રૉબિન્સ, લિયોનેલ (જ. 1898; અ. 1984) : આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા અંગ્રેજ અર્થશાસ્ત્રી. તેમણે અર્થશાસ્ત્રના અધ્યાપક તરીકેની કામગીરી ન્યૂ કૉલેજ, ઑક્સફર્ડ ખાતેથી શરૂ કરેલી (1924, 1927–1929). 1929માં અર્થશાસ્ત્રના પ્રોફેસર તરીકે તેઓ લંડન સ્કૂલ ઑવ્ ઇકોનૉમિક્સમાં જોડાયા, જ્યાં તેમણે નિવૃત્તિ (1961) સુધી કામ કર્યું. બીજા વિશ્વયુદ્ધ (1939–45) દરમિયાન તેમની ઇંગ્લૅન્ડના મંત્રીમંડળમાં આર્થિક બાબતોના નિયામક તરીકે નિમણૂક થઈ હતી (1941–45). 1944માં અમેરિકાના બ્રેટનવુડ્ઝ ખાતે ભરાયેલી આંતરરાષ્ટ્રીય પરિષદમાં ઇંગ્લૅન્ડના પ્રતિનિધિ મંડળના સભ્ય તરીકે તેમણે ભાગ લીધો હતો. આ પરિષદમાં જ આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ (IMF) અને વિશ્વબૅંક(IBRD)ની સ્થાપના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેને ‘બ્રેટનવુડ્ઝના જોડકા’ તરીકે ઓળખવામાં આવે છે. લંડન યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થયા બાદ તેમણે ઇંગ્લૅન્ડના હાયર સેકન્ડરી એજ્યુકેશન કમિશનના ચૅરમૅન તરીકે કામ કર્યું હતું. 1956માં તેમને આજીવન ઉમરાવ બનાવવામાં આવ્યા હતા. 1961થી તેમણે ‘ફાઇનાન્શિયલ ટાઇમ્સ’ના ચૅરમૅન-પદે કામ કર્યું હતું.

રૉબિન્સ પૂર્વે ઍડમ સ્મિથ અને આલ્ફ્રેડ માર્શલ જેવા અગ્રણી અર્થશાસ્ત્રીઓએ અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ રૉબિન્સે જે વ્યાખ્યા આપી છે તે સૌથી વૈજ્ઞાનિક અને તેથી સર્વસ્વીકૃત ગણવામાં આવે છે. આ વ્યાખ્યા મુજબ અર્થશાસ્ત્ર એ વૈકલ્પિક ઉપયોગ ધરાવતાં અલ્પસાધનો અને વૈવિધ્ય ધરાવતાં અનંત ધ્યેયો (ends) વચ્ચેના સંબંધોને લગતા માનવવર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. આ વ્યાખ્યા અર્થશાસ્ત્રને શુદ્ધ અને તટસ્થ વિજ્ઞાન બનાવે છે અને તે સામાજિક શાસ્ત્ર હોવા છતાં ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રની કક્ષામાં મૂકી તેને સર્વવ્યાપી (universal) બનાવે છે. રૉબિન્સે એવા આંતરરાષ્ટ્રીય આર્થિક માળખાનું સૂચન કર્યું હતું કે જેમાં માત્ર વસ્તુઓ જ નહિ, પરંતુ સાથોસાથ શ્રમ અને મૂડીની આંતરરાષ્ટ્રીય હેરફેર પર કોઈ પણ પ્રકારના પ્રતિબંધો ન મુકાય, જુદા જુદા દેશોમાં મિલકત અને કરારના કાયદાઓ એકસરખા હોય અને એક દેશમાંથી બીજા દેશમાં મુક્ત સ્થળાંતર કરી શકાય એવું હોય. તેમણે તેમના આ સૂચિત માળખામાં એવું પણ જણાવ્યું હતું કે એક એવા આંતરરાષ્ટ્રીય સત્તામંડળની સ્થાપના કરવામાં આવે કે માત્ર તેણે જ યુદ્ધ જાહેર કરવાની સત્તા હોય અને એ રીતે કોઈ પણ દેશ બીજા દેશની સામે આપખુદીથી યુદ્ધ જાહેર ન કરી શકે અને બધા દેશો એકબીજા સાથે સુમેળભર્યા સંબંધો પ્રસ્થાપિત કરીને રહે. રૉબિન્સનાં આ સૂચનો એક આદર્શ સમાજરચના(Utopia)નો નિર્દેશ કરે છે.

રૉબિન્સના મત મુજબ અર્થશાસ્ત્ર એ કલ્યાણલક્ષી કે નીતિનિર્દેશક શાસ્ત્ર નહિ, પરંતુ વસ્તુલક્ષી અને વાસ્તવલક્ષી શાસ્ત્ર છે અને તેણે હકીકતોનાં બયાન અને વિશ્લેષણ પર ભાર મૂકવો જોઈએ, નહિ કે સારાનરસા અંગે અભિપ્રાય વ્યક્ત કરવા પર. ધ્યેયો પ્રત્યે અર્થશાસ્ત્રે તટસ્થ રહેવું જોઈએ.

રૉબિન્સે વિપુલ ગ્રંથસર્જન કર્યું છે : ‘ઍન એસે ઑન ધ નેચર ઍન્ડ સિગ્નિફિકન્સ ઑવ્ ઇકોનૉમિક સાયન્સ’ (1939), ‘ધ ગ્રેટ ડિપ્રેશન’ (1934), ‘ઇકોનૉમિક પ્લાનિંગ ઍન્ડ ઇન્ટનૅશનલ ઑર્ડર’ (1937), ‘ધી ઈકોનૉમિક પ્રૉબ્લેમ્સ ઑવ્ પીસ ઍન્ડ વૉર’ (1950), ‘ધ થિયરી ઑવ્ ઇકોનૉમિક પૉલિસી ઇન ઇંગ્લિશ ક્લાસિકલ ઇકૉનોમી’ (1952), ‘રૉબર્ટ ટોરેન્સ ઍન્ડ ધી ઇવૅલ્યુએશન ઑવ્ ક્લાસિકલ ઇકોનૉમિક્સ’ (1951) તથા ‘ધી ઈકોનૉમિક્સ ઇન ધ ટ્વેન્ટિયેથ સેન્ચુરી’ (1954).

બાળકૃષ્ણ માધવરાવ મૂળે