રૉબિન્સન, હરક્યુલીસ (સર)

January, 2004

રૉબિન્સન, હરક્યુલીસ (સર) (જ. 19 ડિસેમ્બર 1824, રોઝમીડ, આયરલૅન્ડ; અ. 28 ઑક્ટોબર 1897, લંડન) : કેપ કૉલોનીના ગવર્નર અને દક્ષિણ આફ્રિકાના બ્રિટિશ હાઈ કમિશનર. તેમના આ વહીવટી સત્તાકાળ દરમિયાન દક્ષિણ આફ્રિકાના ટ્રાન્સવાલ પ્રદેશમાં હિંદી વસાહતીઓ કે જે કૂલી તરીકે ઓળખાતા હતા, તેમના માટે ગંભીર પ્રશ્નો ઊભા થયા હતા અને તેમના પર અન્યાયી અંકુશો મૂકવામાં આવ્યા હતા.

(સર) હરક્યુલીસ રૉબિન્સન

અંગ્રેજોએ 1877માં ટ્રાન્સવાલને ખાલસા કરી ત્યાં પોતાની સત્તા સ્થાપી. પરંતુ 1881માં બોઅર લોકોએ બળવો કરી એ પ્રદેશ પચાવી પાડ્યો. તેથી 1881માં અંગ્રેજો અને ટ્રાન્સવાલ સરકાર વચ્ચે પ્રિટોરિયાની સમજૂતી (પ્રિટોરિયા કન્વેન્શન) થઈ. એમાં એમ ઠરાવવામાં આવ્યું કે ટ્રાન્સવાલમાં આંતરિક વહીવટી સત્તા ટ્રાન્સવાલ સરકારની રહે અને બાહ્ય અંકુશ બ્રિટિશ સરકારનો રહે. 1884માં આ બંને પક્ષો વચ્ચે લંડન મુકામે ફરી સમજૂતી (લંડન કન્વેન્શન) થઈ. એમાં ઠરાવવામાં આવ્યું કે આફ્રિકાના મૂળ વતનીઓ સિવાય બધી વ્યક્તિઓને કુટુંબ સાથે દક્ષિણ આફ્રિકાના કોઈ પણ પ્રદેશમાં પ્રવેશ કરવાનો, પ્રવાસ કરવાનો અને નિવાસ કરવાનો અધિકાર રહેશે. આવા અધિકારવાળી વ્યક્તિઓમાં હિંદીઓનો સમાવેશ થતો હતો.

ઈ. સ. 1881 અને 1884 દરમિયાન ઘણા હિંદીઓએ ટ્રાન્સવાલમાં વસવાટ કરીને ઓછા નફે વેપાર કરવા માંડ્યો તેથી બ્રિટિશ વેપારીઓને નુકસાન થવા માંડ્યું. એટલે એમણે ટ્રાન્સવાલમાં હિંદીઓનો પ્રવેશ અટકાવવા અને એમની વ્યાપારી પ્રવૃત્તિઓ ઉપર અંકુશો મૂકવા ટ્રાન્સવાલની સરકારને અરજી કરી. ટ્રાન્સવાલની સરકારને આવા અંકુશો મૂકવાની સત્તા છે કે નહિ એ વિશે એણે બ્રિટિશ સરકારને એક પત્ર લખી પુછાવ્યું. એ પત્ર ટ્રાન્સવાલ ખાતેના બ્રિટિશ હાઈકમિશનર સર રૉબિન્સન હરક્યુલીસે બ્રિટિશ સરકારના કોલોનિયલ સેક્રેટરીને રવાના કરી, પોતાની નોંધમાં હિંદીઓને પ્રવેશબંધી ફરમાવવા અને એમના વસવાટ તથા પ્રવૃત્તિઓ પર અંકુશો મૂકવાની ભલામણ કરી. બ્રિટિશ સરકાર તરફથી જે જવાબ આવ્યો તે સર રૉબિન્સન હરક્યુલીસે તા. 17 એપ્રિલ, 1885ના રોજ ટ્રાન્સવાલ સરકારને મોકલ્યો. એને આધારે તા. 10 જૂન 1885ના રોજ કાયદો ઘડવામાં આવ્યો.

આ કાયદાથી એવું ઠરાવવામાં આવ્યું કે હિંદીઓ, આરબો, મલાયાવાસીઓ કે મુસ્લિમો ટ્રાન્સવાલમાં નાગરિકત્વ મેળવી શકે નહિ કે જમીન અને મકાનના માલિક થઈ શકે નહિ. ટ્રાન્સવાલમાં જે હિંદીઓ વસવાટ કરે છે, એમણે વ્યક્તિદીઠ 25 પાઉન્ડ રજિસ્ટ્રેશન ફી આપીને સરકારમાં એમનું નામ આઠ દિવસમાં ફરજિયાત નોંધાવવું પડશે. એ ઉપરાંત સરકારે અલગ રાખેલ શેરીઓ અને વિસ્તારોમાં જ હિંદીઓ વસવાટ અને વેપાર કરી શકશે. આ જોગવાઈઓમાં પછીથી બે સુધારા કરી રજિસ્ટ્રેશન ફી 25 પાઉન્ડથી ઘટાડીને 3 પાઉન્ડ કરી હતી અને હિંદીઓ એમને માટે નક્કી કરેલા વિસ્તારોમાં જ સ્થાવર મિલકત ખરીદી શકે એવી જોગવાઈ કરી હતી. હિંદીઓ સાંજે 5-00 વાગ્યા પછી પાસ લીધા વગર પોતાના ઘરની બહાર નીકળી શકે નહિ એવો પણ નિયમ કરવામાં આવ્યો હતો. આમ, સર રૉબિન્સન હરક્યુલીસ હાઈકમિશનર હતા ત્યારે ટ્રાન્સવાલમાં હિંદીઓ માટે જુલમી કાયદાઓ ઘડવાની શરૂઆત થઈ હતી. સમય જતાં એ જુલમોમાં વધારો થયો. આવા અન્યાય અને જુલમોને લીધે ગાંધીજીને 1906થી 1914 સુધી દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહની લડત ચલાવવી પડી હતી.

દક્ષિણ આફ્રિકામાં બ્રિટિશ હાઈ કમિશનર તરીકે એમની નિમણૂક થઈ એ પૂર્વે એમણે હૉંગકૉંગના વહીવટકર્તા, સિલોન(હાલના શ્રીલંકા)ના ગવર્નર અને ન્યૂઝીલૅન્ડના ગવર્નર તરીકે કામ કર્યું હતું.

મુગટલાલ પોપટલાલ બાવીસી