રૉબેસ્પિયરી, મૅક્સિમિલિયન ફ્રાંસ્વા

January, 2004

રૉબેસ્પિયરી, મૅક્સિમિલિયન ફ્રાંસ્વા (જ. 1758, અરાસ, ફ્રાન્સ; અ. 28 જુલાઈ 1794, પૅરિસ) : ફ્રેન્ચ રાજ્યક્રાંતિના વિખ્યાત અને વિવાદાસ્પદ નેતા. આખું નામ મૅક્સિમિલિયન મારી ઇસિડોર. ગરીબ પરિવારમાં જન્મ. શિષ્યવૃત્તિ મળતાં પૅરિસ ખાતે કાયદાશાસ્ત્રનો અભ્યાસ કર્યો. પોતાના વતન અરાસમાં વકીલાત શરૂ કરી. દરમિયાન લોકશાહી રાજ્યવ્યવસ્થા અંગેના રૂસોના સિદ્ધાંતથી પ્રભાવિત થયા.

મૅક્સિમિલિયન ફ્રાંસ્વા રૉબેસ્પિયરી

1789માં રાષ્ટ્રીય બંધારણ સભા માટે ચૂંટાયા (1789–91), જ્યાં તેમણે લોકશાહી ધોરણે ચૂંટણીઓ યોજવાની જોરદાર પરંતુ નિષ્ફળ હિમાયત કરી. ફ્રાન્સના બંધારણ-સભાના સભ્યો આપોઆપ વિધાનસભાના સભ્યો બને એવી દરખાસ્તનો તેમણે જોરદાર વિરોધ કર્યો અને તેમાં સફળતા પણ મેળવી. ફ્રેન્ચ રાજ્યક્રાંતિમાં ભાગ લેનાર રિપબ્લિકન પક્ષનું મવાળ જૂથ, જે ‘જિરૉન્ડિસ્ટ’ નામથી ઓળખાતું હતું, તેના તરફથી 1792માં રજૂ થયેલ સશસ્ત્ર સંઘર્ષની તરફેણ કરતી દરખાસ્તનો વિરોધ કરવા બદલ તેમણે લોકપ્રિયતા ગુમાવી. તે પૂર્વે તેઓ જૅકોબિન્સ ક્લબના સભ્ય અને સમયાંતરે તેના વડા બન્યા હતા. ફ્રેન્ચ રાજ્યક્રાંતિમાં ભાગ લેનાર આ ક્લબની સ્થાપના 1789માં થઈ હતી. જિરૉન્ડિસ્ટ જૂથ અને જૅકોબિન્સ વચ્ચે ફ્રાન્સમાં સત્તા માટે જે સંઘર્ષ થયેલો તેમાં રૉબેસ્પિયરીએ જૅકોબિન્સની તરફેણમાં આગળ પડતી ભૂમિકા ભજવી હતી. ઑગસ્ટ 1792માં સ્થપાયેલ પૅરિસ કમ્યૂનના સભ્યોમાં તેમની પણ પસંદગી થઈ હતી. જુલાઈ 1743માં સ્થપાયેલ ‘કમિટી ઑવ્ પબ્લિક સેફ્ટી’, જે ‘ગ્રેટ કમિટી’ તરીકે ઓળખાઈ, તેમાં પણ રૉબેસ્પિયરીની ચૂંટણી થઈ હતી. આ કમિટીના નેજા હેઠળ ફ્રાન્સમાં જે આતંક ફેલાવવામાં આવેલો અને જેને કારણે આશરે 17,000 જેટલા નાગરિકોએ પોતાના જાન ગુમાવ્યા હતા, તેને માટે રૉબેસ્પિયરીને જવાબદાર ગણવામાં આવ્યા હતા. સમય જતાં ‘કમિટી ઑવ્ પબ્લિક સેફ્ટી’માં ભંગાણ પડ્યું, જેને કારણે રૉબેસ્પિયરીની સ્થિતિ કફોડી બની. જુલાઈ 1794માં આ કમિટી સામે જાહેર બળવો થયો અને રૉબેસ્પિયરીની ધરપકડ કરવામાં આવી. તેમના પર કામ ચલાવવામાં આવ્યું અને બીજા જ દિવસે 28 જુલાઈના રોજ તેમને ફાંસીની સજા કરવામાં આવી.

રૉબેસ્પિયરીની રાજકીય વિચારસરણી ભલે વિવાદાસ્પદ બની હશે; પરંતુ તેમનાં સાહસ, પ્રામાણિકતા અને પ્રજાસત્તાક રાજ્યતંત્ર પ્રત્યેની તેમની કટિબદ્ધતા સાર્વત્રિક પ્રશંસાને પાત્ર બની હતી.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે