રૉબિન્સન, શુગર રે (જ. 1920, ડેટ્રૉઇટ, મિશિગન; અ. 1989) : અમેરિકાના વ્યવસાયી મુક્કાબાજ. મૂળ નામ વૉકર સ્મિથ. 1946થી 1951 સુધી તેઓ વેલ્ટર વેટ (67 કિગ્રા. સુધીના વજનની) સ્પર્ધાનું વિશ્વપદક (world title) ધરાવતા રહ્યા. 1950–51માં તેઓ મિડલ વેટ સ્પર્ધાનું વિશ્વપદક ધરાવતા થયા.

શુગર રે રૉબિન્સન

1951માં તેઓ મિડલ વેટ પદકની સ્પર્ધામાં રૅન્ડૉલ્ફ ટર્પિન સામે હારી ગયા, પણ થોડા જ વખત પછી તે પદક પાછું જીતી લીધું. વ્યવસાયી મુક્કાબાજ તરીકે 20 વર્ષ સુધી તેઓ કાર્યરત રહ્યા, પણ તેમના પર તેમના આ કઠોર વ્યવસાયનાં કોઈ ચિહન દેખાતાં ન હતાં. તેમની યુરોપભરમાં ભારે નામના અને ચાહના હતી  અને તેમણે મોટા રસાલા સાથે વ્યાપક વિદેશ-પ્રવાસ ખેડ્યો હતો.

મહેશ ચોકસી