રૉટી ટાપુ (Roti Island) : ઇન્ડોનેશિયાના અગ્નિભાગમાં, તિમોર ટાપુની નૈર્ઋત્યમાં આશરે 16 કિમી. અંતરે આવેલો ટાપુ. ભૌગોલિક સ્થાન : આશરે 10° 30´ દ. અ. અને 123° પૂ. રે. પર તે આવેલો છે. આ ટાપુની પશ્ચિમે હિંદી મહાસાગર અને પૂર્વ તરફ તિમોર સમુદ્ર આવેલા છે. નૈર્ઋત્ય-ઈશાન વિસ્તરેલા આ ટાપુની લંબાઈ 80 કિમી. અને પહોળાઈ 23 કિમી. જેટલી છે. તેનું ક્ષેત્રફળ 1,210 ચોકિમી. જેટલું છે.

ટાપુનું મોટાભાગનું ભૂપૃષ્ઠ સમતળ છે, પરંતુ તેના મધ્ય ભાગમાં ટેકરીઓ આવેલી છે. ટેકરીઓ સખત લાકડાંવાળાં જંગલથી છવાયેલી છે. મધ્યના ઊંચાણવાળા ભાગમાંથી નદીઓ નીકળે છે અને કિનારાનાં મેદાનો તરફ વહે છે. અહીં આવેલાં ખેતરો જ્યારે ભારે વરસાદ પડે છે ત્યારે ક્યારેક નદીઓના પૂરમાં ડૂબી જાય છે. અહીંની ગરમ ભેજવાળી આબોહવાને કારણે ડાંગર, મકાઈ, ફળો તેમજ શાકભાજીનું વાવેતર કરવામાં આવે છે. મેદાની ભાગોમાં ઢોર અને ટટ્ટુનો ઉછેર થાય છે. કિનારા નજીક માછીમારીની પ્રવૃત્તિ ચાલે છે. કુટિર-ઉદ્યોગમાં વેણીગૂંથન, વણાટકામ, કાષ્ઠકોતરણીકામ અને ટોપલીઓ બનાવવાનું કામ ચાલે છે.

ક્ષેત્રફળની તુલનામાં વસ્તી ગીચ છે. ટાપુના લોકો ઇસ્લામ ધર્મ પાળે છે. અહીંની મુખ્ય વસાહતોમાં વાયવ્ય ભાગમાં આવેલું બા (Baa) બંદર મુખ્ય છે. આ બંદર ટાપુના દક્ષિણ છેડા પર આવેલા નેમ્બ્રાલા સાથે સડકમાર્ગે સંકળાયેલું છે. ટાપુનો તિમોર સાથેનો વેપાર નૌકાઓથી ચાલે છે.

જાહ્નવી ભટ્ટ