રોટુમા (Rotuma) : દક્ષિણ પૅસિફિક મહાસાગરમાં આવેલો ફિજીની હકૂમત હેઠળનો પ્રદેશ. ભૌગોલિક સ્થાન : 12° 30´ દ. અ. અને 177° 05´ પૂ. રે.. તે ફિજીના પાટનગર સુવાથી ઉત્તર-વાયવ્ય (NNW) તરફ આશરે 710 કિમી.ના અંતરે આવેલો છે. રોટુમા નામથી ઓળખાતો આ જ્વાળામુખીજન્ય ટાપુ 47 ચોકિમી. ક્ષેત્રફળ ધરાવે છે. આ ઉપરાંત તેની સાથે બીજા નાના નાના આઠ ટાપુઓ પણ છે.
બાઉન્ટીના બળવાખોરોની ખોજ દરમિયાન 1791માં બ્રિટિશ વહાણ ‘પૉન્ડૉરા’ના વહાણવટીઓની નજરે આ ટાપુ પડેલો, ત્યારે તે ગ્રેનવિલે નામથી ઓળખાતો હતો. 1881માં આ ટાપુઓને ફિજી સાથે ભેળવી દેવામાં આવ્યા.
અહાઉ અહીંનું મુખ્ય સ્થળ છે. અહીંના એક નાના બંદર મોટુસા ખાતેથી કોપરાં, ગૂંથેલી સાદડીઓ, પગલુછણિયાં વગેરેની નિકાસ કરવામાં આવે છે. રોટુમાના નિવાસીઓ પૉલિનેશિયનો અને અન્ય જાતિસમૂહોમાંથી ઊતરી આવેલી મિશ્ર પ્રજા છે. 1980ના દાયકાની શરૂઆતમાં રોટુમાના આશરે 5,000 લોકો ફિજીના અન્ય પ્રદેશોમાં વસવા ગયેલા.
જાહ્નવી ભટ્ટ