રૉમ્ની, જ્યૉર્જ (જ. 1734, લૅન્કેશાયર, બ્રિટન; અ. 1802, બ્રિટન) : રંગદર્શી બ્રિટિશ ચિત્રકાર. વતન લૅન્કેશાયરમાં ચિત્રકલાની તાલીમ લીધી. વ્યક્તિચિત્રકાર (portraitist) તરીકે તેમણે તુરત જ નામના મેળવી. 1762માં પત્ની અને બાળકોને રઝળતાં છોડી તેઓ લંડનમાં સ્થિર થયા. અહીં તેઓ વ્યક્તિચિત્રકાર તરીકે ખૂબ જ ખ્યાતનામ થયા અને ચિત્રકલાના વેચાણમાંથી પુષ્કળ નાણાં કમાયા; પરંતુ તેમનો પ્રિય વિષય વ્યક્તિચિત્રણા નહિ, પણ ઐતિહાસિક પ્રસંગો હતા. પરંતુ તે પરત્વે તેઓ પોતાની ઇચ્છા મુજબ સમય આપી શક્યા નહિ. 1764માં પૅરિસનો પ્રવાસ કર્યો. 1798માં હતાશાનો હુમલો થતાં તેઓ પત્ની પાસે પાછા ફર્યા અને તેમનાં પત્નીએ તેમની તેમના મૃત્યુ પર્યંત શુશ્રૂષા કરી હતી.

અમિતાભ મડિયા