રૉય, માનવેન્દ્રનાથ (જ. 21 માર્ચ 1887, અરબેલિયા, પશ્ચિમ બંગાળ; અ. 24 જાન્યુઆરી 1954, દહેરાદૂન) : પ્રારંભે સામ્યવાદી, અને નવમાનવવાદી વિચારધારાના પિતા. મૂળ નામ નરેન્દ્ર ભટ્ટાચાર્ય. પિતા દીનબંધુ ભટ્ટાચાર્ય અને માતા બસંતકુમારી.

કિશોર-વયથી જ રૉય સ્વાધીનતા-આંદોલનના એક સૈનિક બની ચૂક્યા હતા. બંગભંગ વિરોધી આંદોલનની ક્રાંતિકારી સંગઠન અનુશીલન સમિતિમાં તે જોડાયા. સરઘસ યોજવા માટે શાળામાંથી બરતરફ કરવાની વાત તો નાની હતી પણ સંઘર્ષ માટે જરૂરી શસ્ત્રો ખરીદવાનાં નાણાં મેળવવા માટે કરાયેલી લૂંટફાટ અંગેના મામલાઓમાં (ડાયમંડ હાર્બર – 1909; ગાર્ડન રીચ – 1915) પણ તે પોલીસની નજરે ચઢી ચૂક્યા હતા. અલબત્ત આ સાથે દુષ્કાળ-રાહત વગેરે સામાજિક સેવાનાં કામોમાં પણ તેઓ સક્રિય હતા. મહર્ષિ અરવિંદ સ્થાપિત નૅશનલ કૉલેજમાં તેમને પ્રવેશ મળ્યો અને સાથે સાથે શસ્ત્રોના ઉપયોગની તાલીમનું કામ પણ ચાલુ જ હતું. આ કિશોરને પણ જતીન મુકર્જી સાથે ‘બ્રિટિશ સરકારને બળપૂર્વક ઉથલાવી મૂકવાના’ આરોપસર (1910–11) પકડવામાં આવ્યા હતા. તેમાંથી છુટકારો થતાં તેઓ ભૂગર્ભપ્રવૃત્તિને યુગાંતર જૂથના નેજા નીચે સંકલિત કરવાના કાર્યમાં લાગી ગયા. આ ગાળામાં સંન્યાસી બની તેમણે ભારતયાત્રા પણ કરી હતી.

માનવેન્દ્રનાથ રૉય

તેમના જીવનને સ્વાતંત્ર્યની વિભાવના માટેની ખોજ અને તેને સાકાર કરવા માટેની વ્યવસ્થાની સ્થાપના માટેના મંથન અને સંઘર્ષ રૂપે મૂલવી શકાય. ભારતના 1857ના વિદ્રોહની નિષ્ફળતા સાથે પરંપરાગત રાજાશાહીનો અસ્ત થઈ ચૂક્યો હતો. યુરોપના ઉદારવાદી વિચારોનાં પગરણ ભારતમાં શરૂ થઈ ચૂક્યાં હતાં. એક બાજુ ભારતની પરંપરાઓ, રૂઢિઓ અને માન્યતાઓમાં સુધારાની હવા (દયાનંદ, વિવેકાનંદ વગેરે દ્વારા) જોર પકડતી હતી. સાથે સાથે વિદેશી હકૂમતમાંથી મુક્તિ મેળવવા માટેની આકાંક્ષા અને ભારતની નવી ઓળખ હાંસલ કરવાની પ્રક્રિયાનો સૂત્રપાત થઈ રહ્યો હતો.

પ્રથમ વિશ્વયુદ્ધ (1914–18) સાથે તેમની પ્રવૃત્તિ વેગ પકડવા લાગી. કસ્ટમમાંથી તફડાવેલાં શસ્ત્રોનાં આઠેક ખોખાં, ગાર્ડન રીચની લૂંટમાંથી મળેલા અઢાર હજાર રૂપિયા પાયાની પ્રવૃત્તિ માટે ઠીક હતા, પરંતુ વ્યાપક વિદ્રોહ માટે તો વધુ શસ્ત્રો અને નાણાં જરૂરી હતાં. બર્લિન(જર્મની)માં સ્થપાયેલી ઇન્ડિયા ઇન્ડિપેન્ડન્સ કમિટી મારફતે જર્મન સરકારે આ માટેની ઑફર કરી. આ અંગે વાટાઘાટો તથા વ્યવસ્થા કરવાની જવાબદારી નરેન્દ્રને સોંપાઈ. ચાર્લ્સ માર્ટિનના નામે તેમણે બટેવિયા (ઇન્ડોનેશિયા) અને શાંઘાઈનો પ્રવાસ ખેડી ત્રીસ ત્રીસ હજાર રાઇફલો તથા તે માટેના દારૂગોળાનું વચન મેળવ્યું. ભારત આવી તેમણે અન્ય સાથીઓની સહાયથી વ્યાપક વિદ્રોહ માટેની યોજના તૈયાર કરી. પરંતુ જહાજના કપ્તાનની ભૂલને કારણે શસ્ત્રો ભારતના કિનારે પહોંચ્યાં જ નહિ. નરેન્દ્ર ફરી આ માટે ઇન્ડોનેશિયા ઊપડ્યા, હવે તેમણે જાપાન-જર્મની સાથે વાટાઘાટો ચલાવી, ચીનના સુન યાત સેન સાથે પણ મંત્રણા કરી, પરંતુ જર્મન દૂતાવાસે તેમને જણાવ્યું કે આ માટે તેમણે જર્મની જઈ રજૂઆત કરવી પડશે. બીજી બાજુ આ દરમિયાન પોલીસ સાથેની ઝપાઝપીમાં જતીન વગેરે સાથીઓ શહીદ થઈ ચૂક્યા હતા, જેની રૉયને ખૂબ પાછળથી જાણ થઈ હતી.

ચીન-જાપાનની પોલીસને થાપ આપી રૉય માર્ટિન નામે અને ઈશ્વરવિદ્યાના (પાદરી) વિદ્યાર્થી રૂપે, 1916માં અમેરિકાના કાંઠે ઊતર્યા. આ તબક્કા સુધી રૉય રાષ્ટ્રવાદી ક્રાંતિકારી હતા. સશસ્ત્ર બળવા દ્વારા આઝાદી મેળવવાથી વિશેષ કોઈ આદર્શ તેમની સમક્ષ નહોતો. અમેરિકામાં તેઓ લાલા લજપતરાયના મંત્રી તરીકે ફરજ બજાવતા હતા. તે દરમિયાન વિવિધ સભાઓમાં પુછાતા એક પ્રશ્ને  આઝાદ થયા પછી તમે કેવી આર્થિક–રાજકીય–સામાજિક વ્યવસ્થા કરવા માંગો છો ?  તેમને વિચારતા કરી મૂક્યા. તેમણે માર્કસનાં લખાણો અને સમાજવાદી સાહિત્યનું અધ્યયન શરૂ કર્યું અને તેઓ શોષણ અને દમનની નાબૂદી માટે સમાજવાદી (માર્કસના) વિચારો તરફ આકર્ષાયા. અમેરિકા મિત્રરાજ્યોના પક્ષે પ્રથમ વિશ્વયુદ્ધમાં સામેલ થતાં બ્રિટનવિરોધી ક્રાંતિકારીઓ પર પણ તવાઈ આવી. રૉય પણ પકડાયા. પરંતુ પોલીસને થાપ આપી મેક્સિકો નાસી છૂટ્યા. મેક્સિકોમાં જઈ તેમણે (હવે તેમની સાથે તેમના ભાવી પત્ની એલન પણ જોડાયાં હતાં) ત્યાંના બૌદ્ધિકો તથા સમાજવાદીઓ સાથે મળી સમાજવાદી પક્ષની સ્થાપના કરી, તેના મહામંત્રી બન્યા. તેઓ સ્પૅનિશ ભાષા શીખ્યા અને તેમાં લેખો લખવા લાગ્યા. તેમનો પક્ષ 1918–19માં અલ પાર્ટીડો સોશ્યાલિસ્ટો દ મેક્સિકોમાં રૂપાંતરિત થયો. તેમણે કામદારોનું સંગઠન રચ્યું. મેક્સિકોના પ્રમુખ (કારાન્ઝા) તથા અગ્રણી પ્રધાનો (કેલેઝ, ડૉન મૅન્યુઅલ, લોપેઝ વગેરે) સાથે તેમનો ગાઢ નાતો હતો અને નીતિવિષયક બાબતોમાં પણ તેમની અસર હતી. આ સમયે રૉયને જર્મન દૂતાવાસ તરફથી ભારતમાં ક્રાંતિ કરવા માટે નાણાંની સહાય મળી. રૉય ભારત આવવા નીકળ્યા પણ જહાજની સગવડ ન થઈ.

આ દરમિયાન રૂસમાં ક્રાંતિ થઈ ચૂકી હતી અને લેનિનના નેતૃત્વ નીચે સામ્યવાદી સરકાર સ્થપાઈ ચૂકી હતી. રૂસની સરકાર ભારે નાણાભીડમાં હતી અને ઝારનું ઝવેરાત વેચવા કાઢ્યું હતું. તેની બૅગ ભરીને નીકળેલા બોરોદીનની બૅગ રસ્તામાં આડીઅવળી થઈ ગઈ. બોરોદીન માટે તો ન કહેવાય  ન સહેવાય જેવી સ્થિતિ થઈ. તે મેક્સિકો પહોંચ્યોં, જ્યાં અખબારો વાંચતાં તેને સમાજવાદી નેતા રૉયનું નામ મળ્યું. રૉયનો સંપર્ક સાધી તેણે પોતાની આપવીતી જણાવી. રૉય પાસે ભારતમાં ક્રાંતિ માટે મળેલાં જર્મન-નાણાં હતાં. તેમણે આ નાણાં થઈ ચૂકેલી રશિયન ક્રાંતિની ભીડ ભાંગવા બોરોદીનને આપ્યાં તેમજ પોતાના ગોદી કામદાર-સંગઠન દ્વારા ઝવેરાતવાળી બૅગનો પણ પત્તો મેળવી આપ્યો. વધુમાં, રૉયે મેક્સિકોના સમાજવાદી પક્ષનું સામ્યવાદી પક્ષમાં રૂપાંતર કર્યું, અને આમ મેક્સિકોમાં રશિયા બહારના પ્રથમ સામ્યવાદી પક્ષની સ્થાપના રૉયના નેતૃત્વ નીચે થઈ. રૉયનાં વિચારો અને કાર્યથી પ્રભાવિત થયેલા બોરોદીને લેનિનને આખી વાત જણાવી તથા રૉયને સામ્યવાદી વિચારધારાની આંટીઘૂંટીઓથી પરિચિત કર્યા. લેનિને રૉયને રશિયા આવવાનું તથા કૉમ્યુનિસ્ટ ઇન્ટરનૅશનલના અધિવેશનમાં ભાગ લેવાનું આમંત્રણ પાઠવ્યું. અમેરિકા, બ્રિટન વગેરેની પોલીસથી બચીને રશિયા પહોંચવાની સમસ્યાનો ઉકેલ મેક્સિકોના પ્રમુખ કારાન્ઝાએ આણ્યો. તેમણે રૉય દંપતીને રાજદૂત કક્ષાનો પાસપૉર્ટ આપ્યો અને રૉય અને એલન સ્પેન, ઇટાલી, સ્વિટ્ઝર્લૅન્ડ થઈ જર્મનીમાં ચારેક માસ રોકાયાં  જે દરમિયાન તેઓ સ્પાર્ટેક્સ જૂથના સામ્યવાદી નેતાઓ થાયલહીમર, બ્રૅન્ડલેર, બર્નસ્ટાઇન, કૉટસ્કી વગેરેના ગાઢ સંપર્કમાં આવ્યા. ફિનલૅન્ડ થઈને 1920ના મે માસમાં તે રશિયા પહોંચ્યા.

રશિયા પહોંચતાં જ લેનિને તેમને મુલાકાત આપી અને કૉમ્યુનિસ્ટ ઇન્ટરનૅશનલની દ્વિતીય પરિષદમાં હાજર રહેવાનું તથા પોતાના વિખ્યાત નીતિ-નિબંધ ‘રાષ્ટ્રીય અને સાંસ્થાનિક સમસ્યા’નું અવલોકન તથા તેના પર ટિપ્પણી કરવાની જવાબદારી સોંપી. આ નોંધમાં લેનિને પરાધીન રાષ્ટ્રોના સ્વાધીનતા-આંદોલનમાં સામ્યવાદીઓએ સાથ આપવાની વાત કરી હતી. રૉયે જણાવ્યું કે આ આંદોલનો રાષ્ટ્રવાદી બુઝર્વા વર્ગ દ્વારા ચલાવાય છે. તેમાં સામાજિક-આર્થિક ક્રાંતિની વાત નથી અને લડતને સામ્યવાદી ક્રાંતિની દિશામાં વાળવા માટે સામ્યવાદી પક્ષની સ્થાપનાને ઉત્તેજન આપવું જોઈએ. લેનિને આ બંને મંતવ્યો પરિષદ સમક્ષ રજૂ કર્યાં અને બંને મત સ્વીકારાયા. (લેનિને રૉય સાથેની ચર્ચા પછી ક્રાંતિકારી બુઝર્વાને બદલે રાષ્ટ્રવાદી બુઝર્વા શબ્દ સ્વીકાર્યો હતો.) ત્યારથી સામ્યવાદી ચળવળમાં રાષ્ટ્રવાદી પક્ષો સાથેના સહકારમાં એક દ્વિધાભરી નીતિ સતત જોવા મળી છે.

રૉયની મૂળ ખ્વાહિશ તો ભારતની મુક્તિ હતી. આ માટે તેમને બે ટ્રેનો ભરીને શસ્ત્રો, દારૂગોળો, નાણાં વગેરે સાથે અફઘાનિસ્તાન તરફ મોકલવામાં આવ્યા. તાશ્કંદને મુક્ત કરી તેઓ પામીરની પહાડી સુધી પહોંચ્યા અને ભારતની ભૂમિનાં દર્શન કર્યાં. અલબત્ત, હજી ભારતમાં ક્રાંતિ કરવા માટે જરૂરી કાર્યકરો અને સંગઠન સર્જવાનાં બાકી હતાં. તાશ્કંદમાં ભારતમાં ક્રાંતિ કરવા માટેના કાર્યકરોની ભરતી કરવા તથા સામ્યવાદી સંગઠન સ્થાપવા માટેનું કેન્દ્ર શરૂ કર્યું. અહીં જ ભારતના સામ્યવાદી પક્ષની સ્થાપના કરાઈ (17 ઑક્ટોબર 1920) અને રૉય તેના પ્રથમ કાર્યવાહક મંત્રી બન્યા. (અન્ય સભ્યોમાં એલન, મહંમદ શફી, અવની અને રોઝા મુકર્જી, મસૂદ રબ, થિરુમલ, શૌકત ઉસ્માની અને સફદર હતાં.) એશિયામાં સામ્યવાદના પ્રસાર માટેની જવાબદારી પણ રૉયને સોંપવામાં આવી. આ માટે તેમણે જરૂરી સાહિત્ય, સંકલન અને કાર્યકરોની તાલીમ માટે પૂર્વના શ્રમજીવીઓની સામ્યવાદી વિદ્યાપીઠની સ્થાપના કરી. અલબત્ત, આ સમયગાળામાં તેમની લેખનપ્રવૃત્તિ તો સતત ચાલુ જ હતી. આ ગાળામાં તેમણે  લખેલું ‘ઇન્ડિયા ઇન ટ્રાન્ઝિશન’ પુસ્તક તો જાણીતું છે જ ઉપરાંત તેમણે અનેક લેખો અને કૉંગ્રેસ અધિવેશન પ્રસંગે ખાસ પ્રકાશનો દ્વારા ભારતના સ્વાધીનતા આંદોલન પર અસર પાડવા પ્રયાસ કર્યો. આ દરમિયાન ભારતમાં તેમની સામે ‘કાનપુર કાવતરા કેસ’ નામે જાણીતો ખટલો શરૂ થયો અને મુખ્ય આરોપી તરીકે તેમની સામે વૉરંટ નીકળ્યું.

સામ્યવાદી આંદોલનમાં રૉયને ઉચ્ચ સ્થાન મળતાં ગયાં, કૉમિન્ટર્નની કારોબારી, પ્રેસિડિયમ, તેના સચિવાલયના સંગઠન એકમના સભ્ય, પૌરસ્ત્ય પંચના ચેરમૅન, ચીન અંગેના પંચના મંત્રી જેવાં મહત્વનાં સ્થાને તે ચૂંટાતા રહ્યા. આ સમયે ચીનમાં સામ્યવાદી ક્રાંતિ માટેની સંભાવના જણાતાં તેમને કૉમિન્ટર્નના પ્રતિનિધિમંડળના વડા તરીકે ચીન મોકલવામાં આવ્યા. આ સાથે સ્તાલિનના પ્રતિનિધિ તરીકે બોરોદીન પણ ત્યાં હતા. ક્રાંતિની વ્યૂહરચના બાબત બંને વચ્ચે મતભેદો પડ્યા અને સામ્યવાદીઓ દ્વારા અપરિપક્વ ક્રાંતિ કરાતાં તેમની ભારે જાનહાનિ થઈ અને રૉય સહિત સહુને ચીન છોડી નાસી છૂટવું પડ્યું તથા ચીનના સામ્યવાદીઓએ માઓના નેતૃત્વ નીચે લૉંગ માર્ચ કરી દૂરના પ્રદેશમાં થાણું જમાવ્યું. સામ્યવાદી આંદોલનના આ ધબડકા અંગે હજી કોઈને દોષિત ઠરાવાયા ન હતા. કૉમિન્ટર્નની નવમી કારોબારી(1928)માં રૉયને પ્રેસિડિયમના સભ્ય તરીકે ફરી ચૂંટવામાં આવ્યા, પરંતુ હવે તેમને નીચા નમાવવા વહીવટી પાંખ કટિબદ્ધ હતી. આ સમયે રૉય માંદગીમાં સપડાયા અને તેમનો અંત લાવી દેવામાં આવે તેમ જણાતું હતું, પરંતુ બુખારીન અને લુઈસે ગૅસલરની સહાયથી તેઓ રશિયામાંથી બહાર નીકળી શક્યા. આ પછી ચીનની નિષ્ફળતા અંગે તેમના પર દોષનો ટોપલો મુકાયો. આ સમયે રૉય જર્મનીમાં હતા અને અનેક લેખો તથા પ્રકાશનો ગુપ્ત રીતે ભારત મોકલવાની કામગીરી કરી રહ્યા હતા. મૌલિક અને સ્વતંત્ર વિચારક તથા સ્પષ્ટવક્તા રૉય માટે સમગ્રતાવાદી આપખુદ અને ચુસ્ત સામ્યવાદી સંગઠનમાં હવે સ્થાન ન હતું. એક લેખ તથા નિ:સંસ્થાનવાદના થીસિસ માટે તેમને ડિસેમ્બર 1929માં કૉમિન્ટર્નમાંથી દૂર કરવાની વિધિવત્ જાહેરાત કરાઈ.

અલબત્ત, રૉયે પોતે હજી સામ્યવાદ સાથે છેડો ફાડ્યો ન હતો. તેમની લેખનપ્રવૃત્તિ પણ ચાલુ હતી અને જર્મન ભાષામાં પણ અનેક લખાણો લખતા હતા. જર્મનીમાં નાઝીવાદના ઉદયને તેમણે નજરે નિહાળ્યો અને તેના કટ્ટર વિરોધી બન્યા. આખરે તેમણે ભારત આવવાનો નિર્ણય કર્યો. તેઓ જાણતા હતા કે ભારતમાં જેલના દરવાજા તેમની રાહ જોઈ રહ્યા છે. આમ છતાં ઇસ્તંબુલ, બગદાદ થઈ 1930માં કરાંચી પહોંચ્યા અને મુંબઈને કેન્દ્ર બનાવી ડૉ. મહેમૂદના નામે પ્રવૃત્તિ શરૂ કરી. જવાહરલાલ નહેરુ તો અગાઉ તેમને મૉસ્કોમાં મળ્યા હતા અને તેમના પ્રશંસક હતા. અન્ય કૉંગ્રેસી અગ્રણીઓ તથા જૂના સામ્યવાદી સાથીઓ સાથે તેમણે સંપર્ક સ્થાપવાની કોશિશ કરી, કામદાર પ્રવૃત્તિ પર તેમણે ખાસ ધ્યાન આપ્યું, પરંતુ 1931માં મુંબઈમાંથી તેમની ધરપકડ થઈ. તેમની સામે કાનપુર કાવતરા કેસ તો ખડો હતો જ. આ કેસમાં તેમને છ વર્ષની સજા કરાઈ, એકાંતવાસ સાથે અનેક નિયંત્રણો પણ મુકાયાં, પણ આઇન્સ્ટાઇન સહિત અનેક આંતરરાષ્ટ્રીય અગ્રણીઓની અપીલ પછી તે હળવાં કરાયાં અને વાંચવા-લખવાની છૂટ અપાઈ, અને પાંચ વર્ષ ચાર માસની કેદ પછી તેમને મુક્ત કરાયા હતા. કારાવાસ દરમિયાન તેમણે ખૂબ વાંચ્યું, પોતાની સમગ્ર દાર્શનિક ભૂમિકા તથા સામ્યવાદ વિશે પણ મંથન કર્યું અને તેના પરિપાકરૂપે વિવિધ પુસ્તકો લખ્યાં જેમાં ‘ફિલોસૉફિકલ કૉન્સિક્વન્સિઝ ઑવ્ મૉડર્ન સાયન્સ’, ‘લેટર્સ ફ્રૉમ જેલ’, ‘પ્રિઝનર્સ ડાયરી’ – 1-2 મુખ્ય છે.

આ મંથનના અંતે રૉયને લાગ્યું કે માર્કસવાદમાં ભૌતિક પરિબળો (તેમાં પણ આર્થિક પરિબળો અને ઐતિહાસિક નિયતિ) પર મુકાયેલો ભાર અનુચિત છે અને વિચારોનું મહત્વ અને પ્રભાવની પૂરેપૂરી મહત્તા પિછાનવામાં આવી નથી. પરિણામે માત્ર ઉપલક તંત્ર (Super Structure) બદલાય, પણ અભિગમ અને મનોવલણ ન બદલાય ત્યાં સુધી મૂળગત પરિવર્તન – સાચી ક્રાંતિ – સંભવે નહીં. વળી સરમુખત્યારશાહી અને સૂત્રાંધતાને કારણે સ્વાતંત્ર્ય અને વિચારોનો મુક્ત વિકાસ ગૂંગળાઈ જતાં પ્રગતિની કૂચ થંભી જાય છે.

કેદમાંથી છૂટ્યા પછી તેમણે કૉંગ્રેસમાં સક્રિય રસ લેવા માંડ્યો (આ દરમિયાન એલન તેમની સાથે લગ્નગ્રંથિથી જોડાઈ ગયાં, 1937). અલબત્ત, તેમનાં નાસ્તિકતા અને સામ્યવાદી સંદર્ભને કારણે ગાંધીજી સહિત અનેક નેતાઓ સાથે તેમનો મેળ ખાય તેમ ન હતું. વધુમાં નાઝીવાદ અને હિટલર પ્રત્યેનો તેમનો અણગમો, દ્વિતીય વિશ્વયુદ્ધ (1939–45) ફાટી નીકળતાં, એવા તારણ પર લઈ ગયો કે આજના સંદર્ભમાં આંદોલન દ્વારા બ્રિટનને ભીંસમાં લેવાને બદલે લોકશાહીની રક્ષા માટે તેને મદદરૂપ થવું જરૂરી છે. ઉપરાંત ભારતની આઝાદી તો હવે હાથવેંતમાં છે જ, કારણ કે આ વિશ્વયુદ્ધના અંતે એવી માનસિક અને આર્થિક પરિસ્થિતિ સર્જાશે કે સામ્રાજ્યવાદનો અંત આવશે અને સંસ્થાનોને સામે ચાલીને સ્વાધીનતા અપાશે. પરંતુ 1942માં ભારતમાં બ્રિટનને મદદરૂપ થવાની વાત સ્વીકાર્ય ન હતી. રૉયને ગોરી સરકારના પિઠ્ઠુ ગણી કાઢવામાં આવ્યા અને તેમની અવહેલના કરાઈ. નહેરુએ લખ્યું છે કે તેઓ રૉયના વિચારો સાથે સહમત હતા, પરંતુ ગાંધીજીનો વિરોધ કરવા તૈયાર ન હતા. સામ્યવાદીઓ પણ રશિયા પર જર્મનીનું આક્રમણ ના થયું ત્યાં સુધી બ્રિટનવિરોધી હતા અને પછી વલણ ફેરવ્યું. આ દરમિયાન રૉય કહેતા રહ્યા કે આઝાદી આવી રહી છે ત્યારે ભારતનું બંધારણ કેવું હોવું જોઈએ તે વિશે વિચાર કરો અને તેમણે પહેલ કરીને એક મુસદ્દો પણ તૈયાર કર્યો (‘કૉન્સ્ટિટ્યૂશન ઑવ્ ઇન્ડિયા’ એ મુસદ્દો). ઉપરાંત તેમણે આર્થિક આયોજન વિશે એક સમિતિ રચી ‘પીપલ્સ પ્લાન’ વગેરે તૈયાર કરાવ્યાં અને રૅડિકલ ડેમોક્રૅટિક પાર્ટીની સ્થાપના કરી. યુદ્ધોત્તરકાળમાં રશિયાનું જે રૂપ છતું થયું તેથી રૉય વ્યથિત થયા અને સામ્યવાદને અતિક્રમીને ‘હ્યૂમનિસ્ટ’ વિચારણા તરફ અભિમુખ થયા. આ અભિગમનો સંકેત ‘બિયૉન્ડ કમ્યુનિઝમ’ અને ‘ન્યૂ ઓરિયેન્ટેશન’નાં વક્તવ્યો / લેખોમાં જોઈ શકાય છે. અંતે રૉયે રૅડિકલ ડેમૉક્રસી કે નવમાનવવાદની વિભાવના રૂપે બાવીસ થીસિસ તૈયાર કર્યા અને ભાવિ કાર્યક્રમની રેખા આપતું પુસ્તક ‘ન્યૂ હ્યૂમનિઝમૉ : એ મૅનિફેસ્ટો’ 15 ઑગસ્ટ 1947ના રોજ પ્રગટ કર્યું. બંધારણના મુસદ્દામાં જ રૉય પક્ષવિહીન લોકશાહી તરફ અભિમુખ થઈ રહ્યા હોય તેમ જણાતું હતું. વધુમાં તેમણે જ્યારે ભૌતિક પરિબળો કે તંત્રને બદલે સંસ્કારોના, મનોવલણના ઘડતરની વાત કરી, તે સાથે સત્તાના રાજકારણને બદલે શૈક્ષણિક આંદોલન તરફ અગ્રેસર થવાની વાત પણ અભિપ્રેત હતી. તેમને જણાયું હતું કે પ્રજામાં નવાં મૂલ્યો પ્રત્યેની નિષ્ઠા જગાવ્યા વિના ક્રાંતિકારી પરિવર્તન સંભવિત નથી. ભારતની પ્રજામાં સામાજિક ક્રાંતિ માટે વૈચારિક ક્રાંતિ તેમને પૂર્વશરતરૂપ જણાઈ. આથી અદ્યતન અને સંપ્રજ્ઞતાને ઉત્તેજન આપવાના હેતુથી રેનેસાંસ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી. તેમને જણાયું કે રાજકીય પક્ષો સત્તા માટેની દોડનાં સાધન છે, તેઓ ક્રાંતિનું માધ્યમ બની શકે નહિ. આ સાથે રૉય સત્તાવિહીન/પક્ષવિહીન રાજકારણની દિશામાં ડગ ભરી રહ્યા હતા. તે જોઈ શક્યા કે શૈક્ષણિક આંદોલન અને સત્તાની આકાંક્ષા ધરાવતો પક્ષ એકસાથે રહી શકે નહિ. પરિણામે તેમણે રૅડિકલ ડેમોક્રૅટિક પાર્ટીનું વિસર્જન કરવાનો નિર્ણય લીધો. આ બાબત સાથીઓમાં ઉગ્ર ચર્ચા પણ થઈ. એવો આક્ષેપ પણ થયો કે ચૂંટણીમાં પક્ષના ખરાબ દેખાવથી હતાશ થઈને તેમણે પલાયનવાદી પગલું ભર્યું છે. પરંતુ રૉયને પોતાની માન્યતામાં વિશ્વાસ હતો અને જે સાચું લાગે તેને નિષ્ઠાપૂર્વક, તેના પૂરા તાર્કિક સ્વરૂપમાં વળગી રહેવાની નિર્ભીકતા હતી. આખરે 1948માં કૉલકાતાની બેઠકમાં પક્ષના વિસર્જનનો નિર્ણય લેવાયો. ગાંધીજીની વાત તેમના કૉંગ્રેસી સાથીઓએ સ્વીકારી ન હતી, પણ રૉયના સાથીઓ તેમની સાથે સહમત થયા. કોઈ રાજકીય પક્ષે સ્વેચ્છાએ પોતાનું વિસર્જન કર્યું હોય તેવો વિશ્વભરમાં કદાચ આ પ્રથમ બનાવ હતો.

પરંતુ આ પછીની આંદોલન-ઘડતરની પ્રક્રિયામાં રૉય આગળ વધે તે અગાઉ 1952માં તેઓ અકસ્માતનો ભોગ બન્યા, તેમને લકવો થયો અને બેએક વર્ષની માંદગી અને સ્વાસ્થ્યના ઉતાર-ચઢાવને અંતે તેઓ અવસાન પામ્યા. અલબત્ત આ દરમિયાન તેમનાં લેખન, સામયિકોનું સંપાદન, કાર્યશિબિરોનું આયોજન ચાલુ જ હતાં, ઉપરાંત માનવવાદીઓના આંતરરાષ્ટ્રીય સંગઠન માટે તેઓ કોશિશ કરતા રહ્યા, જેના ફલસ્વરૂપે ઇન્ટરનૅશનલ હ્યૂમનિસ્ટ ઍન્ડ એથિકલ યુનિયન(IHEV)ની રચના થઈ. તેઓ પોતે તેમાં ભાગ ન લઈ શક્યા, પરંતુ આ સંસ્થા આજે કાર્યરત છે અને વિશ્વભરમાં તેનાં સભ્ય સંગઠનો પ્રસરેલાં છે. રૉયના અવસાન બાદ એલને તેમનું કાર્ય આગળ ધપાવ્યું (1960માં તેમની હત્યા થઈ).

વૈચારિક ક્રાંતિ, બુદ્ધિનિષ્ઠા, સેક્યુલરિઝમ અને વૈજ્ઞાનિક અભિગમનો પુરસ્કાર, સત્તાવિહીન/પક્ષવિહીન રાજકારણ, વિકેન્દ્રિત રાજકીય તંત્ર અને આર્થિક આયોજન, માનવીય ગૌરવની પ્રસ્થાપનાની રૉયની હિમાયત વ્યાપક  સમર્થન પામતી રહી છે. અહીં ગાંધી અને રૉય ઘણી બાબતોમાં એકમત જણાય અને તેથી જ જયપ્રકાશ નારાયણ રૉયના વિચારોના સક્રિય ટેકેદાર બન્યા હતા. રૉયની વિશેષતા પોતાના વિચારોના દાર્શનિક અને વૈજ્ઞાનિક પાયાઓનું નિરૂપણ કરવા સાથે તેને માનવીય ગૌરવ, સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વનાં મૂલ્યો સાથે સાંકળવામાં રહેલી છે. પરિણામે આજે તેમના વિચારો વધુ ને વધુ પ્રસ્તુતતા ધારણ કરતા જણાય છે.

જયંતી પટેલ