રૉયલ ઑબ્ઝર્વેટરી, લખનઉ : ભારતમાં પરદેશી શાસનકાળ દરમિયાન ઈસુની અઢારમી–ઓગણીસમી સદીમાં આધુનિક સાધનોથી સજ્જ જે કેટલીક ખગોલીય વેધશાળાઓ સ્થપાઈ તેમાંની એક વેધશાળા, તે આ લખનઉની શાહી વેધશાળા. આ પહેલાં ઈ. સ. 1792માં મદ્રાસ(ચેન્નાઈ)માં અને તે પછી ઈ. સ. 1825માં કલકત્તા(કૉલકાતા)માં આવી વેધશાળાઓની સ્થાપના થઈ ચૂકી હતી. લખનઉની આ શાહી વેધશાળાની સ્થાપના આમ તો ઈ. સ. 1835માં થઈ હતી, પણ ઈ. સ. 1851ના રૉયલ ઍસ્ટ્રોનૉમિકલ સોસાયટીના એક અહેવાલ મુજબ આ વેધશાળાની સ્થાપના સન 1832માં થઈ હતી અને તેના સ્થાપક અવધના રાજા નસરુદ્દીન હૈદર હતા. તેમનો રાજ્યકાળ 1827થી 1837 હતો. આ વેધશાળા સ્થાનિક લોકોમાં ‘તારેવાલી કોઠી’ (તારાઘર) તરીકે ઓળખાતી હતી.
ઈ. સ. 1831માં બ્રિટિશ રાજમાં લખનઉ ખાતેના રાજકીય પ્રતિનિધિ (રેસિડન્ટ) દ્વારા રાજા હૈદરે તે કાળના ભારતના ગવર્નર જનરલ લૉર્ડ વિલિયમ બેન્ટિંકને પોતાને ત્યાં એક આધુનિક વેધશાળા સ્થાપવા અંગે ભલામણ કરી. આ અંગેનો પત્રવ્યવહાર થયો, જેમાં રાજાએ આ કામના નિયામક-પદે કૅપ્ટન હર્બર્ટ (J. W. Herbert : 1791–1833) પર પસંદગી ઉતારી. હર્બર્ટ તે વખતે ડેપ્યુટી સર્વેયર જનરલ અને રેવન્યૂ સર્વેના સુપરિન્ટેન્ડન્ટપદે હતા અને બંગાળની એશિયાટિક સોસાયટીની વિવિધ પ્રવિૃત્તઓ સાથે ગાઢપણે સંકળાયેલા હતા. વળી સોસાયટીના મુખપત્રના તંત્રી તરીકેની જવાબદારી પણ તેઓ નિભાવતા હતા. તેમને સારા એવા પગારે નોકરી પર રાખવા અને વેધશાળાના બાંધકામમાં દેખરેખ રાખવા માટે વધારાની ધનરાશિ આપવાની તૈયારી પણ રાજાએ બતાવી. આવી વેધશાળાથી, અનુવાદનું કામ થાય અને પરદેશી ભાષાનું ખગોળ અને વિજ્ઞાનનું સાહિત્ય દેશી ભાષામાં ઉપલબ્ધ થાય અને પ્રવચનો, વગેરેને કારણે પોતાના રાજ્યના કૉલેજના વિદ્યાર્થીઓને વિજ્ઞાનની વિવિધ શાખાઓનો પરિચય સાંપડે, ખગોળમાં રસ પડે અને કારકિર્દી ઘડવામાં સુગમતા પડે. આવી સંસ્થાથી યુરોપની બીજી વેધશાળાઓના સંપર્કમાં રહી શકાય અને નિરીક્ષણોની આપલે કરી શકાય. આવા ઉમદા હેતુઓ માટે જરૂરી ઉપકરણો ઇંગ્લૅન્ડથી લાવવાની મરજી પણ રાજાએ બતાવી.
ભારતના તત્કાલીન ગવર્નર જનરલે અવધના રાજાની આ દરખાસ્તને તુરત જ મંજૂરીની મહોર મારી અને કૅપ્ટન હર્બર્ટની બદલી કરીને રાજાની સેવામાં મોકલી આપ્યા. હર્બર્ટની દેખરેખ હેઠળ વેધશાળાનો નકશો બન્યો અને બાંધકામ ચાલુ થયું. આ દરમિયાન ઇંગ્લૅન્ડની ખગોલીય ઉપકરણો બનાવતી Troughton & Simms નામની કંપનીને ઉપકરણો મોકલવા સૂચના આપવામાં આવી, પણ કમનસીબે ઈ. સ. 1833માં હર્બર્ટનું એકાએક અવસાન થતાં બાંધકામની કામગીરી અટકી પડી. તે પછી તેમની જગ્યાએ ઈ. સ. 1835માં મેજર રિચાર્ડ વિલકૉક્સ(Richard Wilcox : 1802–1848)ની વરણી થતાં વેધશાળાની કામગીરી ફરી શરૂ થઈ. અહીં એ નોંધવું જોઈએ કે હર્બર્ટનું સ્થાન લેવા ઘણા ઉમેદવારો તત્પર હતા. આખરે રાજાની વિનંતીથી વિલકૉક્સને પસંદ કરવામાં આવ્યા. વિલકૉક્સ અગાઉ મેજર સર જ્યૉર્જ એવરેસ્ટ (1790–1866) સાથે ભારતમાં ‘મહાન ત્રિકોણમિતીય સર્વેક્ષણ’ (The Grand Trigonometric Survey) તરીકે જાણીતા બનેલા ભૂમિમાપનના વિરાટ પ્રૉજેક્ટમાં સહાયક તરીકેનો અનુભવ ધરાવતા હતા. વળી તે પ્રાચ્ય સંસ્કૃતિના નિષ્ણાત પણ હતા. તેમના આ બધા ગુણોને ધ્યાનમાં લઈને તેમને હર્બર્ટની જગ્યાએ મૂકવામાં આવ્યા.
આ વેધશાળામાં મૂકવામાં આવેલાં ખગોલીય ઉપકરણો પૈકી નીચેનાં મુખ્ય હતાં :
* 1.83 મીટર(6 ફૂટ)નું મ્યુરલ ચક્ર (mural circle). તેના પર પાછળથી, ચેન્નાઈ વેધશાળાના ટેલરે (T. G. Taylor) બનાવેલા કૉલિમેટિંગ આઇ-પીસનું સ્થાપન કરવામાં આવેલું.
* 2.44 મીટર (8 ફૂટ)નું યામ્યોત્તર યંત્ર (transit).
* વિષુવવૃતીય સ્થાપન ધરાવતું દૂરબીન. આ દૂરબીનનો વ્યાસ 12.5 સેમી. (5 ઇંચ)થી પણ વધારે હતો અને તેનું પ્રાથમિક ફોકસ અંતર આશરે 2.74 મીટર (નવ ફૂટ) તુલ્ય હતું. વળી બીજી ટૅકનિકલ બાબતોમાં પણ તે કેટલીક વિશિષ્ટતા ધરાવતું હતું.
* Molyneuxનાં ખગોલીય ઘડિયાળો.
તે કાળે ભારતની અન્ય વેધશાળાઓમાં જે કાંઈ ખગોલીય ઉપકરણો હતાં તેમાં અહીંનાં સર્વશ્રેષ્ઠ હતાં. તેમની પાછળ ખર્ચો પણ જંગી કરવામાં આવ્યો હતો. કેટલાંક ઉપકરણો તો ગ્રિનિચ વેધશાળાની બરોબરી કરે તેવાં હતાં.
મેજર વિલકૉક્સનો એક મુખ્ય સહાયક ગ્રીસનો કૅલેનસ (Kallanus) કરીને હતો. આ ગ્રીક પણ અગાઉ મહાન ત્રિકોણમિતિ સર્વેક્ષણમાં ભાગ લઈ ચૂક્યો હતો. તેના હાથ નીચે કાલીચરણ અને ગંગાપ્રસાદ નામના બે દેશી (ભારતીય) સહાયકો હતા. આ બંને ભારતીય સહાયકો ખગોલીય સંશોધનમાં બહુ મદદગાર થઈ પડ્યાનું વિલકૉક્સે નોંધ્યું છે. કાલીચરણ ખગોલીય ગણતરીઓ કરવામાં માહેર હતો.
આ ઉપરાંત, કમાલુદ્દીન હૈદર ઉર્ફે મુહમ્મદ મીર નામના એક ઇતિહાસકાર અને લેખક પણ આ વેધશાળા સાથે શરૂઆતથી જ સંકળાયેલા હતા. તેમણે ખગોળના કેટલાક અંગ્રેજી ગ્રંથોનો તથા વૈજ્ઞાનિક લખાણોનો ઉર્દૂમાં અનુવાદ કર્યો હતો. લખનઉની આ શાહી વેધશાળાને લગતી કેટલીક માહિતી આ દેશી ઇતિહાસકારે કરેલી નોંધોમાંથી તથા તેમણે લખેલા ઇતિહાસના એક ગ્રંથમાંથી પણ સાંપડે છે. તેમણે લખ્યા મુજબ આ વેધશાળા અને તેનાં ઉપકરણો પાછળ આશરે રૂપિયા 6,00,000 જેટલો કુલ ખર્ચ થયો હતો ! જો તે કાળના રૂપિયા-પાઉન્ડના દર મુજબ ગણતરી કરવામાં આવે તો લગભગ 60,000 પાઉન્ડ થાય.
વિલ કૉક્સે વેધશાળામાં સંશોધન કરવાનું માળખું સમકાલીન ખગોળશાસ્ત્રીઓને વિશ્વાસમાં લઈને ઘડ્યું હતું અને તે બધા સાથે પત્રવ્યવહાર દ્વારા સંપર્કમાં પણ રહેતા હતા. ગ્રિનિચ વેધશાળાના નિયામક અને બ્રિટનના શાહી ખગોળશાસ્ત્રી જ્યૉર્જ એરી (George Airy : 1801–1892) જેવા વગ ધરાવતા વૈજ્ઞાનિક પણ આમાંના એક હતા. મુખ્ય ગ્રહો ઉપરાંત સીરીસ, વેસ્તા, તો ક્યારેક પેલાસ અને જ્યૂનો જેવા સૌરમંડળના લઘુ ગ્રહોનું નિરીક્ષણ કરવું, ગુરુના ઉપગ્રહોનાં ગ્રહણોના વેધ લેવા, ચંદ્ર દ્વારા થતા તારાઓના ગ્રહણ(પિધાન)નો અભ્યાસ કરવો, વિવિધ તારાપત્રકોમાં સમાવવામાં આવેલા તારાઓનાં યામ્યોત્તરવૃત્ત પર આવવાના વેધો લઈ તેમની પુન:ચકાસણી કરવી વગેરે જેવી ખગોલીય નિરીક્ષણપ્રવૃત્તિ અહીં ચાલતી હતી. આ બધા વેધો અને સંશોધનોના અહેવાલો નિયમિતતાથી ઇંગ્લૅન્ડની રૉયલ ઍસ્ટ્રોનૉમિકલ સોસાયટીને તથા લાગતાવળગતાને મોકલાતા હતા. તેમ છતાંય, કોઈ કારણસર આ બધા જ અહેવાલોની નોંધ લેવાતી ન હતી અને તેમાંના મોટાભાગના પ્રસિદ્ધ પણ થતા ન હતા. પ્રસિદ્ધ થયેલા અહેવાલો એના અસલી રૂપમાં, પૂરેપૂરા તો ભાગ્યે જ પ્રસિદ્ધ થતા હતા.
1848ના ઑક્ટોબરની 28મી તારીખે વિલકૉક્સનું અવસાન થયું. તે પછી વેધશાળાની કામગીરીમાં ઓટ આવી. તે સમયે વાજિદઅલી શાહ અવધના રાજા હતા (શાસનકાળ અવધિ : 1847થી 1856). વાજિદઅલી શાહને એવું લાગતું હતું કે આ વેધશાળામાં કરેલું જંગી મૂડીરોકાણ માથે પડ્યું છે. તેની સ્થાપના પાછળનો મૂળ ઉદ્દેશ બર નથી આવ્યો. ભારતના લોકો કરતાં યુરોપિયન લોકોને તેનો વધુ લાભ મળે છે. દેશી પંડિતો અને દેશી લોકોને કે રાજ્યને પણ તે કાંઈ કામની નથી. તેમનો ખયાલ કાંઈક અંશે સાચો પણ હતો. આવા તર્ક સાથે તેમણે સંભવત: 20મી જાન્યુઆરી, 1849ના રોજ લખનઉની આ વેધશાળાને તોડી નાંખવાનો હુકમ આપ્યો. સંભવત: એટલા માટે કે એકાદ સંદર્ભ પ્રમાણે આ તારીખ 8મી ઑગસ્ટ, 1849 હતી. ઇતિહાસકારો માને છે કે આ વેધશાળાને બંધ કરવા પાછળ બીજાં પણ કારણો હશે જ, પણ આ અંગે ભવિષ્યમાં નવી જાણકારી ન સાંપડે ત્યા સુધી બીજું કાંઈ કહી શકાય તેમ નથી. અહીં થયેલાં સંશોધનો તથા કરવામાં આવેલાં નિરીક્ષણોના અહેવાલો, જેમાં ચુંબકીય નિરીક્ષણોનો પણ સમાવેશ થતો હતો તે સઘળું, અને વેધશાળાનાં પુસ્તકોની હરાજી બોલાવવામાં આવી, અને અહીંનાં ઉપકરણો કદાચ બીજે સ્થળે લઈ જવાયાં. આ ઉપકરણો કદાચ 1855 સુધી તો લખનઉમાં જ હતાં. કારણ કે ઍન્ડ્ર્યુ સ્કૉટ વૉ(Col. Andrew Scott Waugh)ની વિનંતીથી કૅપ્ટન સ્ટ્રેન્જ (Capt. Strange) 1855માં જ્યારે લખનઉની મુલાકાતે આવ્યા ત્યારે આ ઉપકરણો સારી રીતે જળવાઈ રહ્યાં હોવાનું તેમણે નોંધ્યું છે. પણ સન 1841થી 1843ના ગાળામાં કરવામાં આવેલાં નિરીક્ષણોનો અહેવાલ ક્યાં ગયો તે અંગે આધારભૂત માહિતી સાંપડતી નથી. કદાચ આ બધું વિલકૉક્સનાં કુટુંબીજનો લઈ ગયાં હોય કે પછી કોઈ બીજા અંગ્રેજ અધિકારી પાસે ગયું હોવાનું માની શકાય. રૉયલ સોસાયટી લાઇબ્રેરી અને રૅાયલ ઍસ્ટ્રોનૉમિકલ સોસાયટીના દફતરખાના(આર્કાઇવ્ઝ)માંથી કદાચ ભવિષ્યમાં આ અંગે વધુ માહિતી સાંપડી શકે. આમ ઓગણીસમી સદીની ઉત્તમ ખગોલીય ઉપકરણો ધરાવતી વેધશાળાનો અંત આવ્યો.
સુશ્રુત પટેલ