રૉબિન્સ, ફ્રેડ્રિક ચૅપમૅન

January, 2004

રૉબિન્સ, ફ્રેડ્રિક ચૅપમૅન (જ. 25 ઑગસ્ટ 1916, ઑવર્ન ઍલબામા, યુ.એસ.) : આ અમેરિકી તબીબ વૈજ્ઞાનિકે સન 1954માં જૉન ફ્રૅન્કલિન ઍન્ડર્સ તથા ટૉમસ હકલ વેલર સાથે તબીબી વિદ્યા અને દેહધર્મવિદ્યા અંગેનું નોબેલ પારિતોષિક પ્રાપ્ત કર્યું હતું.

ફ્રેડ્રિક ચૅપમૅન રૉબિન્સ

તેમણે બાળલકવો કરતા ધૂલિવર્ણમજ્જાશોથી વિષાણુ-(poliomyelitis virus)ને વિવિધ પેશીઓ પર ઉછેરવાની પદ્ધતિ વિકસાવી હતી. પેશીઓમાં થતા સંવર્ધનને ઉતકસંવર્ધન અથવા પેશીસંવર્ધન (tissue culture) કહે છે. રૉબિન્સનું મુખ્ય કાર્ય ધૂલિવર્ણમજ્જાશોથી વિષાણુનું પેશીસંવર્ધન કરવા વિશે હતું. તેઓ મૂળ 1940માં હાર્વર્ડ મેડિકલ સ્કૂલમાંથી સ્નાતક બન્યા અને વિષાણુઓના સંવર્ધનમાં પાયાનું કાર્ય કરનાર જૉન એફ. ઍન્ડર્સ સાથે સન 1948માં જોડાયા હતા. તેમણે લાપોટિયું કરતા વિષાણુ (mumps virus) પર પણ નોંધપાત્ર કાર્ય કર્યું હતું.

શિલીન નં. શુક્લ