રૉય, શરતચંદ્ર (જ. 4 નવેમ્બર 1870; અ. 30 એપ્રિલ 1942, રાંચી) : ભારતના પ્રસિદ્ધ નૃવંશશાસ્ત્રી. 1888માં તેમણે મૅટ્રિકની પરીક્ષા પાસ કરી. 1892માં બી.એ.ની ઉપાધિ અંગ્રેજી વિષય સાથે મેળવી. 1893માં એમ.એ.ની પદવી પ્રાપ્ત કરી. 1895માં કોલકાતાથી કાયદાની પદવી પ્રાપ્ત કરી. ત્યારબાદ તેઓ રાંચી આવ્યા અને ત્યાં વકીલાત શરૂ કરી. છોટાનાગપુરનું મુખ્ય મથક રાંચી હતું ત્યાં ઘણા આદિવાસીઓ વસતા હતા. તેમની સાથે સંપર્કમાં આવવાની તક મળી. રૉય ધારાશાસ્ત્રી હોવાને કારણે તેઓ આદિવાસી લોકોના અનેક મુકદ્દમાઓ અદાલતમાં લડ્યા. આ દરમિયાન આદિવાસીઓના સતત સંપર્કના કારણે રૉયના ધ્યાન પર આવ્યું કે આદિવાસી લોકો દુ:ખી છે અને અનેક અન્યાયોનો ભોગ બને છે, આથી તેમને થતા અન્યાયોની જાણ જગત સમક્ષ મૂકવાની જરૂરિયાત તેમને જણાઈ. વકીલાતની સાથે સાથે તેમણે મુંડા નામની આદિવાસી જાતિની  રહેણીકરણીનો સઘન અભ્યાસ કર્યો અને આ જાતિ વિશેની માહિતી એકત્ર કરી. તેના આધારે ઈ. સ. 1912માં ‘ધ મુંડાઝ ઍન્ડ ધેર કન્ટ્રી’ નામનું પુસ્તક પ્રકાશિત કર્યું. તેમના આ પુસ્તકને અધિકારીઓ તરફથી સુંદર આવકાર મળ્યો. વિદેશી નૃવંશશાસ્ત્રીઓનું ધ્યાન આ પરત્વે ખેંચાયું. એ સમયના બિહારના ગવર્નર ગેટને તેમના આ કાર્યની કદર કરી. એમની સામાજિક અને સાહિત્યિક સેવા માટે શરતચંદ્ર રૉયને ઈ. સ. 1913માં ‘કૈસરે હિંદ’ રજત ચંદ્રક એનાયત કરવામાં આવ્યો. તેમને વધુ નૃવંશશાસ્ત્રીય અભ્યાસો કરવા માટે નાણાકીય સહાય આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. એના ફળ સ્વરૂપે તેમણે છોટાનાગપુરની ઓરાંવ જાતિનો અભ્યાસ કર્યો. તેમના આ કાર્યથી ભારતના અગ્રગણ્ય નૃવંશશાસ્ત્રી તરીકે તેમની ગણના થવા લાગી. ભારતમાં વૈજ્ઞાનિક રીતે નૃવંશશાસ્ત્રનો અભ્યાસ કરવાનો શુભારંભ શરતચંદ્ર રૉયે કર્યો. આ ક્ષેત્રમાં રૉયનું યોગદાન અમૂલ્ય છે. તેઓ તાલીમબદ્ધ નૃવંશશાસ્ત્રી ન હોવા છતાં તેઓ બ્રિટિશ અમલદારો, રીઝલે હટન અને ગ્રિયરસનના સતત સંપર્કમાં રહ્યા. ઇંગ્લૅન્ડ અને અમેરિકાના માનવશાસ્ત્રીઓ સાથે નિયમિત સંપર્કમાં રહીને વૈજ્ઞાનિક પદ્ધતિથી આદિવાસી સમાજના અભ્યાસો કર્યા અને ભારતમાં નૃવંશશાસ્ત્રનો અભ્યાસ કરવાનું બહુમાન તેમને મળ્યું. 1919માં તેઓ પટણા યુનિવર્સિટીના નૃવંશશાસ્ત્ર વિષયના રીડર બન્યા. 1920માં તેમને લંડનની ફોકલૉર સંસ્થાનું માનાર્હ સભ્યપદ મળ્યું. પછી તેઓ બિહાર અને ઓરિસાના વિધાનસભાના સભ્ય બન્યા. સાઇમન કમિશનના પણ તેઓ સભ્ય બન્યા હતા.

ધીરેન્દ્રનાથ મજુમદારને ભારતના વિખ્યાત નૃવંશશાસ્ત્રી તરીકે તૈયાર કરવાનું માન શરતચંદ્ર રૉયને ફાળે જાય છે, જે ભારતીય નૃવંશશાસ્ત્રમાં મહત્ત્વનો ફાળો ગણી શકાય.

શરતચંદ્ર રૉયે નૃવંશશાસ્ત્રીય અભ્યાસો ઉપરાંત પુરાતત્ત્વશાસ્ત્રીય અભ્યાસો પણ કર્યા છે. છોટાનાગપુરમાં ખોદકામ કરીને તેમણે કેટલાક અવશેષો શોધી કાઢ્યા, જેને તેમણે ‘અસુર કલ્ચર’ હોવાનું જણાવ્યું. આ સિવાય તેમણે બિહારની આદિવાસી જાતિઓમાં આવેલાં સાંસ્કૃતિક પરિવર્તનોના અભ્યાસો કર્યા, જેમાં ઘણી ઉપયોગી માહિતી પૂરી પાડવામાં આવી છે.

1921માં તેમણે ‘મૅન ઇન ઇન્ડિયા’ નામનું સામયિક શરૂ કર્યું, જેના તેઓ તંત્રી હતા. નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સિઝ ઇન ઇન્ડિયા તેમજ પટના યુનિવર્સિટીના તેઓ સ્થાપક ફેલો હતા. આમ તેમનું કાર્યક્ષેત્ર ઘણું વિશાળ હતું. ટૂંકી માંદગી બાદ રાંચીમાં તેમનું અવસાન થયું. તેમના અવસાન બાદ ઇન્ડિયન સાયન્સ કૉંગ્રેસે તેમની સ્મૃતિમાં ‘એસેઝ ઇન ઍન્થ્રોપોલોજી’ નામનું પુસ્તક પ્રસિદ્ધ કર્યું, જેમાં જાણીતા વિદ્વાન માનવશાસ્ત્રીઓએ લેખો લખ્યા હતા.

રૉયે તેમની સમગ્ર કારકિર્દી દરમિયાન અનેક લેખો અને પુસ્તકો લખ્યાં હતાં. તેમનાં મહત્વનાં પ્રકાશનોમાં ‘ધ મુંડાઝ ઍન્ડ ધેર કન્ટ્રી’ (1912), ‘ધી ઓરાઉંઝ ઑવ્ છોટાનાગપુર’ (1915), ‘ધ પ્રિન્સિપલ્સ ઍન્ડ મેથડ્ઝ ઇન ફિઝિકલ ઍન્થ્રોપૉલોજી’ (1920), ‘ધ બિરહોર : અ લિટલનોન જંગલ ટ્રાઇબ ઑવ્ છોટાનાગપુર’ (1925), ‘ઓરાઉં રિલિજિયન ઍન્ડ કસ્ટમ્સ’ (1928), ‘ધ હિલ ભૂઇયાઝ ઑવ્ ઓરિસા’ (1935) અને ‘ધ ખારિયાઝ’(1937)નો સમાવેશ થાય છે. તેમનાં અનેક લખાણો વિવિધ સામયિકોમાં પ્રકાશિત થયાં છે.

હર્ષિદા દવે