રેસા અને રેસાવાળા પાકો
રેસાઓ : કોઈ પણ પદાર્થના પહોળાઈની તુલનામાં અત્યંત લાંબા વાળ જેવા તંતુઓ. વનસ્પતિશાસ્ત્રની દૃષ્ટિએ તે જાડી દીવાલો અને અણીદાર છેડાઓ ધરાવતો વિશિષ્ટ પ્રકારનો લાંબો કોષ છે. વ્યાપારિક દૃષ્ટિએ તે વિવિધ લંબાઈ ધરાવતો (મિમી.ના ભાગથી શરૂ કરી બે કે તેથી વધારે મીટર)ના એક અથવા સેંકડો કોષો વડે બનતો તંતુ છે. જોકે વનસ્પતિ-રેસાઓ થોડાક અપવાદો બાદ કરતાં દૃઢોતક કોષોના બનેલા હોય છે અને વિવિધ ઉપયોગો, ગઠન (texture), મજબૂતાઈ, રાસાયણિક બંધારણ અને ઉદભવસ્થાનની દૃષ્ટિએ જુદા પડે છે અને યાંત્રિક પેશી તરીકે કાર્ય કરે છે. તેની દીવાલમાં લિગ્નિન અને સેલ્યુલોઝ હોય છે. સામાન્ય રીતે રેસાઓ વ્યક્તિગત કોષોના આચ્છાદન (overlapping) અને અંતર્ગ્રથન (interlocking) દ્વારા પેશીના સ્તરો બનાવે છે.
આર્થિક અગત્યની રીતે તેમનું વર્ગીકરણ નીચે પ્રમાણે કરવામાં આવે છે :
(1) વસ્ત્રતંતુઓ (textile fibres) : આ તંતુઓનો વસ્ત્રઉદ્યોગમાં ઉપયોગ થાય છે અને કાપડ, જાળ અને દોરડાંના ઉત્પાદન સાથે સંકળાયેલા છે.
(2) બ્રશ તંતુઓ (brush fibres) : તેઓ પાતળી શાખાઓ કે પ્રકાંડો છે અને સખત (tough) અને દુર્નમ્ય (stiff) હોય છે. તેમનો કૂચડાઓ અને સાવરણીઓ બનાવવામાં ઉપયોગ થાય છે.
(3) સંગ્રથિત (plaited) અને રુક્ષ વણાટતંતુઓ (rough-weaving fibres) : તેઓ ચપટા, આનમ્ય (pliable) અને રેસામય સૂત્રકો (strands) છે અને તેમને ગૂંથીને સ્ટ્રૉ-હૅટ, સૅંડલ, ટોપલીઓ, સાદડીઓ, છાપરાં ખુરશીની બેઠકો અને તેના જેવી ચીજો બનાવવામાં આવે છે.
(4) પૂરણ (ભરણ) તંતુઓ (filling fibres) : તેઓનો ઉપયોગ અપહોલ્સટરી (ગાદીતકિયા, ફર્નિચર આદિની બનાવટ-સજાવટનો ઉદ્યોગ) અને ગાદલાં અને ગાદીઓ ભરવામાં થાય છે. તેમનો ઉપયોગ સંવેષ્ટન દ્રવ્ય (packing material), લાકડાનાં પીપ અને અન્ય પાત્રોની ફાટો પૂરવામાં અને પ્લાસ્ટર મજબૂત બનાવવામાં થાય છે.
(5) નૈસર્ગિક વસ્ત્ર (natural fabrics) : તે વૃક્ષની છાલનાં સ્તરોમાંથી બનાવવામાં આવે છે અને કાપડની અવેજીમાં તેનો ઉપયોગ થાય છે.
(6) કાગળ-બનાવટ માટેના તંતુઓ : આ તંતુઓમાં કાષ્ઠ તંતુઓ (wood fibres) અને વસ્ત્રતંતુઓનો સમાવેશ થાય છે. તેમનો કાચા માલ તરીકે અથવા ઉત્પાદિત (manufactured) સ્થિતિમાં કે અન્ય પ્રકારે કાગળ બનાવવા માટે ઉપયોગ થાય છે.
રેસાઓ વનસ્પતિના પ્રકાંડો, પર્ણો, મૂળ, ફળ અને બીજ જેવા વનસ્પતિના ભાગોમાં જોવા મળે છે. તેમના ઉદભવને આધારે તેઓ મુખ્ય ચાર પ્રકારોમાં વર્ગીકૃત થાય છે : અન્નવાહિની તંતુઓ, કાષ્ઠતંતુઓ, પર્ણોમાં વાહીપુલો સાથે સંકળાયેલા દૃઢોતક કોષો અને પૃષ્ઠીય તંતુઓ (surface-fibres). પૃષ્ઠીય તંતુઓ વનસ્પતિઓનાં બીજ ઉપર ઉત્પન્ન થતા વાળ જેવા બહિરુદભેદો (outgrowth) છે.
ઉષ્ણકટિબંધમાં આર્થિક અગત્યના રેસાઓ આપતાં કુળોમાં પોએસી, એરિકેસી, મ્યુસેસી, લીલિયેસી, ઍમેરિલિડેસી, અર્ટિકેસી, માલ્વેસી, લાઇનેસી, બૉમ્બેકેસી, ફેબેસી, કેનાબિએસી, મોરેસી, ટીલિયેસી અને બ્રોમેલિયેસીનો સમાવેશ થાય છે.
વનસ્પતિ-રેસાઓ રાસાયણિક બંધારણની દૃષ્ટિએ સેલ્યુલોઝ નામના પૉલિસૅકેરાઇડના બનેલા હોય છે. સેલ્યુલોઝ ગ્લુકોઝના અણુઓની લાંબી શૃંખલા ધરાવે છે. આ રેસાઓનું ઊંચા તાપમાને વિઘટન થતું નથી. આ રેસાઓને રંગવા માટે જટિલ પ્રક્રિયાઓ કરવી પડે છે. વનસ્પતિ-રેસાઓ દ્વારા બનાવાયેલી વસ્તુઓ ઉપર પ્રાણી-જંતુઓ સહેલાઈથી આક્રમણ કરી શકતાં નથી. તેઓ ઓછા સ્થિતિસ્થાપક હોય છે.
કેટલીક વનસ્પતિઓના રેસાઓમાં સેલ્યુલોઝની સાંદ્રતા આ પ્રમાણે છે : કપાસ 82.7 %, રેમી 68.6 %, શણ 64.4 %, અંબાડી 67 %, સિસલ 65.9 %. સેલ્યુલોઝ ઉપરાંત રેસાઓમાં લિગ્નિન, હેમિસેલ્યુલોઝ, પેક્ટિન, રાળ, લિપિડ, મીણ અને ખનિજતત્વો પણ હોય છે. લિગ્નિનનું પ્રમાણ અળસીમાં 2.00 %, અંબાડીમાં 3.3 % અને શણમાં 11.8 % હોય છે. હેમિસેલ્યુલોઝનું પ્રમાણ જુદા જુદા પ્રકારના રેસાઓમાં 12 %થી 16 % જેટલું હોય છે. પેક્ટિનનું પ્રમાણ શણમાં 0.2 %, સિસલમાં 0.8 %, રેસીમાં 1.9 % અને અળસીમાં 3.8 % જેટલું હોય છે.
જોકે સાંશ્લેષિક (synthetic) રેસાઓનું ઉત્પાદન વનસ્પતિ કે પ્રાણી-રેસાઓની તુલનામાં વિપુલ પ્રમાણમાં થતું હોવા છતાં સાંશ્લેષિક રેસાઓ કુદરતી રેસાઓનું પૂરેપૂરું સ્થાન લઈ શક્યા નથી. કપાસના રેસાઓ જેટલા સાંશ્લેષિક રેસાઓ આરામદાયી (comfortable) હોતા નથી. વળી સાંશ્લેષિક રેસાઓ મોંઘા હોય છે. તેઓ પેટ્રોલિયમનાં વ્યુત્પન્નો છે. નાયલૉન, ઍક્રેલિક્સ, પૉલિયેસ્ટર, પૉલિપ્રોપાયલિન્સ વગેરે સાંશ્લેષિક રેસાઓ છે.
વસ્ત્રતંતુઓ : તેઓ લાંબા, વધારે તનન-સામર્થ્ય (tensile-strength) ધરાવતા, સંસંજક (cohesive) અને આનમ્ય હોય છે. તેઓ સૂક્ષ્મ, એકસરખા, ચમકીલા તંતુઓના બનેલા, ટકાઉ અને સહેલાઈથી પ્રાપ્ય હોય છે. વસ્ત્રતંતુઓને પૃષ્ઠીય, મૃદુ (soft) અને કઠિન તંતુઓ(hard fibres)માં વર્ગીકૃત કરવામાં આવે છે. મૃદુ અને કઠિન રેસાઓને ઘણી વાર દીર્ઘ રેસાઓ પણ કહે છે.
પૃષ્ઠીય તંતુઓમાં કપાસનો સમાવેશ થાય છે. મૃદુ તંતુઓ અન્નવાહિની તંતુઓ છે, જેમાં મુખ્યત્વે દ્વિદળીઓના પ્રકાંડના પરિચક્ર (pericyle) કે દ્વિતીય અન્નવાહકમાંથી પ્રાપ્ત થાય છે. તેમનો સારી ગુણવત્તાવાળાં વસ્ત્ર અને દોરડાં બનાવવામાં ઉપયોગ થાય છે. જેમાં અળસી (flax), ભાંગ (hemp), શણ (jute) અને રેમી(ramie)નો સમાવેશ થાય છે. કઠિન તંતુઓ કેટલીક ઉષ્ણકટિબંધીય એકદળી વનસ્પતિઓનાં પર્ણોમાં જોવા મળે છે. જોકે તેઓ પ્રકાંડ અને ફળોમાં પણ હોય છે. તેઓ બરછટ વસ્ત્રનીપજો (textile products) બનાવવામાં ઉપયોગી છે. સિસલ, મેક્સિકન સિસલ, મનિલા હેમ્પ, રામબાણ, નાળિયેરી અને અનનાસ કઠિન તંતુઓ ઉત્પન્ન કરે છે.
કપાસ : માલ્વેસી કુળમાં આવેલી Gossypium પ્રજાતિની કેટલીક જાતિઓમાંથી કપાસ મેળવવામાં આવે છે. બીજની સપાટી ઉપર થતા તંતુમય રોમ કાપડઉદ્યોગ માટે કાચો માલ બનાવે છે. આ રોમ ચપટા, અમળાયેલા અને નલિકાકાર હોય છે અને સુંવાળા રેસાઓ કે તંતુઓ (staples) બનાવે છે. કપાસનો પ્રત્યેક તંતુ બીજાવરણના અધિસ્તરમાં આવેલો એક લાંબો કોષ છે. કપાસ બહુવર્ષાયુ ક્ષુપ કે નાનું વૃક્ષસ્વરૂપ ધરાવે છે. પરંતુ સંવર્ધિત (cultivated) કપાસ એકવર્ષાયુ તરીકે જીવે છે. તેની ઊંચાઈ લગભગ 1.2 મી.થી 2.4 મી. જેટલી હોય છે. તેને ભેજવાળા સપાટ પ્રદેશોમાં આવેલી રેતાળ મૃદા (soil) સૌથી વિશેષ અનુકૂળ છે. દક્ષિણ અમેરિકા, ભારત અને ઇજિપ્તની નદીની ખીણોમાં આ પ્રકારનું પર્યાવરણ જોવા મળે છે. હિમથી તેને નુકસાન થતું હોવાથી વર્ષે 180થી 200 હિમમુક્ત દિવસો અને ચારથી પાંચ માસ સારા તાપમાન અને તડકાવાળા ચોખ્ખા દિવસો કપાસના પાક માટે જરૂરી છે. વાનસ્પતિક વૃદ્ધિ સમયે મધ્યમ વરસાદ અને ફળાઉ વૃદ્ધિ સમયે શુષ્ક આબોહવા તેને માફક આવે છે. તે અમુક પ્રમાણમાં વધારે વરસાદ પણ ખમી શકે છે. નહિવત્ વરસાદવાળા પ્રદેશોમાં પણ તે સારી રીતે પાકે છે.
જાત, જમીન કે સિંચિત કે બિનસિંચિતને અનુલક્ષીને જુદા જુદા પ્રમાણમાં ખાતરોની જરૂર પડે છે. બિનસિંચિતમાં ઓછું ઉત્પાદન આપતી જાતોમાં નાઇટ્રોજન, ફૉસ્ફરસ અને પોટૅશિયમ હેક્ટરે 40 : 20 : 20ના પ્રમાણમાં અને વધુ ઉત્પાદન આપતી જાતોમાં 240 : 120 : 120 કે તેથી પણ વધુ ખાતરોનો વપરાશ લાભદાયી જણાય છે. કપાસ પાંચથી છ માસમાં પરિપક્વ થઈ ચૂંટવા યોગ્ય બને છે.
વન્ય પૂર્વજોમાંથી કે લાંબા સમયગાળા દરમિયાન થતા પ્રજનન દ્વારા કપાસની સેંકડો જાતો ઉત્પન્ન કરવામાં આવી છે. આ જાતો રેસાઓ અને અન્ય બાહ્યાકારકીય લક્ષણો તેમજ વાવેતરની પદ્ધતિઓમાં જુદી પડે છે. તેની મુખ્ય 4 જાતિઓ જોવા મળે છે :
Gossypium barbadense અને G. hirsutum નવી દુનિયાની જાતિઓ છે, જ્યારે G. arboreum અને G. herbaceum જૂની દુનિયાની જાતિઓ છે.
1. G. barbadense ઉષ્ણકટિબંધીય દક્ષિણ અમેરિકાની મૂલનિવાસી જાતિ છે. તેનાં પુષ્પો જાંબલી ટપકાંવાળાં ચકચકિત પીળા રંગનાં હોય છે. ફળ (કાલુ) ત્રણ કપાટો ધરાવે છે અને બીજ માત્ર છેડેથી રૂવાંવાળું (fuzzy) હોય છે. આ કપાસના બે પ્રકારો છે : (1) સી-આઇલૅંડ કૉટન અને (2) ઇજિપ્શિયન કૉટન.
(1) સી-આઇલૅંડ કૉટન : તે વન્ય જાતિ તરીકે જોવા મળતી નથી – કેમ કે, કોલંબસના સમયથી તે ઉગાડવામાં આવે છે. તેના સૂક્ષ્મ, મજબૂત અને આછા પીળા રંગના રેસાઓ સંખ્યામાં વધારે નિયમિત અને એકસરખા વળવાળા હોય છે અને અન્ય કપાસ કરતાં વધારે સુંવાળા હોય છે. આ લાક્ષણિકતાઓને કારણે સી-આઇલૅંડ કૉટનની પહેલાં તેના સૂક્ષ્મ વસ્ત્રતંતુઓ, દોરી, રીલની દોરી (spool cotton) અને મર્સરીકરણ (mercerizing) માટે પુષ્કળ માગ રહેતી હતી. 1785માં આ કપાસને વેસ્ટ ઇંડિઝમાંથી અમેરિકામાં લાવવામાં આવ્યો. દક્ષિણ કૅરોલિનાના સમુદ્રકિનારે આવેલા ટાપુઓ અને તેના નજીકના પ્રદેશોમાં તેના સારા પ્રકારો વિકસાવવામાં આવ્યા. તેના રેસાની લંબાઈ 5.00 સેમી. કે તેથી વધારે હતી અને તેની મજબૂતાઈ અને દૃઢતા (firmness) બધાં કરતાં વધારે હતી. જ્યૉર્જિયા અને ફ્લૉરિડાના સમુદ્રકિનારે, વેસ્ટ ઇંડિઝ અને દક્ષિણ અમેરિકામાં તેની જાતના રેસાઓની લંબાઈ 3.75 સેમી.થી 4.4 સેમી. જેટલી હોય છે. આ કપાસનું મહત્તમ ઉત્પાદન 1,10,000 ગાંસડી (bales) હોય છે. કાલાનાં ધનેડાં(boll weevil)નાં આક્રમણોને લઈને આ જાતનું વાવેતર કેટલાંક વર્ષો માટે સંપૂર્ણ બંધ થઈ ગયું હતું.
(2) ઇજિપ્શિયન કૉટન : આ જાત મુખ્યત્વે ઇજિપ્તમાં નાઈલના તટપ્રદેશમાં વાવવામાં આવે છે. તેને મધ્ય અમેરિકામાંથી લાવવામાં આવી હતી. તે દેખાવે સી-આઇલૅંડ કૉટન જેવી જ હોય છે અને તેનો સંકુરણથી ઉદભવ થયો હોવાની શક્યતા છે. તેના રેસા બદામી રંગના, ટૂંકા અને 3.4 સેમી.થી 4.4 સેમી. લાંબા હોય છે. તેની લંબાઈ, મજબૂતાઈ અને દૃઢતાને કારણે તેનો દોરી, બંડી, જાંઘિયાં, ટાયર ફૅબ્રિક્સ (tire fabrics) અને સારાં કપડાંનો માલ બનાવવામાં ઉપયોગ થાય છે. 1902માં તેને પ્રાયોગિક પાક તરીકે અમેરિકા લઈ જવામાં આવ્યો હતો. આજે કૅલિફૉર્નિયા, ન્યૂ મેક્સિકો અને ઍરિઝોનામાં તેનું વાવેતર થાય છે. પુનરાવર્તિત પસંદગી અને સંવર્ધનને પરિણામે તેની નવી વધારે સારી જાતો વિકસાવવામાં આવી છે. જેમાં ‘પીમા’ સર્વશ્રેષ્ઠ ગણાય છે.
2. G. hirsutumને ‘અપલૅંડ કૉટન’, ‘કૉટન બેલ્ટ’ કે ‘વેસ્ટ ઇંડિયન કૉટન’ કહે છે. તે સૌથી સસ્તી અને વાવવામાં સરળ જાતિ છે અને દુનિયામાં સૌથી વધારે પ્રમાણમાં ઉગાડવામાં આવે છે. તેનાં પુષ્પો સફેદ કે આછા પીળા રંગનાં અને ટપકાં વિનાનાં હોય છે. કાલુ ચાર કે પાંચ કપાટોવાળું અને બીજ બધેથી રૂંવાંવાળું હોય છે. તે જુદી જુદી પરિસ્થિતિમાં થઈ શકે છે. છતાં પુષ્કળ ભેજવાળી રેતાળ મૃદા વાવેતર અને ફળનિર્માણ દરમિયાન વધારે અનુકૂળ આવે છે, જ્યારે કાલાં ખૂલવાના અને લણણી-સમયે સૂકું વાતાવરણ 15.5° સે.થી 31.0° સે. તાપમાનનો ગાળો તેને માફક આવે છે. તેનું વાવેતર 37° ઉત્તર અક્ષાંશ સુધી થાય છે. દક્ષિણ અમેરિકાના ‘ધ ગ્રેટ કૉટન બેલ્ટ’ વિસ્તારમાં તેનું વાવેતર થાય છે. તેના રેસા સફેદ રંગના અને 1.5 સેમી.થી 3.5 સેમી. લાંબા હોય છે. તેની 1,200થી વધારે જાતો સંવર્ધન-પ્રયોગો દ્વારા પ્રાપ્ત કરવામાં આવી છે. ભારતમાં આ જાતિ કપાસના કુલ ખેતીલાયક વિસ્તારના લગભગ 50 % જેટલા ભાગમાં ઉગાડવામાં આવે છે.
3. G. arboreum ભારત, અરબસ્તાન અને આફ્રિકાની બહુવર્ષાયુ વૃક્ષ-જાતિ છે. ભારતમાં કપાસના કુલ ખેતીલાયક વિસ્તારના 29 % જેટલા વિસ્તારમાં તે ઉગાડવામાં આવે છે. તેનો રેસો જાડો અને ઘણો ટૂંકો, 1.0 સેમી.થી 1.9 સેમી. લાંબો છતાં મજબૂત હોય છે.
4. G. herbaceum એશિયાનો મુખ્ય કપાસ છે. તે અમેરિકામાં થતો નથી. ભારત ઉપરાંત ઈરાન, ચીન, જાપાન વગેરેમાં વાવવામાં આવે છે. ભારતમાં કપાસના કુલ ખેતીલાયક વિસ્તાર પૈકી લગભગ 21 % વિસ્તારમાં તે ઉગાડાય છે. તેનો હલકી કક્ષાનાં વસ્ત્ર, શેતરંજીઓ અને ધાબળા બનાવવામાં ઉપયોગ થાય છે. તેને ઊન સાથે મિશ્ર કરવામાં આવે છે.
આ ખેતીલાયક જાતિઓ ઉપરાંત, ઉષ્ણ અને ઉપોષ્ણકટિબંધમાં કેટલીક વન્ય જાતિઓ પણ થાય છે.
ખેતરમાંથી આવતા કપાસમાંથી વસ્ત્રઉદ્યોગમાં ઉપયોગમાં લેવાતો કાચો રેસો તૈયાર કરવાની પ્રક્રિયાઓ આ પ્રમાણે છે : વાંકા દાંતાવાળી કરવત (sawtooth) કે રોલર જિન દ્વારા લોઢણ (ginning), ગાંસડીઓ બનાવવી (baling), મિલ સુધી પરિવહન (transport), ચયન (picking – જેમાં યંત્ર દ્વારા બહારનાં દ્રવ્યો દૂર કરી કપાસનું એકસરખું પડ બનાવાય છે.), લેહન (lapping; – જેમાં ત્રણ પડોને એક પડમાં સંયોજિત કરવામાં આવે છે.), પીંજણ (carding) અને અનિચ્છનીય પદાર્થો દૂર કરી, કર્ષણ (drawing) કરવામાં આવે છે. જેમાં ટૂંકા રેસાઓને જુદા તારવી લઈ બાકીનાને સીધા બનાવી એકસરખા ગોઠવવામાં આવે છે અને તેમને આમળો ચઢાવી દોરી બનાવવામાં આવે છે.
બધા જ પ્રકારના વસ્ત્ર-ઉત્પાદનમાં કાં તો એકલો કે અન્ય રેસાઓ સાથે સંયોજિત સ્વરૂપમાં કપાસના રેસાઓનો મુખ્ય ઉપયોગ કરવામાં આવે છે. રબરના ટાયરનો તે એક મહત્વનો ઘટક છે અને ભરણ(stuffing)ના હેતુ માટે વણકાંતેલા રૂનો પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ થાય છે. કપાસના રેસાઓનું કૉસ્ટિક સોડાની ચિકિત્સા આપી મર્સરીકૃત (mercerized) રૂ બનાવવામાં આવે છે, જેથી રેસાઓ ચળકતા અને રેશમી બને છે. અવશોષક (absorbent) રૂ સંપૂર્ણપણે સ્વચ્છ રેસાઓ ધરાવે છે અને તેમાંથી તૈલી આવરણ દૂર કરવામાં આવ્યું હોય છે. તે લગભગ શુદ્ધ સેલ્યુલોઝ ધરાવે છે. તેનો વિવિધ સેલ્યુલોઝ-ઉદ્યોગોમાં કાચા દ્રવ્ય તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તેના પર્ણદંડોમાં રહેલા રેસાનો કાગળઉદ્યોગમાં કે બળતણ તરીકે ઉપયોગ થઈ શકે છે. તેનાં મૂળ ઔષધયુક્ત હોય છે. તેનાં બીજ ઘણાં ઉપયોગી હોય છે અને તેના દરેક ભાગનો ઉપયોગ કરવામાં આવે છે. બીજ ઉપર રહેલ ટૂંકાં રૂંવાંવાળા રોમ કે રેસાઓ (linters) દ્વારા ડાટા બનાવવામાં આવે છે. ગાદી અને ઓશીકાંના ભરણમાં, શોષક રૂ તરીકે અને હલકી કક્ષાનાં દોરડાં અને શેતરંજીઓ અને સેલ્યુલોઝના ઉત્પાદનમાં તેઓ ઉપયોગી છે. કપાસિયાનાં ફોતરાં ઢોરોના ખાણમાં, ખાતર તરીકે, તેલના કૂવાઓમાં અસ્તર (lining) માટે, ઝાયલોઝ(એક પ્રકારની શર્કરા જેમાંથી આલ્કોહૉલ કે વિવિધ સ્ફોટકો અને ઔદ્યોગિક દ્રાવકો વગેરે બનાવી શકાય છે.)ના સ્રોત તરીકે અને અન્ય ઘણા હેતુઓ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તેનાં મીંજ(kernels)માંથી કપાસિયાનું તેલ મળે છે. તેમના ખોળ(oil-cake)નો ઢોરોના ખાણ માટે, ખાતર તરીકે, લોટ અને રંગદ્રવ્ય (dyestuff) તરીકે ઉપયોગ થાય છે.
મૃદુ કે અન્નવાહિની રેસાઓ : અળસી : પુરાતત્વીય ખોદકામ દ્વારા પ્રાપ્ત થયેલા પુરાવાઓ મુજબ, અળસીના રેસાઓનો ઉપયોગ 10,000 વર્ષ પૂર્વે સ્વિસ સરોવર તટે વસતી માનવપ્રજા (યુરોપની સૌથી આદ્ય પ્રજા, જેમની સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે.) કરતી હતી. બાઇબલમાં પણ તેનો ઘણી જગાએ ઉલ્લેખ છે. ઇજિપ્તની પ્રજા આશરે 5,000 વર્ષ પૂર્વે અળસીના રેસાનું કાપડ પહેરતી હતી અને તેમાંથી મૃતદેહોનાં કપડાં બનાવાતાં હતાં. તેમના મકબરા ઉપર અળસીના છોડનું ચિત્ર કોતરવામાં આવતું હતું. ઈસુ ખ્રિસ્તના જન્મ પૂર્વે, ઘણાં વર્ષોથી ગ્રીક પ્રજા અળસીના રેસાની નિકાસ કરતી હતી.
તેનું વૈજ્ઞાનિક નામ Linum usitatissimum છે અને લાઇનેસી કુળની વનસ્પતિ છે. તે વ્યાપારિક રેસાનો સ્રોત છે. તે વાદળી કે સફેદ પુષ્પો અને નાનાં પર્ણો ધરાવતી, 30 સેમી.થી 120 સેમી. ઊંચી એકવર્ષાયુ શાકીય વનસ્પતિ છે. તેના રેસાઓ પરિચક્રમાં ઉત્પન્ન થાય છે અને 30 સેમી.થી 90 સેમી. લાંબા અને અત્યંત સખત સૂત્રકો (strands) ધરાવે છે. તેઓ ઘણા લાંબા, અણીદાર અને સેલ્યુલોઝની બનેલી ખૂબ જાડી દીવાલવાળા કોષોના સમૂહો છે.
તે કાર્બનિક દ્રવ્ય ધરાવતી ભેજવાળી મૃદામાં સારી રીતે થાય છે અને પ્રાથમિકપણે સમશીતોષ્ણ પ્રદેશનો પાક છે, છતાં દુનિયાના કેટલાક ભાગોમાં તેનું વાવેતર થાય છે. કપાસ કરતાં અળસીના રેસાઓ પ્રાપ્ત કરવાની વિધિ ઘણી મહેનતવાળી અને ખર્ચાળ છે. લણણી પછી તેના પ્રકાંડોને લહેરાવીને ભાંગી નાખવામાં આવે છે. પ્રકાંડોને પાણીમાં ડુબાડી અથવા ઝાકળવાળા વાતાવરણમાં રાખી કોહવાટ લગાડવામાં આવે છે. આ પ્રક્રિયાને અપગલન (retting) કહે છે. તે દરમિયાન કોષોને પરસ્પર જોડી રાખતા કૅલ્શિયમ પૅકટેટના બનેલા મધ્યપટલ(middle lamella)ને ઉત્સેચક ઓગાળે છે, જેથી રેસાઓ છૂટા પડે છે. ત્યારપછી પરાળ(straw)ને સૂકવી, સાફ કરી પરાળમાંથી રેસાઓને ઝૂડીને અન્ય પેશીઓથી અલગ કરવામાં આવે છે. અંતમાં શિરોગુચ્છ (tow) બનાવતા ટૂંકા રેસાઓને લાંબા રેસાઓથી જુદા પાડવામાં આવે છે. માત્ર લાંબા રેસાઓનો જ કાંતણ(spinning)માં ઉપયોગ કરવામાં આવે છે. એ કાંતણ હાથથી કે દાંતાવાળા યંત્ર (hacking machine) દ્વારા થાય છે.
અળસીના તંતુઓ તેમનાં તનન-સામર્થ્ય, રેસાની લંબાઈ, ટકાઉપણું અને સૂક્ષ્મતા માટે જાણીતા છે. તેમનો ઉપયોગ લિનિનનું કાપડ અને દોરી, કૅન્વાસ, નાવિકનાં વસ્ત્રોનું કાપડ, શેતરંજીઓ, પારસલ કે પડીકાંને લપેટવાની મજબૂત પાતળી દોરી, સિગરેટના અને લખવા માટેના સારા કાગળો, વીજરોધક દ્રવ્ય (insulating materials) અને માછલી પકડવાની સૌથી સારી જાળ બનાવવામાં ઉપયોગી છે. બીજ માટે ઉગાડેલા છોડના પર્ણદંડોના રેસાઓ ખૂબ રુક્ષ (harsh) અને બરડ (brittle) હોવાથી કાંતી શકાતા નથી. તેથી તેમનો ઉપયોગ સિગારેટના કાગળો બનાવવામાં થાય છે. 1991ની FAO(Food and Agricultural Organization)ની માહિતી મુજબ, અળસીનું સૌથી વધારે ઉત્પાદન ચીને 2,42,000 ટન અને પૂર્વ રશિયાએ 2,70,000 ટન કર્યું હતું. ભારતમાં તેનું વાવેતર મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર અને રાજસ્થાનમાં મુખ્યત્વે તેલીબિયાંના પાક તરીકે થાય છે.
ભાંગ : ભાંગને વાસ્તવિક ‘હેમ્પ’ (hemp) ગણવામાં આવે છે. તેનું વૈજ્ઞાનિક નામ Cannabis sativa છે અને તે કેનાબિનેસી કુળની વનસ્પતિ છે. મધ્ય અને પશ્ચિમ એશિયાની મૂલનિવાસી છે, છતાં સમશીતોષ્ણ અને ઉષ્ણબંધીય પ્રદેશોમાં પણ પુષ્કળ પ્રમાણમાં વાવવામાં આવે છે. તે ઘણી વાર અપતૃણ તરીકે પણ ઊગે છે.
તે 1.5 મી.થી 4.5 મી. ઊંચો, શાખિત, મજબૂત અને ઝાડવા જેવો એકવર્ષાયુ છોડ છે. તે દ્વિગૃહી (dioecious) જાતિ છે અને પોલાં પ્રકાંડો અને પંજાકાર પર્ણો ધરાવે છે. નર છોડમાંથી સારી ગુણવત્તાવાળો રેસો હોય છે. ઓછા ભેજવાળી આબોહવા અને પુષ્કળ પાંસુક (humus) ધરાવતી મૃદા તેના સારા વિકાસ માટે જરૂરી છે. તે કૅલ્શિયમવાળી મૃદામાં પણ અનુકૂલન સાધી શકે છે.
ભાંગનો રેસો પરિચક્રમાં ઉત્પન્ન થતો અન્નવાહિની તંતુ છે. તે સફેદ હોય છે અને 90 સેમી.થી 450 સેમી. લાંબો, મજબૂત અને ખૂબ ટકાઉ હોય છે. જોકે તેમાં લિગ્નીભવન (lignification) થયું હોવાથી અળસીના રેસાની જેમ તેનામાં નમ્યતા (flexibility) અને સ્થિતિસ્થાપકતા (elasticity) હોતી નથી. ભાંગના પ્રકાંડનું પ્રતિએકરે 2 થી 3 ટન ઉત્પાદન થાય છે. તેના 25 %થી 30 % રેસાવાળું દ્રવ્ય હોય છે. છોડોની લણણી હાથ કે યંત્ર દ્વારા થાય છે અને તેમના ઓઘા બનાવી (shocking) સૂકવવામાં આવે છે. પાણી કે ઝાકળમાં અપગલન કરાવી બાકીની છાલથી રેસાઓ અલગ કરાય છે. ત્યારપછી તેમને ભાંગીને ઝૂડવામાં આવે છે અને હાથથી ચીરવામાં આવે છે. નર પુષ્પો છોડ ઉપર પૂરાં ખીલે તે સમયે લણણી કરવી હિતાવહ છે. તે પહેલાં મેળવેલા રેસાઓ કાં તો ઘણા નબળા કે ખૂબ બરડ હોય છે.
ભાંગ ઘણો જૂનો પાક છે અને ચીનમાં સદીઓથી વવાય છે. યુરોપમાં તેનો પ્રવેશ ઈ. પૂ. 1500 વર્ષની આસપાસ થયો હોવાનું મનાય છે. હાલ ભાંગ મુખ્યત્વે એશિયાનો પાક છે. 1991માં તેનું કુલ ઉત્પાદન 2,05,000 ટન હતું. તે પૈકી 60 %થી વધારે ઉત્પાદન (1,27,000 ટન) એશિયામાં થયું હતું. તે વર્ષે તેનું ઉત્પાદન ચીનમાં 68,000 ટન અને ભારતમાં 40,000 ટન હતું. યુરોપમાં રોમાનિયામાં સૌથી વધારે ઉત્પાદન (40,000 ટન) થાય છે. ભારતમાં ભાંગનું વાવેતર 77,000 હેક્ટરથી વધારે વિસ્તારમાં થાય છે અને તેનું ઉત્પાદન લગભગ 519 કિગ્રા./હેક્ટર જેટલું થાય છે. ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, તામિલનાડુ ભાંગ વાવતાં મુખ્ય રાજ્યો છે.
ભાંગનો રેસો દોરડાં, લપેટવાની દોરીઓ, શેતરંજી, સઢનું કાપડ, ક્રીડા-નૌકા(yacht)નાં દોરડાં, કોથળીઓ, થેલાઓ અને જાળ બનાવવામાં વપરાય છે. પ્રકાંડના કાષ્ઠતંતુઓ અને નકામા ભાગોમાંથી કેટલીક વાર કાગળ બનાવાય છે. ભાંગની ઊંચી ગુણવત્તાવાળા રેસાઓને વણીને કાપડ તૈયાર કરાય છે, જે જાડા લિનન જેવું હોય છે. વહાણ-બાંધકામમાં જાડા તખ્તાઓની વચ્ચે તરડ સાંધવામાં તેનો ઉપયોગ થાય છે. તે પીપ બનાવવામાં, પંપ અને એન્જિનમાં સંવેષ્ટન (packing) માટે અને જીન્સ બનાવવામાં ઉપયોગી છે. અમેરિકામાં પ્રખ્યાત ‘ડેનિમ જીન્સ’ આ રેસાના કાપડમાંથી બનાવવામાં આવ્યું છે.
ઉષ્ણકટિબંધીય દેશોમાં તેનું વાવેતર બીજ માટે અને માદક દ્રવ્યો (ભાંગ, ગાંજો અને ચરસ) બનાવવા માટે થાય છે. આ માદક દ્રવ્યો પુષ્પીય શાખાઓની ટોચો અને પર્ણોમાંથી મેળવવામાં આવે છે. બીજમાંથી પ્રાપ્ત થતા તેલનો સાબુ બનાવવામાં, ચિત્રકામ અને વાર્નિશમાં અળસીના તેલની અવેજીમાં ઉપયોગ થાય છે. ‘હશીશ’ તરીકે ઓળખાવાતા ઔષધમાં કેટલાંક મહત્વનાં ઍલ્કેલૉઇડો હોય છે. તેનો ઉપયોગ ઘણા દેશોમાં આર્થિક અને સામાજિક જીવનમાં મહત્વનો ભાગ ભજવે છે.
શણ (jute) : કપાસના રેસાઓ પછી શણના રેસાઓ વધારે પ્રમાણમાં ઉપયોગમાં લેવાય છે. જોકે શણના રેસાઓ કપાસ કે અળસીના રેસાઓ કરતાં ઘણા ઓછા કીમતી છે. આ રેસાઓ મોટી છૂંછ (Corchorus capsularis) અને બોરછૂંછ(C. olitorius)ની દ્વિતીય અન્નવાહક પેશીમાંથી પ્રાપ્ત થાય છે. તેઓ ટીલિયેસી કુળની વનસ્પતિ છે. C. capsularis જલસભર નિમ્નભૂમિ(lowland)માં ઉગાડવામાં આવે છે. તે 2.4 મી.થી 3 મી. ઊંચી, પાતળી, શાકીય કે અર્ધક્ષુપ એકવર્ષાયુ વનસ્પતિ છે અને પીળાં પુષ્પો અને ગોળ શિંગો ધરાવે છે. તે હૂંફાળી આબોહવા અને જલૌઢ (alluvial), ગોરાડુ અને ફળદ્રૂપ મૃદામાં સારી રીતે થાય છે. C. olitorius ઉચ્ચભૂમિની જાતિ છે. તેની સિંગો લાંબી હોય છે અને રેસો થોડીક નીચી ગુણવત્તાવાળો હોય છે, છતાં વ્યાપારિક હેતુઓ માટે બંનેને જુદાં પાડી શકાતાં નથી.
વાવેતર પછી ત્રણથી ચાર માસમાં પુષ્પોનો બેસારો ચાલુ હોય ત્યારે પાકની લણણી લેવામાં આવે છે. પ્રકાંડોનું ખાબોચિયા કે તળાવમાં થોડાક દિવસો માટે અપગલન કરવામાં આવે છે, જેથી મૃદુ અને ચીકણી પેશીઓમાં કોહવાટ થાય છે. ત્યારપછી પાણીની સપાટીએ પ્રકાંડોને ઝૂડવાથી રેસાનાં સૂત્રકો પ્રાપ્ત થાય છે. તેના રેસાઓ 1.8 મી.થી 3.0 મી. લાંબા અને આછા પીળા રંગના અને દુર્નમ્ય (stiff) હોય છે, કારણ કે તેઓમાં પુષ્કળ લિગ્નીભવન થયેલું હોય છે. તેઓ રેશમી તથા ચળકતા અને પુષ્કળ પ્રમાણમાં હોય છે, પરંતુ ઓછા મજબૂત હોય છે અને ભેજવાળી આબોહવામાં ઝડપથી સડો પામે છે. આમ છતાં રેસા સસ્તા અને સરળતાથી કાંતી શકાય તેવા હોય છે. વ્યવહારમાં દરેક વિકસિત દેશ શણની કોઈ ને કોઈ નીપજ કે શણની આયાત કરે છે.
જોકે તે મલેશિયા કે શ્રીલંકાની મૂલનિવાસી હોવા છતાં, તે ભારતીય પાક છે. 1991માં ગંગા અને બ્રહ્મપુત્રાના ખીણ-પ્રદેશોના 10,35,000 હેક્ટર વિસ્તારમાં તેનું વાવેતર કરવામાં આવ્યું હતું. દુનિયામાં તેના રેસાઓનું કુલ ઉત્પાદન 36,82,000 ટન થયું હતું; તે પૈકી ભારતનું 16,20,000 ટન, બાંગ્લાદેશનું 9,77,000 ટન; ચીનનું 6,80,000 ટન; થાઇલૅંડનું 1,89,000; વિયેટનામનું 32,000 ટન અને મ્યાનમારનું 29,000 ટન ઉત્પાદન થયું હતું. શણ ઉત્પન્ન કરતાં ભારતનાં મુખ્ય રાજ્યોમાં પશ્ચિમ બંગાળ, બિહાર, આસામ અને ઓરિસાનો સમાવેશ થાય છે.
શણનો મુખ્ય ઉપયોગ બરછટ વણાટમાં થાય છે. કોથળીઓ, ગુણીઓ, ઊન, બટાટાના થેલાઓ અને રૂની ગાંસડીઓ માટેનાં કંતાનો બનાવવામાં, લપેટવાની દોરી, શેતરંજીઓ, પડદાઓ અને બરછટ કાપડ બનાવવામાં પણ તેનો ઉપયોગ થાય છે. ચીકાશ-રોધી (grease proof) કાગળ શણના રેસાઓમાંથી બને છે. હાલ તેની મીઠાઈ અને અન્ય ઉદ્યોગોમાં ચીકાશવાળાં દ્રવ્યોને વીંટાળવા માટે ખૂબ માગ છે. ભારતમાં તેના રેસાઓ ઊન સાથે મિશ્ર કરી સસ્તા ધાબળા કે શાલ બનાવવામાં આવે છે. ટૂંકા રેસાઓ અને પર્ણદંડોના નીચલા છેડાના ટુકડાઓમાંથી કાગળ બનાવાય છે. લિનોલિયમ અને ઊનની શેતરંજીઓના તળિયાનો ભાગ બનાવવામાં શણના રેસાઓ ઉપયોગી છે. તેના રેસાઓ છાપરાના નમદાઓ (felts) બનાવવા, ભીંતના લેપન(plastering)માં, પગરખાંનાં અસ્તર તરીકે અને ગાદીનું કાપડ બનાવવામાં ઉપયોગી છે.
રેમી : રેમી કે ચીની તૃણ (china grass) અર્ટિકેસી કુળની વનસ્પતિ છે અને તેનું વૈજ્ઞાનિક નામ Boehmeria nivea છે. તે બહુવર્ષાયુ શાકીય અથવા ક્ષુપ વનસ્પતિ છે. કૃષિ-જાતો શાખાવિહીન હોય છે. તે 90 સેમી.થી 180 સેમી. ઊંચી હોય છે અને હૃદયાકાર પર્ણો ધરાવે છે. પર્ણોની ઉપરની સપાટી લીલી અને નીચેની સપાટી સફેદ હોય છે. રેમી એશિયાની મૂલનિવાસી વનસ્પતિ છે અને ચીની પ્રજા ઘણા જૂના સમયથી તેને જાણતી હતી. હાલમાં ચીન, જાપાન, બ્રાઝિલ, ફિલિપાઇન્સ, તાઇવાન, લાઓસ, વિયેટનામ, ઇંડોનેશિયા અને ભારતમાં સારા નિતારવાળી ફળદ્રૂપ મૃદામાં તે પુષ્કળ પ્રમાણમાં વવાય છે.
ગુજરાતમાં ચરોતરની ફળદ્રૂપ, બારીક, રેતાળ ગોરાડુ અને સારા નિતાર સાથે ભેજ સાચવી રાખતી મૃદા આ પાકને ખૂબ માફક આવે છે. પ્રમાણમાં એકસરખું અનુકૂળ ઊંચું તાપમાન, કંઈક અંશે ભેજવાળી હવા અને આશરે 1,000 મિમી. વરસાદ કે પૂરતું પિયત આ પાક માટે જરૂરી છે. તેને ખાસ રોગ કે જીવાત લાગતી નથી. પરંતુ ખાતરની જરૂરિયાત ઘણી છે. એક અંદાજ પ્રમાણે તે કપાસની તુલનામાં જમીનમાંથી 16ગણાં તત્વો ચૂસી લે છે. તેનું બીજ દ્વારા વાવેતર થઈ શકે છે, છતાં મુખ્યત્વે તે મૂળના કટકાથી વવાય છે.
અન્નવાહક પેશીમાં અત્યંત લાંબા ભાંગના રેસાઓ કરતાં ત્રણગણા મજબૂત અને ટકાઉ સૂક્ષ્મ રેસાઓ મેળવવામાં આવે છે. તેઓ ખૂબ ચમકીલા હોય છે. તેમનું નિષ્કર્ષણ અને સ્વચ્છન (cleaning) ખૂબ ખર્ચાળ હોવાથી તેમનો વસ્ત્ર-તંતુઓ તરીકે ઉપયોગ થઈ શકતો નથી. રેસાઓ પુષ્કળ પ્રમાણમાં ગુંદર અને પેક્ટિન ધરાવતા હોવાથી તેમનો નિકાલ કરવો ખૂબ આવશ્યક છે. સૌપ્રથમ તેના પ્રકાંડને પાણીમાં ડુબાડવામાં આવે છે. ત્યારપછી તેની છાલ ઉતારી લઈ તેના બહારના ભાગો અને લીલી પેશી હાથ વડે ખોતરી કાઢવામાં આવે છે અથવા પાણીમાં ઉકાળીને કે યાંત્રિક પ્રક્રિયા દ્વારા તેમનો નિકાલ કરવામાં આવે છે. બાકી રહેલા રેસાઓ ગુંદર વડે પુષ્કળ પ્રમાણમાં આવરિત હોવાથી તેમના ઉપયોગ પહેલાં અત્યંત પરિશ્રમવાળી માવજત જરૂરી હોય છે. લીલા છોડમાંથી આશરે 2 %થી 4 % અશુદ્ધ અને આશરે 1.0 % જેટલા શુદ્ધ રેસાઓ મળે છે. વર્ષના બધા જ વાઢ મળી હેક્ટરે સારા સંજોગોમાં 2 થી 3 ટન જેટલા શુદ્ધ રેસા ઉત્પન્ન થાય છે. રેમીના રેસાઓ પ્રરોહની અંદરની છાલમાંથી મેળવવામાં આવે છે. તેઓ વનસ્પતિસૃષ્ટિના સૌથી મજબૂત અને રેશમી રેસાઓ છે. તેઓની ચમક રેશમ જેટલી જ હોય છે. તેઓ ‘ચીની તૃણ’ અથવા ‘ફિલાસે’ બનાવે છે અને તેમનો એશિયામાં તૃણ વસ્ત્ર (grass cloth) અને પરિધાનની અન્ય વસ્તુઓ બનાવવામાં થાય છે. યુરોપમાં તેનો ઉપયોગ બંડી અને જાંઘિયા બનાવવામાં, બારણાંના પડદા (portieres), અપહોલ્સ્ટરી, દોરી અને કાગળ બનાવવામાં થાય છે. આ રેસાઓ નમ્ય હોતા નથી અને સારા સાસંજન માટે વધારે પડતા લીસા ગણાય છે. ભારતમાં આસામ અને પશ્ચિમ બંગાળમાં તેનું વાવેતર ઘણા મોટા વિસ્તારોમાં થાય છે અને દોરડાં, જાળ, વસ્ત્ર અને બંધક-દ્રવ્ય (binding material), ચામડાની વસ્તુઓ માટેની દોરીઓ, મોટરનાં ટાયરો માટેના તંતુઓ અને ગૅસની જાળીઓ (gas mantles) બનાવવામાં તેનો ઉપયોગ થાય છે.
Boehmeria nivea var. tenacissma, રેમીની એક જાત છે અને રહીયા (rhea) તરીકે ઓળખાવાય છે. આ જાત મલેશિયાની મૂલનિવાસી છે અને તેનાં પર્ણોની બંને સપાટીઓ લીલી હોય છે. જોકે વ્યાપારિક હેતુઓ માટે રહીયાના રેસાને ‘રેમી’ હેઠળ મૂકવામાં આવેલા છે.
સણુ (sunn hemp) : તે પેપિલિયોનેસી કુળની વનસ્પતિ છે અને તેનું વૈજ્ઞાનિક નામ Crotolaria juncea છે. તે એક અગત્યનો એશિયાઈ રેસો છે. તેનું વાવેતર ઘણી સદીઓથી થતું હોવાથી તે વન્ય સ્થિતિમાં મળી આવતી નથી. ખરેખર તો સંસ્કૃત ગ્રંથોમાં તેનો ઉલ્લેખ બધા રેસાઓમાં સૌપ્રથમ થયેલો છે. તે 1.8 મી.થી 3.6 મી. ઊંચી, ક્ષુપીય, એકવર્ષાયુ શિમ્બી વનસ્પતિ છે અને ચકચકિત પીળાં પુષ્પો ધરાવે છે. ભારતમાં તેનું બહોળા પ્રમાણમાં વાવેતર થાય છે. 1988–89ના અંદાજ પ્રમાણે 81,300 હેક્ટર ભૂમિમાં તેનું વાવેતર કરવામાં આવ્યું હતું અને 45,200 ટન રેસાનું ઉત્પાદન થયું હતું. ભારતમાં તે ઉત્તર પ્રદેશ, ઓરિસા, મધ્યપ્રદેશ, બિહાર અને ગુજરાતમાં ઉગાડવામાં આવે છે. સણુનું વાવેતર શ્રીલંકા અને અન્ય દક્ષિણ એશિયાના દેશોમાં પણ થાય છે.
તે મધ્યમ વરસાદ અને હલકી મૃદામાં સારી રીતે ઊગે છે; અને વરસાદની શરૂઆતમાં વવાય છે. હેક્ટરે 80થી 100 કિગ્રા. બીજ વપરાય છે. ત્રણથી પાંચ માસમાં તે પાકી જાય છે. પાકેલા છોડને જમીન સરખા કાપી 50થી 100 છોડના ભારા બાંધવામાં આવે છે. છોડની પાંદડાં સહિતની ટોચ ઢોરના ખોરાક તરીકે વપરાય છે. સૂકા પ્રકાંડમાંથી આશરે 8.0 % જેટલા રેસા મળે છે. હેક્ટરે 300 કિગ્રા.થી 900 કિગ્રા. જેટલા રેસા મળે છે. રેસા મેળવવા છોડને કાપીને 10થી 15 દિવસ સુધી ઝાકળ રાખ્યા પછી આછા વહેતા પાણીમાં 3થી 15 દિવસ સુધી અપગલન કરવામાં આવે છે. ત્યારબાદ તેને સૂકવીને, કચડીને કે છોડીને રેસા છૂટા પાડવામાં આવે છે.
તેની અન્નવાહક પેશીમાં ઉદભવતો રેસો શણ કરતાં વધારે મજબૂત, રંગમાં ઝાંખો અને ટકાઉ હોય છે. તેનો ઉપયોગ દોરડાં, ઓકમ, કોથળા, કંતાન અને જાળ બનાવવામાં થાય છે. સિગરેટ, ટિસ્યૂ પેપર અને લપેટવાની જાડી દોરીઓ માટે અમેરિકા તેના રેસાઓની આયાત કરે છે. ભારતમાં તેનો ઉપયોગ મુખ્યત્વે દોરડાંઓ અને ખાટલાનું વાણ બનાવવામાં થાય છે. તેમાં સેલ્યુલોઝ પુષ્કળ પ્રમાણમાં અને ભસ્મ (ash) અલ્પ પ્રમાણમાં હોવાથી સિગરેટના કાગળ અને ઊંચી ગુણવત્તાવાળા ટિસ્યૂ પેપર બનાવવા માટે તેનો રેસો ખૂબ અનુકૂળ છે. તેનો લીલા પકવાસ તરીકે પણ ખૂબ ઉપયોગ થાય છે.
અન્ય મૃદુ રેસાઓ : માલ્વેસી કુળની લગભગ બધી જ વનસ્પતિઓ અન્નવાહિની તંતુઓ ધરાવતી હોવાથી તેમનો રેસાઓ તરીકે ઉપયોગ કરી શકાય. તે પૈકી વ્યાપારિક મહત્વ ધરાવતી જાતિઓ આ પ્રમાણે છે :
(1) ચીની શણ કે ઇંડિયન મૅલો (Indian mallous) (Abutilon theophrasti) : તે કાંસકીની એક જાતિ છે. તેનો રેસો મજબૂત, જાડો, ભૂખરો-સફેદ અને ચમકીલો હોય છે અને શણની જેમ ઉપયોગી છે. તેનું ચીનમાં વાવેતર થાય છે અને અમેરિકામાં તેનો પ્રવેશ કરાવવામાં આવ્યો છે. ઘણી જગ્યાએ તે કષ્ટદાયી અપતૃણ તરીકે ઊગી નીકળે છે. ભારતમાં તે ઉત્તર-પશ્ચિમ ભારત અને પશ્ચિમ બંગાળમાં ઉગાડવામાં આવે છે. તેના રેસામાં ઘણું તનન-સામર્થ્ય હોય છે અને રંગ ઝડપથી ગ્રહણ કરે છે. ચીનમાં રગ બનાવવામાં તેનો ઉપયોગ થાય છે. તેના રેસામાંથી કાગળ, લપેટવાની દોરીઓ, દોરડાં અને કોથળા બનાવાય છે.
(2) અંબાડી શણ (Hibiscus cannabinus) : તે ઊંચી શાકીય વનસ્પતિ છે અને તે ‘ગૅમ્બો હેમ્પ’, ‘જાવા જ્યૂટ’, ‘કેનાફ’ અને ‘મેસ્ટા રેસો’ તરીકે ઓળખાવાય છે. જૂની દુનિયાના ઉષ્ણકટિબંધીય દેશોમાં તેનો ભાંગ અને શણની અવેજીમાં ઉપયોગ થાય છે.
સામાન્યત: આ છોડ વિવિધ આબોહવા અને સંજોગોમાં વાવી શકાય છે. સેન્દ્રિય તત્વોથી ભરપૂર, સારી નિતારવાળી મૃદા, 500 મિમી.થી 750 મિમી. વરસાદ અને પ્રકાશમય લાંબા દિવસો તેની ખેતી માટે વધારે અનુકૂળ ગણાય છે. છોડની સૌથી વધારે લંબાઈ, એકસમાન વૃદ્ધિ અને ફૂલના મોડા બેસારાથી વધારે સારા રેસા મળે છે. તે કંતાન, ગૂણીઓ, દોરડાં, સાદડીઓ, માછલીની જાળ, દોરડાં અને કાગળનો માવો બનાવવામાં ઉપયોગી છે. તેનો ઉપયોગ ભારત, ઇંડોનેશિયા, બાંગ્લાદેશ, ચીન, થાઇલૅંડ, ઈરાન, નાઇજીરિયા અને ઇજિપ્તમાં થાય છે. 1988માં તેનું કુલ ઉત્પાદન 3,28,600 ટન થયું હતું; તે પૈકી ભારતમાં 39.7 %, બાંગ્લાદેશમાં 28.3 %, ચીનમાં 17.8 % અને થાઇલૅંડમાં 6 % ઉત્પાદન થયું હતું. અંબાડીનું વાવેતર કરતાં ભારતનાં રાજ્યોમાં પશ્ચિમ બંગાળ, બિહાર, આસામ, આંધ્રપ્રદેશ અને ઓરિસાનો સમાવેશ થાય છે. તે આબોહવા અને મૃદાની વિવિધ પરિસ્થિતિઓમાં અનુકૂળ થઈ શકે છે. પુષ્પનિર્માણ થતાં તેની લણણી કરવામાં આવે છે. તેના રેસા 1.5 મી.થી 3.0 મી. લાંબા હોય છે અને તેનું અપગલન દ્વારા નિષ્કર્ષણ કરવામાં આવે છે. જોકે અપવલ્કન (decorticating) યંત્રોનો પણ ઉપયોગ થઈ શકે છે. તેનાં બીજ 20 % જેટલું તેલ ધરાવે છે અને તેના પરિષ્કરણ (refinement) પછી ખાવામાં ઉપયોગ થાય છે. તેલનો ઉપયોગ સાબુ, લિનોલિયમ અને ચિત્રકામમાં થાય છે.
રેસા તરીકે ઉપયોગી માલ્વેસી કુળની અન્ય વનસ્પતિઓમાં લાલ અંબાડી, રેમા કે રોસલ (Hibiscus sabdariffa), વન-ભેંડી, એરેમિના કે કેડીલ્લો (urena lobata), ભીંડા (Abelmoschus esculentus), યલૉ મૅલો ટ્રી કે માજાગુઆ (Hibiscus tiliaceus) અને બલા(Sida acuta)નો સમાવેશ થાય છે.
કઠિન રેસાઓ : અબૅકા કે મનીલા હેમ્પ : તે દુનિયાનું દોરડાં બનાવવાનું મુખ્ય દ્રવ્ય છે અને કેળાંની કેટલીક વન્ય જાતિઓમાંથી મેળવવામાં આવે છે. તેનું વૈજ્ઞાનિક નામ Musa textilis છે અને તે મ્યુસેસી કુળની વનસ્પતિ છે. તે કેળા સાથે સામ્ય ધરાવતી જાતિ છે, છતાં તેનાં પર્ણો વધારે સાંકડાં અને વધારે ગુચ્છિત (tufted) હોય છે. તેનાં ફળો અખાદ્ય (inedible) હોય છે. તે 12થી 30 આવરક (sheathing) પર્ણતલો અને 3.0 મી.થી 6 મી.ની ઊંચાઈ ધરાવે છે, તેના પર્ણમુકુટમાં આવેલાં પર્ણો 0.9 મી.થી 1.8 મી. લાંબાં હોય છે. પર્ણદંડના બહારના ભાગમાંથી રેસો મેળવવામાં આવે છે. પરિપક્વ પર્ણદંડી તેના તલમાંથી કાપી તેમને ઊભા ચીરવામાં આવે છે. માવો અને રેસાનાં સૂત્રકો છૂટાં પાડી સૂત્રકોને ધોઈને સૂકવવામાં આવે છે. પહેલાં આ સૂત્રકો હાથ વડે કાઢવામાં આવતાં હતાં, પરંતુ હવે, અપશલ્કન-યંત્રનો ઉપયોગ કરવામાં આવે છે.
તેના રેસાઓ 1.8 મી.થી 3.6 મી. લાંબા, ચમકદાર અને સફેદથી માંડી ગેરુ રંગના હોય છે. તેઓ વજનમાં હલકા, દૃઢ, સ્થિતિસ્થાપક, અત્યંત મજબૂત, ટકાઉ અને મીઠા તેમજ ખારા પાણીના રોધક હોય છે. તેથી અબૅકાનો મુખ્ય ઉપયોગ દરિયાઈ દોરડાં જેવાં ઊંચી કક્ષાનાં દોરડાં બનાવવામાં થાય છે. વળી, તેમાંથી લપેટવાની દોરી, કોથળા, કાગળના માવામાંથી રમકડાં જેવી વસ્તુઓ, મજબૂત ટિસ્યૂ પેપર, વીંટાળવાના કાગળ, ચાની થેલીઓ, ફિલ્ટર-અગ્ર (filter-tipped) સિગરેટ અને કોથળીઓ માટે મનીલા-કાગળો બનાવવામાં આવે છે. ઘરમાં ખસેડી શકાય તેવી દીવાલો બનાવવા માટે વપરાતા મજબૂત કાગળોના ઉત્પાદન માટે જાપાન મોટા જથ્થામાં મનીલા હેમ્પની આયાત કરે છે. રેસાઓ કાંતી શકાતા નથી. છતાં ‘સિનામે’ (sinamay) નામથી જાણીતું ચમકીલું કાપડ બનાવવામાં તેમનો ઉપયોગ થાય છે.
અબૅકા ભારતથી માંડી ફિલિપાઇન્સ સુધી થતું હોવા છતાં ફિલિપાઇન્સ અને કેટલેક અંશે ઇંડોનેશિયામાં તે વ્યાપારિક મહત્વ ધરાવે છે. સોળમી સદીના પ્રારંભમાં યુરોપિયન સાહસિકોના આગમન પૂર્વે ઘણી સદીઓથી ત્યાંના વતનીઓ અબૅકાનો ઉપયોગ કરતા હતા. ફિલિપાઇન્સ પ્રતિવર્ષ 13,60,80,000 કિગ્રા. રેસાની નિકાસ કરે છે.
અબૅકાને હૂંફાળી આબોહવા, સારા નિતારવાળી અને અત્યંત ભેજવાળી ફળદ્રૂપ મૃદા, છાયા અને 900 મી.થી ઓછી ઊંચાઈ અનુકૂળ આવે છે. તેનું પ્રસર્જન પ્રકંદ (rootstock) કે અંત:ભૂસ્તારી (sucker) દ્વારા થાય છે. તેનો પાક 18થી 36 માસમાં તૈયાર થઈ જાય છે.
1942માં અબૅકાની ગંભીર અછત વર્તાતાં યુ.એસ.ની સરકારે કેટલાક મધ્ય અમેરિકીય દેશોને તેની રોપણ-પરિયોજના(planting-project)ને આર્થિક સહાય આપી હતી; જેથી કૉસ્ટારિકા અને અન્ય ઉત્તર અમેરિકીય દેશોમાં અબૅકા-ઉદ્યોગની સ્થાપના થઈ શકી હતી.
કેતકી અથવા રામબાણ(Agave)ના રેસાઓ : કેતકી કુળ(ઍગેવેસી)ની લગભગ 300 જેટલી જાતિઓ ઉષ્ણ અને ઉપોષ્ણકટિબંધીય ઉત્તર અને દક્ષિણ અમેરિકાની મૂલનિવાસી છે. તેની જાતિઓ ભૂમિગત ગાંઠામૂળી પ્રકારનું પ્રકાંડ ધરાવે છે, જેના ઉપરથી ગુચ્છિત લાંબાં પર્ણો ઉદભવે છે. તેઓ કેટલીક વાર 2.0 મી. જેટલાં લાંબાં અને 15.0 સેમી. પહોળાં પટ્ટી આકારનાં હોય છે. પર્ણોની ટોચ કંટકીય હોય છે. કેટલીક જાતિઓમાં પર્ણ કિનારી પણ કંટકીય હોય છે.
તેનું પ્રસર્જન પ્રકલિકા (bulbil) દ્વારા થાય છે. છોડ 12થી 18 માસ સુધી નર્સરીમાં ઉછેરી તેની ફેરરોપણી કરવામાં આવે છે. એક હેક્ટરમાં 5,000થી 10,000 છોડ વવાય છે.
હૅન-અ-કીન કે મેક્સિકન સિસલ (Agave foureroydes; કુળ એગેવેસી) : તેનો મધ્ય અને દક્ષિણ મેક્સિકન પ્રજા ઘણા પહેલાંના સમયથી ઉપયોગ કરતી હતી. હાલમાં બ્રાઝિલ, ક્યૂબા અને આફ્રિકામાં મુખ્યત્વે વવાય છે અને તેઓ દુનિયાને રેસાનો મોટાભાગનો પુરવઠો પૂરો પાડે છે. પર્ણો કાંટાળાં હોવાથી તેમની સાથે કામ કરવું મુશ્કેલ પડે છે. પર્ણ-પેશીમાંથી રેસાઓ ખોતરી લેવામાં આવે છે. તેઓ 60 સેમી.થી 150 સેમી. લાંબા આછા પીળા રંગના, સખત, તાર જેવા અને સ્થિતિસ્થાપક હોય છે. મેક્સિકન સિસલનો લપેટવાની દોરી, ઘોડા કે ઢોરોને પકડવા માટે, ફાંસલાવાળાં લાંબાં દોરડાં અને તેના જેવી નીપજો બનાવવામાં ઉપયોગ થાય છે. તે દરિયાઈ કે ઉચ્ચાલન(hoisting)નાં દોરડાં બનાવવા માટે અયોગ્ય છે, કારણ કે તે ખૂબ વજનદાર અને ખૂબ નબળાં હોય છે.
સિસલ : તેનું વૈજ્ઞાનિક નામ Agave sisalana છે. તેનો દેખાવ મેક્સિકન સિસલ જેવો જ હોય છે, પરંતુ પર્ણો ઉપર કાંટા હોતા નથી. તે મેક્સિકો અને મધ્ય અમેરિકાની મૂલનિવાસી છે. તેનું હવાઈ, બ્રાઝિલ, વેસ્ટ ઇંડિઝ અને આફ્રિકાના ઘણા ભાગોમાં વાવેતર થાય છે. બ્રાઝિલ દુનિયામાં સિસલનું સૌથી વધારે ઉત્પાદન (લગભગ 50 % જેટલું) કરતો દેશ છે. 1991 દરમિયાન દુનિયામાં સિસલનું કુલ ઉત્પાદન 3,86,000 ટન થયું હતું; તે પૈકી બ્રાઝિલમાં 1,85,000 ટન; મેક્સિકોમાં 45,000 ટન; તાન્ઝાનિયામાં 40,000 ટન; કેન્યામાં 39,000 ટન; માડાગાસ્કરમાં 21,000 ટન અને ચીનમાં 17,000 ટન ઉત્પાદન થયું હતું. ભારતમાં તેનું વાવેતર આસામ, બિહાર, પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રમાં થાય છે. તે અતિશુષ્કતારોધી છે અને જ્યાં અન્ય બધી જાતિઓ ન થઈ શકે, ત્યાં તે ઊગી શકે છે. તેના માટે વાવેતર કરવું જરૂરી નથી. હાથ કે અપશલ્કન યંત્રો કે ‘રૅસ્પાડોર’ની મદદથી પર્ણોમાંથી જાડા, દૃઢ, આછા પીળાથી માંડી સફેદ રંગના તંતુઓ અલગ પાડવામાં આવે છે. ત્યારપછી તેમને સૂકવીને અનુકૂલિત (conditioned) કરવામાં આવે છે. જે દરમિયાન તેમને ઠંડા કરવામાં આવે છે અને ગાંસડીઓ બાંધ્યા બાદ રાખવાનો હોય તે કરતાં એકાદ ટકો ભેજ ઓછો રાખવામાં આવે છે. હવે સુકાયેલા રેસાનું ‘બ્રશિંગ’ કરવામાં આવે છે. રેસાની લગભગ 250 કિગ્રા.ની ગાંસડી બંધાય છે. પ્રત્યેક ગાંસડીમાં 6થી 7 ઘમી. કદમાં એક ટન રેસા હોય છે. ઉત્તર અમેરિકા સિસલનો લપેટવાની દોરી અને દોરડાં બનાવવામાં ઉપયોગ કરે છે. સિસલના રેસાઓના ઉત્પાદન દરમિયાન ઉદભવતા રદ્દી ભાગમાંથી મીણ બનાવવામાં આવે છે, જેમાંથી કાર્બન-પેપર બનાવાય છે.
મેક્સિકોમાં પ્રાગૈતિહાસિક કાળથી ઇસલ, ઇક્સટલ કે ટૅમ્પિકો રેસા તરીકે કેટલાક રેસાઓ વપરાય છે. તે પૈકી ત્રણ સૌથી મહત્વના અને નિકાસ કરવામાં આવતા રેસાઓ આ પ્રમાણે છે : (1) જોમેવ ઇસલ (Agave funkiana), ટુલા ઇસલ (A. lecheguilla) અને પાલ્મા ઇસલ (Samuela carnerosana અને Yuccaની વિવિધ જાતિઓ). વન્ય છોડનાં અપરિપક્વ પર્ણોમાંથી રેસાઓ મેળવવામાં આવે છે. તેઓ સિસલ કે મેક્સિકન સિસલ કરતાં ટૂંકા હોવા છતાં ઘણા મજબૂત અને ટકાઉ હોય છે. તેમની દૃઢતા અને રુક્ષતાને કારણે પહેલાં તેમનો બ્રશ બનાવવામાં ઉપયોગ થતો હતો, પરંતુ હાલમાં તેઓ સિસલ અને અબૅકાના સસ્તા અવેજ તરીકે ઉપયોગમાં લેવાય છે અને કોથળા લપેટવાની દોરી અને દોરડાં બનાવાય છે. કાચું ખનિજ ભરવાની ઇસલમાંથી બનાવાયેલી કોથળીઓ 60 વર્ષ સુધી ટકે છે.
કૅન્ટાલા, મનિલા મૅગ્વે કે બૉમ્બે ઍલો (Agave cantala) પણ મેક્સિકન જાતિ છે. તેનો ભારત અને દક્ષિણ પૂર્વ એશિયામાં ઘણા સમય પહેલાં પ્રવેશ કરાવાયો હતો અને ફિલિપાઇન્સ, ઇંડોનેશિયા અને અન્ય દેશોમાં સિસલની અવેજીમાં ઉગાડાય છે. ભારતમાં પૂર્વ અને પશ્ચિમ દરિયાકાંઠે અને ઉપરિગંગાનાં મેદાનોમાં તે હવે પ્રાકૃતિક બની છે. રેસાનો દોરડાં અને લપેટવાની દોરી બનાવવામાં ઉપયોગ થાય છે. રેસાઓ જુદા પાડ્યા પછી મળતા માવાનો ઉપયોગ હેકોજેનિનના અલગીકરણમાં થાય છે. આ હેકોજેનિનમાંથી સ્ટિરૉઇડ અંત:સ્રાવોનું ઉત્પાદન થાય છે.
મોરિશિયન હેમ્પ : આ રેસાઓ લીલા કુંવારપાઠા(Furcrea gigantea કુળ – ઍમેરિલિડેસી)માંથી મેળવવામાં આવે છે. તે ઉષ્ણકટિબંધીય અમેરિકાની મૂલનિવાસી હોવા છતાં બંને ગોળાર્ધોના ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં પુષ્કળ પ્રમાણમાં વિતરણ પામેલી છે; જ્યાં તેના રેસા ઘરગથ્થુ હેતુઓ માટે વપરાય છે. તેનું મોરિશિયસ, માડાગાસ્કર, દક્ષિણ આફ્રિકા, ભારત, વેનેઝુએલા અને બ્રાઝિલમાં વ્યાપારિક ધોરણે વાવેતર થાય છે. તે ‘પિટેઇરા’ તરીકે પણ ઓળખાય છે અને ભારતમાં આસામ, પશ્ચિમ બંગાળ અને દક્ષિણ ભારતમાં વવાય છે. સ્વરૂપની દૃષ્ટિએ તે રામબાણ સાથે સામ્ય ધરાવે છે, પરંતુ તેનાં પર્ણો મોટાં અને ઓછાં દૃઢ હોય છે. તેનો પ્રવૃંત (peduncle) કે પુષ્પો ધારણ કરતો દંડ સૌથી મોટો હોય છે અને તેની ઊંચાઈ 6.0 મી.થી 12.0 મી. જેટલી હોય છે. તેના રેસા 1.2 મી.થી 2.1 મી. જેટલા લાંબા, સફેદ, મૃદુ, ઘણા આનમ્ય અને સ્થિતિસ્થાપક અને સિસલ કરતાં નબળાં હોય છે. તેમનો એકલો કે અન્ય રેસાઓ સાથે મિશ્ર કરી ઉપયોગ કરવામાં આવે છે. આ રેસાઓમાંથી લટકતા ઝૂલા, કોથળીઓ, સાદડીઓ, પગરખાંનાં તળિયાં, લપેટવાની જાડી દોરીઓ અને નાનાં દોરડાં બનાવવામાં આવે છે.
Furcreaની અન્ય કેટલીક જાતિઓ પણ સ્થાનિક ઘણું મહત્વ ધરાવે છે, જેમાં કોલંબિયાની ફીક (F. macrophylla); પનામા, ઉત્તર કોલંબિયા અને કૉસ્ટારિકાની કેબુયા (F. cabuya) અને વેસ્ટ ઇંડિઝની પિટ્રે કે ક્યુબન હેમ્પ(F. hexapetala)નો સમાવેશ થાય છે.
ન્યૂઝીલૅંડ હેમ્પ (Phormium tenax; કુળ લિલિયેસી) : તેને ન્યૂઝીલૅંડ ફ્લેક્સ પણ કહે છે. તે ન્યૂઝીલૅંડની કળણ-ભૂમિ(Swamp-land)ની મૂલનિવાસી છે, છતાં ઉષ્ણકટિબંધ અને સમશીતોષ્ણ પ્રદેશોમાં બધે જ થાય છે. તેના રેસા 0.9 મી.થી 2.1 મી. લાંબા હોય છે અને ઘણો ચળકાટ ધરાવે છે. વળી તે અબૅકા કરતાં વધારે આનમ્ય અને મૃદુ હોય છે. તેનો ઉપયોગ દોરડાં, લપેટવાની દોરીઓ, સાદડીઓ અને કેટલાક પ્રમાણમાં કાપડ બનાવવામાં થાય છે. તેને કૅલિફૉર્નિયામાં રેસાઓ માટે અને શોભન-વનસ્પતિ તરીકે ઉગાડવામાં આવે છે.
નાગફેણના રેસા (bowstring hemp) : ઍગેવેસી કુળમાં આવેલી Senseviera પ્રજાતિની ઘણી જાતિઓ ઉષ્ણકટિબંધીય આફ્રિકા અને એશિયાના વિવિધ ભાગોમાં થાય છે. આ નાગફેણની જાતિઓ બહુવર્ષાયુ શાકીય વનસ્પતિઓ છે અને ભૂપ્રસારી પ્રકંદમાંથી ઉત્પન્ન થતાં તલવાર જેવા આકારનાં પર્ણો નીચેના ભાગમાં ગુચ્છ બનાવે છે. પર્ણો દ્વારા મજબૂત, સફેદ સ્થિતિસ્થાપક રેસાઓ ઉત્પન્ન થાય છે અને સ્થાનિક લોકો સાદડીઓ, લટકતા ઝૂલા, પણછ (bow string) અને જાડાં દોરડાં બનાવવામાં તેનો ઉપયોગ કરે છે. સામાન્ય રીતે વન્ય વનસ્પતિઓનો ઉપયોગ કરવામાં આવે છે, છતાં કેટલીક જાતિઓનું વાવેતર પણ થાય છે.
હિંદુઓ તેને ઘણા સમય પહેલાંથી ઉગાડતા હતા. રેસાઓ હાથ કે યાંત્રિક સાધન દ્વારા કાઢવામાં આવે છે. તેની અગત્યની જાતિઓમાં ઉષ્ણકટિબંધીય આફ્રિકા, જમૈકા અને મધ્ય અમેરિકાની S. thyrsiflora; ભારતની S. roxburghiana અને S. hyacinthoides અને શ્રીલંકા અને અન્ય દેશોમાં વવાતી S. zeylanicaનો સમાવેશ થાય છે. ફ્લૉરિડા બોસ્ટ્રીન્જ હેમ્પ (S. longiflora) જેવી કેટલીક જાતિઓનો ઉત્તર અમેરિકામાં પ્રવેશ કરાવવામાં આવ્યો છે.
કાથી (coir) : તે નાળિયેર(Cocos nucifera; કુળ – એરિકેસી)ના ફળના મધ્ય ફ્લાવરણના રેસામાંથી બને છે. આ રેસા ટૂંકા, જાડા અને બરછટ હોય છે. કાચા નાળિયેરમાંથી મળતા રેસાઓ વધારે સારા હોય છે. તેને માટે ફળોને થોડાક મહિનાઓ માટે મીઠાનાં પાણીમાં ડુબાડી રાખવામાં આવે છે અને રેસાઓ છૂટા પાડવા તેમને ઝાપટવામાં આવે છે. ઉષ્ણકટિબંધીય એશિયા અને દક્ષિણના સમુદ્રોના ટાપુઓમાં કાથી ચપટાં ગૂંથાયેલાં દોરડાંનો સ્રોત છે, જેનો ઉપયોગ જાડા રસ્સાઓ અને દોરડાં બનાવવામાં થાય છે. અન્ય રેસાઓ કરતાં નાળિયેરના રેસાઓ આ હેતુઓ માટે ઊંચી ગુણવત્તા ધરાવે છે, કારણ કે તેઓ વજનમાં હલકા અને સ્થિતિસ્થાપક હોય છે અને પુષ્કળ પ્રમાણમાં જલરોધી (water-resistant) હોય છે. કાથીનો બ્રશ, પગલૂછણિયાં, ગૂણ, જાડું કાપડ અને અપહોલ્સ્ટ રીમા, રેલરોડ-કારના બેરિંગોના ભરણમાં, ઉષ્મારોધી બૉર્ડ બનાવવા માટે અને ઓકમના અવેજ તરીકે ઉપયોગ થાય છે. શ્રીલંકા કાથીના ઉત્પાદનનું મુખ્ય કેન્દ્ર છે. પ્યુએર્ટોરિકોમાં ઉદ્યાનકૃષિ(horticulture)માં પીટ(peat)ના અવેજ તરીકે તેનો ઉપયોગ થાય છે. ભારતમાં નાળિયેરી મુખ્યત્વે કેરળ, તામિલનાડુ અને કર્ણાટકમાં વાવવામાં આવે છે.
અનેનાસ (Ananas comosus; કુળ બ્રોમેલિયેસી) : અનેનાસ જાણીતા ઉષ્ણકટિબંધીય ફળનો સ્રોત હોવા ઉપરાંત તેનાં પર્ણો ખૂબ મજબૂત અને ઊંચી ગુણવત્તાવાળા રેસાઓ આપે છે. આ રેસાઓ ચળકતા-સફેદ, ખૂબ ટકાઉ, આનમ્ય અને જલરોધી હોય છે. રેસાઓ માટે ઉગાડવામાં આવે ત્યારે તેમનું એકબીજાની નજીક રોપણ કરવામાં આવે છે અને તેઓ લાંબાં પર્ણો આપે છે. કીમતી રેસાઓ મેળવવા પર્ણો સૌથી વધારે વૃદ્ધિ કરે તે પહેલાં, સામાન્ય રીતે બે વર્ષનાં પર્ણો કાપવામાં આવે છે અને તેમને ખોતરીને રેસાઓ મેળવવામાં આવે છે. તેમને સૂકવી, નકામો કચરો દૂર કરી, છેડા ઊભા હોય તે રીતે બાંધવામાં આવે છે; જેથી તેમને વણી શકાય. ફિલિપાઇન્સના ટાપુઓમાં ‘પિના ક્લૉથ’ તરીકે ઓળખાવાતું પાતળું અને કીમતી કાપડ આ રેસાઓમાંથી બનાવવામાં આવે છે. તાઇવાન અને ચીન અનેનાસના રેસાઓનો મજબૂત કાપડ બનાવવામાં ઉપયોગ કરે છે.
ભારતમાં અનેનાસ મુખ્યત્વે આસામ, તામિલનાડુ, આંધ્રપ્રદેશના દરિયાકિનારે, કેરળ, કર્ણાટક, પશ્ચિમ બંગાળ અને ઓરિસામાં ઉગાડવામાં આવે છે. આ રેસાઓનો ઉપયોગ મજબૂત દોરડાં અને માછલીની જાળ બનાવવામાં થાય છે.
બ્રશતંતુઓ : વનસ્પતિ-રેસાઓનો એક ઉપયોગ બ્રશ, સાવરણી અને ચમરી (whisk) બનાવવામાં થાય છે. આ રેસાઓ ખૂબ મજબૂત, દૃઢ, સ્થિતિસ્થાપક અને આનમ્ય હોવા જરૂરી છે. કેટલાક કિસ્સાઓમાં આખી ડાળીઓ, પાતળાં પ્રકાંડ કે મૂળનો ઉપયોગ કરવામાં આવે છે; તો અન્ય કિસ્સાઓમાં તેને માટે પર્ણદંડમાંથી રેસાઓ મેળવવામાં આવે છે.
ઉષ્ણકટિબંધીય અમેરિકા અને આફ્રિકામાં થતી તાડની કેટલીક જાતિઓ બ્રશતંતુઓનો સ્રોત છે. આ બ્રશતંતુઓ વ્યાપારિક રીતે ‘પિએસાવા’, ‘પિએસાબા’ કે ‘બાસ’ તરીકે જાણીતા છે. આ જાતિઓના પર્ણદંડો કે પર્ણતલો દૃઢ, જાડા, બદામી કે કાળા રેસાઓ ઉત્પન્ન કરે છે જેમનો ઉપયોગ શેરીઓમાં કચરો વાળવાનાં બ્રશ બનાવવામાં થાય છે.
વેસ્ટ આફ્રિકન પિયેસાવા : દારૂતાડ(Raphia vinifera; કુળ – એરિકેસી)માંથી વેસ્ટ આફ્રિકન પિયેસાવા મેળવવામાં આવે છે. લાઇબેરિયા અને દક્ષિણ આફ્રિકાના દરિયાકિનારાના દેશોના ખાડી-વિસ્તારો અને ભરતીવાળા કિનારાઓ ઉપર તે પુષ્કળ પ્રમાણમાં થાય છે. તેના પર્ણદંડોનું અપગલન કરી ઝાપટવામાં આવે છે. લાંબા રેસાઓ સાદડીઓ અને બ્રશ માટે વપરાય છે. આ તાડના રસમાંથી ‘બોર્ડન’ નામનો દારૂ બનાવવામાં આવે છે. ભારતના ઉદ્યાનોમાં Raphia vinifera, R. farinifera અને R. hookeri ઉગાડવામાં આવે છે.
બ્રાઝિલિયન પિયેસાવા : ઍમેઝોન અને ઑરિનોકોના પ્રદેશોની નિમ્નભૂમિમાં થતી તાડની બે જાતિઓમાંથી બ્રાઝિલિયન પિયેસાવા મેળવવામાં આવે છે. Attalea funifera બહિયા પિયેસાવાનો સ્રોત છે. તેના રેસાઓ દૃઢ, તાર જેવા, બદામી રંગના અને કેશ જેવા (bristle) હોય છે. પર્ણદંડના નીચેના ફૂલેલા ભાગોમાંથી કુહાડીની મદદથી આ રેસાઓ કાઢવામાં આવે છે. શેરી વાળવાનાં યંત્રોના બ્રશ તરીકે અને માર્જક(scrubber)ના બ્રશ તરીકે તેમનો મુખ્ય ઉપયોગ થાય છે, કારણ કે તેના રેસાઓ ખૂબ ટકાઉ અને ભીના થાય તોપણ તેમની સ્થિતિસ્થાપકતા (resiliency) જાળવી રાખે છે. Leopoldidnia piassabaના પર્ણદંડોની કિનારીઓ ઉપર પૅરા પિયેસાબા રેસાઓ ઉત્પન્ન થાય છે. તેમનો ઉપયોગ બ્રશ, સાવરણી, દોરડાં, હૅટ અને ટોપલીઓ બનાવવામાં થાય છે.
તાડના રેસા તાડ(Borassus flabellifer)માંથી પ્રાપ્ત થાય છે. ભારતમાં પશ્ચિમ બંગાળ અને દક્ષિણ ભારતના પૂર્વ અને પશ્ચિમ સમુદ્રકિનારે તેનું વિતરણ થયેલું છે. આ જાતિ બધા જ પ્રકારના તાડમાં સૌથી ઉપયોગી છે અને તેના દરેક ભાગની કોઈક તો ઉપયોગિતા હોય છે જ. તેના રેસાઓમાંથી દોરડાં, લપેટવાની દોરી, કાગળ અને યંત્રો માટેનાં બ્રશ બનાવવામાં આવે છે, તેના પુષ્પ-વિન્યાસમાંથી મળતા રસમાંથી ગોળ બનાવવામાં આવે છે. પર્ણદંડોનો ઉપયોગ લખવાના અને છાપવાના કાગળ બનાવવામાં થાય છે. શિવજટા(Caryota urens)ના રેસાઓ પર્ણ-આવરકો(leaf-sheath)માં ઉત્પન્ન થાય છે. તેઓ વધારે સારા, મૃદુ અને વધારે આનમ્ય હોય છે. ભારતમાં પૂર્વ અને પશ્ચિમ દરિયાકિનારે, પશ્ચિમ બંગાળ, આસામ અને ઓરિસામાં થાય છે. તેમાંથી સારી મજબૂતાઈ અને ટકાઉપણું ધરાવતાં દોરડાં અને પોચાં બ્રશ બનાવવામાં આવે છે. તેનો ઘોડાના વાળ અને ઓકમની અવેજીમાં ઉપયોગ થાય છે.
કૅબેજ પામ અથવા સાબલ પામ (Sabal palmelto) ઉત્તર અમેરિકાના દક્ષિણ-પૂર્વ દરિયાકિનારે થતું તાડ છે અને ‘પૅલ્મેટો રેસા’ ઉત્પન્ન કરે છે. કલિકામાં રહેલા તરુણ પર્ણદંડોમાંથી સૌથી સારા રેસાઓ મળે છે. પરિપક્વ પર્ણો અને જૂના પર્ણદંડોમાંથી જાડા રેસાઓ પ્રાપ્ત થાય છે. 90 વર્ષ સુધી ફ્લૉરિડામાં તેનો તાડના રેસાઓની અવેજીમાં ઉપયોગ થતો રહ્યો છે. પૅલ્મેટો રેસા બદામી રંગના અને 20 સેમી.થી 50 સેમી. લાંબા હોય છે. આ તાડની કલિકા ખાદ્ય હોય છે અને મૂળ ટેનિન ધરાવે છે.
બ્રૂમકૉર્ન : તે જુવારની એક જાત (Sorghum vulgare var. technicum; કુળ – પોએસી) છે અને તેનો લઘુપુષ્પગુચ્છ (panicle) લાંબી સીધી શાખાઓનો બનેલો હોય છે. આ પુષ્પવિન્યાસનો સાવરણી બનાવવામાં ઉપયોગ થાય છે. તેનાં ‘પ્રમાણિત’ (standard) અને ‘વામન’ (dwarf) સ્વરૂપો જોવા મળે છે. પ્રમાણિત સ્વરૂપનાં બ્રશ વધારે મજબૂત હોય છે અને તેનો જાજમની સાવરણી બનાવવામાં ઉપયોગ થાય છે. વામન સ્વરૂપમાંથી ચમરીઓ બનાવાય છે. ઉત્તર અમેરિકામાં તેનું મિસિસિપીના ખીણ પ્રદેશમાં મુખ્યત્વે વાવેતર થાય છે. તેની પુષ્પનિર્માણ પહેલાં લણણી કરવામાં આવે છે. તેના પુષ્પવિન્યાસો અલગ કરી, ઝાપટીને સૂકવવામાં આવે છે.
Spartina spartina(કુળ – પોએસી)ના તાર જેવા સાંઠાઓનો ઉપયોગ બ્રૂમકૉર્નની અવેજીમાં થાય છે. તે ફ્લૉરિડાથી મેક્સિકોના દક્ષિણ દરિયાકિનારે આવેલાં મેદાનોની મૂલનિવાસી જાતિ છે. ઘણી સાવરણીઓમાં લગભગ 50 % જેટલા spartina ઘાસના સાંઠા અને તેની ફરતે બ્રૂમકૉર્ન હોય છે.
સંગ્રથિત અને રૂક્ષ વણાટ-તંતુઓ : સંગ્રથિત અને રૂક્ષ વણાટ-તંતુઓમાંથી બનતી વસ્તુઓ માટે બહુ ઓછી વનસ્પતિઓ આર્થિક અગત્ય ધરાવે છે. કાચાં દ્રવ્યોમાં નરાઈ કે નરકુલ (reed), કાંસ કે બરુ (rush), ઘાસ, શરપત (willows), વાંસ, નેતર અને અન્ય વનસ્પતિઓનાં પ્રકાંડ, પર્ણો અને મૂળનો સમાવેશ થાય છે. તે માટે સમગ્ર પ્રકાંડ કે તેના ચીરાઓનો ઉપયોગ થાય છે અને તેમને વણવામાં આવે છે, અથવા એકબીજા સાથે આમળવામાં આવે છે અને હૅટ, સાદડીઓ, પડદા, ખુરશીની બેઠકો, ટોપલીઓ વગેરે બનાવવામાં આવે છે.
હૅટના રેસાઓ : ઘઉં, ડાંગર, જવ અને રાય જેવાં ધાન્યોના સાંઠાઓને ગૂંથીને હૅટ બનાવવામાં આવે છે. પર્ણો ઓછાં ઉત્પન્ન થાય તે માટે તેઓને નજીક વાવવામાં આવે છે. તેઓ પરિપક્વ બને તે પહેલાં તેમની લણણી કરવામાં આવે છે. ગૂંથતાં પહેલાં પ્રકાંડને ઊભા ચીરવામાં આવે છે. ઇટાલીની ‘લૅઘોર્ન’ અને ‘ટસ્કન’ હૅટ સૌથી જાણીતી સ્ટ્રૉહૅટ છે. પનામા હૅટ ટોક્વિલા(Carludovica palmata; કુળ – સાઇક્લેન્થેસી)નાં પર્ણોમાંથી બનાવવામાં આવે છે. આ વનસ્પતિ મેક્સિકોથી પેરૂ સુધી ભેજવાળાં જંગલોમાં વન્ય સ્થિતિમાં ઊગે છે અને પ્રકાંડવિહીન તાડ જેવી વનસ્પતિ છે. તે ઇક્વેડૉર અને કોલંબિયાના ભાગોમાં વાવવામાં આવે છે. પનામા હૅટનો ઉદ્યોગ ઇક્વેડોરમાં વિકસ્યો છે, જ્યાં પ્રતિવર્ષ લાખો હૅટ બનાવવામાં આવે છે. કલિકામાં રહેલાં તરુણ પર્ણો એકત્રિત કરી ગરમ પાણીમાં રાખવામાં આવે છે. જાડી શિરાઓ કાઢી લઈ પાટલીઓ (ત્રણ કે તેથી વધારે સેરને ગૂંથીને બનાવેલી રચના) અલગ કરી તેમને ઊભી ચીરી પાતળી પટ્ટીઓ બનાવવામાં આવે છે. આ પટ્ટીઓ સૂકવીને વિરંજિત (bleached) કરવામાં આવે છે અને વણીને હૅટ બનાવાય છે.
સાદડીઓ : પૂર્વના ઘણા દેશોમાં વિવિધ પ્રકારનાં પ્રતૃણ (sedges), કાસ અને અન્ય ઘાસમાંથી સાદડીઓ બનાવવામાં આવે છે. તે માટે સામાન્ય રીતે તેમના પર્ણદંડો કે પર્ણો જ ઉપયોગમાં લેવાય છે. ચીની સાદડી Cyperus tegetiformis (કુળ – સાયપરેસી) અને જાપાની સાદડી Juncus effusus(કુળ – જંકેસી)માંથી બનાવવામાં આવે છે. ઉત્તર અમેરિકા લાખો ડૉલરની કિંમતની આ સાદડીઓની નિકાસ કરે છે. ઉત્તર–પૂર્વ એશિયા અને ઓસેનિયામાં કેવડા(Pandanus odoratissimus; કુળ – પેંડેનેસી)માંથી અને ભારતમાં P. furcatus અને P. utilisમાંથી સાદડીઓ બનાવાય છે. આ વનસ્પતિઓનાં પર્ણોમાંથી કોથળાઓ, દોરડાં, હૅટ અને છાપરાં બનાવવામાં આવે છે.
ટોપલીઓ : રેસાઓ કે રેસાયુક્ત દ્રવ્યોમાંથી ટોપલીઓ બનાવવાનો ઉદ્યોગ જંગલી અને સભ્ય (civilized) પ્રજાનો એમ બંનેનો ઉદ્યોગ છે. તે માટે વનસ્પતિની ઘણી જાતિઓનાં મૂળ, પ્રકાંડ, પર્ણ અને કાષ્ઠીય ખપાટિયાં(splints)નો ઉપયોગ કરવામાં આવે છે. ટોપલીઓ કાંસ, ધાન્યોના સાંઠા, ઓઝેર (Osiers) કે શરપત અને સફેદ ઓકનાં ખપાટિયાંમાંથી બનાવાય છે. સ્વીટ ગ્રાસ બાસ્કેટ Hierochole odorata(કુળ – પોએસી)માંથી બનાવવામાં આવે છે. આ જાતિ પૂર્વીય ઉત્તર-અમેરિકાના ગ્રેટ લૅક્સ અને દરિયાકિનારે કળણભૂમિમાં થાય છે. ભારતમાં તે ઉત્તર હિમાલયમાં કાશ્મીરથી કુમાઉ સુધી થાય છે. રાફિયા પામ (Raffia Pedunculata) નામના તાડમાંથી પણ ટોપલીઓ બને છે. આ વૃક્ષ માડાગાસ્કરનું સ્થાનિક છે. આ તાડના પર્ણના અધ:અધિસ્તર(lower epidermis)ની પટ્ટીઓ રાફિયા રેસો બનાવે છે. આ રેસો મૃદુ અને લીસો હોવાથી સહેલાઈથી ગૂંથી શકાય છે. તેનો નર્સરી અને ઉદ્યાનોમાં બાંધવાના દ્રવ્ય તરીકે ઉપયોગ થાય છે.
ગૂંથણકામ (wickerwork) : ટોપલા-ટોપલીઓ, બાબા-ગાડી, ખુરશીની બેઠકો અને ખુરશીઓ, સોફા અને અન્ય હલકું રાચરચીલું (willow), નેતર અને વાંસમાંથી બનાવવામાં આવે છે. નેતર આરોહી તાડની કેટલીક જાતિઓ(કુળ – એરિકેસી)માંથી મેળવવામાં આવે છે. ઈસ્ટ ઇંડિઝ અને ઉષ્ણકટિબંધીય એશિયાનાં ઉષ્ણ-ભેજવાળાં (hot-humid) જંગલોમાં આ જાતિઓ મળી આવે છે. તેની ભારતમાં Calamus andamanicus, C. garuba, C. latifolius, C. rotang અને C. tenuis નામની જાતિઓ આંદામાન, ઓરિસા, પશ્ચિમ બંગાળ, આસામ અને ઉત્તર પ્રદેશના પહાડી પ્રદેશોમાં થાય છે. તેમનાં પ્રકાંડો ખૂબ લાંબાં, મજબૂત, આનમ્ય અને એકસરખા કદનાં હોય છે. આ પ્રકાંડ આખું અથવા તેના ચીરાઓ ઉપયોગમાં લેવાય છે. નેતરમાંથી ટોપલીઓ, રાચરચીલું, સોટીઓ વગેરે બને છે. નેતરના પુષ્કળ જથ્થાની યુરોપ અને અમેરિકામાં નિકાસ કરવામાં આવે છે.
વાંસ મોટાભાગના ઉષ્ણકટિબંધીય દેશોમાં થાય છે, પરંતુ પૂર્વ એશિયાનાં વર્ષા-જંગલોમાં ખૂબ સામાન્ય છે, તે પોએસી કુળનું સૌથી ઊંચું ઘાસ છે. તેમનાં પ્રકાંડ વધતેઓછે અંશે કાષ્ઠીય હોય છે અને 30 સેમી. વ્યાસ અને 30 મી. કે તેથી વધારે ઊંચાઈ ધરાવે છે. Arundinaria, Bambusa, Dendrocalamus, Gigantochloa, Phyllostachys વગેરે તેની ગાઢ સંબંધિત પ્રજાતિઓ છે. તેનું પ્રકાંડ બધા પ્રકારનાં બાંધકામોમાં, રાચરચીલું, મત્સ્યન (fishing) માટેના દંડાઓ, વિવિધ પ્રકારનાં ઓજારો અને અન્ય ઘણી વસ્તુઓ બનાવવામાં ઉપયોગી છે. વાંસના ચીરાઓમાંથી ટોપલીઓ, સાવરણીઓ વગેરે બનાવાય છે.
Guadua angustifolia નામની વાંસની જાતિ ખૂબ મજબૂત સાંઠો ધરાવે છે. ઇક્વેડૉરમાં તેનો રાચરચીલું બનાવવામાં અને બાંધકામમાં ઉપયોગ થાય છે.
પૂરણ અથવા ભરણ-રેસાઓ : વનસ્પતિ-રેસાઓ ગાદી, તકિયા, ગાદલાં અને રાચરચીલું ભરવામાં ઉપયોગમાં લેવાય છે. આ રેસાઓને પૂરણ કે ભરણ-રેસાઓ કહે છે. તેમનો વહાણના તરડના સાંધા પૂરવા, બાંધકામના હેતુઓ માટે ભરણ-દ્રવ્યની બનાવટમાં, પ્લાસ્ટરને દૃઢ કરવા, યંત્રોના બેરિંગના સંવેષ્ટનમાં અને પરિવહન દરમિયાન નાજુક ચીજોના રક્ષણ માટે ઉપયોગ થાય છે. ભરણના હેતુઓ માટે સામાન્ય રીતે પૃષ્ઠીય રેસાઓ મહત્વના છે, કારણ કે તે રેસાઓ ખૂબ ટૂંકા હોય છે અને કાંતી શકાતા નથી, તેથી વસ્ત્રતંતુ તરીકે નિરુપયોગી છે. અન્નવાહિની-તંતુઓ ખર્ચાળ છે અને કઠિન રેસાઓ ખૂબ દૃઢ અને જાડા હોય છે. ભરણ-દ્રવ્ય તરીકે શીમળો સૌથી અગત્યનો સ્રોત છે.
સફેદ શીમળા(કૅપોક)ના ફળમાં સુંદર રેશમી રૂ ઉત્પન્ન થાય છે અને બધાં ભરણ-દ્રવ્યોમાં સૌથી શ્રેષ્ઠ છે. આ વનસ્પતિ બૉમ્બેકેસી કુળની છે અને તેનું વૈજ્ઞાનિક નામ Ceiba pentandra છે. તે ઉષ્ણકટિબંધીય અમેરિકાની મૂલનિવાસી વનસ્પતિ છે. પરંતુ હાલમાં એશિયા અને આફ્રિકામાં પણ થાય છે. ભારતમાં પશ્ચિમ અને ઉત્તર ભારતનાં જંગલોમાં તે પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. તે 15 મી.થી 30 મી. ઊંચું અનિયમિત આકારનું વૃક્ષ છે. તેના થડનો નીચેનો ભાગ આડો વિકસેલો હોય છે અને વૃક્ષને ટેકો આપે છે. એક પરિપક્વ વૃક્ષ 600થી વધારે ફળ ઉત્પન્ન કરે છે અને લગભગ 2.7 કિગ્રા.થી 4.5 કિગ્રા. રેસાઓ આપે છે. તેનાં ફળો ઉતારી હાથ વડે રૂ અલગ કરાય છે. અપકેન્દ્રી બળ (centrifugal force) દ્વારા બીજ છૂટાં પાડવામાં આવે છે. આ રેસા 1.25 સેમી.થી 3.75 સેમી. લાંબા, સફેદ, પીળા કે બદામી, હલકા રુવાંટીવાળા (fluffy) અને સ્થિતિસ્થાપક હોય છે અને તકિયા, ગાદલાં માટે આદર્શ ભરણદ્રવ્ય પૂરું પાડે છે. રેસાનું વિશિષ્ટ ગુરુત્વ ખૂબ ઓછું હોય છે. તેઓ બૂચ કરતાં પાંચ ગણી વધારે પ્લાવકતા (buoyancy) ધરાવે છે અને પાણી માટે અપારગમ્ય (impermeable) હોય છે. તેથી તેમનો જીવનપરિરક્ષક (life preserver), સપાટ તળિયાવાળી હોડીઓ, ગાદીઓ, ગાદલાં વગેરે બનાવવામાં ઉપયોગ થાય છે. તેની નીચી ઉષ્મીય વાહકતા (thermal conductivity) અને ઊંચી ધ્વનિ-શોષણક્ષમતાને લીધે નાનાં રેફ્રિજરેટર-રોધી બનાવવા કે ઓરડાઓને ધ્વનિ-રોધક કરવામાં તે ઉપયોગી થાય છે. શીમળાનાં ફળો સ્ટુડિયો, હૉસ્પિટલ, વિમાન, ટૅંક વગેરેના ઉષ્મીય અને ધ્વનિક (acoustic) રોધન માટે પુષ્કળ પ્રમાણમાં વપરાય છે. રેસાઓ બિસ્તરા, હાથનાં મોજાં, અને પાટાપિંડીમાં ઉપયોગમાં લેવાય છે. અમેરિકા આ રેસાઓની મુખ્યત્વે ઇંડોનેશિયા, ફિલિપાઇન્સ, શ્રીલંકા અને મેક્સિકોમાંથી આયાત કરે છે. સફેદ શીમળાનાં બીજ 45 % તેલ ધરાવે છે. તેનો સાબુ બનાવવામાં અને ખાવામાં ઉપયોગ થાય છે.
સફેદ શીમળાની અવેજીમાં લાલ શીમળો કે શીમળા(Bombax ceiba)નો ઉપયોગ થાય છે. તે ખૂબ મોટું શોભનવૃક્ષ છે અને રતાશ પડતું રૂ આપે છે, જેને ભારતીય કૅપોક કહે છે. કુંબી (Cochlospermum religiosum; કુળ – કોક્લોસ્પર્મેસી) પણ કૅપોકના જેવા રેસા ઉત્પન્ન કરતું ભારતીય વૃક્ષ છે. તે કડાયા ગુંદરનો એક સ્રોત છે. મોટો આકડો (Calotropis gigantea; કુળ – ઍસ્ક્લેપિયેડેસી) અને નાનો આકડો (C. procera) દક્ષિણ એશિયા અને આફ્રિકાના મૂળનિવાસી છે અને તેમનાં બીજ ઉપર રેશમી રેસાઓ ઉત્પન્ન થતા હોય છે. પોશોટ (Ceiba asculifolia અને C. acuminata), પેલો બોરેકો (chorisia insignis; કુળ – બૉમ્બેકેસી), સેમોચુ (C. speciosa), Asclepias syriaca (કુળ – ઍસ્ક્લેપિયેડેસી), A. incarnata, A. curassivica અને ઘા-બાજરિયાની જાતિઓ (Typha latifolia, T. elephantina; કુળ – ટાઇફેસી) વગેરેના રેસાઓ ભરણમાં ઉપયોગી છે.
નૈસર્ગિક વસ્ત્ર : કેટલાંક વૃક્ષોની છાલ સખત અને અંતર્ગ્રથિત (interlacing) રેસાઓ ધરાવે છે. તેનું નિષ્કર્ષણ સ્તરો સ્વરૂપે કરવામાં આવે છે અને તેનો ઉપયોગ બરછટ કાપડની અવેજીમાં થાય છે ‘ટેપા ક્લોથ’ તરીકે જાણીતું નૈસર્ગિક વસ્ત્ર પેપર મલ્બેરી(Broussonetia papyrifera; કુળ – મોરેસી)ની છાલમાંથી બનાવાય છે. પૉલિનેશિયા અને પૂર્વ-એશિયાની જંગલી પ્રજા ગઈ સદી સુધી તેનો કાપડ તરીકે ઉપયોગ કરતી હતી. તેના મજબૂત અને ચળકતા રેસાઓ લખવાના કાગળ, કાગળનાં ફાનસ અને છત્રી બનાવવામાં ઉપયોગી છે. મોઝામ્બિક જંગલી અંજીર(Ficus nekbudu; કુળ – મોરેસી)ની છાલમાંથી મુત્શુ ક્લૉથ બનાવાય છે. નૈસર્ગિક વસ્ત્ર ઉત્પન્ન કરતી અન્ય જાતિઓમાં યુપેસ (Antiaris toxicaria; કુળ – મોરેસી), Lagetta Lintearia (કુળ – થાયમેલિએસી), Hibiscus elatus(કુળ – માલ્વેસી)નો સમાવેશ થાય છે.
કાગળબનાવટ માટેના તંતુઓ : આ રેસાઓ કાગળ બનાવવામાં ઉપયોગી છે. કોઈ પણ રેસાયુક્ત દ્રવ્યમાંથી કાગળ બનાવી શકાય છે. રેસાની દીવાલમાં રહેલા સેલ્યુલોઝનો જથ્થો, પ્રકૃતિ, મૃદુતા (softness) અને આનમ્યતા ઉપર કાગળની ગુણવત્તાનો આધાર છે. આ સેલ્યુલોઝ એકલો અથવા તેની સાથે લિગ્નિન કે પેક્ટિન સંયોજિત સ્વરૂપે હોય છે. કાગળ-બનાવટમાં મુખ્યત્વે કાષ્ઠતંતુઓ, કપાસ અને અળસી વપરાય છે.
કાષ્ઠતંતુઓ : સામાન્ય રીતે કઠિનકાષ્ઠ (hard wood) કરતાં શંકુદ્રુમ કાષ્ઠ(coniferous wood)નો કાગળ બનાવવા માટેના કાચા દ્રવ્ય તરીકેનો વધારે ઉપયોગ થાય છે; કારણ કે શંકુદ્રુમની જલવાહિનીકીઓ (લગભગ 2 મિમી.થી 4 મિમી.) (tracheids) કઠિનકાષ્ઠ (લગભગ 0.5 મિમી.થી 1.5 મિમી.) કરતાં વધારે લાંબી હોય છે. સ્પ્રૂસ કાગળના માવાનો સૌથી અગત્યનો સ્રોત છે અને કુલ પુરવઠાનો 30 % પુરવઠો પૂરો પાડે છે. તેના રેસાઓ લાંબા અને મજબૂત હોય છે અને સેલ્યુલોઝનો મહત્તમ જથ્થો ધરાવે છે. કાષ્ઠ રાળ, ગુંદર કે ટેનિનથી લગભગ મુક્ત; આછા રંગનું અને ખામી વિનાનું હોય છે. રેડ સ્પ્રૂસ (Picea rubens; કુળ પાઇનેસી), વ્હાઇટ સ્પ્રૂસ (P. glauca) અને સિટ્કા સ્પ્રૂસ(P. sitchensis)નો કાગળનો માવો બનાવવામાં ઉપયોગ થાય છે.
કાગળના માવા માટેના સ્રોત તરીકે સઘર્ન યલો પાઇન(Pinus australis; કુળ – પાઇનેસી)નો સ્પ્રૂસ પછી ક્રમ આવે છે. ઈસ્ટર્ન હેમલોક (Tsuga canadensis; કુળ – પાઇનેસી) વેસ્ટર્ન હેમલોક(T. heterophylla)નો આ બાબતે ત્રીજો ક્રમ આવે છે. બાલ્સમ ફર (Abies balsmina; કુળ પાઇનેસી) અને એસ્પેન (Populus grandidentata અને P. tremuloides; કુળ સેલિકેસી) કાગળના માવાનો સારો એવો જથ્થો પૂરો પાડે છે.
ઓછું મહત્વ ધરાવતી અન્ય વનસ્પતિઓમાં જૅક પાઇન (Pinus banksiana), ટેમેરેક (Larix laricina; કુળ – પાઇનેસી), વ્હાઇટ ફર (Abies concolor) અને કેટલીક કઠિન કાષ્ઠ ધરાવતી વનસ્પતિઓ જેવી કે બીચ (Fagus grandiflora; કુળ – ફેગેસી), સુગર મૅપલ (Acer succharum; કુળ – એસરેસી) અને બર્ચ(Betula lutea; કુળ –બીટ્યુલેસી)નો સમાવેશ થાય છે.
ઓગણીસમી સદીના મધ્ય સુધી કપાસ અને અળસીનાં ચીંથરાં (rags) જ માત્ર કાગળના સ્રોત તરીકે વપરાતાં હતાં. સારી ગુણવત્તાવાળા કાગળો બનાવવા હજુ પણ તેનો ઉપયોગ થાય છે. કપાસના રેસાઓની ચોંટવાની ક્ષમતા ખૂબ ઊંચી હોય છે અને સેલ્યુલોઝ 91 % જેટલો હોય છે. અળસીના રેસાઓ લિલન બનાવે છે અને 82 % પેક્ટોસેલ્યુલોઝ ધરાવે છે અને તેમાંથી બનતો કાગળ મજબૂત, ટકાઉ અને ગઠન-સામીપ્ય (closeness of texture) ધરાવે છે. નકામાં વસ્ત્રનો પણ કાગળ બનાવવામાં ઉપયોગ થાય છે. તેમના નાના ટુકડાઓને સાફ કરી કૉસ્ટિક સોડામાં ઉકાળવામાં આવે છે; જેથી રંગ, ધૂળ ચીકાશ અને કચરો દૂર થાય છે. તે પછી મળતો માવો કાગળ-બનાવટમાં ઉપયોગમાં લેવાય છે.
કાગળ બનાવવા માટે કાચું દ્રવ્ય પૂરું પાડતી અન્ય વનસ્પતિઓમાં ઍસ્પાર્ટો ગ્રાસ (Stipa tenacissima; કુળ – પોએસી), Lygeum spartum (કુળ પોએસી), Boussonetia Papyrifera (કુળ – મોરેસી), પેપાયરસ (Cyperus papyrus), રૂખડો (Adansonia digitata; કુળ – બૉમ્બેકેસી), Daphne cannabina (કુળ – થાયએલિયેસી), Tetrapanax papyriferum (કુળ – એરાલિયેસી), Edgeworthia tomentosa (કુળ – થાયમેલિયેસી), Wickerstroemia canescens(કુળ થાયમેલિયેસી)નો સમાવેશ થાય છે.
નટવરલાલ પુ. મહેતા
બળદેવભાઈ પટેલ