રૉથ, ફિલિપ મિલ્ટન (જ. 19 માર્ચ 1933, નેવાર્ક, ન્યૂ જર્સી, યુ.એસ.) : અમેરિકન યહૂદીઓના રોજબરોજના જીવનની અત્યુક્તિભરી રજૂઆત કરતા હાસ્યજનક ચરિત્રચિત્રણના આધુનિક સાહિત્યકાર. તેમણે બકનેલ અને યુનિવર્સિટી ઑવ્ શિકાગોમાં શિક્ષણ લીધું હતું. શિકાગોમાં અંગ્રેજીના અધ્યાપક બન્યા પછી તેમણે સર્જનાત્મક લેખન વિશે આયોવા અને પ્રિન્સટન યુનિવર્સિટીઓમાં અધ્યાપનકાર્ય કર્યું. તેમની ટૂંકી વાર્તાઓના સંગ્રહ ‘ગુડબાય, કોલંબસ’(1959)ને 1960નો નૅશનલ બુક ઍવૉર્ડ એનાયત થયેલો. તેમાં ઉપનગરો અને શહેરવાસી યહૂદી કુટુંબોની ઘટનાઓ વિશેની વાર્તાઓ છે. સુદીર્ઘ ટૂંકી નવલકથા (novella) ઉપરાંત અન્ય પાંચ ટૂંકી વાર્તાઓમાં લેખક ગાંભીર્ય વિનાની અને વાચાળ શૈલીમાં યહૂદી જીવનની વિનોદપૂર્ણ અને કટાક્ષમય રજૂઆત કરે છે.
‘લેટિંગ ગો’ (1962) શિકાગો અને ન્યૂયૉર્ક વગેરે યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતા યહૂદી વિદ્યાર્થીઓના જીવનને નિરૂપતી નવલકથા છે. ‘પૉર્ટનૉયઝ કમ્પ્લેન્ટ’ (1969) લેખકની એક વિવાદાસ્પદ નવલકથા છે. તેનો વિષય મધ્યમ વર્ગના એક યહૂદી ઍલેક્ઝાન્ડર પૉર્ટનૉયની કામુકતાનો છે. તેના પર તેની માતાનું વર્ચસ્વ છે. ‘અવર ગૅંગ’ (1971), પ્રેસિડન્ટ ડિક્સન પરનો કટાક્ષ છે. ‘ધ બ્રેસ્ટ’(1972)માં એક અધ્યાપક પોતાને અત્યંત વિકસિત સ્તનરૂપે અનુભવે છે તેવી સુદીર્ઘ વાર્તા છે. ‘ધ ગ્રેટ અમેરિકન નૉવેલ’ (1973) નકલખોરીની હાંસી ઉડાવતી રૂપકાત્મક નવલકથા છે. ‘માય લાઇફ એઝ અ મૅન’ (1974) લેખકની અંગત અને અક્ષરજીવનની નિષ્ફળતાઓનું બયાન છે. ‘ધ પ્રોફેસર ઑવ્ ડિઝાયર’ (1977) એક યહૂદી અધ્યાપક(‘ધ બ્રેસ્ટ’ નવલકથાના નાયક)ની પ્રણયકથા છે. (‘ધ ઘોસ્ટ રાઇટર’(1979)માં એક યુવાન લેખક પોતાના યહૂદી બાંધવોની વિડંબના કરતો હોવાના આરોપનો ભોગ બને છે, એટલે તે એક સંમાન્ય પરિપક્વ યહૂદી લેખકના શરણે જાય છે. જો કે એ મહાશય તો કોઈ છોકરીના પ્રેમમાં ગળાબૂડ હોય છે, પણ આ પળે મજકૂર યુવાન લેખક તો પેલી છોકરી ઍન ફ્રાન્ક હોવાના વહેમમાં રાચવાનું શરૂ કરે છે. ‘ઝુકરમૅન અનબાઉન્ડ’ (1981) એક યુવાન લેખક, જે હવે મોટો અમેરિકન લેખક ગણાય છે, તેના કરુણ જીવનની કહાણી છે. ‘ધ એનૅટોમી લેસન’(1983)માં ઝુકરમૅનનું જ ચરિત્રચિત્રણ છે. ‘ઝુકરમૅન બાઉન્ડ’(1985)માં ઉપર્યુક્ત નવલકથાઓની વાર્તા પુન: વણાઈ છે, જેમાં નિષ્ફળ નીવડેલ લેખક અંતે તબીબી વ્યવસાયમાં જવાનું નક્કી કરે છે. રૉથની રૂબરૂ મુલાકાતો, નિબંધો અને લેખોનો સંગ્રહ ‘રીડિંગ માયસેલ્ફ’ (1975) શીર્ષકથી પ્રસિદ્ધ થયો છે.
વિ. પ્ર. ત્રિવેદી