીમાં શિલ્પસર્જન શરૂ કર્યું. આવી રીતે સર્જેલું શિલ્પ ‘ધી એઇજ ઑવ્ બ્રોન્ઝ’ એટલું તો વાસ્તવદર્શી બન્યું કે તેની પર જીવતા માણસના મોલ્ડ લઈ કાસ્ટ કર્યા હોવાનો આક્ષેપ તેના પર મુકાયો.

1878માં પૅરિસના મ્યુઝિયમ ઑવ્ ડેકોરેટિવ આર્ટે રોદૅંને કાંસાનાં બારણાં બનાવવા માટે વરદી આપી તથા આ માટે બે વર્કશોપ આપ્યાં. આ માટે રોદૅંએ ઇટાલિયન રેનેસાંસ-શિલ્પી લૉરેન્ઝો ધીબર્તીની શૈલીમાં ‘ડોર્સ ઑવ્ પૅરેડાઇઝ’ની પેઠે દાંતેની ‘ડિવાઇન કૉમેડી’માંથી પ્રસંગોનું કાંસામાં આલેખન કર્યું.

1881માં તે લંડન ગયો. ત્યાં તેણે ‘પ્રિરફાયેલાઇટ બ્રધરહૂડ’ સંગઠનના સાત ચિત્રકારોનાં ચિત્રો તેમજ વિલિયમ બ્લેઇકનાં તરંગી ચિત્રો જોયાં.

1884માં ‘ધ બર્ગર્સ ઑવ્ કેલે’ નામે ઘેરો ઘાલીને પડેલા ચૌદમી સદીના દુષ્ટ અંગ્રેજ રાજા એડ્વર્ડ ત્રીજા આગળ સાથીઓને બચાવવા માટે થઈને જાતને સમર્પિત કરતાં બર્ગર્સનું કાંસામાં શિલ્પ સર્જ્યું. આ શિલ્પને 1913માં બ્રિટિશ પાર્લમેન્ટના બગીચામાં ગોઠવવામાં આવ્યું હતું.

1885માં તે પોતાની યુવા-શિષ્યા કેમાઇલ ક્લૉડલના પ્રેમમાં પડ્યો. પણ બંનેએ પ્રેમ કરવા કરતાં ઝાઝું કામ ઝઘડવાનું કર્યું. કેમાઇલ ક્લૉડલ કવિ પૉલ ક્લૉડલની બહેન હતી. આખરે બિચારી ક્લૉડલ ગાંડી થઈ ગઈ ને 1898માં આપઘાત કરીને મરી ગઈ.

ચોમેર સફળતા મળવા છતાં રોદૅંને ફ્રેન્ચ રાષ્ટ્રીય કલા અકાદમી સાથે અને ફ્રેન્ચ પાર્લમેન્ટ સાથે સતત સંઘર્ષ થતો. પ્રસિદ્ધ ફ્રેન્ચ નિસર્ગ-ચિત્રકાર ક્લૉદ લોરેઈં, ફ્રેન્ચ લેખકો વિક્ટર હ્યૂગો, ઓનોરે દ બાલ્ઝાક તથા આર્જેન્ટીનાના પ્રેસિડેન્ટ ડોમિન્ગો સેર્મિયેન્ટો એ ચાર જણનાં મોટા કદનાં સ્મારક-શિલ્પો સર્જવામાં રોદૅંની જિંદગીનાં દસ વરસ પસાર થયાં. આ ચારેય શિલ્પોએ ઊહાપોહ મચાવ્યો. લોરેઈંના શિલ્પે નૅન્સીમાં, સેર્મિયેન્ટોના શિલ્પે બુએનો-એરિસમાં તથા વિક્ટર હ્યૂગો અને બાલ્ઝાકનાં શિલ્પોએ પૅરિસમાં. હ્યૂગો અને બાલ્ઝાકને તેણે મોટા કદનાં જનનાંગો ધરાવતા સંપૂર્ણ નગ્ન કંડારી જનતાનો ખોફ વહોરી લીધો. આ શિલ્પો ખસેડી લઈ નવાં બનાવેલાં શિલ્પોમાં પણ રોદએ બે મહાન લેખકોને નગ્ન જ કંડાર્યાં. પણ એ બંને લેખકોનાં શરીર ખડતલ ક્રીડાવીર (athlete) જેવાં દેખાય છે.

1900માં પૅરિસમાં આંતરરાષ્ટ્રીય પ્રદર્શન (exposition universelle) યોજાયું, જેમાં રોદૅંનાં 150 શિલ્પો ઉપરાંત રોદૅંનાં અસંખ્ય સ્કેચો પ્રદર્શિત થયાં. આ પ્રદર્શન વડે રોદની આંતરરાષ્ટ્રીય કીર્તિ વધુ મજબૂત બની. એ પછી જર્મની, અમેરિકા, ઑસ્ટ્રિયા અને ઇંગ્લૅન્ડમાંથી તેને શિલ્પ બનાવવાની વરદી મળવી શરૂ થઈ. 1907માં તેણે વેસ્ટમિન્સ્ટર ઍબીમાં મૂકવા માટે કવિ વિલિયમ હૅન્લીનું શિલ્પ સર્જ્યુ. એ જ વર્ષે ઑક્સફર્ડ યુનિવર્સિટીએ ફ્રેન્ચ સ્વરનિયોજક કૅમિલ સૅં-સાં (Camille saint-saen) અને અમેરિકન લેખક માર્ક ટ્વેઇનની સાથે રોદૅંને માનાર્હ ડૉક્ટરેટના ખિતાબથી નવાજ્યો. 1908માં બ્રિટનના રાજા એડ્વર્ડ સાતમાએ ફ્રાન્સમાં મુદોં ખાતે આવેલા રોદૅંના વર્કશોપની ખાસ મુલાકાત લીધી હતી.

રોદૅંએ પ્રસંગચિત્રો તથા એચિંગ પ્રકારનાં છાપચિત્રો પણ સર્જ્યાં છે.

તેનાં શિલ્પોમાંથી ‘ધ કિસ’ તથા ‘ધ થિંકર’ ખૂબ જ લોકપ્રિય બન્યાં છે. શિલ્પોમાં ઊભરાતો રતિશૃંગાર એ રોદૅંની ખાસિયત છે.

અમિતાભ મડિયા