રૉજર્સ, જિંજર

January, 2025

રૉજર્સ, જિંજર (જ. 16 જુલાઈ 1911, ઇન્ડિપેન્ડન્સ, મિસૂરી; અ. 25 એપ્રિલ 1995, કૅલિફૉર્નિયા) : અમેરિકાનાં ફિલ્મ અભિનેત્રી. મૂળ નામ વર્જિનિયા કૅથરિન મૅકમૅથ. વ્યવસાયી કલાકાર તરીકે તેમણે 14 વર્ષની વયે એડી ફૉયના મનોરંજન કરતા વૃંદ સાથે પ્રારંભ કર્યો હતો. 1928 સુધીમાં તેઓ પોતાના પ્રથમ પતિ જૅક પેપરની સાથે ગીત-નૃત્યકારની બેલડી તરીકે મનોરંજન પીરસતાં થયાં હતા.

રૂપેરી પડદે તેમણે અભિનય-પ્રારંભ કર્યો 1930માં ‘યંગ મૅન ઇન મૅનહટન’ ચિત્રથી. તેમણે અને ફ્રેડ ઍસ્ટરે ‘ફ્લાઇંગ ડાઉન ટુ રિયો’(1933)માં પ્રથમ વાર સાથે નૃત્ય-અભિનય કર્યો હતો. તેમની ‘સ્ટાર’ તરીકે ગણના થતી ન હતી, પરંતુ આ ચિત્રમાં તે મેદાન મારી ગયાં અને બીજાં 9 ચિત્રોમાં પ્રશંસનીય અભિનય આપ્યો હતો.

જિંજર રૉજર્સ

1940માં ‘કિટી ફૉઇલ’ માટે તેમને શ્રેષ્ઠ અભિનેત્રી તરીકેનો ઑસ્કર ઍવૉર્ડ અપાયો હતો. 1960ના મધ્ય દાયકા સુધી તેઓ ફિલ્મોમાં અભિનય આપતાં રહ્યાં હતા. ત્યારપછી ‘હેલૉ, ડૉલી ! ઍન્ડ મૅમ’ જેવાં સંગીતપ્રધાન ચિત્રોમાં તેઓ મુખ્ય અભિનેત્રી તરીકે અભિનય આપી નૂતન રુચિ ધરાવતા પ્રેક્ષકવર્ગને પણ પ્રસન્ન કરતાં રહ્યાં હતા.

એમણે જેક પેપર સાથે 1929માં લગ્ન કરેલાં અને 1931માં તેઓ છૂટા પડ્યાં. ત્યાર બાદ લેવ આર્યસ સાથે 1934માં લગ્ન કરેલાં 1940માં છૂટા પડ્યા. 1943માં જેક બ્રિગ્સ સાથે લગ્ન કરેલા અને 1949માં છૂટા પડ્યા. 1953માં જેક્સ બેરજેક સાથે લગ્ન કર્યાં અને 1957માં છૂટા પડ્યા. 1961માં વિલ્યમ માર્શલની સાથે લગ્ન કરેલા અને 1969માં છૂટા પડ્યા. એમને ‘હોલીવૂડ વોક ઓફ ફેમ’થી સન્માનિત કરવામાં આવેલા અને તેઓ અમેરિકાની રીપબ્લિક પાર્ટી સાથે રાજકીય વિચારસરણીથી જોડાયેલા હતા.

મહેશ ચોકસી