રેવારી : હરિયાણા રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : 28° 11´ ઉ. અ. અને 76° 37´ પૂ. રે.. તે આજુબાજુનો 1,559 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે રોહતક; ઈશાનમાં ગુરગાંવ; અગ્નિ, દક્ષિણ અને નૈર્ઋત્ય તરફ રાજસ્થાન; પશ્ચિમે મહેન્દ્રગઢ જિલ્લો તથા વાયવ્યમાં ભિવાની જિલ્લો આવેલા છે. રેવારી જિલ્લાની મધ્યમાં છે.
ભૂપૃષ્ઠ : આ જિલ્લો ખંડીય, ઉપઅયનવૃત્તીય, મોસમી પ્રકારની આબોહવા ધરાવે છે. અહીં ઉનાળા ગરમ અને શિયાળાની રાત્રિઓ ઠંડી રહે છે. ચોમાસામાં ઓછો વરસાદ પડે છે. જિલ્લાનો સામાન્ય ઢોળાવ ઉત્તર તરફનો છે. જિલ્લાનું ભૂસ્તર અર્વાચીન કાંપનું તેમજ પ્રોટેરોઝોઇક મધ્યકાળની દિલ્હી-રચનાના ખડકોનું બનેલું છે. ભૂપૃષ્ઠ ખડકાળ સમતળ ભૂમિવાળું છે. જમીનો રેતાળ-ગોરાડુ તથા હલકી કક્ષાની ગોરાડુ છે. જમીનો ભેજસંગ્રહક્ષમતાવાળી હોવાથી સૂકી ઋતુમાં ખેતીના પાકો માટે તેમજ દાણાદાર-છિદ્રાળુ હોવાથી વનસ્પતિના વિકાસ માટે અનુકૂળ છે. બાવળ, પીપળો, વડ, લીમડો, સીસમ, શિરીષ, નીલગિરિ, નાગફણી જેવાં વૃક્ષો અહીં જોવા મળે છે. સાહિબી અહીંની મુખ્ય નદી છે. તે રાજસ્થાનમાંથી નીકળે છે અને ઉત્તર તરફ વહે છે. આ નદી પર સાહિબી-યોજના આકાર લઈ રહી છે, તે પૂરી થતાં આજુબાજુની જમીનોને સિંચાઈનો લાભ મળી શકશે.
ખેતી–પશુપાલન : જિલ્લાનું અર્થતંત્ર મુખ્યત્વે ખેતી પર નિર્ભર છે. જિલ્લાના 54 % લોકો ખેતીના કામમાં રોકાયેલા છે. મોટાભાગની ખેતી નળકૂપ (ટ્યૂબવેલ) દ્વારા થાય છે. અહીંના મુખ્ય પાકોમાં ઘઉં, જવ, ચણા અને તેલીબિયાંનો સમાવેશ થાય છે. ગાયો, ભેંસો, બકરાં અહીંનું મુખ્ય પશુધન છે. અહીં પશુઓ માટે દવાખાનાં, ચિકિત્સાલયો અને કૃત્રિમ ગર્ભાધાનકેન્દ્રોની સુવિધા ઊભી કરી હોવાથી તેમની ઓલાદમાં સુધારો થયો છે. મરઘાં-બતકાંનો ઉછેર પણ અહીં થાય છે.
ઉદ્યોગો–વેપાર : જિલ્લો મોટા ઉદ્યોગોની બાબતમાં પ્રમાણમાં અવિકસિત છે. વાસણો, ગુંદર, કાચની બંગડીઓ, સ્લેટો બનાવવાના ગૃહઉદ્યોગો અહીં વિકસેલા છે. અહીંનાં પિત્તળનાં વાસણો અને પાઘડીઓ વખણાય છે. આ ઉપરાંત મોટરસાઇકલો અને તેના ભાગો, પતરાં, કૃત્રિમ રેસા, તાંબાના તાર અને સુવાહકો; હાથ-ઓજારો, બહુપડવાળી ફિલ્મો (multilayered films), વાપરીને તુરત નિકાલ કરી દેવાય એવી સોયો, થરમોસ્ટેટ પ્રેશર સ્વિચો, વૉટરકૂલર, ઉષ્મા-અવરોધકો, જવનો દારૂ બનાવવાના એકમો પણ અહીં વિકસ્યા છે. આ જિલ્લામાં હીરો હૉન્ડા મોટર્સ લિ., અનાત રાજ ક્લે પ્રૉડક્ટ્સ લિ. તથા અસાહી ઇન્ડિયા સેફ્ટી ગ્લાસ લિ. જેવા ઉદ્યોગો તાજેતરનાં વર્ષોમાં વિકસ્યા છે. ધરુહેરા અહીંનું મુખ્ય ઔદ્યોગિક મથક છે. રેવારી, બાવલ અને ધરુહેરા આ જિલ્લાનાં મુખ્ય વાણિજ્ય-કેન્દ્રો છે. જિલ્લામાં તારના ખીલા, દેશી પગરખાં, તાંબા-પિત્તળનાં વાસણો, પતરાં અને તાર, પિત્તળની કલાત્મક ચીજવસ્તુઓ, અલ્ટ્રાસાઉન્ડ સ્કૅનર, જિલેટિનની કૅપ્સ્યૂલો, અને મોટરસાઇકલોનું ઉત્પાદન લેવાય છે. આ પૈકીની મોટાભાગની ચીજવસ્તુઓની જિલ્લા બહાર નિકાસ પણ થાય છે. તાંબા, જસત અને ઍલ્યુમિનિયમ ધાતુની તેમજ ઘઉં, બાજરી, જુવાર તથા વીજાણુયંત્રસામગ્રીની આયાત કરવામાં આવે છે.
વાહનવ્યવહાર : જિલ્લામાં રેલમાર્ગો અને સડકમાર્ગોની સગવડ સારી છે. જિલ્લામથક રેવારીને અલ્વર, નારનૌલ, કરીના અને ચરખી દાદરી સાથે રેલમાર્ગોથી સાંકળી લેવામાં આવેલું છે. જયપુરથી ગુરગાંવ જતો રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 8 આ જિલ્લામાંથી પસાર થાય છે. આ ઉપરાંત નં. 15, 22, 24, 26, 28 જેવા રાજ્ય ધોરી માર્ગો અહીંનાં મોટાભાગનાં નગરો અને અન્ય સ્થળોને જોડે છે.
પ્રવાસન : (i) બાવલ : રેવારીથી 16 કિમી. અંતરે અલ્વર–રેવારી રેલમાર્ગ પર આવેલું પ્રાચીન નગર છે. (ii) ભારાવાસ : પ્રાચીન ઐતિહાસિક સ્થળ તરીકે જાણીતું છે. (iii) ગોકલગઢ : રેવારીથી ત્રણ કિમી. અંતરે આવેલું નગર છે. અહીં એક કિલ્લો છે. અહીં ગોકલ સિક્કા નામના રૂપિયા બનાવવાની ટંકશાળ હતી. 1857ની આઝાદીની ચળવળ વખતે આ સિક્કાનું ચલણ ફારૂખનગરમાં ચાલતું હતું. (iv) કુંડ : નાનું ગામ અને રેલમથક. મહેન્દ્રગઢ જિલ્લાની કુંડ–અતેલી ગિરિમાળામાંથી સ્લેટના પથ્થરો મળે છે. તેની પરદેશમાં નિકાસ થાય છે. (v) રામપુરા : રેવારીથી 2 કિમી. અંતરે આવેલું આ સ્થળ સ્વાતંત્ર્યસેનાની રાવ તુલારામનું મુખ્ય મથક હતું. ત્યાં તેમની પુણ્યતિથિએ શહીદી મેળો પણ ભરાય છે. વળી અહીં બીજો એક મોસમી-મનોરંજન મેળો જાન્યુઆરી–ફેબ્રુઆરીમાં ભાગવત ભક્તિ આશ્રમના સ્થાપક સ્વામી પરમાનંદની પુણ્યતિથિ નિમિત્તે પણ ભરાય છે. (vi) ગુરવાડા : રેવારીથી 20 કિમી. ઉત્તરે રેવારી–ઝાજર માર્ગ પરની પ્રાચીન ટેકરી પર વસેલું ગામ. અહીંના સ્તંભ પર બે શિલાલેખો કોતરેલા મળ્યા છે. સ્તંભ નીચેના ભાગમાં ચોરસ છે, ઉપરના ભાગ તરફ લંબચોરસ છે અને પાતળો થતો જાય છે. છેક ઉપરનો ભાગ તૂટી ગયેલો હોવાથી તેની લંબાઈનો પૂરો અંદાજ મળતો નથી. કહેવાય છે કે આ સ્તંભ મધ્યકાલીન યુગની શરૂઆતમાં બંધાયેલા મંદિરનો હશે. શિલાલેખોનું લખાણ બ્રાહ્મી લિપિમાં છે. પથ્થર પર કોતરેલો બીજો એક વિષ્ણુહરિનો શિલાલેખ પણ મળ્યો છે. તેમાં વિષ્ણુહરિનું મૃત્યુ શક સંવત 819માં થયું હોવાનો ઉલ્લેખ છે. આ ઉપરાંત મધ્યકાલીન યુગનાં બે શિલ્પો, ગણેશની મૂર્તિ, મહિષાસુરમર્દિનીની અને પાર્વતીની મૂર્તિઓ પણ મળ્યાં છે.
દિલ્હીથી 70 કિમી. દૂર દિલ્હી–જયપુર ધોરી માર્ગ પર ધરુહેરા ખાતે રાજ્ય સરકાર તરફથી ‘જંગલ બાબ્લર’ (જંગલ કિલકિલાટ) નામનું પ્રવાસીઓ માટેનું વિહારધામ વિકસાવાયું છે. અહીં 13 એકર ભૂમિમાં રમણીય શ્યો ધરાવતો ઉદ્યાન ઊભો કરવામાં આવેલો છે. તેમાં કંકરજડિત શિલ્પો અને સ્લેટ-પથ્થરની છતો છે. ઉદ્યાનને ફરતો સ્લેટ-પથ્થરનો કોટ છે. કોટમાં સુશોભિત જાળીઓ ગોઠવેલી છે. આ વિશાળ ઉદ્યાનમાં પ્રવાસીઓ માટે રહેવાનાં સ્થળ, ઉપાહારગૃહો, બાલવાટિકા, ભેટ-સોગાદની દુકાનો, મદ્યપાનગૃહ જેવી સુવિધાઓ છે. જિલ્લામાં જુદાં જુદાં સ્થળોએ વારતહેવારોએ મેળાઓ પણ ભરાતા રહે છે.
વસ્તી : 2001 મુજબ આ જિલ્લાની વસ્તી 7,64,727 જેટલી છે, તે પૈકી પુરુષો અને સ્ત્રીઓનું પ્રમાણ અનુક્રમે 52 % અને 48 % જેટલું તથા ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 85 % અને 15 % જેટલું છે. અહીં હિન્દુ, મુસ્લિમ, શીખ અને જૈનોની વસ્તી વિશેષ છે. જિલ્લામાં મુખ્યત્વે હિન્દી ભાષા બોલાય છે. સાક્ષરતાનું પ્રમાણ 52 % જેટલું છે. નગરો ઉપરાંત 93 % ગામડાંઓમાં શિક્ષણની સગવડો ઉપલબ્ધ છે. બાવલ અને રેવારીમાં કૉલેજો આવેલી છે. જિલ્લાનાં નગરો અને ગામડાંઓમાં એક યા બીજા પ્રકારની તબીબી સેવાઓ મળી રહે છે. વહીવટી સરળતા માટે જિલ્લાને 3 તાલુકાઓ અને 5 સમાજવિકાસ-ઘટકોમાં વહેંચેલો છે. જિલ્લામાં 3 નગરો અને 417 (15 વસ્તીવિહીન) ગામડાં છે.
રેવારી (નગર) : આ સ્થળ ઘણું પ્રાચીન હોવાનું કહેવાય છે, જોકે મૂળ નગર તો આજના રેવારીથી થોડાક અંતરે પૂર્વ તરફ આવેલું છે. તે બડલી અથવા બડ રેવારી તરીકે જાણીતું હતું. પરંપરા કહે છે કે છત્રપાલના પુત્ર અને પૃથ્વીરાજના ભત્રીજા રાજા કરણપાલે તે વસાવેલું. આજનું રેવારી નગર ઈ. સ. 1000ના અરસામાં રાજા રાવે (રાવતે) સ્થાપેલું. તેણે પોતાની પુત્રી રાવતીના નામ પરથી તેને રાવતી નામ આપેલું, જે સમય જતાં રેવારી નામથી જાણીતું થયું છે. 1867માં અહીં મ્યુનિસિપાલિટી સ્થપાયેલી.
અહીંથી 10 કિમી.ને અંતરે વહેતી સાહિબી નદીનાં પૂરથી આ નગર ઘણી વાર તારાજ થયેલું છે. આ નદીનું પાણી પ્રમાણમાં ખારું હોવા છતાં તે રેવારીને એક સમૃદ્ધ નગર, પરિવહન-કેન્દ્ર અને વાણિજ્યમથક બનાવવામાં બાધારૂપ નીવડ્યું નથી. એક કાળે તે જાતજાતની પાઘડીઓ માટે ખૂબ પ્રખ્યાત હતું. અહીંની પાઘડીઓ રાજસ્થાનનાં દેશી રજવાડાંઓમાં મોટી સંખ્યામાં ખપતી હતી. અહીં કેટલાક નાના ઉદ્યોગો આવેલા છે. હવે આ નગર તેના વાસણ-ઉદ્યોગ માટે જાણીતું છે. તે રેલમાર્ગે ઈશાન તરફ દિલ્હી સાથે જોડાયેલું છે.
અહીં ઘણાં મંદિરો અને સ્મારકો આવેલાં છે. નગરની પશ્ચિમે સ્વાતંત્ર્યસેનાની રાવ તુલારામનું સ્મારક આવેલું છે. ત્યાં દર વર્ષે સપ્ટેમ્બરમાં મેળો ભરાય છે. આ ઉપરાંત અહીંનાં લાલ મસ્જિદ, સરવગી મંદિર, રાવ તેજસિંહ તળાવ અને બાઘવાલા તળાવ જોવાલાયક સ્થળો ગણાય છે. આ શહેરમાં કુરુક્ષેત્ર યુનિવર્સિટી સાથે સંલગ્ન કૉલેજો આવેલી છે.
ઇતિહાસ : દિલ્હીના જાણીતા રાજા પૃથ્વીરાજ ચૌહાણનો ભત્રીજો છત્રપાલ આ પ્રદેશનો રાજા હતો. તેના પુત્ર રાજા કરણપાલે રેવારી વસાવ્યું હતું. પ્રાચીન સમયમાં આ પ્રદેશ ઉપર મૌર્ય, ગુપ્ત, પુષ્પભૂતિ અને મધ્યયુગમાં ગૂર્જર-પ્રતિહાર વંશના રાજાઓ રાજ્ય કરતા હતા. તેમનાં વિશાળ સામ્રાજ્યોમાં હરિયાણાના કેટલાક જિલ્લાનો સમાવેશ થતો હતો. ગુલામ (મામલૂક), ખલજી અને તુગલુક વંશના સુલતાનોએ ત્યાં રાજ્ય કર્યું હતું. આ પ્રદેશ બાબરે અને શેરશાહ સૂરે કબજે કર્યો હતો. હેમુ રેવારીનો હતો અને સૂર રાજ્યનું રક્ષણ કરવા આશરે બાવીસ લડાઈઓ કરીને તેણે વિજયો મેળવ્યા હતા. અકબરના સમયથી મુઘલોના પતન પર્યંત રેવારી જિલ્લો મુઘલ સત્તા હેઠળ રહ્યો. મરાઠાઓની સત્તા હેઠળ ટૂંક સમય રહ્યા બાદ ત્યાં બ્રિટિશ શાસન સ્થપાયું. 1857ના વિપ્લવમાં આશરે 500 લોકોએ રાવ તુલારામ અને ગોપાલ દેવના નેતૃત્વ હેઠળ બળવો કર્યો. તહેસીલદાર અને થાણદારને પદભ્રષ્ટ કરી, સરકારી કચેરીઓ અને તિજોરી કબજે કરી મુઘલ બાદશાહ બહાદુરશાહનું રાજ્ય જાહેર કરી, વહીવટ કરવા માંડ્યો; પરન્તુ થોડા મહિનામાં અંગ્રેજોએ તે પ્રદેશ કબજે કરી, અનેક લોકોને ફાંસીએ લટકાવ્યા તથા તેમનાં ગામો બાળી નાખ્યા. ઈ.સ. 1880માં સ્વામી દયાનંદ સરસ્વતીએ ત્યાં જઈને લોકોમાં રાષ્ટ્રીય જાગૃતિ ફેલાવી. ગાંધીજીના નેતૃત્વ હેઠળનાં સ્વાતંત્ર્ય આંદોલનોમાં તથા રેવારી કૉંગ્રેસ સમિતિ આયોજિત કાર્યક્રમોમાં લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
ગિરીશભાઈ પંડ્યા
જયકુમાર ર. શુક્લ