રૉય અનુપર્ણા (જ. 9 મે, 1994, પુરુલિયા, પશ્ચિમ બંગાળા) : ફિલ્મ દિગ્દર્શક, પટકથા લેખક અને વેનિસ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં શ્રેષ્ઠ દિગ્દર્શકનો ઍવૉર્ડ મેળવનારાં પ્રથમ ભારતીય મહિલા.

અનુપર્ણા રૉયનો ઉછેર નારાયણપુર નામના એક નાનકડા ગામમાં થયો હતો. પિતાનું નામ બ્રહ્માનંદ રૉય. અનુપર્ણાનું નામ જાણીતા ફિલ્મ દિગ્દર્શક ઋત્વિક ઘટકે પાડ્યું હતું. અનુપર્ણાને બાળપણથી જ ફિલ્મો પ્રત્યે લગાવ હતો. અંગ્રેજી સાહિત્યમાં સ્નાતક થનારી અનુપર્ણા પ્રારંભિક તબક્કે પત્રકાર અને લેખક બનવા ઇચ્છતાં હતી. પરંતુ બાદમાં તે ફિલ્મ ક્ષેત્રે આગળ વધ્યાં અને પત્રકારત્વનો અભ્યાસ વચ્ચે જ છોડી દીધો.

વર્ષ 2023માં અનુપર્ણાએ ‘રન ટુ રિવર’ નામની એક ટૂંકી ફિલ્મ દ્વારા ચલચિત્ર ક્ષેત્રે પદાર્પણ કર્યું. 2025માં તેમણે તેની પ્રથમ ફિચર ફિલ્મ ‘સૉન્ગ ઑફ ફોરગોટેન ટ્રીઝ’ બનાવી. આ ફિલ્મની પટકથા પણ અનુપર્ણાએ જ લખી છે. થુયા નામની યુવાન અને આશાસ્પદ યુવતી અભિનેત્રી બનવા માટે મુંબઈ આવે છે અને અહીં તેની સંઘર્ષકથા શરૂ થાય છે. દરમિયાન તે કૉલ-સેન્ટરમાં કામ કરતી એક અન્ય યુવતીના સંપર્કમાં આવે છે. મુંબઈ જેવા અત્યંત વ્યસ્ત શહેરમાં આ બન્ને અજાણી યુવતીઓ વચ્ચે મિત્રતા વિકસે છે. આ બન્ને યુવતીઓના સંબંધોની કથા કહેતી આ ફિલ્મ વિશ્વના સૌથી જૂના અને પ્રતિષ્ઠિત ફિલ્મ મહોત્સવ ‘વેનિસ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ’માં 1 સપ્ટેમ્બર, 2025ના દિવસે રજૂ કરવામાં આવી હતી. ફિલ્મની ખૂબ પ્રશંસા થઈ અને મહોત્સવના નવા અને પ્રયોગાત્મક સિનેમાની શ્રેણી ગણાતા ‘ઓરિઝોન્ટી (Orizzonti)’ વિભાગમાં અનુપર્ણાને શ્રેષ્ઠ દિગ્દર્શકનું સન્માન પ્રાપ્ત થયું હતું. મીરા નાયર બાદ આ સન્માન મેળવનારાં તે બીજાં મહિલાફિલ્મસર્જક છે.

શ્રેષ્ઠ દિગ્દર્શકનો ઍવૉર્ડ સ્વીકારતાં અનુપર્ણા રૉય

વેનિસ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ 1932માં શરૂ થયો અને દર વર્ષે ઇટાલીના વેનિસ શહેરમાં આ મહોત્સવનું આયોજન થાય છે. 2025માં 82મો વેનિસ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ યોજાયો હતો.

 

                                                                                                હેમલ જાદવ