રૉય, ઇન્દ્રપ્રમિત (જ. 1964, કોલકાતા, પશ્ચિમ બંગાળ) : આધુનિક ભારતીય ચિત્રકાર. શાંતિનિકેતનમાંથી ચિત્રકલાના સ્નાતક થયા પછી વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સમાં વધુ બે વરસ અભ્યાસ કરી ચિત્રકલામાં અનુસ્નાતક ઉપાધિ મેળવી. આ પછી લંડનની રૉયલ કૉલેજ ઑવ્ આર્ટમાં વધુ એક વર્ષ ચિત્રકલાનો અભ્યાસ કરી ચિત્રકલાનો પોસ્ટ ડિપ્લોમા મેળવ્યો.

અભ્યાસ બાદ રૉયે લંડન, મુંબઈ અને કૉલકાતામાં પોતાની કલાનાં ઘણાં વૈયક્તિક પ્રદર્શનો યોજ્યાં અને 1992માં બર્સ્ટન (Burston) ઍવૉર્ડ અને 1993માં ‘ફ્લુઅર કૌલ્સ ઍન્યુઅલ ઍવૉર્ડ ફૉર એક્સલન્સ’ (Fleur Cowles Annual Award for Excellence) મેળવ્યા.

આધુનિક ભારતીય નાગરિકની વિટંબણાઓને રૉય સહાનુભૂતિપૂર્વક કૅન્વાસ પર આલેખે છે.

હાલમાં તેઓ વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સમાં વ્યાખ્યાતા તરીકે ફરજ બજાવે છે.

અમિતાભ મડિયા