રૉયલ ઑસ્ટ્રેલિયન મિન્ટ : ઑસ્ટ્રેલિયાના કૅન્બરા શહેરમાં આવેલી જોવાલાયક ટંકશાળ. મુંબઈની ટંકશાળના પ્રમાણમાં ઘણી નાની, પરંતુ ઑસ્ટ્રેલિયાની વસ્તીના પ્રમાણમાં તે ઘણી મોટી કહેવાય. તેમાં ન્યૂઝીલૅન્ડ અને ફિજીના ચલણી સિક્કા પણ બનાવી આપવામાં આવતા હતા.

આ ટંકશાળ જોવા માટેની વ્યવસ્થા પ્રશંસાજનક છે. આ ટંકશાળમાં ઉપરના માળે ઑબ્ઝર્વેશન ગૅલરી બનાવી છે. તેમાં ફરતાં ફરતાં તેની કાચમઢેલી દીવાલમાંથી દરેક વિભાગમાંની પ્રક્રિયા સારી રીતે જોઈ શકાય છે. તેમાં જુદા જુદા 9 વિભાગો છે, જેમાં તાંબું ને નિકલ વગેરે ધાતુઓ ઉકાળવા માટેની ભઠ્ઠીઓ, સિક્કા છાપવા માટેની વિવિધ અડી (ડાઈ) બનાવવાનાં યંત્રો, પતરાંમાંથી સિક્કાના આકારના ટુકડા કાપવાની અને તેના પર છાપ મારીને સિક્કા બનાવવાની કામગીરી, તેમાંથી સારા અને ક્ષતિમુક્ત સિક્કાઓની થતી તારવણી અને તેમના વજનની ગણતરી તથા તૈયાર સિક્કાઓનાં પૅકેટ બાંધવાની કામગીરી વગેરે બાબતોનો સમાવેશ થાય છે. આ પૈકીની ગમે તે પ્રક્રિયા પ્રેક્ષકો પોતાની ઇચ્છા મુજબ રોકાઈને જોઈ શકે છે. કોઈ વિભાગ ફરીથી જોવો હોય તો તે પણ જોઈ શકાય છે. ટંકશાળની અંદર પ્રવેશ કર્યા વિના કે અંદરના કારીગરોના કામમાં ખલેલ પહોંચાડ્યા વિના સઘળી પ્રક્રિયા આમ કાચની બારી મારફત સુપેરે જોઈ શકાય છે. રોજેરોજ હજારો પ્રેક્ષકો છૂટથી આ ટંકશાળની મુલાકાતે આવે છે. તેથી પ્રેક્ષકોની પ્રવેશ-ફીમાંથી ટંકશાળને સારી એવી આવક પણ થાય છે.

ચલણી સિક્કા ઉપરાંત સોનાચાંદીના ચંદ્રકો તથા ખાસ પ્રસંગો માટેના સ્મૃતિસિક્કાનું નિર્માણ અહીં થાય છે. તેના વેચાણવિભાગમાંથી વપરાયા વિનાના નવાનક્કોર સિક્કાઓનો સૂવિનિયર સેટ પણ ખરીદી શકાય છે. એક વિભાગ સિક્કાઓના સંગ્રહનો છે. તેમાં આ ટંકશાળમાં શરૂઆતથી તે આજ સુધીમાં નિર્માણ થયેલ એકેએક પ્રકારના સિક્કા સંગ્રહવામાં આવ્યા છે. વળી ઇંગ્લૅન્ડ અને યુરોપના શોધસફરીઓ તથા ઑસ્ટ્રેલિયાની શોધ માટે તથા ત્યાં પ્રારંભકાળે વસવા આવેલા વહાણવટી વગેરે પોતાની સાથે જે વિધવિધ કાળ અને દેશના ચલણી સિક્કાઓ લેતા આવેલા તે બધા પણ અહીં સંગ્રહવામાં આવ્યા છે. કોઈ દેશની સરકારી ટંકશાળમાંથી ચલણી સિક્કા આમ ભેટ અપાતા નથી, પણ ત્યાં ટંકશાળમાંથી વર્ષમાં એક વાર ફેબ્રુઆરી મહિનામાં સૂવિનિયર સિક્કાઓ ભેટ આપવામાં આવે છે.

બળદેવભાઈ કનીજિયા