રૉય, જુથિકા (જ. 20 એપ્રિલ 1920, આમટા, જિ. હાવડા, પશ્ચિમ બંગાળ; અ. 5 ફેબ્રુઆરી 2014, કૉલકાતા) : અનન્યસાધારણ અવાજ અને પ્રતિભા ધરાવતાં ભજનગાયિકા. માત્ર સાત વર્ષની ઉંમર હતી ત્યારે તેમણે ગાયન પ્રસ્તુત કરવાની શરૂઆત કરી અને માત્ર બાર વર્ષની વયે તેમનું પ્રથમ હિંદી ભજન ધ્વનિમુદ્રિત થયું. વિખ્યાત બંગાળી કવિ કાઝી નઝરૂલ ઇસ્લામ ઉર્ફે ‘કાઝીદા’ જુથિકા રૉયના માર્ગદર્શક અને પથપ્રદર્શક, જેમની દોરવણી હેઠળ જુથિકાનું પ્રથમ આલબમ બહાર પડ્યું. બંગાળી અને હિંદી ભાષાનાં ભજનો ઉપરાંત તેમણે ઉર્દૂ અને તમિળ ભાષામાં પણ થોડાંક ગીતો ગાયાં છે. ભજન અને ગીતો ઉપરાંત તેમણે કવ્વાલી પણ રજૂ કરેલ છે. મીરાંનાં ભજનો ગાવામાં તે વિશેષ ખ્યાતિ ધરાવે છે. તેમણે થોડાંક ફિલ્મી ગીતો ગાયાં છે ખરાં, તેમ છતાં ભજનગાયિકા તરીકે તેમની પ્રતિષ્ઠા જ વધારે ઊંચી છે. તેમના પ્રશંસકોમાં મહાત્મા ગાંધી, પંડિત જવાહરલાલ નહેરુ, સરોજિની નાયડુ અને સત્ય સાંઈબાબા જેવાનાં નામ મોખરે મૂકી શકાય. 15 ઑગસ્ટ 1947ના રોજ તીન મૂર્તિ ભવનના પોતાના શાસકીય નિવાસથી લાલ કિલ્લા સુધી રાષ્ટ્રને સંબોધવા જવા માટે પંડિત નહેરુ પસાર થતા હતા તે જ સમયે આકાશવાણી પરનું જુથિકાનું ગાયન પૂરું થયું હતું; પરંતુ પંડિતજીના સૂચનથી જુથિકા તરત જ આકાશવાણી કેન્દ્ર પર પાછાં

જુથિકા રૉય

ગયાં હતાં અને પંડિતજી લાલ કિલ્લા પર પહોંચે ત્યાં સુધી પોતાનું ભક્તિસંગીત ચાલુ રાખ્યું હતું. ગાંધીજી કોમી એખલાસ અને શાંતિ પ્રસ્થાપિત કરવા માટે નોઆખલીનો પ્રવાસ ખેડતા હતા ત્યારે બેલઘાટ ખાતેના તેમના રોકાણ દરમિયાન ગાંધીજીના આગ્રહથી જુથિકાએ તેમને પાંચથી છ ભજનો સંભળાવ્યાં હતાં. તેમાં ‘ઘૂંઘટ કે પટ ખોલ’, ‘મને ચાકર રાખોજી’ અને ‘રામનામ કી ચૂડિયાં પહેનું…..’ જેવાં મહાત્માજીને પ્રિય ભજનોનો ખાસ સમાવેશ કરવામાં આવ્યો હતો. તે દિવસની સાંજની પ્રાર્થનાસભામાં ફરી ભજનો ગાવા માટે મહાત્માજીએ જુથિકાને આમંત્રણ આપ્યું હતું. 1934–1961ના લગભગ ત્રણ દાયકામાં જુથિકાએ ગાયેલાં હિંદી ગીતોની સંખ્યા આશરે 225 અને બંગાળી ગીતોની સંખ્યા આશરે 140 જેટલી છે. મીરાંનાં ભજનોની વિશિષ્ટ પ્રકારની ગાયકીને કારણે જુથિકા રૉય તેમના પ્રશંસકોમાં ‘આધુનિક મીરાં’ ઉપનામથી જાણીતાં બન્યાં છે. મીરાંબાઈનાં ભજનો ઉપરાંત જુથિકાએ સંત તુલસીદાસ, સંત સુરદાસ અને સંત કબીર જેવા સંતકવિઓની રચનાઓને પણ પોતાનો કંઠ આપ્યો છે. વિખ્યાત સ્વરનિયોજક કમલ દાસગુપ્તા માટે જુથિકાએ ગાયેલાં ગીતોની સંખ્યા નોંધપાત્ર છે. હિંદી અને બંગાળી ભજન-ગાયકીના ક્ષેત્રમાં યુગપ્રવર્તક ગણાય તેટલી ખ્યાતિ જુથિકાએ મેળવી છે.

‘આજ સૌ મોને પડે’ શીર્ષક હેઠળ બંગાળી ભાષામાં તેમની આત્મકથા પ્રકાશિત થઈ છે. તેનો ગુજરાતી અનુવાદ ‘ચૂપકે ચૂપકે બોલે રે મેના’ શીર્ષક હેઠળ મે, 2008માં પ્રકાશિત થયો છે.

વર્ષ 1972માં ભારત સરકારે તેમને ‘પદ્મશ્રી’ ઇલકાબથી સન્માન્યાં છે.

ભારતનાં નગરો ઉપરાંત શ્રીલંકા અને પૂર્વ આફ્રિકાનો પ્રવાસ પણ તેમણે ખેડ્યો છે, જ્યાં તેમના જાહેર કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા હતા.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે