રૉબિન્સન, સર રૉબર્ટ (જ. 13 સપ્ટેમ્બર 1886, ચેસ્ટરફીલ્ડ, ડર્બિશાયર, ઇંગ્લૅન્ડ; અ. 8 ફેબ્રુઆરી 1975, ગ્રેટ મિસેન્ડેન, લંડન પાસે) : કાર્બનિક સંશ્લેષણના નિષ્ણાત અને કાર્બનિક રસાયણમાં ઇલેક્ટ્રૉનીય સિદ્ધાંતની પહેલ કરનાર, નોબેલ પુરસ્કાર-વિજેતા બ્રિટિશ રસાયણવિદ.
લીડ્ઝ નજીકની શાળાઓમાં પ્રાથમિક અભ્યાસ બાદ તેમણે માન્ચેસ્ટરના વિક્ટોરિયા વિશ્વવિદ્યાલયમાંથી 1906માં બી.એસસી. તથા 1910માં ડી.એસસી. પદવી મેળવી. 1912માં તેઓ સિડની વિશ્વવિદ્યાલયના શુદ્ધ અને પ્રયુક્ત કાર્બનિક રસાયણના પ્રથમ પ્રોફેસર નિમાયા. 1915માં લિવરપૂલ વિશ્વવિદ્યાલયમાં પ્રોફેસર તથા 1920માં બ્રિટિશ ડાયસ્ટફ કૉર્પોરેશનમાં બ્રાઝિલીન નામના કુદરતી રંગક ઉપર કામ શરૂ કરીને તે સંસ્થાના ડિરેક્ટર બન્યા. બીજા જ વર્ષે સેન્ટ ઍન્ડ્રૂઝમાં રસાયણના, 1922માં માન્ચેસ્ટર વિશ્વવિદ્યાલયમાં કાર્બનિક રસાયણના તેમજ 1928માં લંડન વિશ્વવિદ્યાલયમાં પ્રોફેસર થયા. 1930થી 1955 સુધી તેઓ ઑક્સફર્ડમાં રસાયણના પ્રોફેસર રહ્યા હતા. 1955માં તેઓ ઇમેરિટસ (માનાર્હ) પ્રોફેસર તથા મૅગ્ડેલિન કૉલેજના માનાર્હ ફેલો નિમાયા. તેમની સાથે માન્ચેસ્ટર વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ કરતી ગરટ્રૂડ સાથે 1912માં તેઓ પરણ્યા અને તેની સાથે ઍન્થોસાયનીન રંગકો ઉપર ઘણું સંશોધન કર્યું. રૉબિન્સનનું નામ કાર્બનિક સંશ્લેષણના વિશેષજ્ઞ તથા કાર્બનિક રસાયણના ઇલેક્ટ્રૉનિક સિદ્ધાંતના પ્રણેતા તરીકે હંમેશાં યાદ રહેશે. તેમણે મૉર્ફીન (1925) તથા સ્ટ્રિક્નીન(1946)નાં બંધારણ નક્કી કર્યાં તથા તેમના જેવાં અન્ય નૉસ્કોપીન, હર્મેલીન, ફાઇઝૉસ્ટિગ્માઇન વગેરે આલ્કેલૉઇડ ઉપર સંશોધન કર્યું. તેમના નામે લગભગ 700 સંશોધનલેખો છપાયા છે. તેમણે 32 પેટન્ટો મેળવેલી છે. તેમને બ્રિટન ઉપરાંત પરદેશનાં અનેક વિશ્વવિદ્યાલયોની માનાર્હ ડૉક્ટરેટ મળી હતી. તેઓ રૉયલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ કેમિસ્ટ્રીના ફેલો, 1939–41 દરમિયાન કેમિકલ સોસાયટીના પ્રમુખ તથા 1945માં રૉયલ સોસાયટીના પ્રેસિડન્ટ નિમાયેલા.
જૈવિક અગત્ય ધરાવતી વાનસ્પતિક નીપજો, ખાસ કરીને આલ્કેલૉઇડ ઉપરના તેમના સંશોધન બદલ તેમને 1947ના વર્ષનો રસાયણશાસ્ત્ર માટેનો નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
1947માં તેઓ યુનેસ્કોની પ્રથમ કૉન્ફરન્સમાં બ્રિટનના પ્રતિનિધિ નિમાયા હતા. લગભગ ત્રીસેક સરકારી કમિટીઓના તેઓ સભ્ય હતા. 1939માં તેમને નાઇટહુડ (સરની પદવી) તથા ઑર્ડર ઑવ્ મેરિટના ઇલકાબો મળ્યા હતા.
સંશોધન ઉપરાંત તેઓ સંગીત અને ફોટોગ્રાફીમાં પણ રસ ધરાવતા હતા તથા એક સારા પર્વતારોહક પણ હતા.
જ. પો. ત્રિવેદી