રૉબર્ટ્સ, ઍન્ડી (જ. 29 જાન્યુઆરી 1951, અર્લિગ્ઝ વિલેજી ઍન્ટિગુયાના) : વેસ્ટ ઇન્ડિઝના ક્રિકેટર. તેઓ એક સૌથી ઝડપી અને સૌથી ખતરનાક ગોલંદાજ છે. વેસ્ટ ઇન્ડિઝ વતી રમનારા તેઓ ઍન્ટિગુયાનાના સૌપ્રથમ ખેલાડી હતા; ટેસ્ટ ક્રિકેટમાં 200 વિકેટ લેનારા તેઓ વેસ્ટ ઇન્ડિઝના ત્રીજા ખેલાડી બની રહ્યા. ક્રિકેટ-કારકિર્દીનો પ્રારંભ તેમણે 1974માં એક મૅચથી કર્યો, ત્યારપછીની તેમની શ્રેણીમાં તેમણે 1974–75માં ભારત સામે 18.28 રનની સરેરાશથી 32 વિકેટ લીધી. ત્યારપછીની તેમની સૌથી સફળ શ્રેણી 1976માં ઇંગ્લૅન્ડ સામેની હતી, તેમાં તેમણે 19.17 રનની સરેરાશથી 28 વિકેટ ઝડપી. જરૂર પડ્યે તેઓ સારી બૅટિંગ પણ કરી શકતા. તેઓ લીવર્ડ આઇલૅન્ડ તથા હૅમ્પશાયર વતી પણ રમ્યા હતા. 1974માં તેઓ ઇંગ્લૅન્ડમાં સૌથી સફળ ગોલંદાજ નીવડ્યા હતા. તેમણે 13.62 રનની સરેરાશથી 119 વિકેટ લીધી હતી.
તેમને કમાન્ડર ઑવ્ ધ બ્રિટિશ એમ્પાયર(CBE)નો ખિતાબ અપાયો હતો. તેમનો કારકિર્દી-આલેખ આ પ્રમાણે છે : (1) 1974–83 : 47 ટેસ્ટ; 14.94 રનની સરેરાશથી 762 રન, સૌથી વધુ જુમલો 68; 25.61 રનની સરેરાશથી 202 વિકેટ, એક દાવમાં ઉત્તમ ગોલંદાજી–54 રનમાં 7 વિકેટ; 9 કૅચ. (2) 56 એકદિવસીય આંતરરાષ્ટ્રીય મૅચ : 10.04 રનની સરેરાશથી 231 રન; સૌથી વધુ જુમલો 37 (અણનમ); 20.35 રનની સરેરાશથી 87 વિકેટ; એક દાવમાં સૌથી ઉત્તમ ગોલંદાજી–22 રનની સરેરાશથી 5 વિકેટ, 6 કૅચ. (3) પ્રથમ કક્ષાની મૅચ 1970–84 : 15.69ની સરેરાશથી 3,516 રન; સૌથી વધુ જુમલો 89, 21.01 રનની સરેરાશથી 889 વિકેટ; એક દાવમાં સૌથી ઉત્તમ ગોલંદાજી–47 રનમાં 8 વિકેટ, 52 કૅચ.
મહેશ ચોકસી