રૉયલ કમિશન ઑન ઇન્ડિયન કરન્સી ઍન્ડ ફાઇનાન્સ
January, 2004
રૉયલ કમિશન ઑન ઇન્ડિયન કરન્સી ઍન્ડ ફાઇનાન્સ : ભારતની ચલણવ્યવસ્થા તેમજ વિદેશી હૂંડિયામણની પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે ભારતના અંગ્રેજ શાસકો દ્વારા 1925માં નીમવામાં આવેલું પંચ. જુલાઈ 1926માં તેણે પોતાનો અહેવાલ સુપરત કર્યો હતો. હિલ્ટન યંગ એના અધ્યક્ષ હતા. આથી જ તેનો રિપૉર્ટ પણ હિલ્ટન યંગ કમિશન રિપૉર્ટ તરીકે જાણીતો છે. પંચમાં બીજા નવ સભ્યો હતા. તેમાં ચાર ભારતીય હતા.
ભારતની વિનિમય ને ચલણ અંગેની પ્રવર્તમાન વ્યવસ્થા અને તેના વ્યવહારોને તપાસીને કમિશને અહેવાલ સુપરત કરવાનો હતો. ભારતના હિતમાં એમાં ફેરફાર કરવાનું ઇષ્ટ છે કે નહિ તેની વિચારણા કરી જરૂરી ભલામણો પણ તેણે કરવાની હતી. કમિશને વિચારવાના હતા તે મુદ્દાઓ આમ વ્યાપક શબ્દોમાં વર્ણવવામાં આવ્યા હતા. ખાસ તો એ નોંધવું જોઈએ કે ભારતમાં મધ્યસ્થ બૅંક આવશ્યક છે કે નહિ તે સવાલ વિચારણા માટે કમિશનને સોંપાયો નહોતો.
ત્યારે પ્રવર્તતી ચલણ-વ્યવસ્થાની કમિશનને કેટલીક ખામી જણાઈ હતી. એક તો એ સરળ નથી. તેમાં ચાંદીના રૂપિયા ને કાગળનાણું એમ બે પ્રતીક-નાણાં ચલણમાં છે. એમનું એકમેકમાં રૂપાન્તર થઈ શકે છે. ત્રીજું, પૂર્ણ મૂલ્ય ધરાવતું નાણું છે સૉવરેઇન, જે ચલણમાં નથી. કાયદેસર જવાબદારી અનુસાર કાગળનાણાંનું અમર્યાદિત પ્રમાણમાં ચાંદીના રૂપિયામાં રૂપાન્તર કરી આપવાનું હોય છે. આ ચાંદીના રૂપિયાનું પ્રતીક-નાણું ખર્ચાળ છે ને ચોક્કસ મર્યાદા કરતાં બજારમાં ચાંદીના ભાવ વધે છે, ત્યારે ચાંદીના સિક્કા ચલણમાંથી અદૃશ્ય થઈ જાય છે. બીજું, વર્તમાન ચલણ-વ્યવસ્થામાં બે અનામત-ભંડોળ રાખવાં પડે છે : પેપર કરન્સી રિઝર્વ અને ગોલ્ડ સ્ટૅન્ડર્ડ રિઝર્વ. સરકાર ચલણ(currency)નું નિયમન કરે છે. ઇમ્પીરિયલ બૅંક શાખ-નિયમન કરે છે. બે સત્તાઓ વચ્ચે જવાબદારી વહેંચાયેલી છે. ત્રીજું, ચલણનો વિસ્તાર કે સંકોચન ચલણ અંગેના સત્તાતંત્રની ભારત સરકારની મુનસફી પર નિર્ભર છે. આપોઆપ એનો વિસ્તાર કે સંકોચન થતાં નથી. ચોથું, આખી ચલણ ને શાખની વ્યવસ્થા અસ્થિતિસ્થાપક છે. અર્થતંત્રની જરૂરિયાત અનુસાર આપોઆપ તેમાં નાણાંની વધઘટ થતી નથી. આ ખામીઓને લીધે ચલણ-વ્યવસ્થા પ્રજાનો વિશ્ર્વાસ ધરાવતી નથી એમ કમિશને નોંધ્યું. કમિશનની ખોજ સરળ ને વિશ્વસનીય ચલણ-વ્યવસ્થા માટેની હતી.
જુલાઈ 1926માં સુપરત કરાયેલા પોતાના અહેવાલમાં હિલ્ટન યંગ કમિશને ભારતમાં મધ્યસ્થ બૅંકની સ્થાપના કરવી જોઈએ, એવી ભારપૂર્વક ભલામણ કરી અને તેને પંચે રિઝર્વ બક ઑવ્ ઇન્ડિયા નામ આપ્યું. ઇમ્પીરિયલ બૅંકને સોંપેલ સરકાર દ્વારા બજાવવામાં આવતાં કેન્દ્રીય બૅંકિંગને લગતાં કાર્યો આ મધ્યસ્થ બૅંકને સોંપી દેવાનું પણ તેણે સૂચવ્યું.
આ ભલામણ પાછળની કમિશનની તાર્કિક ભૂમિકા શી હતી ? તે સમયે પ્રવર્તતી વ્યવસ્થામાં નાણાકીય ક્ષેત્રે મધ્યસ્થ બૅંકનાં કાર્યો બે સત્તાકેન્દ્રોમાં વહેંચાયેલાં હતાં. ઇમ્પીરિયલ બૅંક ઑવ્ ઇન્ડિયા સરકારની બૅંક તરીકેનાં ને કંઈક અંશે બૅંકોની બૅંક તરીકેનાં કાર્યો બજાવતી હતી, જ્યારે નોટ (કાગળનાણું) બહાર પાડવાનું અને વિદેશી મુદ્રાની વ્યવસ્થા કરવાનું કામ ભારત સરકારના હાથમાં હતું. ખાસ તો ચલણ અને શાખ-નાણું (credit) અલગ અલગ સત્તાઓના કાબૂ હેઠળ હતાં. એને રૉયલ કમિશને ભારતીય વ્યવસ્થાની પાયાની ઊણપ ગણાવી હતી. અર્થતંત્રની પ્રાદેશિક અને મોસમ અનુસારની જરૂર પ્રમાણે નાણામાં વધઘટ કરવાનું તેમાં મુશ્કેલ હતું. સત્તાનાં બે કેન્દ્રો હતાં. એટલે તેમની વચ્ચે મતભેદ ઊભા થાય ને સંકલન ન સધાય તેવી શક્યતા રહેતી હતી. એક હાથમાં સત્તા કેન્દ્રિત કરવી, અન્ય દેશોની માફક મધ્યસ્થ બૅંકને તમામ જરૂરી સત્તા સોંપવી એ સંકલન સાધવાનો સુનિશ્ચિત માર્ગ છે એમ કમિશનને લાગ્યું.
આ ઉપરાંત બૅંકોના વિકાસ માટેય પુનર્વટાવની સગવડ આપનાર મધ્યસ્થ બૅંક જરૂરી છે એમ કમિશનને લાગ્યું. આ સગવડ હોય તો વ્યાપારી બૅંકો પોતાની પાસેનાં વ્યાપારી વિનિમયપત્રોને વટાવીને જરૂર પ્રસંગે રોકડ રકમ મેળવી શકે, પોતાની પાસેનાં વિનિમયપત્રોને સંકટ-સમયે કામ આવે તેવી રોકડ રકમ ગણીને પોતાની ધિરાણપ્રવૃત્તિ વિસ્તારી શકે.
વળી રિઝર્વ બૅંક સહકારી ધિરાણપ્રવૃત્તિનો ઝડપી વિકાસ પ્રેરી શકશે ને એ રીતે ગામડાંની પ્રજાની એક મહત્વની જરૂરિયાતની પૂર્તિમાં સહાય કરી શકશે એમ કમિશનને લાગ્યું. ભારતમાં મધ્યસ્થ બૅંકે ભારતીય ચલણ ને નાણાતંત્રનું નિયમન માત્ર કરવાનું નથી; શાહુકારની પકડમાંથી ખેડૂતને મુક્ત કરવા માટે તેણે બૅંકિંગ તંત્રના આગેવાન બનવાનું છે ને દેશના સૌથી મોટા ઉદ્યોગ ખેતી સુધી ધિરાણની સગવડો વિસ્તારવાની છે એવો કમિશનનો ખ્યાલ હતો.
ઇમ્પીરિયલ બૅંકનું મધ્યસ્થ બૅંકમાં રૂપાન્તર કરવાનો વિચાર રૉયલ કમિશને ન સ્વીકાર્યો કેમ કે ઇમ્પીરિયલ બૅંક ભારતમાં બૅંકિંગની સગવડો વિસ્તારવાનું કામ કરી રહી હતી. આ માટેનું તંત્ર ને અનુભવ તે ધરાવે છે ને આ કાર્ય પણ સંગીન કેન્દ્રીય બૅંકિંગ જેટલું જ મહત્વનું છે, એમ કમિશનને લાગ્યું. આથી કેન્દ્રીય બૅંકિંગનાં કાર્યો માટે અલગ સંસ્થાની રચના માટે તેણે ભલામણ કરી.
સૂચિત રિઝર્વ બૅંકે માત્ર કેન્દ્રીય બકનાં કાર્યો જ કરવાં જોઈએ, વ્યાપારી બૅંકિંગની પ્રવૃત્તિથી તેણે દૂર રહેવું જોઈએ એવી કમિશનની ભલામણ હતી.
ભારતીય વ્યાપાર ઉદ્યોગ જગતના આગેવાન અને કમિશનના એક સભ્ય પુરુષોત્તમદાસ ઠાકુરદાસે કમિશનના રિપૉર્ટ સાથે અસંમતિ-દર્શક નોંધ જોડી હતી તેમાં તેમણે અલગ મધ્યસ્થ બૅંક સ્થાપવાની કમિશનની વાતનો વિરોધ કરી દેશની સૌથી સંગીન વ્યાપારી બૅંક, ઇમ્પીરિયલ બૅંકનું મધ્યસ્થ બૅંકમાં રૂપાન્તર કરવાની ભલામણનું સમર્થન કર્યું હતું. ઇમ્પીરિયલ બૅંકની પ્રતિષ્ઠા અને સત્તાને પડકારે એવો હરીફ ઊભો ન કરવો જોઈએ એવો તેમનો મત હતો. સરકારનાં નાણાભંડોળ બે સંસ્થાઓ વચ્ચે વહેંચાશે તો બચતસંચય માટે નવી તાત્કાલિક નફાકારક ન હોય તેવી બૅંકોની શાખાઓ ખોલવાની પ્રવૃત્તિ રૂંધાશે એમ તેમને લાગતું હતું. ફ્રાન્સની માફક ભારતમાં સ્થપાનાર મધ્યસ્થ બૅંક કેન્દ્રીય બૅંકનાં ને વ્યાપારી બૅંકનાં કાર્યો એકસાથે બજાવે તેમાં તેમને કશું અજુગતું લાગતું નહોતું.
હિલ્ટન યંગ કમિશને રિઝર્વ બૅંકની સ્થાપના અંગે વિગતવાર ભલામણો કરી હતી. તે શૅરહોલ્ડરની બૅંક રહેશે ને તેની ભરપાઈ થયેલી મૂડી રૂ. પાંચ કરોડની રહેશે; તે મુખ્ય વેપાર-ઉદ્યોગનાં કેન્દ્રોમાં સ્થાનિક મુખ્ય ઑફિસ ધરાવશે ને પ્રાદેશિક બૉર્ડ તેની વ્યવસ્થા કરશે; તેના કેન્દ્રીય બૉર્ડમાં નવ સભ્ય શૅરહોલ્ડર ચૂંટશે, ગવર્નર ને ડેપ્યુટી ગવર્નર સહિતના પાંચ સભ્ય ગવર્નર જનરલ નીમશે; રાજકીય દબાણ ટાળવા ગવર્નર જનરલની કાઉન્સિલના સભ્યો તેમજ કેન્દ્રીય ધારાસભાના સભ્યો સેન્ટ્રલ બૉર્ડના સભ્ય કે પ્રાદેશિક બૉર્ડના અધ્યક્ષ કે ઉપાધ્યક્ષ ન બની શકે આ સર્વનો રૉયલ કમિશનની ભલામણોમાં સમાવેશ થતો હતો.
1773ની વૉરેન હેસ્ટિંગ્ઝની બંગાળ ને બિહાર માટેની જનરલ બૅંક માટેની યોજનાથી આરંભીને માર્ચ 1934માં રિઝર્વ બૅંક ઑવ્ ઇન્ડિયા ઍક્ટ સ્વીકારાયો ત્યાર સુધીનો ગાળો ભારતમાં કેન્દ્રીય બૅંકિંગ અંગેના અનેકવિધ વિવાદોનો સમય હતો. હિલ્ટન યંગ કમિશનનો અહેવાલ તેમાં એક મહત્વના સીમાચિહનરૂપ હતો.
ભારતીય ચલણ વિશેની ચર્ચા-વિચારણામાં દેશ માટે કયું નાણાકીય ધોરણ યોગ્ય ગણાય, રૂપિયાનો વિનિમયનો દર કયો રાખવો અને દેશમાં ચલણ પાછળનાં ને વિદેશી મુદ્રાનાં અનામત-ભંડોળ કયા સ્વરૂપમાં ને કયા સ્થાને રાખવાં આ મુખ્ય મુદ્દા રહ્યા હતા.
હિલ્ટન યંગ કમિશને સૂચવ્યું કે લોકોનો ચલણમાં વિશ્વાસ ટકી રહે તે માટે રૂપિયાને વાસ્તવિક અને સૌ કોઈ જોઈ શકે તે રીતે સોના સાથે સાંકળવો જોઈએ. ભારતમાં સુવર્ણધોરણ અપનાવવાની તેણે ભલામણ કરી. શુદ્ધ સોનાનું ધોરણ, સોના-પાટનું ધોરણ અને સુવર્ણ-વિનિમય-ધોરણ – આ ત્રણ સુવર્ણધોરણના પ્રકાર છે. તેમાં કમિશને ભારત માટે સોના-પાટ-ધોરણ(gold bullion standard)ની ભલામણ કરી. તદનુસાર સોનાના સિક્કા ચલણમાં મુકાવાના નહોતા, પણ ચલણ વ્યવસ્થાપક તંત્ર અમર્યાદિત પ્રમાણમાં મુકરર કરેલા ભાવે સોનું ખરીદવા અને વેચવાની જવાબદારી સ્વીકારતું હતું. ખરીદી કે વેચાણ માટે ન્યૂનતમ 400 ઔંસ સોનાનો જથ્થો મુકરર કરવાનું પણ કમિશનનું સૂચન હતું.
સોનાના સિક્કા ચલણમાં મૂકવાનું ત્રણ કારણે કમિશને મંજૂર રાખ્યું નહોતું. એક અનામત-ભંડોળમાં રખાયેલ સોનાનો થોડો ભાગ સિક્કા બનાવવાના કામમાં લેવાશે, તો તેટલે અંશે અનામત-ભંડોળ ઘટશે અને તેના પાયા પર શાખસર્જન કરવાની શક્તિ પણ ઘટશે. ચલણની, તેના પુરવઠાની સ્થિતિસ્થાપકતા આમ ઘટશે. બીજું, ભારત સોનાના સિક્કા બનાવવા માટે દુનિયામાંથી સોનું ખરીદશે તો સોનાના ભાવ વધશે, સોનાના પરિમાણમાં ચીજોના ભાવો ઘટશે. ત્રીજું, પ્રજા સોના માટે મોહ ધરાવે છે. એટલે ચલણના હેતુ માટે કેટલું સોનું જોઈશે, તેનો અંદાજ કાઢવાનું મુશ્કેલ કામ થઈ પડશે. કાગળ-નાણું વાપરવા ટેવાયેલી પ્રજા રોજિંદા વ્યવહારો માટે સોનાના સિક્કા વાપરવા તરફ વળશે. વળી સોનાના સિક્કા ચલણમાં મુકાશે ત્યારે ચાંદીની કિંમત ઘટશે, મૂલ્યસંગ્રહ(store of value)ના સાધન તરીકે ચાંદી પરનો પ્રજાનો વિશ્ર્વાસ ડગી જશે અને આ હેતુ માટે તેઓ સોનાને પસંદ કરતા થશે, સોનાની માગ આથી વધશે.
ચલણ અંગેની સત્તા ધરાવનાર સત્તાતંત્રે કયા ભાવે સોનું ખરીદવું ને વેચવું ? કમિશને કહ્યું કે સંગીન સુવર્ણધોરણ પરના દેશે કે તેના ચલણ અંગેના સત્તાતંત્રે ચલણના સમમૂલ્ય (par value) જેટલા ભાવે ખરેખર તો સોનું ખરીદવું ને વેચવું જોઈએ; પણ ભારતમાં પરિસ્થિતિ જુદી છે. અહીં સુવર્ણની માગ નાણાકીય હેતુઓ ઉપરાંત બિન-નાણાકીય હેતુઓ માટે, સામાજિક હેતુઓ માટેય થાય છે. દેશમાં સોનાનું બજાર છે, જેમાંથી સામાજિક હેતુઓ માટે પ્રજા સોનું ખરીદે છે. સામાન્ય સંજોગોમાં બિન-નાણાકીય હેતુ માટે સોનું પૂરું પાડવાના કામથી ચલણ અંગેનું સત્તાતંત્ર મુક્ત રહે એ રીતે સોનાના વેચાણ અંગેની શરતો ઘડાવી જોઈએ એમ કમિશનને લાગ્યું. આથી, કમિશને સોનાની વેચાણ-કિંમત તોલાના રૂ. 21–3–10ની ઉપર – રૂપિયાના મુકરર કરેલા સમમૂલ્યની ઉપર – રાખવાનું સૂચવ્યું હતું.
કમિશને કાગદી નાણાભંડોળ(paper currency reserve)ને સુવર્ણ-ધોરણ માટેનું ભંડોળ (Gold Standard Reserve) – બંનેને એક કરી નાખવાની ભલામણ કરી હતી. સુવર્ણ અને સુવર્ણ-જામીનગીરીઓ આ અનામત-ભંડોળના 40 % જેટલી તો હોવી જ જોઈએ; તેથી ઓછી નહિ, એવી કાનૂની જોગવાઈ કરવાની કમિશનની ભલામણ હતી. અનામત-ભંડોળમાં ચાંદીનું પ્રમાણ ઘટાડતા જવાનું હતું અને નવી ચલણી નોટનું ચાંદીના રૂપિયામાં રૂપાન્તર કરી આપવાની કાયદેસરની જવાબદારી રદ કરવાની હતી. કમિશને રૂપિયાની નવી નોટ બહાર પાડવાનું સૂચવ્યું હતું. આ નોટ અમર્યાદિત કાયદામાન્ય નાણા તરીકે સ્વીકારાશે, પણ તે ચાંદીના રૂપિયામાં પરિવર્તનીય નહિ હોય એવી કમિશનની ભલામણ હતી.
રૂપિયાનો વિનિમય દર 1 શિલિંગ 6 પેન્સ રાખવાની કમિશને ભલામણ કરી હતી. તે અંગે મોટો વિવાદ ઊભો થયો હતો. એને વિનિમયના દર અંગેના વિવાદ તરીકે ઓળખવામાં આવે છે. કમિશને માન્યું હતું કે આ દરે વિશ્વની ભાવસપાટી અને ભારતની ભાવસપાટી મહદ્અંશે અનુકૂલન સાધી ચૂકી હતી.
આ ભલામણનો સર પુરુષોત્તમદાસ ઠાકુરદાસે પોતાની નોંધમાં વિરોધ કર્યો. તેઓ 1 શિલિંગ 4 પેન્સના વિનિમય દરની તરફેણમાં હતા. તેમના મત પ્રમાણે 1 શિલિંગ 6 પેન્સનો દર કેટલાક સમયથી ટકી રહ્યો હતો, પણ આ દરે રૂપિયાનું અતિમૂલ્યાંકન થતું હતું ને તે કૃત્રિમ હતું. ઑક્ટોબર 1924માં 1 શિલિંગ 4 પેન્સનો દર પ્રવર્તતો હતો ત્યારે સરકારે એને કાયદાની માન્યતા કેમ ન આપી એમ પૂછીને તેમણે કહ્યું કે વ્યાપારતુલા ભારતની તરફેણમાં હતી તે વખતે વિનિમય દર સરકારે મુક્ત રાખ્યો એટલે તે ઊંચો ગયો, બાકી 1 શિલિંગ 4 પેન્સનો દર છેલ્લાં બાર વર્ષમાં વધુમાં વધુ સમય ટકી રહ્યો; માત્ર છેલ્લા 18 કે 20 માસમાં જ તે વધવા પામ્યો. સરકારે 1921–27 દરમિયાન સામાન્ય રીતે કરવો જોઈતો હતો તે નાણાંનો વિસ્તાર ન કર્યો ને તેથી ઊંચી સપાટીએ વિનિમય દર ટકી રહ્યો એમ પણ તેમણે કહ્યું.
આ વિનિમય દર અંગેનો વિવાદ 1929ની મહામંદી દરમિયાન ચાલુ જ રહ્યો. રાષ્ટ્રીય આગેવાનો માનતા કે 1 શિલિંગ 6 પેન્સનો દર રૂપિયાનું અતિમૂલ્યાંકન સૂચવે છે, ભારતની નિકાસોને અવરોધે છે, મંદીને ઘેરી ને દીર્ઘકાલીન બનાવે છે, વિનિમય દર ઓછો હોત તો મંદીમાંથી અર્થતંત્ર વહેલું બહાર આવી શકત. રૂપિયાના અતિમૂલ્યાંકનને ટકાવવા માટે સરકારને દેશમાંની ભાવોની અને ખર્ચની સપાટીને રાજકોષીય પગલાં દ્વારા ઘટાડવા પ્રયત્નશીલ રહેવું પડતું હતું. મંદીના સમયમાં અર્થશાસ્ત્રીઓ સૂચવે છે, તેના કરતાં આ ઊલટી નીતિ હતી.
સામી બાજુએ સરકાર માટે આ પ્રતિષ્ઠાનો મુદ્દો હતો. હિલ્ટન યંગ કમિશનની ભલામણ સ્વીકાર્યા પછી તેમાં પાછા ખસવાનું તેને પસંદ નહોતું. બીજું, રૂપિયામાં પગાર મેળવનાર બ્રિટિશ અધિકારીઓ માટે રૂપિયાના બદલામાં વધુ બ્રિટિશ નાણું મળે તે સ્થિતિ લાભદાયી હતી. ત્રીજું, આ વિનિમય દર બ્રિટનના ઉદ્યોગો માટે ઉપકારક હતો, બ્રિટનની નિકાસોને માટે તે પ્રોત્સાહન પૂરું પાડતો હતો. ચોથું, રૂપિયાનું અતિમૂલ્યાંકન હોમ-ચાર્જની ચુકવણી પણ સરળ બનાવતું હતું. વિનિમય દર ઘટાડાય તો ચોક્કસ રકમના હોમ-ચાર્જ ચૂકવવા માટે ભારત સરકારે વધુ રાજકોષીય આવક ઊભી કરવી પડે તેમ હતું.
સરકારે કમિશનની ભલામણો સ્વીકારી, એક તો તેણે ‘ગોલ્ડ સ્ટૅન્ડર્ડ ઍન્ડ રિઝર્વ બૅંક ઑવ્ ઇન્ડિયા બિલ’ 1927માં લેજિસ્લેટિવ એસેમ્બ્લી સમક્ષ રજૂ કર્યું. પરંતુ કેન્દ્રીય બકની રચના 1934 સુધી વિવાદમાં અટવાતી રહી. બીજું, તેણે ચલણ અંગેનું બિલ રજૂ કર્યું ને તે પસાર થયું. તદનુસાર રૂપિયાનો વિનિમય દર 1 શિલિંગ 6 પેન્સ મુકરર કરવામાં આવ્યો. સોનાના પરિમાણમાં રૂપિયો 8.47512 ગ્રેન સોના બરાબર કર્યો. સૉવરેઇન ને અડધા સૉવરેઇન ચલણમાંથી દૂર કરાયા. ચલણ અંગેના સત્તાતંત્ર માટે નિશ્ચિત ભાવે (તોલાના રૂ. 21–3–10) સોનું ખરીદવાની ને વેચવાની કાયદામાન્ય જવાબદારી મુકરર કરવામાં આવી. વેચાણમાં સરકાર રૂપિયાના બદલામાં સોનું અથવા સ્ટર્લિંગ આપવાનો વિકલ્પ ધરાવતી હતી. સ્ટર્લિંગ સોનાના ધોરણ પર રહ્યો (ઇંગ્લૅન્ડ સોનાના ધોરણ પર રહ્યું) ત્યાં સુધી તો આ વિકલ્પોમાં ખાસ તફાવત રહેતો નહોતો. આમ, 1927ના ચલણ અંગેના કાનૂનને કારણે ભારતમાં સુવર્ણ પાટ-ધોરણ ને સ્ટર્લિંગ વિનિમય-ધોરણ સ્થાપિત થયું. 1835–93 દરમિયાનના ચાંદીના ધોરણના યુગનો ને તે પછી સુવર્ણધોરણ સ્થાપવાના પ્રયત્નોનો અંત આવ્યો.
બદરીપ્રસાદ ભટ્ટ