રૉસ, લાયનલ (જ. 21 જૂન 1948, વૅરેગુલ, વિક્ટોરિયા, ઑસ્ટ્રેલિયા) : કોઈ પણ રમતમાં વિશ્વકક્ષાનું વિજયપદક જીતનાર એકમાત્ર ઑસ્ટ્રેલિયન આદિવાસી. તેમણે 1964માં વ્યવસાયી ધોરણે મુક્કાબાજી ખેલવાનો પ્રારંભ કર્યો. 1966માં તેઓ ઑસ્ટ્રેલિયન ચૅમ્પિયન બન્યા. 1968માં જાપાનના ‘ફાઇટિંગ હૅરાડા’ને પૉઇન્ટની દૃષ્ટિએ હરાવી, વિશ્વકક્ષાના બૅન્ટમવેઇટ વિજયપદકના વિજેતા બન્યા. આ વિજયપદક તેઓ 3 વખત સુધી જાળવી રાખી શક્યા અને 1969માં રુબેન ઑલિવર્સ સામે તેઓ ચૅમ્પિયનશિપ હારી ગયા. એ હારના થોડા વખત પછી ઑસ્ટ્રેલિયાના મુક્કાબાજીના ક્ષેત્રે તેમણે કરેલા પ્રદાન બદલ તેમને મેમ્બર ઑવ્ ધ બ્રિટિશ એમ્પાયરનો ખિતાબ અપાયો. ત્યારપછીની અન્ય સ્પર્ધાઓમાં તેમને ઓછી સફળતા મળી. 1971માં વિશ્વકક્ષાની વિવાદાસ્પદ સ્પર્ધામાં તેઓ પરાજિત થયા અને 1976માં નિવૃત્ત થયા. કારકિર્દી આલેખ : જીત્યા 42, હાર્યા 11.
મહેશ ચોકસી