રૉયલ ગ્રિનિચ વેધશાળા (Royal Greenwich Observatory)

January, 2004

રૉયલ ગ્રિનિચ વેધશાળા (Royal Greenwich Observatory) : ગ્રેટ બ્રિટનની જૂનામાં જૂની ખગોલીય વેધશાળા. ઇંગ્લૅન્ડના રાજા ચાર્લ્સ બીજાએ દરિયાઈ સફરની જાણકારી તેમજ રેખાંશોની જાણકારી મેળવવા માટે 1675માં તેની સ્થાપના કરેલી.

રૉયલ ગ્રિનિચ વેધશાળા

નૌકાનયન (navigation), સમય-જાળવણી, તારાઓની સ્થિતિનું નિર્ધારણ વગેરે જેવી જાણકારી મેળવવાનો તેનો હેતુ હતો. 1767માં આ વેધશાળાએ નાવિકી પંચાંગ (nautical almanac) પ્રકાશિત કરવાનું શરૂ કરેલું. તેનો મુખ્ય સંદર્ભ ગ્રિનિચના રેખાંશનો હતો. આ પંચાંગ નૌકાસફરીઓમાં ખૂબ જ પ્રિય થઈ પડેલું. આ પંચાંગને કારણે 1884માં ગ્રિનિચનું સ્થળ સમગ્ર પૃથ્વી માટે એક પ્રમાણભૂત રેખાંશ માટેનું સંદર્ભસ્થાન બની રહ્યું અને તેમાંથી જ આંતરરાષ્ટ્રીય સમયવિભાગો પાડવાની શરૂઆત થઈ.

1948 અને 1958 વચ્ચેના અરસામાં ગ્રિનિચ ખાતેની આ વેધશાળાને ખસેડીને સસેક્સમાં હર્સ્ટમન્સ્યૂના કિલ્લા ખાતે લઈ જવાઈ. મૂળ વેધશાળાનાં ઘણાં સાધનો આજે રાષ્ટ્રીય દરિયાઈ સંગ્રહાલય(National Meritime Museum)માં પ્રદર્શિત કરેલાં જોવા મળે છે.

ગિરીશભાઈ પંડ્યા