રૉય, મન્મથ (જ. 1899, અ. 1972) : બંગાળના જૂની અને નવી પેઢીને સાંકળતા એવા નાટ્યકાર કે જેઓ નાટ્યલેખન અને વિષય-પસંદગીમાં કડીરૂપ રહ્યા. પુરાણ અને ઇતિહાસમાંથી અનેક કથાઓ લઈને સાંપ્રત સમાજને અનુરૂપ અભિગમો સાથે તેમણે નાટ્યલેખન કર્યું. ‘કારાગાર’ નાટકમાં શ્રીકૃષ્ણની કથા હોવા છતાં, 1930માં લખાયેલા એ નાટકમાં ગાંધીજીના જેલવાસ અને તત્કાલીન રાજકીય પરિસ્થિતિનું પ્રતિબિંબ ઝિલાયું હતું. એ ઉપરાંત, મન્મથ રૉયે પોતાનાં કેટલાંક નાટકોમાં સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોને પણ નાયક-નાયિકાઓ બનાવી નાટ્યલેખન કર્યું, જેમ કે ‘ઑરકેસ્ટ્રા’ નાટકમાં ગરીબ લોકો, ‘તોતાપાડા’ નાટકમાં દલિતો, ‘સાંથાલ વિદ્રોહ’(1958)માં શોષિત આદિવાસીઓ અને ‘ધર્મગાંઠ’ (1953) નાટકમાં કામદારોને કેન્દ્રે રાખ્યાં હતાં. જોકે એમની નાટ્યયુક્તિઓ પ્રણાલીબદ્ધ હોવાથી આ નવા સામાજિક અભિગમોનો પ્રભાવ ખૂબ ઓછો રહ્યો. મન્મથ રૉય કોઈ એક નાટ્યજૂથ સાથે બંધાઈ રહ્યા નહોતા અને એમણે અનેકોને પોતાનાં નાટકો ભજવવા દીધાં. એમણે અનેક રેડિયો-નાટકો અને એકાંકીઓ પણ લખ્યાં, જેનો પ્રભાવ નવોદિત લેખકો પર ખૂબ પડ્યો. વ્યવસાયે વકીલ આ નાટ્યકારે અનેક સરકારી હોદ્દાઓ પણ સંભાળ્યા હતા. એમને સંગીત નાટક એકૅડેમી (1969), પશ્ચિમ બંગાળ રાજ્ય અકાદમી (1971), સોવિયત લૅન્ડ નહેરુ પારિતોષિક (1967) વગેરે પારિતોષિકો પણ એનાયત થયાં હતાં. ‘મુક્તિર ડાક’(1923)થી શરૂ કરી એમણે પૂરા કદનાં 60થી વધુ નાટકો લખ્યાં. ‘કારાગાર’ નાટક પર તત્કાલીન અંગ્રેજ સરકારે પ્રતિબંધ ફરમાવ્યો હતો. મન્મથ રૉય પોતાને પ્રતિબદ્ધ નાટ્યકાર ગણાવતા. એમણે દેશ અને માનવહકો માટેના સંઘર્ષમાં રંગભૂમિનો એક શસ્ત્ર તરીકે ઉપયોગ કર્યો.
હસમુખ બારાડી