રૉટેનૉકિરી : ઈશાન કામ્પુચિયામાં આવેલો પ્રાંત. તેની ઉત્તરે લાઓસ અને પૂર્વમાં વિયેટનામ આવેલાં છે. અનામિત (અન્નામિતિક) ઉચ્ચપ્રદેશ તરફનું તેના મોટાભાગનું ભૂપૃષ્ઠ અસમતળ છે. તેનો મધ્યભાગ 508 મીટરની ઊંચાઈ ધરાવે છે. મૅકાંગ નદીની શાખાઓ ટોનલે શ્રીપોક અને ટોનલે સાન અહીંથી વહે છે.

ઑસ્ટ્રૉનેશિયન રહાડે લોકો અને પહાડી મૉન-ખ્મેર લોકો અહીં વસે છે. ટોનલે સાનને કિનારે થાઇ-લાઓ રહે છે. 1970 પછી પહાડોમાં વસતા લોકો નીચેનાં મેદાનોમાં આવ્યા અને ખેતીની પ્રવૃત્તિમાં લાગી ગયા. આ જ અરસામાં જળ-આરક્ષણના પ્રકલ્પો થવાથી 10,782 ચોકિમી.ના વિસ્તારમાં ખેતીનો વિકાસ થયો. ડાંગર અને મકાઈ સારાં વર્ષો માટેના અહીંના મુખ્ય પાકો છે. બટાટા, કેળાં, કસાવા, વાલ, નાળિયેરી અને શાકભાજીનું વાવેતર પણ થાય છે. આ ઉપરાંત, 1975માં આ પ્રદેશમાં રબરની ખેતી વધુ વિસ્તારમાં થતી હતી. લાકડાંના ઉત્પાદનમાં તે સમૃદ્ધ છે. અહીંની ખનિજસંપત્તિમાં સોનું, લોહઅયસ્ક, તાંબું, સીસું, જસત, કીમતી રત્નો અને લોહના ધાતુશોધન માટેનો કાચો માલ પણ મળે છે. લુમ્ફાત અહીંનું પ્રાંતીય પાટનગર છે, તે કામ્પુચિયાના નજીકના પ્રાંત તેમજ વિયેટનામ સાથે પ્રાંતીય ધોરી માર્ગથી જોડાયેલું છે.

જાહ્નવી ભટ્ટ