રોઝેનબર્ગ, આલ્ફ્રેડ

January, 2004

રોઝેનબર્ગ, આલ્ફ્રેડ (જ. 12 જાન્યુઆરી 1893, રેવાલ, ઇસ્ટોનિયા, રશિયા; અ. 16 ઑક્ટોબર 1946, નુરેમ્બર્ગ) : જર્મનીના નાઝીવાદી નેતા. ઇસ્ટોનિયામાં જર્મન કારીગર માતાપિતાને ત્યાં જન્મ. રીગા અને મૉસ્કોમાં તેમણે સ્થાપત્યનો અભ્યાસ કરીને 1918માં સ્નાતકની પદવી મેળવી. આ દરમિયાન રશિયામાં થયેલી બૉલ્શેવિક ક્રાંતિના તે સાક્ષી બન્યા અને બૉલ્શેવિકવિરોધી પણ બન્યા. ધરપકડની શક્યતા ઊભી થતાં 1919માં તે જર્મની ગયા અને મ્યૂનિક ખાતે હિટલર, રૂડોલ્ફ હેસ અને અન્ય નાઝી કાર્યકર્તાઓ સાથે ગાઢ સંપર્ક થતાં નાઝી પક્ષમાં જોડાયા.

ત્યારબાદ પક્ષના મુખપત્રના સંપાદક તરીકે કામગીરી કરતાં કરતાં તે નાઝી વિચારોના સમર્થક બન્યા. આ દરમિયાન અંગ્રેજ જાતિવાદના સમર્થક હૂસ્ટન સ્ટૂઅર્ટ ચેમ્બરલિન(Houston Stewart Chamberlin)ની ઢબછબને કેન્દ્રમાં રાખી તેમણે નાઝી-જાતિવાદનું સમર્થન કર્યું, સેમિટિક જાતિ અને ખ્રિસ્તી વિરોધી પોતાના વિચારો દૃઢ કર્યા. નવેમ્બર 1923માં હિટલરને જેલની સજા થયેલી ત્યારે રોઝેનબર્ગને નૅશનલ સોશ્યાલિસ્ટ પાર્ટી(નાઝી પક્ષ)ના નેતા બનાવવામાં આવ્યા હતા. તે મજબૂત સંગઠકની યોગ્યતા ધરાવતા નથી એમ હિટલર માનતો હોવાથી ભવિષ્યમાં તેમને આ હોદ્દા પરથી ખસેડી શકાશે એવી હિટલરની ગણતરી હતી.

‘ધ ફ્યુચર ડિરેક્શન ઑવ્ જર્મન ફૉરિન પૉલિસી–1927’માં તેમણે પોલૅન્ડ અને રશિયા જીતી લેવાની હાકલ કરી હતી. જર્મનો શુદ્ધ આર્ય જાતિના છે તેથી આ જાતિના પ્રતિનિધિ તરીકે યુરોપ પર પ્રભુત્વના હક્કદાર હોવાનું અને રશિયાના તાર્તારી સેમિટિક યહૂદીઓ, રોમનો અને ખ્રિસ્તીઓને દુશ્મનો ગણવાનું વલણ વિકસાવ્યું. શુદ્ધ આર્યજાતિના વિસ્તારની નીતિ તેમણે અખત્યાર કરી હતી, જેમાં હિટલરના અતિરેકી પૂર્વગ્રહો તેમના વિચારોનું સમર્થન કરતા.

આલ્ફ્રેડ રોઝેનબર્ગ

બીજા વિશ્વયુદ્ધ (1939–45)ના પ્રારંભે તેમણે નૉર્વેજિયન ફાસી નેતા વિડકુન ક્વિસ્લિંગ(Vidkun Quisling)ને આમંત્રિત કરી નૉર્વેમાં નાઝી બળવાની શક્યતા તપાસી હતી. ફ્રાન્સના પરાજય પછી તેમની કલાકૃતિઓ જર્મની ખાતે રવાના કરવાની કામગીરીમાં તે સક્રિય હતા. 1941માં તેમણે ફ્રાન્સ, બેલ્જિયમ અને હોલૅન્ડમાં કામ કર્યું. તે પછી તેમને જર્મનીના કબજા હેઠળના પૂર્વ વિસ્તારના મંત્રી બનાવવામાં આવ્યા. ઉપરોક્ત કામગીરી દરમિયાન તેમના આદેશ અનુસાર પૂર્વ વિસ્તારમાંથી અન્ય જાતિઓના લાખો લોકોને હદપાર કરાયા હતા અને તે વિસ્તારોમાં વ્યવસ્થિત લૂંટ ચલાવવામાં આવી હતી.

તેમણે ઘણા ગ્રંથો લખ્યા હતા, જેમાં ‘ધ મિથ ઑવ્ ધ ટ્વેન્ટિએથ સેન્ચુરી (1930)’ ઉલ્લેખનીય છે, જેના દ્વારા આર્યજાતિની સર્વોપરિતા અને મહાન નેતૃત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો અને હિટલરના મહાન નેતૃત્વની નકલી અને ઢોંગી પ્રશંસા કરવામાં આવી હતી. તેમનાં ભાષણો અને લખાણો ‘બ્લડ ઍન્ડ ઑનર’ (1934–41) શીર્ષકથી પ્રસિદ્ધ થયાં હતાં.

બીજા વિશ્વયુદ્ધ બાદ નુરેમ્બર્ગ ટ્રાયલ્સ હેઠળ ચાલેલા ખટલાઓમાં તેમને યુદ્ધકેદી ગણી તેમના પર કામ ચલાવવામાં આવેલું અને તેમને કસૂરવાર ઠેરવી ફાંસીની સજા જાહેર કરવામાં આવેલી અને તે મુજબ નુરેમ્બર્ગ ખાતે તેમને ફાંસી આપવામાં આવી હતી.

રક્ષા મ. વ્યાસ